‘દેશવિદેશ’ : રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓનો સંગ્રહ – નિમિષા દલાલ 7


આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે. ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. લેખકશ્રી ના જણાવ્યા મુજબ આ સંગ્રહમાં એવી ત્રણ ઉર્દૂ વાર્તાઓનો અનુવાદ છે જેના પર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને એ ત્રણેય વાર્તાઓ તેમાં નિર્દોષ ઠરેલી. એ વાર્તાઓ છે સાદત અલી મંટોની ‘ખોલી નાખ’, ખ્વાજા અહમદ અબ્બાસની ‘સરદારજી’ અને ઈસ્મત ચુગતાઈની ‘રજાઈ’.

હું હમણાં બે વર્ષથી જ સાહિત્ય સાથે સંકળાઈ છું, આ સંગ્રહ દ્વારા કેટલાક વિદેશી તેમજ પ્રાદેશિક લેખકોની કલમને માણવાનો મોકો મળ્યો. લોકોના મોંએ આમાંથી બે નામ ઘણાં સાંભળેલા સઆદત અલી મંટો અને ઈસ્મત ચુગતાઈ. આ સંગ્રહ દ્વારા એમની વાર્તાઓ પણ માણી. બધી જ વાર્તાઓ ગમી. અહીં મારા ગમા-અણગમા સિવાય બીજી કોઇ રીતે વાર્તાઓ મૂલવવાની મારી યોગ્યતા નથી.

આ સંગ્રહની પહેલી વાર્તા છે, ગીતાંજલી શ્રીની ‘આપણું માણસ’. આ વાર્તા લંડનની પૃષ્ઠભૂમિ પર લખાયેલી છે. આ વાર્તામાં લંડનમાં રહેતા ભારતીય પરિવારની રહેણી કરણી, ખાણીપીણી, એક ભારતીય માટે કંઈપણ કરી છૂટવાની તેમની ઇચ્છા અને લંડનનાં સ્થળોનો પરિચય મળે છે.

બીજી વાર્તા છે સૂરજ પ્રકાશની ‘જાદુ’. જેમાં નાયક પર એક અત્યંત મધુર અવાજવાળી યુવતીનો રોંગ નંબર લાગે છે અને તે એક વાર નહીં પણ પાંચ પાંચ વાર. ત્યાર પછી તો એ રોંગ નંબરવાળી યુવતી સાથે ઔપચારિક વાતો શરુ થાય છે એના અવાજના જાદુમાં નાયક ખોવાઇ જાય છે. દરરોજ તેનો અવાજ સાંભળવાની નાયકની આદત બની જાય છે અને તેને પરિણામે નાયકની જે મનોસ્થિતિ થાય છે તેનું આલેખન છે.

‘પથ્થરરાગ’ નામની ત્રીજી વાર્તાના લેખક પણ સૂરજ પ્રકાશ જ છે. આ વાર્તામાં એક પ્રાધ્યાપકને તેની શિષ્યા {જે અધૂરો અભ્યાસ છોડીને અચાનક ગુમ થઈ ગઈ હોય છે} એક પત્ર લખે છે. જેમાં અભ્યાસ છોડીને જવાનું કારણ અને તેની અત્યાર સુધીની વિતેલી જિન્દગી વિષે જણાવે છે. પોતાની બહેનના મૃત્યુ પછી તેના નવ અને ત્રણ તેમજ એક નવજાત બાળકનું ધ્યાન રાખવા તેના બનેવી સાથે તેને પરણાવી દેવામાં આવે છે. તે શું અનુભવે છે અને તેનો સંસાર કેવો છે એ વિશેનો ચિતાર એ પત્રમાં છે.

ચોથી વાર્તા છે સાદત અલી મંટોની ‘નગ્ન ધ્વનિઓ’. આ વાર્તામાં મજૂરવર્ગનાં દંપત્તિઓ ઉનાળામાં મકાનની અગાસી પર એક સાથે નજીક નજીક તંબુ જેવું બાંધી એકાંત મેળવે છે અને વાર્તાનો કુંવારો નાયક પતિ-પત્નીના રાતના સંવાદોથી લગ્ન કરવા પ્રેરાય છે. પરંતુ પોતાના એકાંતી તંબુમાં પત્ની સાથે સહવાસ માણી ન શકતા એની પત્ની તેના વિશે જે વાત ફેલાવે છે તેને કારણે પાગલ થઈ જવા સુધીની નોબત આવે છે. આમાં એ નાયકની મનોસ્થિતિ દર્શાવાઈ છે.

પાંચમી છે ‘ખોલી નાખ’ નામની વિવાદિત મંટોસાહેબની વાર્તા. દેશમાં ભાગલા પડ્યા ત્યારના સમયે એક પિતા પોતાની દીકરીને શોધે છે. દીકરી મળતી નથી તેથી પિતાની માનસિક સ્થિતિ કેવી થાય છે અને જ્યારે એ દીકરી મળે છે ત્યારે એની હાલત શું હોય છે તેનું શબ્દિક ચિત્રણ આ વાર્તામાં છે.

ત્યાર પછીની વાર્તા છે ખ્વાજા અહમદ અબ્બાસની વિવાદિત વાર્તા ‘સરદારજી’. આ વાર્તામાં મુસ્લિમ અને શીખ વચ્ચેના સાંપ્રદાયિક ઉપદ્રવની વાત છે. બંને કોમોના બે માનવીઓ આઉપદ્રવ વચ્ચે પણ એકબીજાના પરિવારને પોતાનો જીવ ગુમાવીને બચાવે તેની વાત છે.

આ પછીની વાર્તા ઈસ્મત ચુગતાઈની વિવાદિત વાર્તા ‘રજાઈ’ છે. એક પુરુષ વિનાની સ્ત્રી પોતાની ગુલામ સ્ત્રી પાસે પોતાની શારિરીક ઇચ્છાઓની પૂર્તિ કરાવે છે. તે જ ઓરડામાં એક બાળકી રજાઈના આકારો જોઇને ડરે છે. એ બાળકીની નજરથી લેખિકાએ બે સ્ત્રી વચ્ચેના સંબંધની આખી વાતને ઉપસાવી છે.

વિજયા રાજ્યાધ્યક્ષની ‘અપરિચિત’ આ પછીની આઠમી વાર્તા છે. આ વાર્તામાં વર્ષોના સુખી લગ્નજીવન પછી પણ પોતાનું અસ્તિત્વ શોધતી એક સ્ત્રીની વાત છે. લોકોના પોતાની નજીક આવ્યા પછી દૂર ચાલ્યા જવાના ડરથી ગભરાતી એ સ્ત્રીની મનોસ્થિતિ આ વાર્તામાં દર્શાવવામાં આવી છે.

નવમી વાર્તા ‘સૂરતનું કોફી હાઉસ’ નામની છે જેના લેખક છે લિઓ ટોલ્સટોય. આ વાર્તામાં અલગ અલગ ધર્મના લોકો કોનો ધર્મ શ્રેષ્ઠ છે એ બાબતમાં લડે છે અને પોતાને સાચા બતાવવા ને બીજાને ખોટા પાડવા એકબીજાના ધર્મને નીચો પાડવાની કોશીશ કરે છે.

અને છેલ્લી અને દસમી વાર્તા છે ‘આવતીકાલે હું સાફ કરીશ પિત્તળને’ જેના લેખક છે ઈલેનોર બર્ફોડ. નિવૃત્ત થયેલ પતિની દરેક વાતમાં કંજુસાઈથી ત્રાસીને પોતાના પતિને પત્ની ધિક્કારવા લાગે છે. ત્યાં સુધી કે તે તેના પતિની હત્યા કરી નાંખે છે.. આમ કરવા સુધી તે કઈ કઈ યાતનાઓ માંથી પસાર થાય છે તે વિષયવસ્તુ છે આ વાર્તાનો.

આ બધી વાર્તાઓ મને ગમી પણ વિશેષતઃ તો ‘ખોલી નાખ’ વાર્તા વધુ ગમી. દેશના ભાગલા મારા જન્મ પહેલાં થયેલા એટલે એનો બહુ ખ્યાલ નહોતો. એ વાર્તામાં પિતાની એ દીકરી પર તેને મળનારા બધાએ જ અત્યાચાર કર્યા છે અને એ માત્ર બે જ શબ્દો જાણે છે ખોલી નાખ. ને યંત્રવત એ બેભાન પણે સલવારનું નાડું ખોલી નાખે છે. એની ભાળ મળે છે તેના મૃત લાગતા દેહની સરવાર અર્થે ડો. પાસે લવાય છે. ડો. બારી ખોલવાની સૂચના આપે છે ને એ દીકરીનો હાથ તરત યંત્રવત સલવાર પર જાય છે અને પિતા આનંદથી ચિત્કારી ઉઠે છે “જીવે છે જીવે છે..” આમાં એ દીકરી પર શું શું વીત્યું હશે અને પિતાને માટે તો બસ પોતાની દીકરી જીવતી છે એ વાત આનંદની છે.. કેટલી વેદના છૂપાઈ છે એ શબ્દોમાં !! એ સમયે લોકો પર જે વિતેલી તેનો આબેહુબ ચિતાર એ વાર્તામાંથી મળે છે. આમ પણ મંટોસાહેબ હકીકતને શબ્દોમાં ઢાળી વાર્તાઓ લખતા હતા એવું મેં સાંભળ્યું હતું જે આ વાર્તા વાંચવાથી માની પણ લીધું.

મિત્રો આ તો આ વાર્તાઓ વાંચીને મેં અનુભવેલી વાત છે તમારો અનુભવ જુદો પણ હોઈ શકે છે.

– નિમિષા દલાલ

નિમિષાબેનની વાર્તાઓ આ પહેલા અસંખ્ય વખત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે અને વાચકોના સ્નેહને મેળવતી રહી છે. આજે તેમણે અહીં શ્રી રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓના સંગ્રહ ‘દેશવિદેશ’નો પરિચય આપવાનો યત્ન કર્યો છે. આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે. ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. પુસ્તક પરિચય વાચકોમાં કેટલાક સુંદર અને માણવાલાયક પુસ્તકો પ્રત્યે એક આંગળીચીંધણ પુરવાર થાય છે, અને એ રીતે પુસ્તક વાંચનનો પ્રચાર અને પ્રસાર થાય છે. પ્રસ્તુત પુસ્તક પરિચય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “‘દેશવિદેશ’ : રવીન્દ્ર પારેખ અનુદિત વાર્તાઓનો સંગ્રહ – નિમિષા દલાલ

 • નિમિષા દલાલ

  મિત્રો. આ પુસ્તકના પ્રકાશક છે સાહિત્ય સંગમ સુરત.. હુ ં માનું છું કે કોઇ પણ બૂકસ્ટોરમાં મળી જશે અને જો ન મળે તો તમારુ આઈડી કે પોસ્ટલ એડ્રેસ આપશો તો જનકભાઈને કહીને તમને મોકલી શકીશ.. સુરત અને અમદાવાદમાં એમના પોતાના બૂકસ્ટોર છે.. ત્યાંથી તમને મળી જશે.. આભાર..

 • R.M.Amodwal

  respected Nimishaben you have forwarded your appriciation in respect of book ” desvidesh” if soft /hard copy is availble than only Reader can enjoy.
  please make your efforts for the same.

 • નિમિષા દલાલ

  નમસ્કાર વાચકો .. આપનો ખૂબ ખૂબ આભાર.. આપને કઈ વાર્તા અહીં વાંચવી ગમશે તે કહેશો તો હું એ વાર્તા ટાઈપ કરીને અક્ષરનાદ પર મોકલીશ અને જિગ્નેશભાઈને તે અહીં પ્રસ્તુત કરવા વિનંતિ કરીશ…

  આ પુસ્તકના પ્રકાશક છે સાહિત્ય સંગમ… ત્યાંથી કે કોઇ પુસ્તકના મેળામાંથી આપ આ પુસ્તક પ્રાપ્ત કરી શકશો.. જો મને તમારુ પોસ્ટલ એડ્રેસ આપશો તો હું જનકભાઈને વાત કરી આપ સુધી પુસ્તક મોકલવાની વ્યવસ્થા કરી શકીશ..

  દેવેન્દ્રભાઈને જણાવવાનું કે આપ કદાચ નોવેલ એટલેકે નવલકથાની વાત કરી રહ્યા છો. જે મારા મત પ્રમાણે ઈ-બૂક સ્વરૂપે જિગ્નેશભાઈ અહીં મૂકી શકે. બાકી આ ટૂંકીવાર્તાની રીતે નવલકથા પ્રગટ કરવાનું મુશ્કેલ જ થાય. ઉપર લખેલ વાર્તાઓમાંથી કઈ વાર્તા આપ અહીં વાંચવી પસન્દ કરશો તે કહેશો તો હું તે કરી શકીશ્.

  ફરીથી સૌ વાચકમિત્રોનો આભાર અને આમ જ સાથ મળતો રહેશે એવી અપેક્ષા…

  નિમિષા દલાલ…

 • Ali Asgar

  Nice. If Possible we want all these story on ” Aksharnad “.
  You just given the us test. We need whole meal. Can not wait.Please. Thank You.

 • Paresh Pathak

  Dear Nimishaben,
  Where can I get the translated articles’ for reading? I will be thankful to you for the same. Being a writer the way you have given short introduction of each individual articles’ I can’t stop myself to ask you for availability of the articles’ With Warm Regards