ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે 12


ગાંધીજીએ પોતાના અંતિમ જન્મદિને લેડી માઉન્ટબેટનને કહેલું કે, ‘લાંબુ જીવવાની હવે મને ઇચ્છા નથી.’ ગાંધીજી તેમનાં જન્મ દિવસે પણ સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા, જન્મદિવસની ઉજવણી માટે તેમણે કોઈ ઉત્સવ કે પાર્ટીનું ક્યારેય આયોજન કર્યું ન હતું. કસ્તુરબા એ તેમના એક જન્મદિવસે ઘીનો દીવો પ્રગટાવતાં બાપુએ તેમ કરવાની ના કહી હતી.

આજે ૨ જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. જે દેશ અને દુનિયામાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક તેમજ સરકારી રાહે, ચીલાચાલુ રીતે ઉજવાશે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી પાછળ હજારો રૂપિયા ખરચાશે, પરંતુ ગાંધીજી જયારે હયાત હતા ત્યારે તેમનો જન્મ દિવસ કઈ રીતે ઉજવાતો હતો તે જાણવું વધારે રસપ્રદ બની રહેશે.

તેમના એક જન્મ દિવસ ઉપર કસ્તુરબાએ ઘીનો દીવો પ્રગટાવ્યો. તે જોઈ ગાંધીજીએ તેમને કહ્યું હતું કે, ‘આવો ખર્ચ આપણે ન કરવો જોઈએ કારણ કે દેશના લાખો ગરીબોના ઘરમાં રાતે દીવો નથી થતો માટે આપણને આવો દીવો પ્રગટાવવાનો અધિકાર નથી.’

સાદાઈ અને ત્યાગની મૂર્તિ સમાન ગાંધીજી પોતાનો જન્મદિવસ સતત પ્રવૃત્તિમાં રહીને ઉજવતા હતા. આજે જન્મદિવસની ઉજવણી એટલે કેક કાપવી, શાનદાર પાર્ટી યોજવી. ભેટ સોગાદો ખડકી દેવો. એવું જોવાં મળે છે પરંતુ ગાંધીજીના જન્મદિવસે ઉજવણીનો આવો કોઈ ધમધમાટ જોવાં મળતો ન હતો. ઉપરનો પ્રસંગ તેઓ આમાં માનતા ન હતા એ વાતની પ્રતીતિ કરાવે છે.

દક્ષિણ આફ્રિકા ત્રીજીવાર ગયા બાદ ગાંધીજી તા. ૯-૧-૧૯૧૫ ના રોજ હંમેશને માટે ભારત પાછા આવ્યાં અને તા. ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ તેમનો દેહવિલય થયો ત્યાં સુધી, ભારતના જાહેર જીવન સાથે તેઓ સંકળાયેલા રહ્યા. ૧૯૧૫ થી ૧૯૪૭ સુધી દર વર્ષની બીજી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસે શું કરતા હતા તેની તવારીખી ઝલક અહીં પ્રસંગોચિત બની રહેશે.

ઇ.સ. ૧૯૧૫ ની ૨ જી ઓક્ટોબરે ગાંધીજી અમદાવાદમાં હતા. ૧૯૧૬ માં પણ તેઓ અમદાવાદમાં હતા. જયારે ૧૯૧૭ માં રાંચી હતા. ૧૯૧૮ માં જન્મદિવસે તેમની તબિયત ખરાબ હતી. આગલી રાતે તબિયત ખૂબ જ બગડી હતી તે સમયે તેઓ અમદાવાદ સાબરમતી આશ્રમમાં હતા.

તેમને હૃદય ઉપર અસર થઇ હતી. ધબકારા અનિયમિત થઇ ગયા હતા. એક તબક્કે ગાંધીજીને લાગ્યું કે હવે તેમનો અંતકાળ નજીક આવી ગયો છે તેથી તેમના પુત્રો હરીલાલ અને દેવદાસને બોલાવી લીધેલા. આ જન્મદિવસ તેમણે પથારીમાં જ પસાર કર્યો. માંદગીમાંથી તેઓ ૧૫ દિવસે સજા થયા.

૧૯૧૯ માં તેઓ મુંબઈમાં હતા અને તેમણે ૫૦ વર્ષ પૂરા થયાં. આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે મુંબઈમાં ભગિની સમાજના આશ્રમે વનીતા વિભાગમાં મહિલાઓની જાહેર સભામાં ગાંધીજીને રૂ.૨૦,૧૦૦/- ની થેલી અર્પણ કરી જે તેમણે પાછળથી એક ટ્રસ્ટની રચના કરીને તેને સોંપી દીધી હતી.

૧૯૨૦ ની સાલમાં મુંબઈમાં તેમનાં જન્મદિવસે ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યાં જેમાં લોકમાન્ય ટિળક સ્વરાજ ફાળા માટે રૂપિયા એક કરોડ ઉઘરાવવાનું નક્કી કરાયું. ૧૯૨૧ માં પણ તેઓ મુંબઈ હતા. જયારે ૧૯૨૨ અને ૧૯૨૩ માં તેઓ યરવડા જેલમાં અને ૧૯૨૪ માં તેઓ દિલ્હીમાં હિંદુ-મુસ્લિમ એકતા માટે ઉપવાસ પર ઉતરેલા.

ત્યારબાદ તેઓ ૧૯૨૫ માં ભાગલપુર, ૧૯૨૬ માં અમદાવાદમાં અને ૧૯૨૭ માં દક્ષિણ ભારતના વિરુધુનગરમાં હતા. ૧૯૨૮ માં તેઓ અમદાવાદમાં હતા અને ૧૯૨૯ માં ઉત્તરભારતના ગાજીપુરમાં હતા ત્યારે મ્યુનિસીપાલીટી દ્વારા ગાંધીજીને માનપત્ર અપાયું હતું. ૧૯૩૦ માં તેઓ યરવડા જેલમાં હતા. ૧૯૩૧ માં લંડન ખાતે તેમના જન્મદિવસ નિમિત્તે હિંદીઓ અને વિદેશીઓ દ્વારા તેમનું અભિવાદન કરાયું હતું. એ સમયે તેઓ ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે ગયા હતા. ૧૯૩૨ માં તેઓ યરવડા જેલમાં હતા.

૧૯૩૩ માં પૂનામાં અને ૧૯૩૪ તથા ૧૯૩૫ માં તેઓ વર્ધામાં હતા. તા.૨-૧૦-૧૯૩૫ નાં રોજ ગાંધીજીએ મદ્રાસ ખાતે શ્રીમતી અમ્બુજ્મ્માલ (દક્ષિણ ભારતના જાણીતા કાર્યકર એસ. શ્રીનિવાસ આયન્ગરના પુત્રી)ને વર્ધાથી એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘મારી વર્ષગાંઠ ઉપર તેં મારું દીર્ઘાયુ ઈચ્છયું એ પાછળની તારી ઊંડી લાગણી હું સમજુ છું. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો યે વિધાતા મને આપેલી આવરદામાં એક મિનિટનો પણ વધારો કરે તેમ નથી.’

૧૯૩૬ અને ૧૯૩૭ માં તેઓ સેગાંવ હતા. ૧૯૩૮ માં તેઓ દિલ્હીમાં હતા. જયારે ૧૯૩૯ માં પણ તેઓ દિલ્હીમાં જ હતા. જ્યાં બિરલા ભવન ખાતે રાજેન્દ્રબાબુ અને જવાહરલાલ નેહરુ સાથે તેમણે મંત્રણાઓ કરી હતી. ૧૯૪૦ માં વર્ધામાં વર્ષગાંઠ પ્રસંગે આશ્રમની વિદ્યાર્થીનીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ૧૯૪૧ માં વર્ધામાં તેમણે વિદ્યાર્થીનીઓએ હાથે વણેલી ધોતી ભેટ આપી હતી. તે દિવસે ગાંધીજીએ કાંતણયજ્ઞમાં ભાગ લીધો હતો.

૧૯૪૨ માં પુના ખાતે આગાખાન જેલમાં જન્મદિવસ ઉપર જેલરે ૭૪ મી વર્ષગાંઠ નિમિત્તે તેમને હાર પહેરાવી રૂ. ૭૪ ભેટ આપ્યા હતા. ૧૯૪૩ માં પણ તેઓ ત્યાં જ હતા. ૧૯૪૪ માં સેવાગ્રામ ખાતે તેમનાં જન્મદિવસ પ્રસંગે, વિખ્યાત લેખક બર્નાર્ડ શો સહિત ઘણાં લોકોના શુભેચ્છા સંદેશા આવ્યા હતા. કસ્તુરબા સ્મારક નિધિની થેલી તેમને આપવામાં આવી. ૧૯૪૫ માં તેઓ પુનામાં હતા. ૧૯૪૬ અને ૧૯૪૭ માં ગાંધીજી દિલ્હીમાં હતા.

૧૯૪૭ માં તેમની હયાતી દરમિયાનના અંતિમ દિવસે દિલ્હીમાં ઘણાં લોકો ઉપરાંત લેડી માઉન્ટબેટને ગાંધીજીને જન્મદિવસના અભિનંદન આપ્યા હતા. તેમણે લેડીમાઉન્ટબેટનને કહ્યું કે, ‘આને અભિનંદન નહીં, પણ ખરખરો કહેવો વધુ યોગ્ય છે. લાંબુ જીવવા હવે મને ઇચ્છા નથી.’

પુનાની આગાખાન જેલમાં કસ્તુરબા અને અંગત સચિવ મહાદેવભાઇ દેસાઈનું અવસાન, ઝીણા સાથેની નિષ્ફળ વાટાઘાટો, ભારતના ભાગલા, દેશની સ્વતંત્રતા સમયે થયેલા કોમી તોફાનો, તેમની સમક્ષ આવતી ભ્રષ્ટાચારની ફરિયાદો વગેરેથી ગાંધીજી કદાચ વ્યથિત અને હતાશ થઇ ગયા હતા. ૧૨૦ વર્ષ જીવવાની અગાઉ વાતો કરતા હતા તે મહાત્મા હવે મૃત્યુની વાતો કરતા હતા.

આજે તેમની જન્મજયંતી નિમિત્તે ૧૯૧૫ થી ૧૯૪૭ સુધી તેમનાં જન્મદિવસે ૨ જી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસ કેવી રીતે ઉજવતા તેની ઉપરોક્ત વિગતો શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત, ‘ગાંધીજીની દિનવારી’ અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ઉપરથી સંકલિત કરી છે.

અસ્તુ.

– સંકલન: હરેશ દવે (જૂનાગઢ) : પ્રસ્તુતિ: હર્ષદ દવે. (વડોદરા)


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે