બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ 7


૧. વરસાદી ભીનાશ (અછાંદસ)

બસ હવે થોડા દિવસની પ્રતીક્ષા
એક સાંજે નૈઋત્યનો ભીનો ભીનો પવન
ફૂંકાવા લાગશે
આકાશમાં ઉતરી આવશે
મેઘલા વાદળોની આખી સેના..
માટીની ભીની મહેકને હું મારા
રોમે રોમથી અનુભવતો હોઈશ
ત્યાંજ
મોટા-મોટા ફોરા
વરસવા લાગશે

ઊંચા-ઊંચા પહાડો,
મોટા-મોટા હરિયાળા મેદાનો
અને ઊંડી-ઊંડી ખીણો પાર કરીને
ચોમાસું મારા ઘર સુધી આવી પહોચશે
પછી બધું જ પલળવા લાગશે;
રસ્તા, વૃક્ષો, મકાનો,
થોડા માણસો ને
સદાય કોરું રહેવા ટેવાયેલું શહેર!

વરસાદી ભીનાશ ધીમે ધીમે
મારી અંદર પ્રસરવા લાગશે
ને એમાં ઊગી નીકળશે
સ્મૃતિઓનું સુવાળું ઘાસ
આ ભીનાશને આંખોમાં ભરી
હું ભટકતો હોઈશ
શહેરની સાંકડી સડકો પર
કોરા લોકો વચ્ચે
કે પછી
નિર્જન નદી કિનારે
કોઈ દોસ્ત સાથે..

દિવસ પસાર થતા રહેશે ને પછી
ચોમાસું
એક દિવસ અચાનક
મને એકલો મૂકી ચાલ્યું જશે,
આવ્યુ’તું એમ જ
પછી હું શું કરીશ?
પ્રતીક્ષા!
વધુ એક ચોમાસાની.

– દિનેશ જગાણી ‘અલિપ્ત’

૨.

ક્યારેક સુષુપ્ત તો ક્યારેક જાગૃત,
સૌના ખભે એક એક ચિત્રગુપ્ત બેઠો છે.

સરિતાઓ તો કરે નિજ અસ્તિત્વ લુપ્ત,
નિર્ગુણ ઉદધિને મન તો એ તુચ્છ ભેટો છે.

એને અડકીને હોઠ ભલે થાય સંતૃપ્ત,
હોઠના સ્પર્શથી પ્યાલો હવે સદાને એંઠો છે.

મૃત્યુ તો એના સમયે જ કરશે મુક્ત,
જિંદગીને નામે ઉતરતી ત્યાં સુધી વેઠો છે.

અપ્રાપ્ય છે આ કળીયુગમાં અમૃત,
પણ ઝેરનો સ્વાદ અમૃતથી ક્યાય મીઠો છે.

પાર્થનું ગાંડીવ રહેશે સદા ઉન્મુક્ત,
કે એકલવ્યનો વિચ્છેદિત હવે અંગૂઠો છે.

રાખવા કોનાથી દિલના જખ્મોને ગુપ્ત,
પરછાયાઓ એ પણ ફેરવી લીધી પીઠો છે.

– હેમલ વૈષ્ણવ

આજે બે પદ્યરચનાઓ પ્રસ્તુત છે, બે કવિમિત્રો દિનેશ જગાણી ‘અલિપ્ત’ અને હેમલ વૈષ્ણવ તેઅની રચનાઓ સાથે ઉપસ્થિત થયા છે. દિનેશભાઈનુ અછાંદસ અને હેમલભાઈની પદ્યરચના – એ બંને પોતપોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. બંને મિત્રોનો પોતાની રચના અક્ષરનાદને પાઠવવા બદલ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ