માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ 16


માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે.

વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે.

અંગ્રેજીના પ્રખ્યાત માઈક્રોફિક્શન લેખક ડેવિડ ગેફની તેમની પોસ્ટમાં કહે છે, માઈક્રોફિક્શન વાર્તામાં તમને પાત્ર કે દ્રશ્ય ઉભું કરવાની જગ્યા મળવાની નથી, એકથી વધુ પાત્રોની, તેમના નામની કે તેમને વિકસાવવાની જરૂરત પણ અહીં ત્યારે જ પડે છે જો એ વાર્તાના મુખ્ય હેતુને બળ આપતા હોય, ઉપરાંત વાર્તાનો અંત તેના અંતિમ વાક્યમાં જ ન આવે, આખી વાર્તા ફક્ત અંત માટે જ ન લખાઈ હોય એનું પણ ધ્યાન રાખવુ જોઈએ કારણ કે અહીં તમે એવું ભયસ્થાન ઉભું કરો છો કે વાચક વાર્તા વાંચી રહે ત્યારે જ વાર્તા સાથે સેતુ સાધી અને તરત જ એ તોડી શકે છે, વાચક પ્રથમ શબ્દોથી જ વાર્તા સાથે સંકળાઈ જવો જોઈએ અને અંતિમ શબ્દ પછી એ વાર્તા સાથે નવેસરથી સંકળાવો જોઈએ.

જેને આપણે ક્લાઈમેક્સ કહીએ છીએ એ વાર્તાની પૂર્ણતાના બે વાક્યો પહેલા આવવો જોઈએ. આથી એ બાકી રહેલી લંબાઈ વાંચે ત્યારે વાર્તામાંના પાત્રએ લીધેલા નિર્ણય સાથે વાચક સંમત કે અસંમત થઈ શકે એવો સમય તેને મળે છે. અને વાર્તાનું અંતિમ વાક્ય એવું હોવું જોઈએ જે વાચકને એ વાર્તાપ્રવાહના શક્ય એવા અનેક વિકલ્પો તરફ વિચારતો કરી મૂકે અથવા એ વાક્ય પાત્રોએ લીધેલા નિર્ણય અથવા વાર્તાપ્રવાહ વિશે વાચકને ફરીથી વિચારતો કરી મૂકે અથવા વાર્તાને ફરીથી પહેલા શબ્દથી વાંચી એક નવો દ્રષ્ટિકોણ મેળવવામાં મદદ કરી શકે. એ અંતિમ વાક્ય આખીય માઈક્રોફિક્શનને વાચકના માનસમાં ગૂંજતી કરી શકે એવું હોવું જોઈએ.

માઈક્રોફિક્શન પોતે એક વાર્તા હોવા છતાં તેમાં એક નવલિકા બનવાની ક્ષમતા હોવી ઇચ્છનીય છે કારણ કે તો જ તમે લખેલી વાત તેના હાર્દને પામી શક્શે, આ માટે લંબાણથી લખવાની શરૂઆત કરી તેને ટૂંકાવતા જવું જોઈએ. આ વાર્તાપ્રકાર તમને પોતાને પોતાના સર્જન માટે એડીટર બનવાનો અવસર આપે છે.

શબ્દોની પસંદગી ફ્લેશફિક્શનનું સૌથી અગત્યનું પાસું છે. મહત્તમ જરૂરત ધરાવતા લઘુત્તમ શબ્દો એ મારા મતે ફ્લેશ ફિક્શનની અનૅટમિ છે. એક અતિશય નાના દોરા પર શબ્દોના મોતી મૂકીને માળા બનાવવાની છે. મોતી અગત્યના હોવા જોઈશે, ઓછા હોવા જોઈએ અને ખૂબ સરસ ગૂંથાયેલા હોવા જોઈએ.

માઈક્રોફિક્શનમાં જોવાયું છે કે તેનું મૂળભૂત હાર્દ વાચકને વાર્તાપ્રવાહ સાથે લઈ જતું હોય ત્યારે જે દિશામાં વાચક આગળ વિચારતો હોય તેનાથી વિપરીત દિશામાં જતું હોવું જોઈએ, સામાન્ય રીતે કલ્પી શકાય એ પ્રકારની ન હોવી જોઈએ. આમ કરવાથી એ વાચકને વાર્તામાં વધુ રસ લેતો કરી શક્શે.

અને આખરે… વાર્તાસર્જન માટે અનેક સલાહસૂચન હોઈ શકે, પણ દરેક સર્જન પોતાનામાં એક અનોખી ભાત લઈને અવતરે છે, એટલે મૂળભૂત સર્જનાત્મકતાને તોલે કોઈ બંધનો આવતા નથી. જાણો છો વિશ્વની સૌથી નાની માઈક્રોફિક્શન વાર્તા ફક્ત ૧૭ શબ્દોની છે? અને છતાંય એ અનેક સ્પંદનો જગાવી શકે છે?… એ વાર્તા છે ફ્રેડરીક બ્રાઉનની ‘નૉક’ જે ડિસેમ્બર ૧૯૪૮માં પ્રસિદ્ધ થઈ હતી… એ છે…

‘The last man on Earth sat alone in a room. There was a knock on the door.’

હવે થોમસ બ્રેડલી એડ્રીચની આ વાત જુઓ જેના આધારે ઉપરોક્ત વાત લખાઈ..

Imagine all human beings swept off the face of the earth, excepting one man. Imagine this man in some vast city, New York or London. Imagine him on the third or fourth day of his solitude sitting in a house and hearing a ring at the door-bell!

આમ સર્જનમાં ખૂબ સહેલું લાગતું હોવા છતાં ખૂબ વિચાર માંગી લે તેવું અને મુશ્કેલ વાર્તાસ્વરૂપ એટલે માઈક્રોફિક્શન… જે વર્ણન નવલકથામાં લખવા એક લેખક અનેક પાનાંઓ ભરી શકે તે અહીં અડધા વાક્યમાં સમાવવાનો ઉદ્દેશ હોય છે. લાંબુ લખવું એ એક વહેણની સાથે વહેતા રહેવા સમાન સર્જનપ્રકાર છે, જ્યારે માઈક્રોફિક્શન ધોધમાર વહેણની સામે પાળો બનાવી તેને સંગ્રહ કરવાની પ્રવૃત્તિ જેવો સર્જનપ્રકાર કહી શકાય. એક સિવિલ એન્જીનીયરને આમ પણ કયું બીજુ ઉદાહરણ યાદ આવે?

જે મુશ્કેલી છે એ જ માઈક્રોફિક્શનની ખાસીયત છે. અક્ષરનાદ પર અનેક મિત્રો આ સર્જનસ્વરૂપમાં હાથ અજમાવી ચૂક્યા છે અને અજમાવી રહ્યા છે. ગુજરાતી સામયિકોમાં કે અન્ય કોઈ પુસ્તકોમાં પણ (મને ખ્યાલ છે ત્યાં સુધી) માઈક્રોફિક્શન પ્રસિદ્ધ થઈ નથી. અને અક્ષરનાદ પર સતત આવતી નવી માઈક્રોફિક્શન, એ લખવા સતત ઉમેરાઈ રહેલા ઉત્સાહી નવા લેખકમિત્રો તથા માઈક્રોફિક્શનને મળતા સુંદર પ્રતિભાવો એ વાતની સાબિતી આપે છે કે આ સ્વરૂપ વાચકોને ખૂબ પસંદ આવ્યું છે. આમ માઈક્રોફિક્શનનું ભવિષ્ય ગુજરાતી ભાષા માટે પણ ઉજ્જવળ છે, ભલે એની શરૂઆત / પ્રસાર એક નાનકડી વેબસાઈટ દ્વારા થઈ હોય. અક્ષરનાદ માઈક્રોફિક્શનને લગતું એક અનોખું આયોજન લઈને થોડાક દિવસોમાં ઉપસ્થિત થશે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ