વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય 10


વર્ષપર્યંત જીવેલી પ્રત્યેક પશ્ચાતાપી ક્ષણ પછી એને માટે આવેલ એ દિવસ હતો… માફી નામું ફરી માગવાનો દિવસ.

‘મેં આપને બેહદ સંતાપ આપ્યા છે દર્પણ, ડેડી, મમ્મી મને માફ કરો.. હું પાપી છું…’ એટલું કહેતા તો એ હિબકે જ ચડી. રૂબરૂમાં માફી માંગવાની તો એનામાં હવે હિંમત જ ક્યાં રહી હતી?

સ્વસ્થ થવા એણે ચહેરે પાણી છાંટ્યું. કપાળે લાલચટ્ટક ચાંદલો કરતી વખતે એના બંને કાન પાછળ ફેલાતી જતી વાળની સફેદી એને સ્પષ્ટ દેખાઈ. કેટલા બધા વર્ષો વીતી ગયા હતા, એની છોકરમતમાં જ. પરંતુ એ વાત સમજવાની અક્કલ કેટલી મોડી એને આવી હતી ?

વિશુદ્ધ નિષ્પક્ષતાથી એની પોતાની વીતેલી જિંદગી તપાસવાનું અભિયાન શરૂ કર્યું…. માનસપટ ઉપર ચલચિત્રની જેમ ચિત્રો એક પછી એક ઉપસવા માંડ્યા.

જન્મથી જ એ ખૂબ જ જીદ્દી છોકરી હતી. ગુસ્સો તો એનો એવો કે સાત આસમાન સુધી પહોંચે. જુઠાબોલી અને અવ્યવહારુ પણ એટલી જ છતાં મુખવટો તો એ એવો હમેશા ચડાવેલો રાખે કે કોઈને તો એની આશંકા તલભાર પણ ન જ આવે. જબરું નાટક… અને સુધરેલી ભાષામાં એને ટેલંટ કહેતા નજદીકી મૂર્ખાઓ! એમના ઉત્સાહને પરિણામે જ તો એ લોકોને ઉલ્લુ બનાવવાનું ખૂબ જ સફળતાથી કરતી હતી ને?

મા-બાપનું પ્રથમ સંતાન બાળમૃત્યુનો ભોગ બન્યા પછી એ જન્મી હતી એટલે લાડકોડ તો એને અતિશય મળ્યા, પણ એની જોડે જે શિખામણ પણ મળવી જરૂરી હતી એ જરાયે ન મળી, અને પરિણામે કોઈ અનિયંત્રિત નદીના વેગીલા પ્રવાહની જેમ એના મારગમાં આવનાર તમામનો સંહાર કરતી એ ધસમસતી જ રહી, ફાવે તેમ… એ ગાળામાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ તેમજ સ્વભાવ અને સ્થિતિસંપન્ન એવા દર્પણની સાથે એના લગ્ન પણ થયા પરંતુ જીદ, ગુસ્સો, અપમાન કરવાની વૃત્તિ તેમજ સ્વાર્થવૃત્તિ જેવા ઘણા અસુરો એનામાં ટોળે વળ્યા હતા… દર્પણ એના માતાપિતા અને સહુ સંબંધીઓ એના મુખવટે જ છેતરાયા અને કેવળ મૂક પ્રેક્ષક જ કરી દીધા. તમામ અસુરોના એક જ સ્થળના સંગઠનનો પ્રત્યેક પગલે વિજય થતો જ રહ્યો.

‘હું બહુ જ જીદ્દી છું, મારા મનનું ધારેલું જ બધું કરું છું અને મારા મા-બાપે મને અત્યાર સુધીમાં કોઈ દિવસ કશું જ કહ્યું નથી કે કોઈ કામ સોપ્યું નથી.’ લગ્ન બાદ આગળ પડીને સાસુ સસરાને એણે રોકડું સંભળાવી જ દીધું. જાણે સંબંધની લાઈનદોરી જ બાંધી દીધી!

જનેતાએ આપેલી શિખામણ મુજબ જ એ વાક્યની સાથે જ સાસરિયા સામે વિના કારણ યુધ્ધનું જાણે કે એક રણશીંગુ જ એણે તો ફૂંકી દીધું હતું પરંતુ એની ઊંડી ચાલનો ખ્યાલ તો દર્પણના સદ્ગુણી પરિવારના સરળ લોકોને તે વખતે ન જ આવ્યો.

ત્યારબાદ પિયરથી દૂર થવાની પીડાએ તો સાસરામાં સહુને ત્રાસ દેવાની માત્રા એનામાં હજાર ગણી વધારી દેવાનું જ કામ કર્યું હતું. માન મર્યાદા બધું જ સદંતર ભૂલાયું. બિચારો દર્પણ અને એના માતાપિતા તો અચાનક ફાટેલા નફ્ફટાઈના વાદળોથી અધમુઆ અને અવાચક જ રહી ગયા. અમાનવીય વર્તાવના ધોધમારી વાવાઝોડાં અને ઉપરાછાપરી અગણિત પ્રલયકારી તોફાનોનો પછી તો રીતસરનો સુઆયોજિત મારો જ વૈદેહીએ શરુ કર્યો. એમાં દર્પણ સહિત ત્રણ જીવન ઘસડાતા હતા, ટકી રહેવા મથતા હતા… બે વૃદ્ધ કાયા સમેત. વૈદેહીને સમજાવવાના એમના તમામ ઉપાય કારગર ન જ નીવડ્યા. એવા પ્રયાસોએ વેદના વધારે જ આપી.

આટલું બધું વીતતું હતું છતાં ‘ક્યારેક તો એને એની ભૂલ સમજાશે, ક્યારેક તો એને એના કરતૂતો બદલ પસ્તાવો થશે જ’ની એક નાનકડી આશા દર્પણમાં હજી જીવંત હતી અને એ જ એને દુઃખો સામે ટકવા મનોબળ પૂરું પાડતી રહી.

પોતાના પતિ અને સાસુ સસરા ઉપર ગુજારેલા આવા અનેક સિતમ યાદ કરી કરીને વૈદેહી રડતી જ રહી, આ બધા જ પ્રસંગોની યાદ એને પ્રત્યેક ક્ષણે મારતી જ હતી. એને હવે એમ જ લાગ્યું કે એને પોતાને જીવવાનો જરાપણ અધિકાર નથી જ. પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ખોટેખોટી વાતો પિયરમાં કરતા રહીને એમની વિરુદ્ધના જ અભિપ્રાય સતત ઉભા કરતા રહી તેઓની નઠારી છાપ ઊભી કરવમાં એ આટલા વરસોમાં સફળ રહી હતી, અને એ છાપની જ આડશમાં એમને વૈદેહીએ આપેલી પારાવાર યાતનાઓને યાદ કરી કરીને આજે પણ વૈદેહી ખુબ જ દુઃખી થતી હતી.

એને થયું કે દેહત્યાગ કરવા દ્વારા તો એને પાપમાંથી મુક્તિ નથી જ મળવાની. જીવતા જીવ જ પસ્તાવો કરીને, ક્ષમા માંગતા રહીને પાપનો ભાર થોડો ઓછો કરવા સિવાય બીજો કોઈ જ ઉચિત રસ્તો એની સામે હવે બાકી રહ્યો હતો જ નહી…….

એ વિચારે એણે સ્કાર્ફમાં પોતાનું મો છુપાવી જ દીધું … હીબકાં ચાલુ રહ્યા….

સામે બિછાવેલી જાજમ ઉપર બીરાજેલો ટોમી બારણું ખુલવાનો અવાજ સંભળાતાં ઊંચા કાન કરીને ભસવા માંડ્યો. એ પણ સફાળી ઊભી થઇ ગઈ અને ચહેરો સાફ કર્યો.

‘હેપી એનીવર્સરી’ ક્હેતો રાબેતા મુજબ ખુશહાલ ચહેરે દર્પણ દાખલ થયો. વૈદેહી દોડતી જઈને એને વળગી જ ગઈ.

‘એન્ડ ટુ યુ …’ કહીને એણે દર્પણને પ્રેમનું પ્રતિક એવું સુંદર લાલ ગુલાબ આપ્યું અને મીઠું પ્રાયશ્ચીતી ચુંબન.

જવાબમાં દર્પણે પણ પીઠ પાછળથી લાલ ગુલાબનો મઘમઘતો ગુલદસ્તો એને આપ્યો, અને દીર્ઘ ચુંબન.

અહી પણ દર્પણ આગળ જ નીકળી ગયો હતો….. વૈદેહીના એક ફૂલની સરખામણીમાં આખો ગુલદસ્તો આપીને.

* * *

‘હજી તૈયાર નથી થયો?’ બારી પાસે વિચારોમાં ખોવાયેલા દર્પણને રૂમમાં દાખલ થતા જ ઘાંટો પાડીને વૈદેહીએ વિચારોમાંથી જગાડ્યો… અને દર્પણનું રોમેન્ટિક દિવાસ્વપ્ન પણ તૂટ્યું… એક જ અવાજે એ વર્તમાનમાં આવી ગયો!

વૈદેહી સદેહે ત્યાં વાયુવેગે આવી પહોંચી હતી.

‘ડાન્સમાં જવાનું મોડું થાય છે….ચાલ, જલ્દી કર’ એના બોલવામાં ગુસ્સો એ તો સામાન્ય વાત હતી.

‘પણ..’

‘પણ શું..?’ એ દર્પણની એકદમ નજીક ધસી જ આવી, બનેના ઊના ઊના ઉચ્છવાસો અથડાયા, ‘બરણીમાં સેવ-ચેવડો છે જ એમને માટે…’ એની લાલઘૂમ ફાટેલી આંખોમાંથી વરસતા અંગારાએ તો માનો બર્ફીલા સ્વભાવના દર્પણમાં પણ આગ જ લગાડી દીધી.

‘પણ એમને બોખા મોંએ એ નહીં ફાવે..’ દર્પણે કહેવા ઈચ્છ્યું, પરંતુ…

‘…અને ટોમીને તો આજનો દિવસ નીતાબહેન જમાડી દેશે’ કહેતી વૈદેહી તો ઓરડાની તરત જ બહાર પણ નીકળી ચુકી હતી.

કૈક વિચારીને દર્પણ પણ એની પાછળ જ ગયો અને પછી…… બે વૃદ્ધોએ સટાક કરતો એક અવાજ પોતાની ઓરડીની દીવાલની બીજી બાજુએ થયેલો સાંભળ્યો …

દસ દસ વરસથી મળતા રહેલા અમાનુષી ત્રાસથી દર્પણ હવે ત્રાહિમામ થઈ ગયો… અને પરિણામે… પોતે સાચો હોવા છતાં આજે અંદર હતો.

વૈદેહીના જીદ, ગુસ્સો જેવા દુર્ગુણોને દર્પણે આખરે જીતાડી જ દીધા ! અને … દિવાસ્વપ્નમાં સુધારાને રસ્તે પહોંચી ચૂકેલ વૈદેહી હકીકતમાં તો પહેલા હતી ત્યાને ત્યાં જ અડીખમ ઊભી જ હતી.

‘વૃદ્ધ માટે જરાયે દિલ નથી પણ પાલતુ કૂતરા માટે એ હરામજાદીને ચિંતા હતી?’ બસ આ એક જ વિચારે દર્પણનો અત્યારસુધી જાળવેલો અમાપ ધીરજનો સ્ટોક ખત્મ કરી દીધો હતો.

તોફાની દરિયો પાર કરીને કિનારા સુધી હેમખેમ પહોચવા આવેલું વહાણ આખરે એણે જાતે ડુબાડી જ દીધું… એક ક્ષણનો ગુસ્સો કરીને !

આગળનો હિસાબ બધો જ દર્પણે આ એક ક્ષણમાં જ ધોઈને સફાચટ કરી દીધો હતો, વૈદેહી માટે!

…અને પોતાનો બેદાગ ચહેરો કેવળ એક જ ક્ષણનો ગુસ્સો કરીને પૂરેપૂરો કલંકિત કરી દીધો !

સળિયા પાછળથી જ સઘળા બનાવનું સરવૈયું કાઢવાનો પ્રયાસ કરતાં દર્પણને ‘બે વૃધ્ધો પહેલા કરતા પણ વધુ દુઃખી જણાયા…’

…..એ પોતે જ તો જવાબદાર હતો, એ માટે.

પરદેશીઓના કયદાઓ સમજવામાં એણે જબરી ભૂલ કરી દીધી….

ગુસ્સાની એ એક ક્ષણ જ જો એણે સાચવી લીધી હોત તો?

– ગુણવંત વૈદ્ય

ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું એમ નવું સર્જન – લઘુકથા ‘વેડિંગ ઍનિવર્સરિ’. એક યુગલના જીવનમાં કઈ હદ સુધી સમજણ હોવી જોઈએ, કેટલું સહન કરવું જોઈએ.. સુંદર સર્જન અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “વેડિંગ ઍનિવર્સરિ – ગુણવંત વૈદ્ય