ટ્રેકીંગ જેવી જિંદગી… – ડૉ. નીના વૈદ્ય 6


બે વર્ષ પહેલા હું અને મારી દીકરી પલક હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં ટ્રેકીંગ માટે ગયા હતા. અમારું ૧૬ જણાંનું ગ્રુપ હતું અને ૧૧ દિવસનો કાર્યક્રમ હતો. અમને રોજ સાંજે બીજા દિવસના કાર્યક્રમ વિશે માહિતિ આપવા મીટિંગ થતી અને દરેક મીટિંગને અંતે અમને અમારી સાથે રહેનારા ગાઇડ પૈકી ગ્રુપને lead કોણ કરશે અને follow કોણ કરશે તે જણાવાતું. દરરોજનાં કાર્યક્રમનાં અમુક ચોકકસ નિયમો હતાં અને તે જે તે દિવસના કાર્યક્રમ પ્રમાણે થોડા બદલાતા પણ ખરા પણ બે ગાઇડ પૈકી એક સૌની આગળ ચાલે અને બીજો સૌની પાછળ એ નિયમ આખી ટૂર દરમીયાન યથાવત રહયો.અમારા ટૂર મેનેજર આ બાબતની ખૂબ ચોકસાઇ રાખતા. આખી ટૂર ખૂબ સફળતાપૂર્વક પૂરી થઇ અને પેલી એક ગાઇડ હંમેશા આગળ અને એક ગાઇડ હંમેશા પાછળવાળી વાત મારા દિલમાં ઉતરી ગઈ.

મને અચાનક આ આખી વાત જાણે આપણી જિંદગીની હકીકત હોય તેવુ લાગ્યુ. આપણે જો જિંદગીને ટ્રેકીંગ સાથે સરખાવીએ તો બંને મુસાફરીનાં રસ્તા આપણને ગમતી-અણગમતી વિવિધતાઓથી ભરેલાં હોય છે. કયારેક સરળ અને સીધા તો કયારેક ઉબળખાબળ, કયારેક રમણીય તો કયારેક બિહામણાં, કયારેક સુંદર તો કયારેક ભેંકાર, કયારેક ચઢાણ તો કયારેક ઉતરાણ,કયારેક મુસાફરીમાં ઉત્સાહ તો કયારેક કંટાળો…

અને છતાં દરેક સ્થળની વિશેષતા માણવી અને મંઝિલ સુધી પહોંચવું અનિવાર્ય છે. માર્ગમાં આવેલી અડચણોને જેટલી સહજતાથી, ખુશી ખુશી અને આનંદપૂર્વક પાર કરીશું, મંઝિલ પર પહોચ્યાંનો સંતોષ એટલોજ અનન્ય મળશે. આ વાંચવું જેટલું સરળ છે કરવું એટલું જ અઘરું છે પણ થોડું વિચારીયે તો આપણી પાસે અહર્નિશ બે ગાઇડ એવાં છે જે ટાઢ હોય કે તડકો, વરસાદ હોય કે દુકાળ, ઠંડી હોય કે ગરમી સતત આપણી સાથે આપણને માર્ગદર્શન આપવા હાજર જ હોય છે. અગર આપણે માત્ર ભીતરનો ઘોંઘાટ બંધ કરી એમનો અવાજ સાંભળીશું તો આખીય સફર આનંદદાયક અને સંતોષપૂર્ણ બની રહેશે.

હંમેશા આપણી આગળ ચાલતો ગાઇડ એટલે આપણો અંતરઆત્મા, આપણી અંદર વસતો ઈશ્વર જે પ્રતિક્ષણ આપણને સાચો માર્ગ સૂચવતો રહે છે આપણે માત્ર ધ્યાનપૂર્વક સાંભળવાની જ જરુર છે. જે ગાઇડ આપણી પાછળ રહે છે તેનું કામ આપણે ચાલતા ચાલતા ધીમાં પડીએ તો પ્રોત્સાહન આપી આગળ ધપાવવાનું છે. કયારેક જરુર પૂરતો ધકકો મારી આપવાનું અથવા કપરાં ચઢાણોમાં ટેકો આપવાનું કામ આ પાછળ ચાલતો ગાઇડ કરે છે.સાંકળા, ખળબચળાં, કાંટાળાં રસ્તા હાથ પકડી પાર કરાવવાં, પડી જાવ તો બેઠા કરવા અથવા ઉચકી લેવાનું કામ પણ આ પાછળ ચાલતો ગાઇડ કરે છે.આપણે થાકી ગયા હોઇએ અને થોડોવાર આરામ કરવો હોય તો તેમાં સાથ આપે છે અને ફરી પાછાં ચાલવા માટે રસ્તો બતાવે છે. ભૂલમાં ખોટાં રસ્તે ચઢી ગયા હોઇએ તો આપણો ઇશ્વર, આગળ ચાલતો માર્ગદર્શક જે રસ્તે ગયો છે તે તે માર્ગે આપણને પાછા વાળે છે. હવે આ પાછળ ચાલતો ગાઇડ છે કોણ!!! એ છે આપણાં મા-બાપ!! બસ આટલી વાત જો સૌને સમજાય જાય તો જિંદગીનુ ટેકિંગ નીત-નવું, આનંદદાયક અને સરળ બની રહે !! માર્ગમાં આવતી મુશ્કેલીઓનું સમાધાન સહજ બની રહે!! જિંદગી પ્રતિક્ષણ ઉત્સાહપૂર્ણ બની રહે !!

– ડૉ. નીના વૈદ્ય

શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પ્રેક્ટિસ કરતા પીડિઍટ્રિશન ડૉ. નીના પિયુષ વૈદ્ય આજે અક્ષરનાદના વાચકો સાથે તેમનો અનુભવ અને વિચારો વહેંચી રહ્યા છે. હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં ટ્રેકીંગ માટે ગયેલા એ અનુભવનું ચિંતન આજે અહીં તેમણે પ્રસ્તુત કર્યું છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર તથા અક્ષરનાદ પર પ્રથમ કૃતિ બદલ હાર્દિક સ્વાગત સાથે તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ટ્રેકીંગ જેવી જિંદગી… – ડૉ. નીના વૈદ્ય

 • parbhubhai s. mistry

  અભિનંદન અને આવકાર
  તમારો ચિતન લેખ ગમ્યો. માણસ ટ્રેકિંગ કરતા કરતા પણ ફિલસૂફી વાગોળવા મંડી જાય એનો અર્થ જ એ છે કે તમે જીવનની પ્રત્યેક ઘટનાને ઘણી ગંભીરતાથી લો છો. મને લાગે છે કે આ એક વિચારમૂડી છે અને તમે એ મૂડીનો વિસ્તાર કરતા રહીને અવારનવાર આ રીતે વ્યક્ત થતા રહો તો સમાજને જરૂર કંઈક નવું પ્રદાન કરી શકશો.
  પરભુભાઈ મિસ્ત્રી
  નવસારી 9037431312

 • ashvin desai

  દોક્તર નિના વૈદ્ય ખુબ જ ખુબિપુર્વક માનવ – સફર અને જિવન – સફરનુ
  સન્તુલન કરિ બતાવે ચ્હે , તેથિ આ પિસ દિલમા એક અનોખિ ચ્હાપ ઉપસાવે
  ચ્હે , એમનિ પાસે સરસ સમ્વેદનો સાથે ખુબ જ ચિન્તન્મય શૈલિ અને સરલ
  ભાશા – પ્રવાહ ચ્હે , તેથિ મને એમનામા એક તેજસ્વિ લેખ્િકાના દર્શન
  થાય ચ્હે , અને એમનિ પાસે આપને વ્સુન્દર સાહિત્યિક રચનાઓનિ અપેક્ષા
  રહે ચ્હે , ધન્યવાદ સાથે , અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા