રજસ્વલા – હિતેન ભટ્ટ 8


સુનંદા સફાળી બેઠી થઇ ગઇ…. તેનાં શરીરમાં એક કંપન ઉઠ્યું હતું. સુનંદા હજુ પણ સ્વપ્નનો આકાર સમજવા પ્રયત્ન કરતી હતી. પાણી પીધું, બાજુમાં અવિનાશ ગાઢ નિંદ્રામાં હતો.સુનંદાએ પોતાના પેટ તરફ જોયું. તેને લાગ્યું કે અંદરથી કોઇ ચિત્કારી રહ્યું છે…. મા….. મા. સુનંદાની ધ્રુજારી વધી ગઇ, તેની આંખમાં આંસુ આવી ગયા….

અવિનાશની આંખમાં આંસુ આવી ગયા. હજુ લગ્નને માંડ ચાર મહીના પૂરા થશે, ડિસેમ્બરની ચાર તારીખે તો લગ્નમંડપમાં હતો, બ્રાહ્મણના મુખેથી સંભળાતા શ્લોકો અને વેદીની અગ્નિ તેને કાંઇક વિચિત્ર અહેસાસ કરાવતાં હતાં, વેદીની અગનજ્વાળાઓ ઊંચી અને ઊંચી જ ઉઠતી ગઇ…. અને સુનંદાના પેટમાં ગરમાવો વ્યાપી ગયો….

આજે ડૉક્ટર શાહે સુનંદાને પોઝીટીવ રીપોર્ટ આપ્યો. અને અવિનાશ ખળભળી ઉઠ્યો, સુનંદા મક્કમ હતી, અવિનાશ પણ મક્કમ હતો. તેણે ક્યાંક વાંચ્યુ હતુ કે દરેક પ્રથમ સંતાન માતા-પિતાની ભૂલનું પરિણામ હોય છે. તેને ભૂલ સુધારવી હતી, હજુ તો ધંધામાં સ્થિરતા મેળવવાની હતી અને આ જવાબદારી….

અવિનાશની આંખમાં આંસુ આવી ગયાં અને સુનંદાના ત્રણ મહિનાના ગર્ભને જાણે તાણી ગયાં… દૂર.. ખૂબ દૂર.. સુનંદા સહેમી ઉઠી. ડૉક્ટર પણ ના પાડે છે, પણ અવિનાશ મક્કમ હતો. સુનંદા મને-કમને તૈયાર થઇ, અવિનાશનો ચહેરો ફરી ખીલી ઉઠ્યો. એક માસૂમ બાળકની જેમ, સુનંદાને તે ભેટી પડ્યો. તેને એકાએક વ્હાલનું ઘોડાપૂર ઊભરાઇ આવ્યું. તેણે સુનંદાના ખોળામાં માથું છુપાવી દીધું, તદ્દન નાના બાળકની જેમ.

ડૉક્ટર શું કહે છે? રીપોર્ટ કઢાવ્યા? ફલાણા વૈદ્ય સારા છે…. સુનંદાને લાગ્યુ કે તેનું માથું ફાટી જશે, ઘડીભર તેને લાગ્યું કે એમ થાય તો કેવું સારું, બસ પછી તો માત્ર એક શૂન્ય-અવકાશ…. તેને સમજાતુ નહોતું કે આ અવકાશ ક્યાં સુધી રિક્ત રહેશે.

‘મારી સાથે જ કેમ આવુ થાય છે?’ તેનું મંથન ઓર વધવા લાગ્ચું. દવા, વૈદ્યની પરેજી, ક્યુરેટીંગ, લેપ્રોસ્કોપી, તેને લાગ્યું કે દરેકે દરેક તેના શરીરમાં છિદ્રો પાડી રહ્યુ છે અને તે ચિત્કારી રહી છે…. મા… મા… ​અને અવિનાશ, એ બધાની પાછળ ઊભો છે, મોં ફેરવીને, દૂર.. ક્ષિતિજમાં તાકતો….

માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાથી પહેલેથી જ સુનંદાને બે બાળકો જોઇતા હતા. ડૉક્ટર અને વૈદ્ય કેટલીય આશાઓ આપે છે, અવિનાશ પોતાની ગુનાહીત લાગણીના ટેકે ટેકે તેને તૂટતી બચાવવા કેટલાય પ્રયત્નો કરે છે, પણ સુનંદાનુ મન માનતું નથી, ખાલીપો વિસ્તરતો જ જાય છે, અવિનાશના વ્યવસાયની જેમ.

સુનંદાને લાગ્યુ કે કેલેન્ડરમાંનું હસતું બાળક જાણે હમણાં બહાર આવશે અને એની ડોકે બાઝી પડશે, હવે તો દરરોજ આ ખુરશીમાં બેઠાં બેઠાં કેટલીય વાર તેણે આ બાળકની સાથે વાતો કરી છે, સુનંદાને થયું કે બસ તે આંખ મીચીને આમ જ કલાકો સુધી પડી રહે, માત્ર એ અને કેલેન્ડરનુ હસતું બાળક.

સુનંદાને લાગ્યુ કે બાળક તો તેની સાથે જ છે, તેના અસ્તિત્વમાં વણાયેલું જ છે, ફક્ત બાકી રહ્યું છે તેને સદેહે અવતરવાનું, કેલેન્ડરના ઉડતાં પાનાંએ તેને વાસ્તવિકતામાં લાવી દીધી. એક પછી એક તારીખો….. એક પછી એક મહિનાઓ….. સુનંદાની કૂખમાંથી એક ઉંડો ચિત્કાર ઉઠે છે અને સુનંદાની આંખો બની જાય છે….

….રજસ્વલા….

– હિતેન ભટ્ટ

અમદાવાદના હિતેનભાઈ ભટ્ટની પ્રસ્તુત સુંદર લઘુવાર્તા તેમણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા માટે પાઠવી છે. અહીં તેમની આ પ્રથમ કૃતિ છે, વાર્તા મનનીય છે, વિચારપ્રેરક છે અને થોડામાં ઘણું કહી જાય છે. કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હિતેનભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “રજસ્વલા – હિતેન ભટ્ટ