કાગળ (વાર્તા) – નિમિષા દલાલ 16


ટ્રીંન.. ટ્રીંન… ટ્રીંન.. ટ્રીંન… ટ્રીંન.. ટ્રીંન..

ટ્રીંન.. ટ્રીંન… ટ્રીંન.. ટ્રીંન.. અરે ! આ મમ્મી ફોન કેમ ઉપાડતી નથી !

ટ્રીંન.. ટ્રીંન… ટ્રીંન.. ટ્રીંન.. મમ્મી ફોન ઉપાડ.. દિવ્યા અકળાતી હતી.

ત્યાં તો બધું ઠીક હશે ને ? દિવ્યાને તેની મમ્મી સાથે વાત વાત કરવી હતી અને…. એક વાર આખી રીંગ પૂરી થઈ ગઈ. આ સમયે તો પપ્પા પણ ઘરે જ હશે. કેમ કોઇ ફોન નથી ઉપાડતું.

ટ્રીંન.. ટ્રીંન… ટ્રીંન.. ટ્રીંન.. મમ્મી… પપ્પા… દિવ્યાનું દિલ અહીંથી જાણે બૂમો મારી રહ્યું હતું.

“હલો” સામેથી સંધ્યાબહેનનો અવાજ આવ્યો.

“કેમ આટલી વાર લાગી ફોન ઉપાડતા ? પપ્પા ક્યાં છે ? એમણે પણ રીંગ નહીં સાંભળી ?” મમ્મીના જવાબની રાહ જોયા વિના જ દિવ્યાએ પ્રશ્નોની ઝડી વરસાવી.

“અરે..” મમ્મી કંઈ ચોખવટ કરે એ પહેલાં તો…

“મમ્મી.. પપ્પાની સાથે હમણાં જ અહીં આવવા નીકળી જાઓ.” ગળગળા સ્વરે દિવ્યાએ કહ્યું.

“કેમ શું થયું ?”

“થયું કંઈ નથી.”

“તો પછી આમ અચાનક ?..”

“મમ્મી, મારે તમારી જરુર છે.. તમે અહીં આવશો ?” દિવ્યા માંડ બોલી..

“હા બેટા, પણ કંઈક તો કહે..”

“અહીં આવશે એટલે ખબર પડશે જ ને..!” દિવ્યાનાં ગળામાંથી ડૂસકું નીકળી ગયું.

“શું થયું બેટા ? તું રડે છે ? જો ચિંતા ન કર હું પપ્પાને કહું છું, અમે હમણાં જ નીકળી જઈએ છે. પણ તું કંઈક …” સામેથી દિવ્યાનો રડવાનો અવાજ આવ્યો. સંધ્યાબેન ગભરાયા.

“દિવ્યા ? દિવ્યા શું થયું ? એ દિવ્યા.. બોલને .. દિવ્યા… દિવ્યા…” સંધ્યાબહેન થોડાં ઊંચા અવાજે બોલ્યા. સામેથી ફોન મુકાઈ ગયો પણ સંધ્યાબહેન હજી ફોન પકડીને જ ઊભા હતાં.
મંદિરેથી આવીને ઓફિસે જવા માટે ફાઈલ લેવા બેડરૂમમાં ગયેલા રાજેશભાઈ મોટા અવાજે દિવ્યાના નામની બૂમનો અવાજ સાંભળી દોડતા આવ્યાં.

“શું થયું સંધ્યા ? દિવ્યાના નામની બૂમો કેમ મારે છે ?” સંધ્યાબહેનના હાથમાંથી ફોન લેતા તેમણે પૂછ્યું.

“હલો.. હલો.. ” કાન પર રીસીવર મૂક્યું તો ડાયલટોનનો અવાજ આવ્યો. એમણે ફોન ક્રેડલ પર મૂકી સંધ્યાબહેન સામે જોયું. સંધ્યાબહેન સોફા પર બેસી કોઇ વિચારમાં ઊતરી ગયેલાં લાગ્યાં. રાજેશભાઈએ એમને ઢંઢોળ્યા.

“દિવ્યાનો ફોન હતો. એ ફોન પર રડતી હતી. શું થયું હશે.? આપણી હેતાને તો..?” સંધ્યાબહેન પાસે ઊભેલા રાજેશભાઈનો હાથ પકડી એમની સામે જોતાં બોલ્યાં.

“અમંગળ નહીં વિચાર.” એમ કહેતા તેમણે ફોન લઈ દિવ્યાને ફોન જોડ્યો. પણ રીંગ પાસ થતી હતી, કોઇએ ફોન ઉપાડ્યો નહીં. બે ચાર વાર રીંગ પસાર થઈ ગયા પછી તેમણે સંધ્યાબહેન ને કહ્યું, “ચાલ આપણે અત્યારે જ ત્યાં જવા નીકળી જઈએ. હું યુસુફને ફોન કરી દઉં છું. તું બેગ તૈયાર કરી દે. પાંચ કલાકમાં તું તારી દીકરીઓ પાસે હશે.”

“એ પણ એમ જ કહેતી હતી કે…” સંધ્યાબહેને શૂન્યમાં જોતાં કહ્યું. પણ ઊભા થયાં નહીં એટલે રાજેશભાઈ જ બેગ તૈયાર કરવા જતા રહ્યા.

* * * * * * * *

રડતી દિવ્યાની આંખ સામે નાનકડી હેતા આવી ગઈ જ્યારે મમ્મી તેને હોસ્પિટલેથી લઈને આવી હતી. ગોરી ગોરી ને ગોળમટોળ, ગાલમાં સુંદર ખાડા પડતા ને મનમોહક એનું સ્મિત હતું. દિવ્યા તો ભણવાનું ભૂલીને એની સાથે રમ્યા જ કરતી. હવે તો એ મોટી બહેન હતી. કદીક કદીક એમ પણ વિચારતી કે હેતા મોટી થશે એટલે એની પર હુકમ ચલાવીને મારું બધું કામ એની પાસે કરાવીશ. પણ હેતા મોટી થઈ જ નહીં. હેતાની ઉમ્મર વધી, શરીર વિકાસ પામ્યું પણ… પણ મનથી તો તે નાની જ રહી. જે દિવસે ડોક્ટરે કહ્યું કે હેતાનો માનસિક વિકાસ થોડો મોડો છે તે દિવસે દિવ્યાએ મમ્મી-પપ્પાની વાતો સાંભળી હતી. મમ્મી રડતાં રડતાં કહેતી હતી..

“જોયું ને તમારી જીદનું પરિણામ ?” રાજેશભાઈ નીચું માથું રાખી સાંભળી રહ્યાં હતાં.

“મારા ના કહેવા છતાં તમે પરીક્ષણ કરાવ્યું. એ વાત જવા દઈએ તો પણ દીકરી છે ખબર પડ્યા પછી મને ખબર ન પડે એમ ગર્ભ પાડી નાખવાની દવાઓ પણ આપી. એ તો સારું થયું કે એક વાર દવાઓ લેવા હું ગઈ ને મને ખબર પડી અને મેં દવાઓ લેવી બંધ કરી. પણ ત્યાં સુધીમાં દવાઓએ મારી દીકરી પર અસર કરી દીધી હતી ને એનું પરિણામ મારી દીકરી અત્યારે અને આખી જિન્દગી….” સંધ્યાબહેન વધુ બોલી ન શક્યા.

“પણ બીજી પણ દીકરી જ ? મોક્ષ મેળવવા માટે તો દીકરો જોઇએ ને સંધ્યા ?” પપ્પાએ કહ્યું હતું.

“એ તમારો વહેમ છે. મનુષ્ય સારા કર્મોથી મોક્ષ મેળવે છે ને તમે જે કામ કર્યું છે તે…” બોલી સંધ્યાબહેન આંખો લૂછતાં રસોડામાં જતા રહ્યાં હતાં. એ વખતે તો દિવ્યાને એ વાતમાં સમજ નહોતી પડી પણ અત્યારે એ સમજી રહી હતી કે પપ્પાએ આપેલી દવાને કારણે હેતા…

એ પોતાનું કોઇ જ કામ જાતે કરી શકતી નહોતી. હેતાને જાતે નહાવાનું કહે તો એ નળ ખૂલ્લો મૂકી ડોલમાં હાથ રાખી બેસી રહેતી. વાળ ઓળવાનું કહે તો એક બાજુ બસ કાંસકો ફેરવ્યા જ કરતી. ખાવાનું તો કદી સીધું એના મોંમાં જતું જ નહીં. તેનું બધું જ કામ દિવ્યા અને મમ્મી કરી લેતા. પણ દિવ્યાના લગ્ન પછી બધું કામ મમ્મીને માથે આવ્યું. પપ્પા એમનું કામ ન થાય તો ગુસ્સો નહીં કરતાં, એટલો જ એમનો સાથ પણ દિવ્યા અને સંધ્યાબહેનને તેમની કૃપા જેવો લાગતો.

આજે હેતા બાવીસ વરસની થઈ ગઈ હતી. દિવ્યા કરતાં ખૂબજ સુંદર દેખાતી હતી પણ આટલા વરસોમાં તેની અને મમ્મી પર જે વિત્યું તેની દિવ્યા સાક્ષી હતી. એટલે જ જ્યારે તેણે ડો.પૌલ વિશે સાંભળ્યું કે તરત હેતાને પોતાને ઘરે લઈ આવી. પ્રીતેશ પણ ટૂર પર ગયાં હતાં. હેતાની પાછળ પોતે સમય આપી શકશે એમ વિચારી…

* * * * * * * *

ગાડીમાં સંધ્યાબહેન શૂન્યમયસ્ક બેસી રહ્યા હતાં. એમના કાનમાં છ મહિના પહેલાં આવેલા દિવ્યાના ફોનનાં શબ્દો ગૂંજી રહ્યાં હતાં.

“મમ્મી, ડો. પૌલ એક સારા ડોક્ટર છે. તેમણે આવા ઘણા દર્દીઓને નોર્મલ જિન્દગી જીવતાં કર્યા છે. એટલે… એમના ચારેક સીટીંગ થયા છે. એનાથી હેતાના વર્તનમાં થોડો ફરક પણ પડ્યો છે. માત્ર થોડો સમય લાગશે એમ ડોક્ટર કહેતા હતાં.” એ પછી મહિનામાં જ એનો ફરી ફોન આવ્યો હતો.

“મમ્મી, આપણી હેતા હવે જાતે નહાતી થઈ ગઈ છે. જાતે કપડાં પણ પહેરે છે.” દિવ્યા અવારનવાર ફોન પર હેતાના પ્રોગ્રેસના સમાચાર આપતી રહેતી હતી.

“મમ્મી, હેતાએ આજે જાતે વાળ ઓળ્યા. સરસ દેખાતી હતી. તું એને જોતે તો માની જ નહીં શકતે કે તેણે આટલા વ્યવસ્થિત વાળ ઓળ્યા. મને વિશ્વાસ બેસી ગયો છે કે તે આપણી હેતાને સારી કરી દેશે.” હજુ ગયે મહિને તો દિવ્યા કહેતી હતી કે હવે હેતા ઘણી વ્યવસ્થિત થઈ ગઈ છે. એને ઘરે લઈ જવાની તૈયારી કર. ના, ના, મારી હેતાને કંઈ નહીં થયું હોય. તો પ્રીતેશકુમારને ? પંદર દિવસ પહેલાં એમને તાવ આવ્યો હતો તે ઉતરતો નહોતો એમ દિવ્યા કહેતી હતી.. ને હજુ અઠવાડિયા પહેલાં તો એનો રડતાં રડતાં ફોન આવેલો કે એના સાસુ-સસરા ઓસ્ટ્રેલિયા એની નણંદને ત્યાં ગયાં હતાં ત્યાં એમની કારને અકસ્માત થયો હતો ને એના સસરાને તો હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યાં હતાં તો…..? કંઈ સમજ નથી પડતી આમ અચાનક આ રીતે કેમ બોલાવ્યા હશે ? સંધ્યાબહેન બંધ આંખે બબડી રહ્યાં હતાં. રાજેશભાઈએ એમના હાથ પર હાથ મૂક્યો..

“સંધ્યા, બહુ વિચાર નહીં કર. અને અમંગળ જ કેમ વિચારે છે ? કોઇ ખુશખબરી આપવા પણ આમ બોલાવ્યા હોઇ શકે ને ?” સંધ્યાબહેને પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયું.

“જેમ કે, હેતાને લઈ જાઓ એ હવે ઓકે છે, દિવ્યા પ્રેગ્નંટ પણ હોઇ શકે, કે પછી પ્રીતેશકુમારને પ્રમોશન….”

“પણ એ ફોન પર રડતી હતી.”

“અરે એ એક્ટીંગ કરતી હોય શકે ને ? ખબર છે ને કોલેજમાં એને પ્રાઈઝ પણ મળ્યું હતું. ઘરમાં પણ તો એ.. તને તો ખબર પણ નહોતી પડતી કે એ એક્ટીંગ કરે છે પણ મારી સામે એ પકડાઈ જતી યાદ છે ને પેલે દિવસે….” રાજેશભાઈએ હસતાં હસતાં કહ્યું.

એ પ્રસંગ યાદ આવતાં જ સંધ્યાબહેનનાં મોં પર પણ સ્મિત આવી ગયું

“અને એણે ફોન પર મારી સાથે વાત નથી કરી નહીં તો એ…. સો રીલેક્ષ. બધું સારું હશે.” રાજેશભાઈ સાથે વાત કરી સંધ્યાબહેન થોડાં હળવા થયાં. બંગલાના પોર્ચમાં ગાડી આવી ઊભી રહી. ઘરમાં એકદમ શાંતિ હતી. બહાર સફેદ કપડાંમાં થોડાં લોકો આવ-જા કરતાં હતાં. સંધ્યાબહેનને ગભરાટ થયો. એમણે રાજેશભાઈ સામે જોયું. એમની એ નજર કહેતી હતી કે મેં કહ્યું હતું ને કે કંઈક…

એમને જોતાં જ દિવ્યા દોડતી આવીને સંધ્યાબહેનને વળગી જોરથી રડવા લાગી. પ્રીતેશકુમાર શબ પાસેથી ઊભા થઈ એમની પાસે આવ્યાં. સંધ્યાબહેનની નજર હેતાને શોધતી હતી.

“દિવ્યા એ દિવ્યા, મારી હેતા ક્યાં છે ?” અને દિવ્યા તેમને શબ પાસે દોરી ગઈ. હેતાનું મૃત શરીર જોતાં જ સંધ્યાબહેન મૂર્છા ખાઈને પડી ગયાં. એમને અંદરના રૂમમાં સૂવાડ્યાં.
રાજેશભાઈ હતપ્રભ થઈ ગયા હતાં.

“એ તો આવતે મહિને ઘરે આવવાની હતી ! સંધ્યાએ ઘણી તૈયારી કરી હતી. ને હું પણ તો નવી હેતાને જોવા…” રાજેશભાઈ આગળ બોલી ન શક્યા. એમના સવાલના જવાબમાં દિવ્યાએ એક કાગળ આપ્યો. થોડી વારે સંધ્યાબહેન ભાનમાં આવતાં જ..

“શું થયું મારી હેતાને ? એને કેમ સફેદ ચાદર કેમ ઓઢાડી છે.? એ હેતા, જો તારી મમ્મી તને લેવા આવી છે ને તું…..” એમણે બેડ પરથી ઊભા થવાની કોશિશ કરી રાજેશભાઈએ તેમને રોક્યાં.

“એ કાગળમાં શું છે ?” સંધ્યાબહેનને કંઈ સમજ નહીં પડી. રાજેશભાઈએ કાગળ સંધ્યાબહેનના હાથમાં મૂક્યો. સંધ્યાબહેને એ કાગળ જોયો તે હેતાનો રીપોર્ટ હતો. તે ગર્ભવતી…. હાથમાંથી કાગળ પડી ગયો.

– નિમિષા દલાલ

વિશ્વ ગુજરાતી સમાજઆ સામયિકના દિપોત્સવી અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની ‘કાગળ’ વાર્તા સમકાલીન સમાજવ્યવસ્થાની ખૂબીઓ અને ખામીઓ સાથેનું સમગ્રતયા ચિત્ર પ્રસ્તુત કરે છે. વાર્તામાં અમુક અંશે સસ્પેન્સનું તત્વ પણ છે તો વાચકને અનેક વિકલ્પો વિચારવાની તક આપતો અંત પણ અહીં છે. નિમિષાબેનની કલમ દરેક નવી વાર્તા સાથે વધુ ને વધુ નિખરતી રહી છે એ આ વાર્તા સાથે પણ દેખાઈ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “કાગળ (વાર્તા) – નિમિષા દલાલ

 • Dilip Patel

  સાવ સાચી વાત છે આપની.વાચકે થોડું વિચારવાનું કષ્ટ ઉઠાવવું જોઇએ.લેખકે વળી શાની ચોખવટ કરવાની હોય? બધી ચોખવટ કરે તો ટૂંકી વાર્તા શું કરવા લખે,નવલકથા ન લખે?
  મીસ,મીસીસ યા મીઝ દલાલ તમે લખેલ વાર્તા જેટલી જ મેં ચોખવટો તમારા વતી(અલબત્ તમારે ના જ કરવાની હોય) કરી છે,એટલે હું તમને તો ના જ કહું ને!?
  ખેર! આજ સાઇટ પર ‘એક્ટર’ વાર્તા ની નીચેના પ્રતિભાવોમાં મેં મારા વિચારો તથા વાર્તાનો મારો પોતાની વિચારધારા અનુસારનો અંત પણ લખ્યો છે,જે આપ વાંચી શકો છો.
  મારી બે આંખો (મારી પત્ની અને મારો દિકરો) ઊંઘી જાય પછી કશુંક લખવાનો કે વાંચવાનો સમય મળે છે.આપણે લખીએ અને એને આ સાઇટના એડિટર પસંદગીપાત્ર ન ગણે તો સાલી આપણી મહેનત નકામી જાય ને ભાઇ!
  મને સહું કોઇ પ્રેમથી “ડીજી” કહીને બોલાવે છે,તો આપ પણ મને એ રીતે બોલાવશો તો મને બહું ગમશે.
  (જોડણીભૂલો ધ્યાને ના લેવી)

 • નિમિષા દલાલ

  આહાહા… દિલિપભાઈએ તો મારા વાર્તા લેખન કરતા વધુ મહેનત કરી ચોખવટ કરવાની… દિલીપભાઈ આ બધી ચોખવટ કરવાનું તમે મને કહો છો ? કે પૂછનારને જણાવો છો ?

  બીજું કે તમે વાર્તા લખો છો જો લખતા હો તો મને તમારી વાર્તા વાંચવી ગમશે હોં…

  આભાર આટલું વિસ્તારથી કહેવા બદલ.. પણ જો મને ચોખવટ કરવાનું કહેતા હો તો એ મારાથી નહીં બને હોં.. થોડી મગજ દોડાવવાની મહેનત તો વાચકે પણ કરવી જોઇએ ને ?

 • Dilip Patel

  અરે! ભાઇ,ટૂંકી વાર્તામાં ઇશારા કેટલા કરવાના?ટૂંકી વાર્તાની ચરમસીમા મોટાભાગે છેલ્લા ફકરામાં કે છેલ્લી લિટીમાં હોય છે.
  ‘હેતા ગર્ભવતી હતી’ પણ કોનાથી? જોજો હમણાં તમે કહેશો કે….
  ૧)પોતે હેતાની સારવાર સારી રીતે ડૉ.પૌલ પાસે કરાવી શકશે એમ માની દિવ્યા એને પોતાને ઘેર લઇ આવે છે.
  ૨)દિવ્યાના ઘરમાં એનો પતિ પ્રિતેશ અને સાસુ-સસરા સિવાય બીજુ કોઇ નથી.સાસુ-સસરા વળી પાછા ઑસ્ટ્રેલીયા ગયા છે, એટલે હેતા અને દિવ્યા સાથે પ્રિતેશ એમ ત્રણ જ જણ છે.
  ૩)હેતા માનસિક વિકલાંગ છે પરંતુ સાથેસાથે દેખાવડી પણ છે.
  કોઇ પુરુષને વાસના સંતોષવા માટે આ એક અનુકુળ સંયોગ છે.
  ૪)કોણ છે એ પુરુષો કે જે હેતાના સંપર્ક હતા?
  પ્રિતેશ?
  ડૉ.પૌલ?
  દિવ્યાના સસરા?
  કથામાં બીજા કોઇનો ઉલ્લેખ નથી એટલે ઉપરના ત્રણ જ, ખરું?
  દિવ્યાના સસરા ઑસ્ટ્રેલિયામાં છે અને એમને કાર અકસ્માત થયેલ છે એટલે હજી ત્યાં જ સારવાર હેઠળ છે.

  દિવ્યા જ હેતાને ડૉ.પૌલ પાસે સારવાર માટે લઇ જાય છે.જે આજદિન સુધી ન થઇ શક્યું તે તેમની સારવારને કારણે શક્ય બને છે. એનો મતલબ એ કે ડૉક્ટર એમના ક્ષેત્રમાં નિપૂણ હોવા જોઇએ અને આવા જિનિયસના જીવનમાં આવા છિછરાપણાને સ્થાન ન જ હોય.

  બાકી બચે છે દિવ્યાનો પતિ- પ્રિતેશ!!!!!!!!!!!
  એ જ છે હેતાને ગર્ભવતી બનાવનાર્……………
  હેતા મનની નબળી છે,જાતિય વ્રુત્તીઓ વિશે અજાણ છે,મને ઓળખે છે,દિવ્યાની ઘેરહાજરીમાં હું ઉપભોગ કરું તો કોને ખબર પડવાની છે? એમ માની પ્રિતેશે હેતાનો ઉપભોગ કર્યો, પણ પછી તો એણે કદાચ્ વારંવાર હેતાનો…..અને એને પરિણામે હેતા પ્રેગ્નન્ટ બની..

  સારવાર દરમિયાન ડૉક્ટર કે પોતાના ઘ્યાનમાં આ અસામાન્ય વાત આવી.એણે અનુમાન લગાવીને બધી વાતનો તાળો મેળવ્યો હશે.સમાજમાં થનાર બદનામી,પોતાના સામે ચિંધાનાર આંગળી,મનની નબળી ને પેટ જન્મનાર બાળકનું ભાવિ, પોતાના કૌટુંબિક જીવનની ખાનાખરાબી વિ.થી બચવાનો એને એક માત્ર ઉપાય દેખાયો.”હેતાની હત્યા”
  મરનાર,આત્મહત્યા વિશે અભાન છે એટલે એણે પોતે પોતાનો જીવ લઇ લીધો હોય એમ ના માની શકાય.
  મનની નબળી ને જ જો મારી નાખી હોય તો!!!!!!!!????????
  કોણ તપાસ કરવાનું છે?
  પાગલના મોતની કોને પડી હોય? પણ દિવ્યા જાણી ગઇ હશે ચોક્કસ.
  બસ ભાઇ! અબ પડૌશીઓકો જગાને કા વક્ત હો ગયા.
  જોડણીભૂલો અવગણવી.

  દિલીપ પટેલ

 • vishnu pandya

  આ વાર્તા છે… તે આમ હોવી જોઈએ કે તેમ હોવી જોઈએ એ વાત જ નિરર્થક છે, પોતાની રીતે આ લખી છે…અભિનંદન અને વધુ સારી વાર્તા આપો એવી શુભેછા.

 • નિમિષા દલાલ

  ઘણાંને એમ લાગ્યું કે આ વાર્તા અધુરી છે.. કે હેતાની સમજણ શક્તિ માટે પ્રશ્ન છે.. પણ વાર્તામાં જ તે બધા જ પ્રશ્નોનો જવાબ છે… દરેક વસ્તુની વિગતે ચોખવટ કરવી જરુરી નથી… હિંટ તો મેં આપી જ છે જેમકે.. હેતા સારી થઈ ગઈ જ હતી.તેને લઈ જવાની વાતનો ઉલ્લેખ વાર્તામાં છે જ… ..

 • Ali Asgar

  સરસ, પણ ઘણા પ્રશ્નો માંથી થોડાક ના જવાબ લેખિકા બેન ને આપવા જોઈતા હતા અથવા ઇસારો તો કરવો જોયેજ। ટૂંકી વાર્તા નો મતલબ અધુરી વાર્તા તો ના જ થાય.

 • M.D.Gandhi, U.S.A.

  વાર્તા તરીકે સરસ કહેવી હોય તો કહી શકાય, પણ જો એ મનથી પણ મોટી ન થઈ હોય તો પછી એને પરણાવી કેવી રીતે-શા માટે– અને સાચી વાત છે, હેતાને ગર્ભ રહ્યો, તેની તેને ખબર કેવી રીતે પડી….દિવ્યાને પણ ન કહે….??? અને તેને આપઘાત કરવાની રીત પણ કેવી રીતે આવડી…..કદાચ ટુંકી કરવા જતાં વાર્તા છેલ્લે અધુરી રહી ગઈ હોય તેમ લાગે છે.

 • kishore patel

  આ વાર્તા અધૂરી લાગે છે પણ આ એક સારી શરૂઆત છે. આ વાર્તા કેટલાક પ્રશ્નો ઉભા કરે છે : આ આત્મહત્યા હતી કે ઓનર કિલિંગ? હેતા ગર્ભવતી હતી એની ખબર પહેલાં કોને પડી? જો હેતાને ખબર પડી હોય તો ગર્ભ એટલે શું એ એને સમજાયું ખરું? જો દિવ્યાને ખબર પડી હોય તો ચોક્કસ એ કંઈ ઉપાય કરે. હેતાને ગર્ભ રહ્યો તો કોનાથી એ વળી અલગ ટ્વિસ્ટ છે. આમ વાર્તા હજી આગળ વધી શકે એવી શક્યતાઓ અહીં ચોક્કસ છે. ટૂંકમાં આ એક સારી વાર્તાનો પ્રારંભ છે. નિમીષાબેન અને અક્ષરનાદને અભિનંદન.