કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી 7
મને તો એ જ નથી સમજાતું કે જેને તેના ઘરના કોઈ ગણતા નથી, એને લોકો લોકસભામાં મોકલશે ખરા? વાત ચમન ચક્કીની છે કે જે કોઈની શોકસભામાં ગયો નથી, એ લોકસભામાં જવા શું કામ ઠેકડા મારતો હશે? શું લોકસભા એ કોઈ માયાવી ફાઈવ સ્ટાર હોટલ છે કે કરોડ વિનાનો માણસ પણ રોડ ઉપરથી કૂદકા મારે! એ શું જોઈ ગયો એ તો એ જ જાણે. મને કહે આ વખતે તો હું ‘આપ’નું પણ નહીં માનું ને બાપનું પણ નહીં માનું. કાં તો હું લોકસભામાં, કાં તો તમે બધા મારી શોકસભામાં. લુખ્ખી ધમકી… ભૂતનો વળગાડ તો સારો કહેવાય, જેના ભુવા પણ મળે, આ તો રાજકારણની અધીખી વળગણ. જેના ભુવા પણ ન મળે. એને રાજધૂન જ એવી વળગેલી કે એ બીજી કોઈ વાતને વળગવા એ તૈયાર નહીં. અંતે ચંચીએ પણ લીંબુ-મરચું ઓવારી વેઠ ઉતારી કે…..” જાવ ફતેહ થાવ!