વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ 5


(‘શબ્દસૃષ્ટિ’ ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !

અધ્યાપનના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા હોઈ અભ્યાસકેન્દ્રી અભિગમ તો રહ્યો જ હોય. સરલતા સાથે, પરિભાષાઓની આંટીઘૂંટીથી પર રહી બને એટલા વિદ્યાર્થીઓના દિલોદિમાગને રસપ્રદ રીતે આપણી વાત પહોંચાડવી, એને તર્કની સાથે આધારો પૂરા પાડતા રહેવા, શક્ય હોય ત્યાં પૂર્વેના સૈદ્ધાંતિક સમર્થનો જોડતાં જવાં અને બધું સહજ લાગે એ રીતે ગોઠવતાં જવું – આ બધું જો વિવેચન કહેવાતું હોય તો કર્યું છે. માસ્તરો કે અધ્યાપકીય ગણો તો એમ, પણ કર્યું છે આ ને બસ આ જ !

ને હા, અધ્યાપકોના વિવેચનને બાદ કરો જોઈએ ? ગુજરાતીમાં બીજી ક્યા એવા મોરલા ટહુકી પડ્યા છે કે મેઘલા વરસી પડ્યા છે ? ને બીજાની શૈલી-પદ્ધતિનો અભ્યાસ કરશો તોયે આ અધ્યાપકીય, પંડિતપરંપરાનો પૂરેપૂરો પ્રભાવ વરતાયેલો દેખાશે.

મને હમેશાં કૃતિકેન્દ્રી આસ્વાદલક્ષી અભિગમ ગમ્યો છે. મેં એવી ગમતી રચનાઓ વિશે લખવાનું ટાળ્યું છે કેમકે વાચને વાચને આસ્વાદની ક્ષણો બદલાતી રહે છે. કશુંક નવું, જુદું સ્ફુરે એટલે જે કંઈ કરીએ એ તત્પૂરતું હોય. કૃતિ મારે મન સરિતાજળ જેવી રહે છે. નિત્યલીલા-નિત્યસલિલા ! (સુંદરમ્‍ યાદ આવે છે ને ?) સિદ્ધાંતો ન ગમે એમ નહીં, ન સમજાય એવું પણ નહીં પણ ‘તત્ત્વનું ટૂંપણું’ વાતને ચૂંથવા માટે ઉપયોગમાં લેવાય તો ન ગમે ! આ તો ગમતું ફૂલ ચૂંટવાનું છે, ચૂંથવાનું નથી ! એની પાંખડીઓ વીંખી નાખવાની નથી, મસળી નાખવાની નથી, બલકે એના ઉપર મૃદુ હથેળી પસવારી, એને હોય એનાથીયે વિશેષ સારા આકારમાં ગોઠવી, એની મૃદુ-મહિર-મારક સૌરભ માણી અન્યને પણ એના પ્રતિ અભિનાસિક-અભ્યંગ બનાવવા ઉદ્યુક્ત થવું ! આ કેવળ બૌદ્ધિક વ્યાયામ નથી બલકે અંગાંગથી સાષ્ટાંગથી કરવાની રમણા છે એવું મને લાગતું રહ્યું છે. સાહિત્ય, કળા કે તત્સંલગ્ન કોઈપણ પ્રવૃત્તિ માટેનો મારો અભિગમ તો આજ રહ્યો છે.

આનંદવર્ધને ‘મહાકવિઓ તો બે-ત્રણ જ હોય’ એવું કહ્યાનું સ્મરણમાં છે એમ વિવેચક પણ બે-ત્રણ જ હોય. બાકીના તો આકલનકારો, સંકલનકારો, સૂચિકારો, દોહકો, સંદર્ભકારો ને અભ્યાસીઓ ! ગુજરાતી વિવેચનમાં કોઈએ સ્વતંત્ર, નોખો સિદ્ધાંત આપ્યો હોવાનું જાણ્યું છે ? કોઈ પશ્ચિમે ઢળ્યું છે તો કોઈ પૂર્વે, તો કોઈને વળી બન્નેમાં પગ રાખ્યા છે ! હા, કોઈ નવી નવી સંજ્ઞા-પરિભાષા રચવા મથ્યું છે પણ એમાંયે ફાવ્યું છે ખરું ? ભલા ભાઈ, ગુજરાતી વિવેચને દળીદળીને કુલડીઓ ભરવા સિવાય કાંઈ કર્યું નથી.

આજના ગુજરાતી વિવેચન વિશેય મારે આનાથી વિશેષ કાંઈ કહેવાનું નથી. મહાનિબંધોના ઢગલા રચાયા છે. સંસ્કૃતમાં આ ‘મહા’ સંજ્ઞાની અર્થચ્છાયાઓ ગમતીલી છે ! ‘મહાબ્રાહ્મણ’ કે ‘મહારાજ’નું આજે શું થયું છે ? એવું આ ‘મહાનિબંધો’નું ! અધ્યાપનના વ્યવસાયમાં હમણાં ‘ISBN’ સંજ્ઞાની ઘેલછા ઊપડી છે ! એ મેળવવા પડાપડી થાય છે. કોઈક પદવી કરતાં પણ એના મૂલ વધ્યાં છે. એની બજારકિંમત પણ ઊભી થયાનું જાણ્યું છે. એમાં નામદાર (ના-મદાર) સરકારનો પણ હાથ છે. એનાં ધોરણોએ તો ઉમાશંકર કે રા.વિ.પાઠક જેવા પણ અભ્યાસી ન ગણાય ! ચોપાનિયાંને પણ આવી સંજ્ઞાના ચિટકણિયાં (સ્ટિકર્સ) લગાડી ગુણવત્તામાં ખપાવવાની ચેષ્ટાને રોગચાળાનું સ્વરૂપ લઈ લીધું છે !

આ બધાં વચ્ચે નરવા, સ્પષ્ટ અવાજોની તિતુડી સંભળાય છે ખરી પણ એમાં વિવેચનને નામે, નિર્ભીકતાને નામે ઉદ્દંડતા પ્રવેશી ગઈ છે. અવલોકનો લગભગ બંધ દશામાં છે, ક્યાંક મૈત્રીવિવેચનરૂપે મળે ખરાં પણ એ પ્રાયોજિત હોય ! પ્રમોશનનો વાયરો ફિલ્મોની જેમ સાહિત્યમાંય પ્રવેશ્યો છે. ‘સેલ્ફી’નો જમાનો છે. પોતાની છબિઓ પોતે જ પ્રસારાવા માંડી છે.’ આમાં વિવેચન પણ ક્યાંથી બાકાત રહે ? માધ્યમમંડિત સર્જકો-વિવેચકોનો રાફડો રચાતો જાય છે. સાધનપદ્ધતિ કોઈપણ આપો એને વણસાવનારાં તત્ત્વો પણ એટલાં જ સક્રિય છે.’ આવા ફુગાવા વચ્ચે સાચા નક્કર માલની મંદી છે.

અધ્યાત્મમાર્ગીઓએ મધ્યમ માર્ગનો ઠીક ઠીક મહિમા કર્યાનું આપણે જાણીએ છીએ. એનો આટલો બધો પ્ર-ભાવ પડશે એમ તો આજે જ પ્રમાણ્યું ! ઠેરઠેર આવા માધ્યમોનું મશરૂમીકરણ થવા માંડ્યું છે. આને હતાશા કે દોષદર્શન ન ગણશો. આ વાસ્તવ છે આજનું, ને આમ છતાં હજી ઢગલાઓમાંથી વસ શોધવામાં, એ મળે તો માણવામાં એટલો જ રસ પડે છે. એને વિશે વાત કરવામાંયે રસ પડે છે. નરસિંહરાવ કે રા.વિ.પાઠકની જેમ વિવિધ ક્યા સંદર્ભો સાથે રચનાને જોવામાં રસ પડે છે. સાહિત્ય-કળા એના સૌંદર્યલોક સાથે સ્વાયત્ત હોવાનું વર્ષોથી મનમાં સ્વીકારાઈ ચૂક્યું છે. એમાં નીતિ-તત્ત્વની ભેળસેળ થાય તો આજેયે કચવાટ થાય છે. આ નિરપેક્ષ ‘સેફ’ વિસ્તાર છે.

કવિતા વધારે ગમે છે, ગમી છે. મહાનિબંધ કવિતાપદાર્થ વિશે કર્યો. પ્રેમાનંદ, કાન્ત, ઠાકોર, ન્હાનાલાલ, શેક્સપિયર, કાલિદાસ ભરપૂર ગમે, પણ ગદ્ય એટલું જ કઠિન લાગે ! છતાં ચરિત્ર, નિબંધ, કથાસાહિત્ય વિશેય અભ્યાસ કર્યો છે. સિક્કો પડ્યો છે નાટક વિશે. નાટક ગમ્યું છેય એટલું પણ વસનજી ઠક્કર વ્યાખ્યાનમાળા, ૨૦૧૦માં વિષય પસંદ કર્યો કથનકળાનો ! પુસ્તકેય કર્યું. મને અભ્યાસી તરીકે આવાં સાહસો કરવાં ગમ્યાં છે.

વિવેચનની ભાષા, આજકાલ, રેઢિયાળ થઈ ચૂકી છે. મોટાભાગના વિવેચકો એક જ પ્રકારની ભાષા વાપરે છે. એમાં મૌલિકતાનો સ્પર્શ જોવા મળતો નથી. વિચાર મૌલિક હોય તો ભાષા મૌલિક હોય ને ? ભાષાને આધારે જે તે લેખ કોનો છે એ કહેવું અઘરું પડે છે. બધું એકસરખું લાવી રહ્યું છે. લેખ નીચે નામ ન હોય તો ખ્યાલ આવતો જ નથી. પૂર્વે ન્હાનાલાલ કે બ.ક.ઠાકોરની ભાષાને આપણે નોખી પાડી શકતા. આજના વિવેચનમાં આવો વિશેષ, આવું નોખું ગદ્ય આપણને જોવા મળતું નથી. કેટલાકે તો પરિભાષાઓથી વધારે ગૂંચવીયે માર્યું છે તો કોઈએ વળી વધુ પડતી વાગ્મિતાથી રંગદર્શીયે બનાવી દીધું છે. મિથ્યા લંબાણવાળાં, પુનરુક્તિઓવાળાં લખાણો પણા ઘણાંનાં છે. નવીનોમાં તો ભાષાસ્થિતિનો અભાવ તરત જ નજરે પડે છે. પૂર્વસૂરિઓનાં ગચિયાં ને ગચિયાં ઊછીનાં ઉઠાવાઈ રહ્યાં છે. વિવેચનની ભાષામાં આવો અતિચાર, અતિસાર ઘણો થયો છે. ભાષા જાણે કે ગુજરાતીય લાગતી નથી ! આ ‘આપણી’ ભાષા છે ? આવી ? ગુજરાતી ભાષાને આવા કૃશ-કારોથી બચાવવાની તાતી જરૂર છે. શું વિવેચન આવું અરસિક જ બનવું જોઈએ ? ક્લિષ્ટ કે દુર્બોધ જ બનવું જોઈએ ? અખો ભગત સ્મરણે મથે છે. એણે કહ્યું છે કે, ‘વાદ કરતાં બધું જાય છૂટી !’

અલબત્ત, વાદ-વિવાદનો પોતાનો મહિમા હોય છે. તર્ક-પ્રતિતર્કની લીલા પણ મૂલ્યવાન છે. પ્ર-માણો પણ પોતાને સ્થાને એટલાં જ અગત્યનાં છે. પૃથક્કરણાત્મક અને સંયોજક પ્રજ્ઞા પણ અભ્યાસક્ષેત્રે અત્યંત આવશ્યક છે. યાં વિના… જ્ઞાનક્ષેત્ર સંભવી ન શકે, પણ એ સ્થૈર્ય, એ સ્તંભન, એ સ્વાધ્યાય ઝાઝાં દેખાતાં નથી. નકરી ઉતાવળ-ભૂતાવળ નજરે ચઢે છે. વિવેચન માટે આવશ્યક વાક્‍-વિવેક તો શોધ્યોય જડે એમ નથી.

મને, અંગત રીતે, નવલરામના વિધાન ‘સારા ગ્રંથોને વખાણવા અને નઠારાને તોડી પાડવા’નો સૂર (Tone) ગમતો નથી. એનો ઉત્તરાર્ધ હિંસક છે. મને તો રા.વિ.પાઠકનો પ્રસ્તુત અભિગમ વિશેષ અનુકૂળ લાગ્યો છે : ‘મિત્રભાવે ટીકા કરવી જોઈએ. દ્વેષ કે પૂર્વગ્રહ જરા પણ આવતાં વૃત્તિ સ્વસ્થ રહી શકતી નથી, અભિપ્રાય સમજાતો નથી અને ટીકા ખોટી જ થાય છે’ અહીં પણ મુદ્દો તો વાક્‍વિવેક અને વ્યક્તિવિવેકનો છે. આ ‘વ્યક્તિવિવેક’ની વિકટ સદીઓ પૂર્વે આપણા એક સમીક્ષક આચાર્યશ્રી મહિમ ભટ્ટે કરી હતી એ વાત પણ કેટલાના સ્મરણમાં હશે ?

– સતીશ વ્યાસ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ