દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે 10


એક ગરીબ છોકરો ઘરે ઘરે ફરીને તેની રીતે કાંઇ વેચીને સ્કૂલ ફીની રકમ મેળવતો હતો. એકવાર તે મોડે સુધી ફરીને થાકી ગયો હતો અને તેને લાગ્યું કે તેને સખત ભૂખ લાગી છે અને તેની પાસે ખાલી એક જ રૂપિયો છે. તેથી તેણે વિચાર્યું કે હવે પછી તે જે ઘરે જશે ત્યાં ખાવાનું માગશે. પણ…

એક સુંદર યુવતીએ જયારે બારણું ખોલ્યું ત્યારે તે તેને જોતો જ રહી ગયો. ખાવાનું માગવાને બદલે તેણે તેની પાસે માત્ર પીવાનું પાણી જ માગ્યું. તે યુવતીએ વિચાર્યું કે આ તો બહુ ભૂખ્યો હોય તેમ લાગે છે. તેથી તે તેના માટે દૂધથી છલોછલ ભરેલો એક મોટો ગ્લાસ લઇ આવી. ધીમે ધીમે તે બધું દૂધ પી ગયો. પછી તેણે પૂછ્યું: ‘મારે તમને આના કેટલા પૈસા આપવાના?’

‘તારે મને કાંઇ આપવાનું નથી. અમારી માએ અમને શીખવ્યું છે કે હેત-પ્રેમથી કોઈને કાંઇ આપીએ તો તેના બદલામાં કાંઇ લેવાય નહીં.’

છોકરો આનંદથી બોલ્યો, ‘તો હું હૃદયપૂર્વક તમારો આભાર માનું છું.’ તે જયારે એ ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે તેનાં શરીરમાં સારી એવી શક્તિ આવી ગઈ હોય તેવું તેને લાગ્યું એટલું જ નહીં પરંતુ તેની ઈશ્વર અને માણસ પરની શ્રદ્ધા પણ વધુ દૃઢ થઇ! નહીં તો ભગવાન અને માણસાઈ પરથી તેનો ભરોસો ઊઠી જવામાં જ હતો!

વર્ષો પછી તે યુવતી સખત બીમાર પડી. તેનાં ડોક્ટર તેને કયો રોગ થયો છે એ પારખી નહોતા શકતા. એટલે તેણે તેને મોટા શહેરની મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપી. ત્યાં બહુ ઓછા લોકોને થતાં એ રોગનું નિદાન કરવા માટે ખાસ નિષ્ણાત ડોક્ટરને બોલાવવામાં આવ્યા.

એક જાણીતા મોટા ડોક્ટરને આ માટે બોલાવવામાં આવ્યા. જયારે તેણે તે યુવતી જ્યાંથી આવી હતી તે શહેરનું નામ સાંભળ્યું ત્યારે તેઓ સીધા નીચે હોસ્પિટલના તેના રૂમ પર ગયા. તેઓ તેને જોતાવેંત જ ઓળખી ગયા. તે યુવતીને તપાસીને જયારે તેઓ તેનાં કન્સલ્ટેશન રૂમમાં આવ્યા ત્યાં સુધીમાં તો તેમણે આ યુવતીને બચાવવા માટે પોતાનાથી થઇ શકે તે બધું જ કરવાનો નિર્ધાર કરી લીધો હતો. તેમણે તે દિવસથી જ આ દરદી પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.

ઘણાં લાંબા સમય સુધી સંઘર્ષ અને સારવાર કરીને તેમણે સફળતા મેળવી. ડોક્ટરે હોસ્પિટલના વહીવટી વિભાગના વડાને વિનંતી કરીને તે યુવતીનું બિલ પોતાની પાસે મગાવી લીધું. તેમણે બિલ જોઈને તેની એક તરફ કાંઇક લખ્યું અને ત્યારબાદ એ બિલ તેમણે તે યુવતીને મોકલાવી દીધું.

યુવતી તે બિલની રકમ વાંચતા ગભરાતી હતી કારણ કે તેને ખાતરી હતી કે તે રકમ એટલી બધી હશે કે તેને ચુકવવામાં જ તેનું આખું જીવન વીતી જવાનું છે. છેવટે તેણે બિલ જોયું. તે બીલની એકબાજુ લખેલા લખાણ પર તરત જ તેનું ધ્યાન ગયું. તેણે આ શબ્દો વાંચ્યા:

‘આ બિલ એક ગ્લાસ દૂધથી ચૂકવાઈ ગયું છે.’

આ સાવ સાચી વાત છે. તેનાં સંદર્ભમાં એક ખૂબ સુંદર વાક્ય મને બહુ ગમે છે:

‘ઘણીવાર એક હૂંફાળો સ્પર્શ, એક સ્વાભાવિક સ્મિત, પ્રેમાળ શબ્દ, કોઈને સાંભળવા માટે ઉત્સુક કાન કે નિખાલસ અને સાચો અભિપ્રાય અથવા એકાદા નાના એવા પરોપકારના કામની શક્તિને આપણે ઓછી આંકીએ છીએ પરંતુ તે બધામાં જીવનની દિશા બદલી નાખવાની જબરદસ્ત સંભવિતતા રહેલી હોય છે.’
બહુ નિખાલસપણે કહીએ તો ઉપરની વાતનો પહેલો ભાગ સહેલાઈથી સમજી શકાય તેવો છે પરંતુ તેના બીજા ભાગને સાચી રીતે સમજપૂર્વક અપનાવવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ. ક્યારેક પરોપકારની ભાવના આપણું જીવન બદલી શકે છે!

જેનામાં માનવતા હોય, માણસાઈ હોય એ જ માનવ કહેવાય. બીજાનો વિચાર કરે તે માયાળુ હોઈ શકે. મનુષ્યમાત્રમાં આવી મનોહર ભાવના જન્મથી જ હોય છે. પણ અત્યારના સમયમાં મોટાભાગના માણસોમાં તેની ઓછપ વરતાય છે. સ્વભાવ સૌમ્ય હોવો એ આપણને ઈશ્વર તરફથી મળેલી સારામાં સારી બક્ષિશ છે.
જાણીતા વિદ્વાન આલ્ડસ હક્સલેને જયારે લોકોએ પૂછ્યું કે: જીવનનું રૂપાંતર કરવા માટેની સહુથી વધારે અસરકારક પદ્ધતિ કઈ? તેમનો જવાબ હતો: ‘એ મૂંઝવણમાં મૂકી દે તેવી વાત છે, વર્ષોના સંશોધન બાદ તેનો સારામાં સારો જવાબ એ જ મળે છે કે ‘થોડાં વધારે પરોપકારી બનો.’

કોઈનું કલ્યાણ કરવાની શક્તિ પણ કેવી વિરોધાભાસી છે… આમ જોઈએ તો તેમાં બિલકુલ શક્તિ હોય તેવું લાગતું નથી. ઉલટાનું તેનું જાણે કોઈ મહત્વ જ ન હોય તેવું લાગે છે. પરંતુ સારા માણસો કહે છે કે તમારા જીવનનું રૂપાંતર કરે તેવી સહુથી મહત્વની બાબત બીજાનું કલ્યાણ કરવું એ જ છે.

બીજાનો વિચાર કરવાની સુજનતા અને સહૃદયતા જેનામાં હોય તેનામાં કરુણા પણ હોય જ. આ ભાવના આપણને સરળતા અને સાદાઈ તરફ લઇ જાય છે. તે એક એવો સુંદર રસ્તો છે કે જેનાથી આપણે આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકીએ છીએ. તેથી જીવનને સાર્થકતા મળે છે.

મધર ટેરેસા કહે છે: ‘કરુણાસભર બે શબ્દો ટૂંકા અને સહેલા હોય છે પરંતુ તેનાં પડઘા કાયમ સંભળાતા રહે છે.’ એ પડઘા ભીતર મધુર સ્પંદનો જગાડે છે.
જનની જન્મ આપે છે. વૃક્ષ ફળ આપે છે. સૂર્ય પ્રકાશ આપે છે. પ્રાણવાયુ જીવન બક્ષે છે, જળ જીવનને ધબકતું રાખે છે. ધરતી આશરો આપે છે. બધાં કાંઇ ને કાંઇ આપે છે! આપણે પ્રેમપૂર્ણ હોઈએ તો જ કોઈને કાંઇ આપી શકીએ. સદય અને સ્નેહાળ હોવું એ માનવ હોવાની સુંદર શરત છે.

શુભમ્ ભવતુ, મંગલમ્ ભવતુ…

– હર્ષદ દવે.

બિલિપત્ર

નામ દિવાના, દામ દિવાના, ચામ દિવાના કોઉ;
ધન્ય ધન્ય સો જો રામ દિવાના, મેં દિવાના સોઉ.
– શ્રી રંગ અવધૂત મહારાજ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ અને… – હર્ષદ દવે