ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૧) થી આગળ…
ભારતીય લેખનની પ્રાચીન કલામાં આપણે આગળ જોયું કે પર્ણો અને પત્રોનો ઉપયોગ લિપીઓ લખવા માટે થતો હતો. આ પત્રોનો ઉપયોગ સતયુગથી કલિયુગના આરંભ સુધી થયો તેવી માન્યતા રહેલી છે. પરંતુ જેમ ભારતમાં જેમ શબ્દો અંકિત કરવા માટે પર્ણોનો ઉપયોગ થતો હતો તેમ વિશ્વના અન્ય સ્થળોએ પથ્થરનો, કોડીનો, શંખનો, વગેરેનો ઉપયોગ થતો હતો. ઇતિહાસ કહે છે કે માનવજાતિ અક્ષરો અંકિત કરવા પૂર્વે પથ્થર કોડી વગેરે દ્વારા પોતાના મનોભાવોને, વિચારોને અને સંસ્કૃતિને રજૂ કરતા ચિત્રો અંકિત કરતાં હતાં. આજ કારણસર અમેરિકાના નેટિવ ઇન્ડિયનો અને માયા સંસ્કૃતિને રજૂ કરતા અનેક ચિત્રો ગુફાઓમાં સચવાયેલા છે. આપણે ત્યાં અજંતા-ઇલોરાની ગુફાઓ એક આવી જ સંસ્કૃતિને રજૂ કરે છે, પણ જ્યારથી અક્ષરોયુક્ત લિપીઓ અસ્તિત્વમાં આવી ત્યારથી તેઓ આ લિપીઓ તરફ વળી ગયાં અને તે સાથે પથ્થર, કોડી અને શંખનો ચિત્ર યુગ પૂરો થયો અને તેઓ આજ વસ્તુઓ પર અક્ષરો, સંજ્ઞાઓ અને લિપીઓ અંકિત કરવા લાગ્યાં. ઇતિહાસ કહે છે કે પર્ણ, પથ્થરયુગ પછી જેમ જેમ માનવજાતિ વિકાસ કરતી ગઈ તેમ તેમ તેઓ હાથીદાંત, પ્રાણીઓના ચામડા, કાષ્ઠ, તામ્ર, હેમ, ચાંદી, કાપડ, કાગળ વગેરે ઉપર લિપિયુક્ત ભાવોને રજૂ કરવા લાગ્યાં.
પાષાણલેખ:-
પ્રાચીન જીવન સંસ્કૃતિને ચિરકાલીન બનાવવા માટે પ્રાચીન સમયના લોકો પાષાણલેખનું નિર્માણ કરતાં હતાં. ગુફાઓમાં રહેનારા આદિમાનવો ગુફાઓની દિવાલો ઉપર ચિત્ર દોરતા હતાં અને તે રીતે પોતાની સંસ્કૃતિનો ઇતિહાસ બદલાતા યુગને આપી જતાં હતાં. આ આદિમાનવો પછી આવેલ સુસભ્ય માનવ સમાજ લિપીઓ અને સંજ્ઞાઓ રૂપે પોતાની સંસ્કૃતિનું ચિત્રણ કરતાં હતાં. આજે પણ વિશ્વમાં ઇન્કા સંસ્કૃતિ, માયા સંસ્કૃતિ, સિંધ સંસ્કૃતિ વગેરે એવી સંસ્કૃતિઓ છે જેઓ પાષાણ સંસ્કૃતિને રજૂ કરે છે. પાષાણનો ઇતિહાસ કહે છે કે ઇ.સ ૧૯૬ વર્ષ પૂર્વે પ્રાચીન ઈજિપ્તવાસીઓએ રોસેટ્ટા નામના સ્ટોનમાં અનેક લિપીસંજ્ઞાઓનો ઉપયોગ કર્યો હતો, અને આ જ લિપિસંજ્ઞાઓને કારણે ઈજિપ્તની ભાષા શૈલીને વિવિધ અક્ષરો મળેલા. વિશ્વમાં રહેલ પાષાણ સંસ્કૃતિઓમાં આપણું ભારત પણ એક છે. જે આ પ્રકારની સંસ્કૃતિને ગોદમાં લઈને બેઠું છે. ભારતમાં સ્થાયી થયેલ આ સંસ્કૃતિમાં સૌથી મોટો ફાળો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યનો રહેલ છે. આજે પણ આપણે ત્યાં શિલાસ્તંભો, શિલાખંડો, પ્રતિમાઑ, પ્રતિમા ચૌકી, મંજૂષાઑ, પાત્રોના ઢાંકણ, મંદિરો, સ્તંભમાળાઓ, દીપમાલાઑ, કૂવાઓના પથ્થરો પર, વાવોના પગથિયાં, પાળિયાઑ પર ઉપર અંકિત કરેલી લિપીઓ મળી આવે આજે છે, પરંતુ તેમાંથી અમુકની જાળવણી થઈ છે અને અમુકની જાળવણી થઈ નથી તેથી તેના ભગ્ન થયેલા અવશેષો પોતાના સમૃધ્ધ અતીતની કથા કહેતા જાય છે.
કાષ્ઠફલક:-
એક સમયે કાષ્ઠફલકનો ઉપયોગ મોટાભાગે દક્ષિણભારતની લિપિશાળાઓમાં થતો હતો પણ કાષ્ઠ ફલક માટેની રીત ભગવાન બુધ્ધના સમયમાં બહાર આવેલી. કુમાર સિધ્ધાર્થ ગૌતમ પોતાની પ્રેયસી રાજકુમારીને યશોધરાને પોતાના પ્રેમની સંદેશો કાષ્ઠમાંથી બનાવેલ શલાકા દ્વારા મોકલતા હતાં. આ શલાકાઓ પર લખવા માટે કુદરતી કંદોમાંથી કાઢેલ રસનો ઉપયોગ લહી (ઇન્ક) તરીકે થતો હતો. આજ કારણસર બૌધ્ધ ભિક્ષુઓ નિષ્ક્રમણ દરમ્યાન વાંસની કાષ્ઠ શલાકાનો ઉપયોગ કરતાં હતાં. ઇતિહાસમાં કહ્યું છે કે કાષ્ઠ ઉપર ખાસ કરીને પાંડુલિપિને વધુ અંકિત કરાતી હતી. આપણે ત્યાં પૂર્વીય ભારતના ઇતિહાસમાં કાષ્ઠ ઉપર બ્રાહ્મીભાષામાં કોતરાયેલ અનેક દંતકથાઓ અને શિલાલેખો મળી આવ્યાં છે. ઉત્તર પશ્ચિમી પ્રાંતોના ગ્રંથોમાં કહ્યું છે કે ધર્મ અંગેની અનેક વાતો કાષ્ઠ પટ્ટીઓ પર લખવામાં આવી હતી. આ લિપિરૂપ શલાકાઑ હાલમાં આસામના મ્યુઝિયમમાં સંગ્રહિત કરાયેલ છે.
ચર્મ-ચામડું:-
વ્યાસ નદી (બિયાસ)ના કિનારેથી આઠમી સદી બીસી પૂર્વેના મળેલા અમુક અભિલેખોમાં સૌ પ્રથમ ચર્મલેખનો ઉલ્લેખ કરાયો હતો. તક્ષિલામાં (આજે પાકિસ્તાનમાં) રહેલા બૌધ્ધ ગ્રંથોમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ ઇન્ડસ સંસ્કૃતિમાં ચર્મલેખ અંગેના કોઈ પુરાવાઑ મળેલા ન હોઇ ભારતીય ઈતિહાસકારો ચર્મ લેખો માટે નકાર કરે છે. ઈતિહાસકારો કહે છે કે રાજા શાતવાહનના સમયના કેટલાક અભિલેખોમાં મળી આવ્યા છે જેમાં “પટિકા” શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે ઇતિહાસકારો માને છે કે આ પટિકા શબ્દ તે “ચર્મલેખ” માટે કરાયેલો છે જ્યારે અમુક ઈતિહાસકારો માને છે કે આ શબ્દ “કપડાના લેખ” માટે ઉપયોગ થયો છે.
પાકી ગયેલી માટી:-
પાકી ગયેલી માટીને આપણે ત્યાં સામાન્ય રીતે “ઈંટ” તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં ઉત્તરપ્રદેશમાં ઉત્ખનન કરતાં આ પ્રકારની અનેક ઈંટો અને માટીના ઘડાઓ, કુંજાઓ વગેરે મળી આવ્યા જેના ઉપર બૌધ્ધ ધારણીના સૂત્રો અને સંજ્ઞાઑ અંકિત કરાયેલ હતાં. આ પ્રકારની અનેક ઈંટો, માટીના ઘડાઓ વગેરે મથુરાના મ્યુઝિયમમાં જોવા મળે છે. જ્યારે બિહારના કેટલાક પ્રાંતોમાં મૌર્ય, ગુપ્ત, ચૌલુકય અને બૌધ્ધ સંસ્કૃતિને દર્શાવતી અનેક ઈંટો અને મુદ્રાઓ અંકિત કરાયેલી મળી આવી છે. પ્રસિધ્ધ ઈતિહાસકાર ડો માઈકલ વૂડે જ્યારે “ઈન્ડિયા” ઉપરની પોતાની સીરિઝ બનાવી ત્યારે તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે અફઘાનિસ્તાનમાંથી ઉત્ખનન દરમ્યાન મળેલી ઈંટોમાં એક સમયના ઉત્કૃષ્ઠ ભારતીય સમાજની ઉજ્જવળ છાયાનું દર્શન થતું હતું. પણ વિશ્વનું એ કમનસીબ છે કે એ મહાન ભારતીય સંસ્કૃતિના વારસાને અફઘાની પ્રજાએ પૂર્ણ રીતે ખંડિત કરી નાખેલ છે.
હાથીદાંત અને શંખ, કોડી:-
ભારતીય સંસ્કૃતિ પર વધુ રિસર્ચ કરતાં ડો.વૂડે જણાવ્યું કે કમ્બોડિયા, બાલી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઈલેંન્ડમાંથી ભારતીય સંસ્કૃતિને દર્શાવતા અનેક હાથીદાંત મળી આવ્યા છે જેમના પર સંસ્કૃત ભાષામાં શબ્દો અંકિત કરાયેલા છે. આપણે ત્યાં આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાંથી હાથી દાંત ઉપર લખાયેલ લેખોની પ્રાપ્તિ થઈ છે, જ્યારે ગુજરાત, રામેશ્વરમ અને કેરાલામાંથી શંખ-કોડી ઉપર ઉત્કીર્ણ કરાયેલા લેખોની પ્રાપ્તિ થઈ છે.
કચ્છપ લિપિ:-
વિશ્વમાં સમુદ્રી કાચબાના ખોલ ઉપર પણ લખાયેલ લિપીઓ પણ મળી આવી છે. મરીન આર્કીયોલોજિસ્ટોનું કહેવું છે કે એક સમયે જે સંસ્કૃતિ દરિયાની નજીક રહેતી હશે તે સંસ્કૃતિઓને માટે દરિયાઈ કાચબો સરળતાથી ઉપલબ્ધ થતો હતો. આથી આ સંસ્કૃતિઓએ પોતાની સંસ્કૃતિની છાયા યુગો સુધી અમર રહે તે હેતુથી કાચબાને પસંદ કર્યો છે. આર્કીયોલોજિસ્ટોની આ વાતને સમજીએ તો ખ્યાલ આવે છે કે કાચબાની ઢાલ પણ મજબૂતીનું એક પ્રતિક ગણાય છે. આજ કારણસર આપણે ત્યાં રાજા-મહારાજાઓ ભાલા-તલવાર સાથે ઢાલ રાખતા જેથી કરીને કોઈપણ હથિયારનો ઘા ઘાતક ન બને. હોઈ શકે કે કાચબાની મજબૂત ઢાલ ઉપર અંકાયેલી આ લિપિઓને આજ કારણસર અંકિત કરવામાં આવી હોય. એક માન્યતા અનુસાર આપણે ત્યાં ગુજરાતના દ્વારકામાં ઉત્ખનન કરતાં સમુદ્રી કાચબાના ખોલ ઉપર પણ લખાયેલ લિપીઓ મળી આવી છે, પરંતુ ઈતિહાસકાર શ્રી નરોત્તમભાઈ પલાણ આ વાતને સમર્થન નથી આપતા. પરંતુ નાઇલ નદીના કિનારાઓમાં આવી લિપીઓ ચોક્કસ મળી આવી છે.
ધાતુ:-
ધાતુઓની લેખન સામગ્રીના રૂપમાં તાંબાનો ઉપયોગ સર્વાધિક થયો છે. ચીની યાત્રી ફાહ્યાને લખ્યું છે કે ભારતના બૌધ્ધ સંઘોમાં બુધ્ધના સમયના તામ્રપત્રનો સૌથી વધુ ઉપયોગ થતો હતો. હ્યુ એન સાંગે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે મહારાજ કનિષ્કે ભગવાન બુધ્ધના સૂત્રોને તામ્રપત્રમાં અંકિત કરીને ભગવાન બુધ્ધના સૂત્રોને અમર કરી દીધા. ઇતિહાસકાર રાજેશ પુરોહિતના કહે છે કે મૌર્ય કાળમાં રાજઆજ્ઞાઓ તામ્રપત્ર પર કોતરવામાં આવતી હતી. સાઉથ ઈન્ડિયામાંથી મળેલા અમુક તામ્રપત્ર પર નાગરી અને ગુરુમુખીમાં લખાયેલી સાહિત્યિક કૃતિઑ મળી આવેલી છે. ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાં પણ તામ્રપત્ર (તાંબાના પતરાઑ) ઉપર સંદેશાઓનો ઉલ્લેખ કરાયો છે. તે જ રીતે મધ્યકાલીન યુગના વિજયનગરના ઈતિહાસમાં તામ્રપટ્ટાઓનો ઉપયોગ થયેલો જોવા મળે છે, અને આજ સમય દરમ્યાન બાદશાહ અકબરે મિત્ર એવા રજપૂતાનાઑ ઉપર સોનાપત્ર ઉપર સંદેશાઓ મોકલ્યા હતાં તેવો ઉલ્લેખ પણ ઈતિહાસમાં કરવામાં આવ્યો છે. આજે ભારતની બહાર પણ એક સમયના અખંડભારતની ભૂમિ ગણાતા તક્ષશિલાના ઇતિહાસમાં સોનાપત્ર અને ચાંદીપત્ર ઉપર લિપીઓ મળી હોવાના પુરાવાઓ મળ્યાં છે. જેના ઉપર ખરોષ્ઠી લિપિ અંકિત થયેલી છે. જ્યારે હડપ્પામાંથી (પાકિસ્તાન) ઉત્ખનન દરમ્યાન સોનાપત્ર ઉપર લખાયેલ ભગવાન બુધ્ધના જીવનકાળનો ઉલ્લેખ મળી આવ્યો છે. આ સોનાપત્ર હાલમાં લાહોર મ્યુઝિયમમાં સચવાયેલ છે, એજ રીતે ઇસ્લામાબાદ પાસે આવેલ સઇદપૂરમાંથી જૈન સંસ્કૃતિને ઉજાગર કરતાં કેટલાક તામ્રપત્ત મળી આવ્યા છે જેના ઉપર (તાંબાના બનેલા પાંદડાઑ જેવા આકારના) જૈન ઇતિહાસ કોતરાયેલ છે. આ પ્રમાણે પેશાવરમાંથી પણ કાંસા અને લોઢાની બનાવેલી લિપીઓ, સંજ્ઞાઓ, અક્ષરો અંકિત કરાયેલ પત્રો, મૂર્તિઓ, મુદ્રાઓ, અલંકારો વગેરે મળી આવ્યા છે.
રેશમી અને સુતરાઉ કાપડ:-
આપણાં દેશનો ઘણો ખરો ઇતિહાસ એ કાપડ ઉપર ઉતરેલો છે. કાપડનો ઇતિહાસ કહે છે કે મધ્યપૂર્વમાં રહેલા લોકોએ પ્રથમવાર કાપડની શોધ કરી ત્યારે પથ્થરયુગ ચાલતો હતો. આ સમયમાં કાપડનો કાપડરૂપે નહીં બલ્કે રેસાઑ રૂપે ઉપયોગ થતો હતો. ઈતિહાસકારોનું માનવું છે કે એક લાખ વર્ષથી માનવો કાપડનો ઉપયોગ કરે છે, જ્યારે ઈતિહાસકારોનો બીજો મત કહે છે કે પાંચ લાખ વર્ષથી માનવો કપડાનો ઉપયોગ કરે છે. વોશિંગ્ટન ડી.સીમાં આવેલ ટેક્સટાઇલ્સ મ્યુઝિયમમાં ભારતીય કાપડાનો એક નમૂનો મૂકવામાં આવ્યો છે જેનો ઇતિહાસ બાર લાખ વર્ષ જૂનો કહ્યો છે. લિપિનો એક ઇતિહાસ કહે છે કે મધ્યપૂર્વના દેશોના ઇતિહાસમાંથી ઊનની ગૂંથણી ઉપર લિપીઓ અંકિત કરાયેલ હોવાના પુરાવાઓ મળ્યાં છે. જ્યારે ૫ મી સદી પૂર્વે સિંધુ સંસ્કૃતિમાંથી પણ રૂ ના કપડાના પુરાવાઓ મળ્યાં છે. ૧૨ મી સદીના પ્રારંભમાં ચાઇનીઝ સ્ત્રીઓ રેશમી પડદાઓ ઉપર પેઇન્ટિંગ કરી પોતાના મનોભાવોને વ્યક્ત કરતી હતી તેવું પણ ઈતિહાસનું કથન છે. જ્યારે તુર્કીના ઈતિહાસમાં કહ્યું છે કે યુરોપ અને તુર્કીની આસપાસ રહેલા દેશો ભારતથી કેવળ મરી-મસાલા જ નહીં પણ ભારતીય કાપડની પણ આયાત કરતાં હતાં. આજે પણ તુર્કીના મ્યુઝિયમમાં ઇતિહાસની ઘણી ગાથાઓ ભારતીય કાપડ પર અંકિત થયેલી જોવા મળે છે. આપણે ત્યાં ૧૬ મી સદીમાં વૈષ્ણવાચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી દ્વારા રેશમી અને સુતરાઉ કાપડ ઉપર પિછવાઈની શોધ થયેલી હતી. આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીએ આ પિછવાઈ દ્વારા કૃષ્ણલીલાને લગતા વિવિધ સંકેતો ચિત્રિત કર્યા હતાં જે પુષ્ટિસાહિત્યના સિધ્ધાંતોને વ્યક્ત કરતાં હતાં.
કાગળ:-
કાગળની શોધ અંગે ત્રણ મત રહેલા છે. પ્રથમ મત એ કહે છે કે પ્રાચીન ઇજિપ્તવાસીઓએ ઇ.સ ૪૦૦૦ વર્ષ પૂર્વે કાગળ જેવા પદાર્થની શોધ કરી હતી. આ પદાર્થને પેપીરસ તરીકે ઓળખવામાં આવ્યો જે ગૂંથેલી સાદડી જેવો હતો. ઈતિહાસકારો કહે છે કે ઈજિપ્તવાસીઓ મધ્યપૂર્વેના દેશો પાસેથી અથવા અરેબિયાનાં દેશો પાસેથી ગૂંથવાની પ્રક્રિયા શીખ્યા હશે. વિદ્વાનોનું એક જૂથ માને છે કે આજ સાદડીને કાપડ સમાન અને તેથીયે વધુ પાતળી વણી લઇ તેને પપ્યિકા નામ અપાયું. “હીરાટીક” નામના બ્રિટિશ ગ્રંથમાં કહ્યું છે કે “એડવિન સ્મિથ” નામના સર્જને ઇ.સ ૧૬ મી સદી પૂર્વે પેપીરસનો ઉપયોગ કરી તેમાં માનવ શરીર, શરીરના વિવિધ ભાગો અને તબીબી સારવાર વિષે વર્ણન કરેલું હતું. કાગળનો બીજો ઇતિહાસ કહે છે કે પ્રાચીન ગ્રીક લોકો પ્રાણીઓની ચરબીમાંથી કાગળ જેવી ચટ્ટાઇઑ બનાવતાં, જ્યારે અમુક લોકોનું માનવું છે કે ગ્રીક લોકો પેપ્યરોઝમાંથી કાગળ બનાવી તેમાં પ્રાણીઓની સ્કીન લપેટતા હતાં. જ્યારે ત્રીજો મત કહે છે કે કાગળની શોધ ઇ.સ ૧૦૫ માં ચીનમાં થયેલી હતી. કાગળને અંગ્રેજીમાં કાગળને પેપર કહેવાય છે. આ પેપર શબ્દ ફ્રેંચ શબ્દ પેપીઅર પરથી પડેલ છે. યુરોપમાંથી પેપરને વિવિધ નામ તો મળેલા પરંતુ તેમ છતાંયે વિશ્વમાં કાગળની સૌ પ્રથમ મીલ શરૂ કરવાનો શ્રેય અરેબિક લોકોને જાય છે. (અરેબિક ઇતિહાસ સિવાય ખાસ જગ્યાએ પેપર ઉત્પાદન મિલનો ઉલ્લેખ થયો નથી, પણ આજની વાત અલગ છે.) રહી આપણી વાત તો….. આપણે ત્યાં તો છેક ૧૨ મી સદીમાં કાગળની શરૂઆત થઈ હતી. આ સમય દરમ્યાન બૌધ્ધ અને જૈન ધર્મનું અમુક લખાણ કાગળમાં લખવામાં આવ્યું હતું પરંતુ મોટા પ્રમાણમાં કાગળ ઉપલબ્ધ ન હોઇ કાગળનો ઉપયોગ લગભગ નહીંવત જેવો હતો. એ ૧૮ મી સદી બાદ જ્યારે અંગ્રેજો આપણાં દેશમાં આવ્યાં ત્યાર પછી કાગળનો ઉપયોગ વધુ થવા લાગ્યો.
The so-called “Gospel of Jesus’ Wife”, a Coptic papyrus fragment whose authenticity is in dispute. Harvard Theological Review has recently dedicated an entire issue to the issue of the fragment’s authenticity.
પૂર્તિ:-
આ લિપીઓનો ઇતિહાસ કહે છે કે ૫ મી સદી સુધી દેવલિપિ સંસ્કૃતભાષાનું પ્રભુત્વ શિલાલેખો ઉપર રહ્યું હતું ત્યારપછી પ્રાકૃત ભાષામાં લખવાની પરંપરા આવી. આ પ્રાકૃતભાષામાં ખાસ કરીને બૌધ્ધ સૂત્રોને અંકિત કરવામાં આવ્યાં હતાં, જ્યારે વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં સંજ્ઞાનું વધુ મહત્વ રહ્યું હતું. થોડા સમય પહેલા Paleography અંગે સાઉથ ઈન્ડિયામાં સેમિનાર યોજાયો ત્યારે ઉત્તર ભારત પ્રાકૃતભાષા અને દક્ષિણ ભારત સંસ્કૃતભાષા સાથે અગ્ર રહ્યું હતું. આપણાં દેશમાં ખરોષ્ઠી, બ્રાહ્મી, ગ્રીક, અર્માઈક વગેરે લિપીઓમાં સૌથી વધુ અશોકના શિલાલેખો મળી આવેલા છે. જ્યારે દક્ષિણ ભારતમાં ચાલુક્ય, ચોલા, પાંડયા, પલ્લવ અને ચેરા વંશ સાથે સંકળાયેલ શિલાલેખો મળી આવ્યા છે, જે વિવિધ ગુફાઓમાં પોતાની અસ્તિત્વ સંતાડીને બેઠા હતાં. કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફા, બેંગલોર પાસે હમ્પીના અવશેષો, ઓરિસ્સાના ટેમ્પલો, મહાબલિપૂરમના કોતરાયેલ લિપીઓ અને સંજ્ઞાઓ રૂપી શિલાલેખો એક અદ્ભુત ગાથા કહી જાય છે….
અને અંતે…
પર્ણો અને પાષાણથી લઈ આજના કમ્પ્યુટર સુધીની લિપીઓ અને સંજ્ઞા આપણે જોઈ રહ્યા છીએ. વિશ્વની પ્રત્યેક ભાષાને, વિશ્વના પ્રત્યેક ભાવને લિપિનું અને સંજ્ઞાનું સ્વરૂપ આપવા માટે લેખણી-પેન-કલમ અને શાહીનો ઉપયોગ થયો છે. ઈતિહાસકારોના મત મુજબ પાષાણયુગથી જ લેખણી-પેનનો ઉદ્ભવ થયો હોવો જોઈએ. જ્યારે ફિલાડેલ્ફિયા આર્ટ સોસાયટીનું માનવું છે કે લખાણ કરવાના પ્રથમ ઓજારોનો ઉદ્ભવ ૨૬,૦૦૦ વર્ષ પૂર્વે થયો છે. જ્યારે ગુફાવાસીઓ પોતાના જીવન અને સંસ્કૃતિ અંગે સંજ્ઞાઓ ચિત્રિત કરતાં હતાં ત્યારે તેઓએ કુદરતી શાહીની શોધ કરી અને આજ શાહી વડે તેઓ પ્રાણીઓના હાડકાઓ, પથ્થરોનો તીણો ભાગ વગેરેથી સંજ્ઞાઓ ચિત્રિત કરતાં હતાં. ગુફાવાસીઓથી વધુ સુસંસ્કૃત થયેલ માનવે પીછાથી બનેલ પીંછી, કાષ્ઠથી બનેલ વર્ણક, વૃક્ષોની ડાળીઓની વર્ણવાર્તિકા, સાગ-સીસમની શલાકા, વાંસની વંસીકા, મયૂરપંખની કલમ અને આજના બોલપેન, શાહીપેન, પેન્સિલ, માર્કરપેન, કૃત્રિમ શાહી વગેરેનું અસ્તિત્વ શોધ્યું છે.
– પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ.) ISBN-10: 1500299901
પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે… વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ…..નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. ગુજરાતી અને ઇતિહાસ મારા પ્રિય વિષયો હોવા છતાં ભણતર મેં વિજ્ઞાનશાખામાં પૂર્ણ કરેલું. મારા મનપસંદ વિષયો સંશોધન, ઐતિહાસિક સંશોધન, આકાશ અને નેચર દર્શન છે. સંશોધનને લગતા અને નેચરને લગતા તમામ તથ્યો મને ખૂબ આકર્ષિત કરે છે. નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.”
આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.
Nice Info.
બહુ જ સુંદર અને માહિતીસભર લેખ. ક્યારેય વિચાર્યું ન હતું કે આપણી સંસ્કૃતિને સાચવવામાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થયો હશે. મે સંભાળ્યું છે કે બીજા વિષય ઉપરના તમારા સંશોધનવાળા લેખોયે છે. તે વાંચવા મલે તો મજા આવી જાય. થોડા દિવસ પહેલા પૂર્વી બેન નો ફૂલછાબ માં છપાયેલ કોફી નો લેખ હતો તે ય બહુ સરસ હતો. એક મિત્ર દ્વારા તે હાથમાં લાગેલો પણ હવે યાદ નથી તે લેખેય આંહિ મુકાય તો સારું.
adbhut !
સુંદર માહિતી સાથેનો વધુ સુંદર લેખ.
ઈ-મેલ પ્રતિભાવમાં મળેલા કેટલાક પ્રતિભાવો
***
Nice article– I learned a lot from it
હરનીશભાઈ જાની
***
purviben tame l lekhn shailimi juni ane navirito adbhut rite raju kari mane bahu gamyu tamaro hu aabhaar maanu chhu
– Atta
***
Your research is amazing! The Danube Valley script research paper that I could trace was published in February this year. It shows therefore how up to the date your research has been. My compliments to you. What I am intrigued by is your methodology. If you can throw some light on that, I can benefit personally.
The second thing that surprised me was that you have been writing for the last 25 years! What a spectacular track record you have! I am impressed – and so are the readers of your articles.
There are two points I would like to make here, which could substantiate the fact that the Mahabharat culture is older than the Danube Valley by at least 5000 years. (By the way, your publisher has written Gujarati version of Danube as ડૅન્યુબે instead of ડૅન્યૂબ; Check out Wikipedia) The under-water buildings off the present day Dwarka were carbon tested and are placed at more than 10,000 BCE old. The remains found off Khambat are placed at 32000 years ago. Check out the Youtube presentation on https://www.youtube.com/watch?v=M1sE-29iXNA
Once again, I wish to thank you for giving me the links to your present research and in-depth information you have provided.
With kind regards,
Narendra.
માહિતીથી ભરપુર લેખ.
સરસ !
અભિનંદન, પુર્વી !
ચંદ્રવદન મિસ્ત્રી ( અંકલ)
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL @ Chandrapukar !
ખૂબ સરસ જાણકારી આપી છે. …..આભાર
બહુ સરસ માહિતીપ્રદ લેખ. અભિનંદન.
As usual, Purviben’s articles are very well written with good research work. Readers can enrich their knowledge by reading such informative articles. Good chronological history of earlier writings on various mediums.
Keep up the good work, Purviben.
navnit