મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે 7


હું મારી વહાલસોઈ દીકરીના ‘નવા’ પરિવારને કાંઇક કહું એવું વિચારતો હતો. પણ મને થયું કે એ તો અવિવેક ગણાશે કારણ કે હવે તેનાં લગ્ન થઇ ગયા છે, તેને માટે હવે તે જ ‘પરિવાર’ છે. સાચું કહું છું, મને તેની સામે કોઈ વાંધો નથી. ખરું જોતાં મારી દીકરી હવે પહેલાં ‘તમારી’ જ કાળજી લે એવું હું ઈચ્છું છું. તેના જીવનમાં મારે હવે પાછળ રહીને મારી ભૂમિકા નિભાવવાનો સમય છે. આ વાત હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું. પરંતુ હું એક અનુરોધ જરૂર કરીશ કે – મારી દીકરીને ખુશ રાખજો!

મને પૂરેપૂરો ભરોસો છે કે તમે તેને ખૂબ જ સુખી રાખશો. કદાચ તે અહીં જેટલી સુખી હતી તેનાં કરતાં પણ તમે તેને વધારે સુખી રાખશો. પરંતુ દરેક પિતાની જેમ મારી દીકરીના સુખની વાતે મારા મનનો એવો કબજો લઇ લીધો છે કે મારાથી ફરી ફરીને કહેવાઈ જાય છે કે – મારી દીકરીને ખુશ રાખજો!

તે મારા માટે ક્યારેય ભારરૂપ નહોતી અને બનશે પણ નહીં. હકીકતમાં તો તે મારા હૃદયનો ધબકાર છે, તેને જોવાથી જ તો મારા મુખ પર હાસ્ય ફરકે છે. હું તેને પરણાવું છું કારણ કે પ્રકૃતિ એવું ઈચ્છે છે. હું આપણી સભ્ય સંસ્કૃતિ સામે લાચાર છું અને તેથી જ હું તેને તમારા ઘરે મોકલું છું. તેણે મારા ઘરને આનંદથી કિલ્લોલતું રાખ્યું છે, હવે તે તમારા ઘરને હર્યુંભર્યું રાખીને અજવાળશે. હું મારાં વહાલનું વિશ્વ એટલે કે મારું સર્વસ્વ તમને સોંપું છું. કૃપા કરીને એટલું જોજો કે તેની સુંદરતા અકબંધ રહે. હું મારી સોનપરી જેવી દીકરીને તમને સોંપું છું, તેને તમે તમારા હૃદયની રાણી બનાવીને રાખજો. અમે દિવસ-રાત એક કરીને ખૂબ જ જહેમતથી, જતનપૂર્વક તેને ઉછેરી છે અને હવે તો તે કોઈને ય પરાણે વહાલી લાગે તેવી સમજદાર થઇ ગઈ છે. એ આ બધી જ કાળજી, પ્રેમ, સુંદરતા અને હૂંફની મીઠાશ લઈને તમારા જીવનને મધુર બનાવશે, હું તો એની સામે બસ તેની ખુશી જ ઈચ્છું છું – મારી દીકરીને ખુશ રાખજો!

જો ક્યારેક તમને એમ લાગે કે મારી દીકરીએ કાંઇ ખોટું કહ્યું કે કર્યું છે તો તમે તેને નિખાલસપણે ઠપકો આપજો. પરંતુ તેને પ્રેમથી સમજાવજો. તેનું મન બહુ જ નરમ અને તરત દુભાઈ જાય તેવું છે. જો ક્યારેક તેને ઓછું આવી જાય તો ત્યારે તમે તેની પડખે ઊભા રહેજો. એવે સમયે તમારે તેનાં તરફ થોડું ધ્યાન આપવું જરૂરી બની જશે. ક્યારેક જો તે માંદી પડી જાય તો તેની થોડી કાળજી રાખજો. એ કાળજી જ તેને માટે સારામાં સારી દવાની ગરજ સારશે. જો ક્યારેક તેનાથી કાંઇ ભૂલચૂક થઇ જાય તો ફરી એવું ન થાય એવો પાઠ તેને ભણાવજો. પરંતુ તેની સાથે તાદાત્મ્ય પણ સાધજો. તે હજુ શીખી રહી છે, તેને સમજવાની કોશિશ કરજો – મારી દીકરીને ખુશ રાખજો!

ક્યારેક હું તેને મહિનાઓ સુધી ન મળી શકું એવું બને તેનો મને વાંધો નથી. હું તેની સાથે રોજ રોજ વાત ન કરી શકું તો તેનો પણ મને વાંધો નથી. જો તે મને બહુ યાદ નહીં કરે તો મને એથી સંતોષ થશે. પરંતુ મારા જીવનનું એકમાત્ર ધ્યેય મારી દીકરીની ખુશી છે અને તેનો આધાર હવે તમારા પર છે – મારી દીકરીને ખુશ રાખજો!

પ્રિય જમાઈરાજ, મેં જે કહ્યું તેનો અર્થ સમજવાની કદાચ તમને બહુ જરૂર ન લાગતી હોય એવું બને પણ જો તમે નસીબદાર હો અને કોઈક દિવસ તમે પુત્રીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો તો તમે મારી ભાવનાને વધારે સારી રીતે સમજી શકશો અને ત્યારે તમારું રોમે રોમ એમ જ કહેશે કે – મારી દીકરીને ખુશ રાખજો.

– હર્ષદ દવે.

(ઇન્ટરનેટ પરથી મળેલ અજ્ઞાત લેખકની કૃતિનો અનુવાદ)

દીકરીઓ વિશેના સર્જનોને અક્ષરનાદ સદાય વાંછતુ રહ્યું છે, અને એ જ ઇચ્છા અંતર્ગત આજે પ્રસ્તુત છે હર્ષદભાઈની દીકરીના પરિવારને, જેના નજીકના ભૂતકાળમાં જ લગ્ન થયા છે એવી દીકરીના પરિવારને કાંઈક અંશે વિનંતિ, થોડીક ભલામણ અને હ્રદયસ્થ ઈચ્છાઓ… અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “મારી દીકરીના પરિવારને… – હર્ષદ દવે