કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ 21


DSC02679શાળાના મિત્રો તથા તેમનો પરિવાર અને અમે – સાથે થોડાક દિવસ, બધી જ જંજાળ દૂર મૂકીને, ક્યાંક ફરવા અને પરિવાર સાથે સમય વીતાવી શકીએ એવા સ્થળે જવાનું વિચાર્યું હતું. અમેરિકાથી આવી રહેલ મિત્ર વિમલ પટેલ તથા તેના પરિવાર સાથે વડોદરા-અમદાવાદ સ્થિત અન્ય મિત્ર પરિવારો એમ અમે બધાંય કોઈક એકાંતભર્યા સ્થળે જવા માંગતા હતા. પૂના સ્થિત મિત્ર કંદર્પ સોલંકીએ કોંકણના અનેક શાંત, સુંદર, નયનરમ્ય અને ઓછા જાણીતા બીચ પર જવાનું સૂચન કર્યું. તારીખ નક્કી થઈ ૨૧ ડિસેમ્બર ૨૦૧૩, અને મારે ૨૦ ડિસેમ્બરે દિલ્હીથી લાડલી મીડિયા અવોર્ડ સમારંભ પછી ૨૧મીએ સવારની ફ્લાઈટમાં પૂના પહોંચવું અને બીજા બધાંય વડોદરાથી પૂના પહોંચે એવો કાર્યક્રમ નક્કી થયો. ૨૬ ડિસેમ્બરની વળતી ટિકિટ હતી.

આ સફરમાં શાળાજીવનથી એકબીજાને ઓળખતા અમે છ મિત્રો હતા, હું, વિમલ પટેલ, ધારા પટેલ, હિરેન શાહ, સ્નેહા શાહ, કંદર્પ સોલંકી અને ફેનિલ શાહ. જેમાંથી સમયાંતરે બે યુગલ સર્જાયેલા, હિરેન અને સ્નેહા શાહ તથા વિમલ અને ધારા પટેલ,. વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, સંગમ ચારરસ્તા પાસે આવેલી શાળામાં ૧૯૯૭ સુધી સાથે ભણેલા ઉપરોક્ત બે યુગલો સહિત ફેનિલ શાહ તથા તેમના પત્ની, કંદર્પ સોલંકી તથા તેમના પત્ની અને અમે – જીજ્ઞેશ અને પ્રતિભા અધ્યારૂ, એમ બધાં જવાના હતાં, જેમાંથી વ્યવસાયિક મુશ્કેલીઓને લીધે કંદર્પ તથા મીનાક્ષી જોડાઈ શક્યા નહીં.

૨૧ ડિસેમ્બરે સવારે દિલ્હીથી ફ્લાઈટમાં પૂના પહોંચ્યો ત્યારે પત્ની અને બાળકો તો બીજા મિત્રો અને પરિવારો સાથે પૂના પહોંચી જ ગયા હતાં. વળી સવારમાં તેમણે એક્શનપેક્ડ રીતે પૂના પહેલા આવતા ચિંચવડ સ્ટેશને સ્ટંટ કરીને ફક્ત બે જ મિનિટ ઉભી રહેલી ટ્રેનમાંથી અને તે પછી ચાલુ થઈ જતાં ઊતાવળે ઉતરવાનો ઉપક્રમ કરેલો. વિશેષતા એ હતી કે ગાડી ઉભી રહી ત્યારે ઉતરવું કે નહીં વિચારી રહેલ આ મિત્રો ગાડી શરૂ થયે ઉતરવાનું શરૂ કરેલ અને સામાન ચાલુ ટ્રેને ટ્રેક પર ફેંકવામાં આવેલો. એ દિવસ યાદગાર રીતે કંદર્પના ઘરે જ વીતાવ્યો, અને સાંજે બ્લોગરમિત્ર વિનયભાઈ ખત્રીને મળવાનો અવસર ઝડપી લીધો. વિનયભાઈ સાથે ઘણી વાતો કરી, બેસવા અને વાતો કરવા પૂના હાઈવે પર તેમની બાઈક પર ખૂબ ફર્યા. કંદર્પના પૂનાના ઘરે રાત્રે જામેલી બેઠકમાં બધાએ કોલેજ સમયની વાતો યાદ કરી, પોતપોતાના લગ્નની અને અન્ય મજેદાર યાદોની વાતોમાં ખોવાઈ ગયા અને રાત્રે સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ ન રહી.

IMG_20131223_112424બીજા દિવસે સવારે ભાડે કરેલી ફોર્સ ટ્રાવેલરમાં પૂનાથી દીવેઅગાર જવા નીકળ્યા. અમારાથી વધુ હોંશીયાર ડ્રાઈવરે હરીહરેશ્વરમાં અમારા માટે રૂમ બુક કરવાની વાત કરી રાખી હતી, પરંતુ અમારે તો દીવેઅગાર જ જવું હતું, બપોરે એક વાગ્યે ત્યાં પહોંચ્યા. પહાડોમાંથી થઈને તથા સતત ચઢાણ ઉતરાણને લીધે રસ્તામાં પ્રતિભાને અનેક ઉલ્ટીઓ થઈ તો સ્નેહાને પણ થોડીક મુશ્કેલી પડી. પણ હરીહરેશ્વરથી દિવેઅગાર સુધીનો આખો રસ્તો દરિયાના કિનારે કિનારે ચાલે છે, એટલે એ રસ્તે મજા આવી.

મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના શ્રીવર્ધન તાલુકામાં આવેલ દિવેઅગાર નાની અને સ્વચ્છ પરંતુ નાનકડી વસ્તી હોવાને લીધે સાંકડી અને ભૂલભુલામણી જેવી જગ્યા છે. મૂળ આ માછીમારોની વસ્તી છે જે વર્ષોથી લોકસંપર્કથી દૂર રહી છે, એટલે અહીંના બીચ અકલ્પનીય સ્વચ્છ, સુંદર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પરંતુ શાંત અને ભીડ વગરના છે. દિવેઅગારના પ્રવેશ પાસે આવેલ ગણપતિનું એક મંદિર ખૂબ જ પ્રચલિત હોવાનું અમને લાગ્યું. મોટેભાગે અહીં નાળીયેરીની ખેતી અને માછીમારી એ બે જ મુખ્ય ધંધા હોવાનું જણાય છે. હરીહરેશ્વર અને શ્રીવર્ધન જેવા પ્રવાસીઓથી ધમધમી રહેલ સ્થળોની સરખામણીએ દિવેઅગાર હજુ પણ પ્રવાસીઓથી ધમધમતું નથી, એટલે મહારાષ્ટ્રના કોઈક નાના ગામડા જેવું તદ્દન કુદરતી વાતાવરણ મળે છે.

તમે આવા કોઈ પણ પ્રવાસ કે પર્યટન માટે ફાળવેલ બજેટ કરતા અહીં ખૂબ સસ્તામાં રહેવા અને જમવાની સગવડો મળી રહે છે. આશ્ચર્યજનક રીતે દરીયાઈ નોનવેજ ખોરાક જેવો કે માછલી, ઝીંગા વગેરે દરેક સ્થળે સહેલાઈથી મળી રહે છે, પરંતુ જો તમે વેજ ખોરાક માંગો તો એકાદ કલાકે ગામના બ્રાહ્મણોના ઘરેથી બનીને તમારા સુધી પહોંચે છે. અમારી વેજ જરૂરતોને લીધે અમારે ઘણી રાહ જોવી પડી.

Ganpati temple at Diveagarઅહીં હોટલ / રિસોર્ટ થોડા-ઘણાં છે, વધી રહ્યા છે, એકાદ બે દિવસ માટે મકાનો પણ ભાડે મળી રહે છે. જો કે અહીં જતા કોઈ પણ ખરીદી કે અન્ય સાદી સુવિધાઓની અપેક્ષા પણ રાખી શકાય એવી કોઈ સગવડ નથી, કદાચ એ જ આ સ્થળની સુંદરતાને જાળવી રાખે છે. અમે ખાસ્સી શોધખોળ પછી એક રિસોર્ટમાં ઉતર્યા. અહીં અમારા સિવાય કોઈ નહોતુ, રૂમ હોલ જેવડા મોટા અને સ્વચ્છ હતાં. અમે ચારેય મિત્રો દિવેઅગારની ગલીઓમાં ફરવા નીકળ્યા, જમવાનું શોધવા અને રસ્તામાં ગોલાવાળો મળ્યો, ગોલા પર લીંબુ નીચોવીને, મસાલો છાંટીને ખાવામાં આવ્યા અને જમવાના પાર્સલ બનાવડાવીને રૂમે પહોંચ્યા ત્યાં સુધીમાં ચાર વાગ્યા હતા. જમીને ફ્રેશ થયા ત્યાં સુધીમાં સાંજ થઈ, છોકરાઓ અને મહિલામંડળ થાકથી કંટાળ્યું હતું, એટલે અમે મિત્રો રખડવા નીકળી પડ્યાં, દિવેઅગારનો બીચ શોધ્યો કારણકે નાળીયેરીના ઝાડને લીધે તેને સહેલાઈથી શોધી શકાતો નથી અને આવવા-જવાવાળા ઓછા હોવાથી રસ્તો મળી જાય એવું પણ નહોતું. બીચ પર થોડાક લોકો હતાં, પણ અંધારૂ ઘેરાઈ ગયું હતું અને લાઈટની ક્યાંય કોઈ સગવડ નહોતી. બીચ પર નાળીયેર પીવાની મજા માણી અને મસ્તી કરતા કરતાં રખડીને રાત્રે રૂમ પર પહોંચ્યા ત્યાં સુધી જમવાનું આવી ગયું હતું. થાકને લીધે જમીને અમે પણ સૂઈ ગયા.

બીજે દિવસે અમે કોંડવિલ બીચ ગયા ત્યારે એ લગભગ બેએક કિલોમીટર લાંબા બીચ પર આશ્ચર્યજનક રીતે અમારી ટોળકી સિવાય કોઈ નહોતું – કોઈ એટલે અમારા સિવાય એક પણ માણસ નહીં, જાણે અમારો ખાનગી બીચ ન હોય! અહીં મન ભરીને નહાવામાં આવ્યું, બે કલાકથી વધુ સમય બાળકો સાથે પાણીમાં રમ્યા, મેં મારા બાળકો હાર્દી, ક્વચિત તથા હિરેનના બાળકો ધર્વ અને આરવ સાથે રેતીમાં મંદિર બનાવ્યું, અધધધ ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા અને પત્ની – બાળકો પાણીમાં મસ્તી કરી રહ્યા હતાં ત્યારે લાગ જોઈ, મિત્રવર્તુળ દ્વારા થોડેક દૂર જઈને બિયરનો સ્વાદ પણ લેવામાં આવ્યો. પાછા આવ્યા ત્યારે મહિલામંડળને અમારા કારનામાની ગંધ આવી ગઈ હતી. વિમલ પોતાની સાથે Jägermeister લાવ્યો હતો જેના વિશે સાંભળ્યું પણ પહેલી વખત, તેની ભાંગથી પણ વધુ મીઠી સુગંધે બધાંયને ચાખવા માટે આકર્ષ્યા.. યાયગરમાયઝર ૫૬ જડીબુટ્ટી, ફળ અને મૂળોમાંથી બનાવાયેલ મિશ્રણ છે જે મૂળે જર્મન બનાવટ છે. મારી આળસ મરડીને બેઠી થયેલી હિંમતે – બિયર સાથે લેવાથી તેમાંથી Jägerbomb બન્યો અને એકાદ કલાક પછી થોડીક અસર થઈ.

Sunset on Diveagar Beachબપોરે દિવેઅગારના સુંદર વેજ રેસ્ટોરન્ટમાં જમવામાં આવ્યું, રૂમે જઈ આરામ કર્યો, હોટલની પાછળ નાનકડાં નાળીયેર શોધીને છોકરાંઓ રમ્યા, મોટાઓ દ્વારા પત્તા રમવામાં આવ્યા, વિમલે પોકર શીખવવાનો પ્રયત્ન કર્યો. આમ સાંજ પડી અને પછી દિવેઅગારના બીચ પર જવાનું નક્કી થયું. જ્યાં નાળીયેર પીવાની, ઘોડાગાડી પર બેસીને પરિવાર સાથે બીચ પર અનેક આંટા મારવાની, મોટરબાઈક પર બેસવાની, બીચ પર ફરી ફોટોગ્રાફી કરવાની આવી, ભેળ – પાણીપૂરી – આમલેટ વગેરે જે લાગુ પડતું હતું તે ખાવાની આમ અનેકવિધ મજા લેવામાં આવી, ચાલીને નીકળ્યા અને ફરી રાત્રે રિસોર્ટ પર આવી વેજ થાળીનો ઓર્ડર અપાયો, પત્તા રમવામાં આવ્યા અને મોડી રાત્રે વાતો કરતાં કરતાં સૂઈ ગયા.

કોંકણના આ તરફના અનેક બીચ હજુ પણ વર્જિન છે, હરીહરેશ્વરથી દિવેઅગાર સુધીનો આખોય રસ્તો દરિયાની સમાંતર ચાલે છે અને આખાય રસ્તે ભાગ્યે જ કોઈ પ્રવાસી બીચ પર જોવા મળે, એના લીધે અહીં ગંદકી અને કચરો બિલકુલ નથી, વળી પાણી અને રેતી પણ સ્વચ્છ અને મજા પડે એવાં છે, એટલે જાણે વિદેશના કોઈ સ્થળે આવ્યા હોઈએ એવું લાગે. અહીંના લોકો મળતાવડા અને મદદરૂપ થાય એવા છે અને પ્રવાસન અહીં હજુ ઉદ્યોગ તરીકે વિકસ્યો નથી એટલે વધારે પડતા ભાવ કે છેતરપિંડીની ચિંતા પણ નથી.

બધાની મુંબઈની ઇચ્છાને લીધે અમારું અહીંનું રોકાણ ટૂંકુ બની રહ્યું, પણ એ નાનકડા સમયગાળાએ અનેક યાદગાર ક્ષણો આપી. દિવેઅગાર ગામ તથા બીચ અને કોંડવિલ બીચ સ્મરણપટ પર સદાને માટે છાપ મૂકી ગયા. હું જ્યાં નોકરી માટે જવા વિચારું છું તે દિઘિ પોર્ટ અહીંથી સત્તર કિલોમીટર જ દૂર છે, વિચાર વાસ્તવિકતામાં પલટાય તો આનંદ થઈ જશે.

મહિલામંડળની ખરીદીની ફરમાઈશે અને મુંબઈદર્શનની બધાંયના બાળકોની ઇચ્છાએ અમે ત્રીજા દિવસે મોડી સવારે દિવેઅગારથી મુંબઈ આવવા નીકળ્યા, મુંબઈના એક દિવસના રોકાણ દરમ્યાન ગેટવે ઑફ ઈન્ડિયા ગયા ત્યાંથી બાંદ્રા વર્લી સીલિન્ક થઈને લિંકીંગ રોડ ગયા, પુરુષવર્ગ બાળકોને સાચવવામાં વ્યસ્ત થયો અને મહિલામંડળ ખરીદીમાં વ્યસ્ત થયું. સાંજે હોટલમાં, ક્રિસમસના દિવસે, હિરેનના પુત્ર ધર્વનો જન્મદિવસ ઉજવાયો. બીજે દિવસે બપોરની ટ્રેનમાં મુંબઈથી વડોદરા આવવા નીકળ્યા. આ પ્રવાસના અમારા કેટલાક વધુ ફોટોગ્રાફ્સ ઉપરના સ્લાઈડ શો મારફત અથવા અહીં ક્લિક કરીને જોઈ શકાશે.

આવા પ્રવાસની સાચી મજા સહ્રદય મિત્રો સાથે અને પરિવાર સાથે જ આવે છે. શાળાના સમયથી અમે આટલા વર્ષો અને ભૌગોલિક અંતર છતાંય સંબંધ જાળવી શક્યા છીએ એ કદાચ આ પ્રવાસને અનેરો આનંદોત્સવ બનાવી ગઈ, ફરી આવો જ પ્રવાસ યોજવાના નિર્ણય સાથે બધા છૂટા પડ્યાં. જો કે આ અંગત પ્રકારનું પ્રવાસવર્ણન છે પરંતુ છતાંય સ્થળવિશેષની વાતને લીધે અહીં મૂક્યું છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “કોંકણના કેટલાક અદ્રુત, નયનરમ્ય, શાંત બીચ પર… – જીજ્ઞેશ અધ્યારૂ