ત્રણ ગઝલરચનાઓ.. – ગુણવંત વૈદ્ય 8


૧. …છે

ભલેને સૌ ચણે લાખો કરી ખોટી ઈમારત છે,
નથી કોઈ સુખી જગમાં, વ્યથાઓ સૌ સલામત છે.

તને ધોતી, મુખે રોટી અને છે છાપરું માથે,
છતાં પણ ભાગતો માનવ, બિચારો ક્યાં સલામત છે?

ધરી સોગાદ ચૂંટીને, મદદ પામે નહી કોઈ,
બિચારા વોટદાતાની કહું સાચી હકીકત છે.

ભરોસાઓ કસમ દૈ લાખના દેતાં જનો મીઠાં,
હુલાવે પીઠમાં ખંજર, બધાની એ જ આફત છે.

હથેળીની પનોતી ભૂંસવા કાજે અધીરો થૈ,
ભટકતો જો ફરે માનવ, કરીને એ ખુશામત છે.

૨. જો

જલાવી દીવડી કાળાશ સઘળીને હટાવી જો,
કરી હિંમત હવે તો લાત દૈ સ્વારથ ભગાવી જો.

નથી સાચી સમજ માનવ કહે છે રોજ દાનવને,
ખરું ખોટું તપાસીને જરા દીવો જલાવી જો.

સહારો શોધવા માટે રખડવું ના તને શોભે,
વિસામો થૈ રખડતાનો જરા જીવન સજાવી જો.

પટો કોઈ નથી લાવ્યું અહીં કાયમ રહેવાનો,
બધા અંતે વિરામે છે હકીકત એ પચાવી જો.

જુવાની તો બધાની છે જવાની આજ કે કાલે,
નચાવે જે તને હરદમ હવે તેને નચાવી જો.

ખુશીને શોધવા કાજે રખડતો કાં ફરે માનવ,
છુપાઈ છે બધી પળમાં, નયન ખોલી સમાવી જો.

કહું છું વાત આ સાચી, નમાવી રાંક હું ગરદન,
ખુમારીમાં ગુમાવે જે, ચહું જીવન બચાવી જો.

૩. ગઝલ છે

દિલોની બધી વાત પામે ગઝલ છે
રહે બંધ આંખો, વિસામે ગઝલ છે.

જરા ઊંઘમાંથી ઊઠીને જુઓ તો
મળે હાથ છેટે જ સામે ગઝલ છે.

ભલેને તમોને જડે બોલ મીઠા
પચે વ્યાકરણ તો જ જામે ગઝલ છે.

ઉલા કાફિયા મીસરા ઓર સાની
પહોચી શકો તો જ ગામે ગઝલ છે.

કલમ લૈ અને ગાલગાગા શીખો તો
ગજબનો નશો રોજ નામે ગઝલ છે.

– ગુણવંત વૈદ્ય

ગુણવંતભાઈ વૈદ્યની વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની ત્રણ ગઝલ પ્રસ્તુત છે જેમાંની એકનું વિષયવસ્તુ ચૂંટણી, વચનો અને તેમની પૂર્તિ વિશે છે, બીજી ગઝલ શક્યતાઓની ગઝલ છે, હિંમતની વાત કરે છે અને ત્રીજી ગઝલ તો ગઝલ વિશેની જ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ત્રણ ગઝલરચનાઓ.. – ગુણવંત વૈદ્ય