ચાર કૃષ્ણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ 15


(૧) શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

કાયા તો ઝીલે લઈ ભીતરમાં ભાર,
ના સ્‍હેવાતો કેમે એ ક્રૂર કારાવાસ.

આભલુ છલકીને હલકુંં થઇ જાય,
વાદળુ ય વરસીને હળવુંં થઇ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય.. શ્રાવણ આવે ને.

સાત સાત, નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને ?
અંતરનો યામી ભલા પરવશ શાને ?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને ?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય?.. શ્રાવણ આવે ને.

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ, વાહ,
જગ તો ના જાણે ઝાઝું, દેવકીને આજ,
રાજી હું જોઇ જોઇ યશોદાનું સુખ,
ને વાંક વિણ, વેર વિણ, પીધા મેં વખ,
તો યે જીગરના ઝૂરાપાનુ દખ!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય… શ્રાવણ આવે ને.

(૨) આ ગીતમાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર કૃષ્ણને આમંત્રણ છે. શિર્ષકઃ નથી હું મીરાં કે નથી હું રાધા.

શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.

મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મઝા ?

આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.

પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.

છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના..

(૩) શ્રાવણનો આ સરતો મહિનો

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો યમૂનાનો કાંઠો..

વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો,
નથી દેખાતી ગોકુળની ગાયો..

લાગણીઓ તો લળી લળીને રમતી કેવા રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે, આ રાતનો અહીં વાસો,
ગોતી ગોતી થાકી આંખો,
નથી દેખાતો મન્મંદિરનો માધો..

ખોટી મટકી, માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ હવે તો બહાર છબીની, તોડ પીડાની વાડો,
શોધી શોધી થાકી આંખો,
નથી દેખાતો જશોદાનો જાયો..

ખુબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવી આવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ગોતી ગોતી થાકી આંખો,
નથી દેખાતો વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દા’ડો,પણ ક્યાં છે સૌનો કાનો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો છેલછોગાળો..

(૪) ક્યાં?

વાંસળીના સૂર ક્યાં.
લાગણીના પૂર ક્યાં?

આવી જન્માષ્ટમી પણ,
પ્રીતમાં ચક્ચૂર ક્યાં?

ગાવડી, ગોકુળ ને
ગોપીના નૂપુર ક્યાં?

શ્યામ શોધે રાધિકા,
માખણ ભરપૂર ક્યા?

અવતરે તો કૃષ્ણ પણ
લોકને જરૂર ક્યાં?

ઉત્સવો આ યંત્ર સમ
માનવીના નૂર ક્યાં?

– દેવિકા ધ્રુવ

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. રક્ષાબંધન, જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ, કૃષ્ણમય થવાના ભીના ભીના અનરાધાર દિવસો.. પણ ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક બીજા ઘરને, એક મહત્વની હસ્તીને તો જાણે ભૂલી જ જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે એની કલ્પના દેવિકાબેન પ્રસ્તુત કરે છે, તો અન્ય એક રચનામાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર કૃષ્ણને આમંત્રણ પણ પાઠવે છે. કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “ચાર કૃષ્ણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ