આલિશાન બેડરૂમ, તેને કલાત્મક બનાવતાં દિવાલ પરનાં રાજા રવિવર્માના પેઈન્ટીંગ, છતને ભવ્યતા બક્ષતુ વિશાળ કાચનું ઝુમ્મર, શાહી ઠાઠનો આભાસ કરાવતો રજવાડી પલંગ, ખૂણાઓની શોભા વધારતી બેનમૂન શિલ્પકૃતિઓ, આખા રૂમને સમાવતી લાલ જાજમ અને વિવિધ રંગોના પ્રકાશથી ઝળહળતો આ રૂમ.
એકાએક રૂમમાં અંધકાર છવાઈ ગયો, થોડી ક્ષણો બાદ ઝાંખો પ્રકાશ પ્રગટ થયો, ધૂંધળી રોશનીમાં બે અસ્પષ્ટ માનવઆકૃતિ નજરે પડી. જેમ જેમ અજવાળું વધતું ગયું તેમ તેમ માનવદેહ સ્પષ્ટ થતાં ગયાં.
રાજા રવિવર્માના પેઈન્ટીંગની જીવંત પ્રતિકૃતિ સમાન એક યુવતિ દ્રષ્ટિગોચર થઈ. પલંગ પર સૂતેલી યુવતીનું શરીર ફક્ત સફેદ પારદર્શક ઓઢણીથી ઢંકાયેલું હતું. નગ્નતા હંમેશા કામુક અને બિભત્સ જ નથી હોતી, કલાત્મક અને શૃંગારીક પણ હોય છે – એ વાત નિર્વસ્ત્ર દેખાતી યુવતિ માટે એકદમ બંધબેસતી હતી, પરંતુ રૂમમાં બીજું કોણ હતું?
એક યુવક ! બરોબર પલંગની સામે ઉભો હતો. સુંદર દેહ સૌષ્ઠવ અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતો યુવક આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. તે એકીટશે યુવતિને નિહાળતો હાથમાં પીંછી પકડીને કંઈક વિચારતો હતો. તેની આજુબાજુ વિવિધ રંગો વિખેરાયેલાં પડ્યાં હતાં. યુવક તેની સામેના અલૌકિક સૌંદર્યને કેનવાસ પર ઉતારવા આતુર હતો.
આખરે પીંછી અને કેનવાસનું મિલન શરૂ થયું, યુવકની નશીલી આંખો ક્યારેક યુવતિ તરફ તો ક્યારેક કેનવાસ પર ફરતી હતી. ઓચિંતાની પવનની જોરદાર લહેર રૂમમાં ફરી વળી. યુવતિના શરીરથી ઓઢણી અળગી થઈ ગઈ અને…
સર્જક સફાળો ઉંઘમાંથી ઉઠીને પથારીમાં બેસી ગયો. એલાર્મ રણકી રહ્યું હતું, તેને એલાર્મ પર ખૂબ ગુસ્સો આવ્યો પણ શું થાય? ઝડપથી નિત્યક્રમ પૂરો કરીને તે તૈયાર થઈ ગયો સંતાન હોસ્પિટલની સ્પર્મબેંકમાં સ્પર્મ ડોનેટ કરવા. છેલ્લા લગભગ બે વર્ષથી સર્જક ત્યાં મહીને એક-બે વાર જતો. તે નિઃસંતાન દંપત્તિના ચહેરા પર ખુશી જોવા માંગતો હતો. આ માટે બીજા યુવકોની જેમ તે પૈસા લેતો નહીં, તેથી હોસ્પિટલનો સ્ટાફ પણ સર્જકને સારી રીતે ઓળખતો થઈ ગયો હતો. ડૉક્ટરો, નર્સ તથા અન્ય સ્ટાફ હંમેશા તેની પાસે પોતાના ચહેરા દોરાવતા.
હોસ્પિટલથી ઘરે આવીને સર્જક તેનાં પેઈન્ટીંગના પ્રદર્શન માટે ચિત્રો તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયો. ‘માસી, આજે રાત્રે ખાવાનું બનાવવા ધક્કો ખાતા નહીં, હું બહાર જમવાનો છું, ક્યારેક તો તમને આરામ મળવો જોઈએ ને?’
સર્જકના મકાનને ઘર કહેવાલાયક બનાવનાર માસી જ હતાં, બંને સમયની રસોઈ, કપડાં, વાસણ, સાફસફાઈ – બધું માસી જ કરતાં. સર્જક ફક્ત તેનાં બેડરૂમ કમ સ્ટુડીઓની સફાઈ જાતે કરતો, એટલી માસીને શાંતિ હતી.
– – – –
સાંજના સમયે, લોકોની ભીડભાડથી દૂર, સર્જક દરિયાક્નારે કુદરતને કેનવાસ પર ઉતારવા મથી રહ્યો હતો. તલ્લીન બનીને સાગરને કાગળમાં સમાવતો આજુબાજુના સૌંદર્યને માણી રહ્યો હતો. ‘કલાકાર જો અનુભૂતિ કરી શકે તો જ અનુભવને કલાના માધ્યમમાં ઢાળી શકે એવું તેનું દ્રઢપણે માનવું હતું. પેઈન્ટીંગ પૂરું થવા આવ્યું હશે ત્યાં તેની નજર કેનવાસને બદલે દરિયાકિનારે પર અટકી ગઈ. દરિયાની રેતીમાં, ખુલ્લા પગે ચાલતી, ભીની રેતીના સ્પર્શથી રોમાંચિત થતી સુંદર યુવતી પર તેની નજર સ્થિર થઈ ગઈ પણ તે યુવતિ સર્જક તરફ નહીં પરંતુ તેનાથી દૂર જઈ રહી હતી. થોડીવારમાં તો અદ્રશ્ય પણ થઈ ગઈ. સર્જક રાત્રે જોયેલા સ્વપ્નની જેમ બાઘો બનીને ઉભો રહ્યો. સપનામાં અને હકીકતમાં પણ – આકૃતિ મળી પણ ઓળખ ન મળી.
રાત્રે ફરી સપનું આવવાની આશાએ ઊંઘી ગયો પરંતુ નિરાશા સાથે જાગવું પડ્યું. આજે ગાર્ડનમાં ઉપડ્યો ત્યાંના રંગોને પોતાના હાથે રંગવા માટે, રંગોની માયાજાળમાં ગૂંચવાયો હતો ત્યાં જ પાયલનો મીઠો રણકાર તેના કાને પડ્યો. અવાજની દિશામાં નજર દોડાવી પણ એટલી વારમાં તો પાયલવાળી યુવતિ દૂર નીકળી ગઈ, તેનો ધૂંધળો અણસાર સર્જકની આંખોમાં કેદ થઈ ગયો.
‘કાલે દરિયાકિનારે કદાચ આ જ યુવતિ હતી.’ સર્જક ધીમેથી બબડ્યો.
તે અડધું ઉપરાંતનું કામ બહાર રહીને કરતો જ્યારે અંતિમ ફિનિશિંગ ઘરે આવીને કરતો.
‘ન્યુડ પેઈન્ટીંગ પ્રદર્શનમાં મૂકવું છે પણ લાગે છે કે કલ્પનાનો જ સહારો લેવો પડશે. વાસ્તવિક યુવતિ તો… શક્ય નથી. રાજા રવિવર્મા ખરેખર ખૂબ જ ભાગ્યશાળી હતા કે સુગંધા જેવી સ્ત્રી તેમના માટે પ્રેરણા બની મહાજ સર્જન માટે, મારું ભાગ્ય પણ આવું હોત તો..!’ મનમાં અફસોસ સાથે પથારીમાં તે આડો પડ્યો અને થોડીવારમાં તે ઉંઘી ગયો.
સવારે ઊઠીને મોર્નિંગવૉક માટે નીકળી પડ્યો. થોડે દૂર ગયો હશે ત્યાં જ તેની સાવ નજીકથી, નજર સામે જ, ગાર્ડનવાળી યુવતીને પસાર થતાં જોઈ. આ વખતે ધૂંધળો ચહેરો સ્પષ્ટ થયો પણ તેની આંખોને વધારે લાભ મળ્યો નહીં. તે દોડતી ઘણે દૂર પહોંચી ગઈ.
‘ફરી પાછી એ જ યુવતિ ! આ એક સંયોગ છે કે મારો ભ્રમ… જે હોય તે…’ મોબાઈલમાં ગીત સાંભળતો ચાલવા લાગ્યો. ઘરે પહોંચ્યો ત્યાં માસી આવી ગયા હતા. તેનાં માટે સવારનો નાસ્તો બનાવતા હતાં.
‘માસી, આજે બપોરે હું બુક લેવા જવાનો છું, મોડું થશે, મારી રાહ જોતા નહીં, ખાવાનું બનાવીને તમારું ટીફીન લઈને જતાં રહેજો. હું તો આવીને જમીશ.’
બુકની ખરીદી કરવા તે ક્રોસવર્ડમાં પહોંચ્યો. હજી તો અંદર દાખલ થયો ત્યાં તો ચોંકી ઉઠ્યો. આંખો ચોળી, માથા પર એક હળવી ટપલી મારીને ખાતરી કરી કે તે જે જોઈ રહ્યો છે તે ભ્રમ નથી પણ હકીકત છે. પેલી યુવતિ પણ બુક લેવા આવી હતી, અને આજે તો તે બિલકુલ સામે જ ઊભી હતી.
‘હેલો, પ્લીઝ એક મિનિટ તમારી પેન આપશો?’ યુવતિએ સર્જકની સામે જોઈને કહ્યું.
‘કોણ હું?’ સર્જકે ખાતરી કરી કે તેને જ બોલાવાયો છે કે બીજાને !
‘હા, પેન આપોને પ્લીઝ’
‘શ્યોર’ પેન આપતાં સર્જકે ચહેરો નીરખવાની કિંમત વસૂલી લીધી.
‘થેન્ક યુ..’
‘ઓહ, વેલકમ..’ સર્જક તો તૈયાર જ હતો.
તેને પૂછવાનું મન થયું કે દરિયાકિનારે, ગાર્ડનમાં અને કાલે મોર્નિંગવૉકમાં તમે જ હતાં? પણ ત્યાં તો એ જતી રહી.
ઘરે પરત ફરતાં સર્જકના મનમાં એ યુવતિનો ચહેરો સતત ઘૂમરાયા કર્યો. રાત્રે ફરી બે-ત્રણ દિવસ પહેલાં જોયેલું સ્વપ્ન આવ્યું, જોરદાર પવનની લહેર અને ચહેરા પરથી ઓઢણીનું સરી જવું.. સર્જક ફરી ઉંઘમાંથી જાગી ગયો પણ આ વખતે તેને ચહેરો ન જોવાનો અફસોસ થયો નહીં.
‘મળી ગઈ મને મારી મોડેલ, ન્યુડ પેઈન્ટિંગ માટે.’ ખુશ થતો બબડ્યો, ‘ક્રોસવર્ડમાં મળી, પણ એ કોણ છે? એનું સરનામું? એ તૈયાર થશે?’ પોતાને જ મનમાં પ્રશ્નો ઘેરી વળ્યાં અને તે નિરાશ થઈ ગયો.
– – – –
અઠવાડીયું પસાર થયું પણ યુવતિ મળી નહીં, દરરોજ સર્જકને થતું કે આજે તો મળશે જ પણ આશા નિરાશામાં ફેરવાઈ જતી. ઉદાસ ચહેરે દરિયાકિનારે બેઠો હતો.દૂરથી પેલી યુવતિ આવતી દેખાઈ અને સર્જકની આંખોમાં ચમક આવી ગઈ. ઉદાસી ભૂતકાળ બની ગઈ, તે આ વખતે એની તરફ જ આવી રહી હતી.
‘અરે, તમે મને ઓળખ્યો? ક્રોસવર્ડ, પેન..?’ સર્જકે યાદ અપાવતા કહ્યું.
‘હા, યાદ આવી ગયું.’ યુવતિએ હસીને જવાબ આપ્યો.
‘મેં આની પહેલા પણ તમને અહીં જોયા હતાં, તમને દરિયો ગમતો લાગે છે.’ સર્જકે રાહ જોયા વગર જ વાતચીત શરૂ કરી દીધી.
‘હા, મને દરિયો બહુ ગમે છે. લાગે છે તમને પણ..’ યુવતિએ વાતચીત આગળ ધપાવી.
આવી ઘણી વાતો ચાલતી રહી. સર્જકે તેમના વિશે લગભગ બધી જ વાતો કરી, એકલો જ રહે છે, ફાઈન આર્ટ્સમાં કરેલ અભ્યાસ વિશે… પોતાના પેઈન્ટીંગ બાબતે… પ્રદર્શન યોજવા અંગે… પેલી યુવતિ સાંભળતી રહી.
‘હવે આપણે પાછા ફરવું જોઈએ.’ યુવતિએ ચાલતા ચાલતા અટકીને કહ્યું.
‘જેવી તમારી મરજી, પણ તમે તો હજી સુધી તમારું નામ પણ મને કહ્યું નથી.’
‘પ્રેરણા.’
‘જો કાલે તમારે અહીં આવવાનું થાય તો ફરી મળીશું. હું તો કાલે આવીશ.’ એમ કહીને સર્જકે જણાવી પણ દીધું અને પૂછી પણ લીધું.’
‘મળીશું..’ યુવતિ પણ ચાલાક હતી.
‘બાય ધ વે તમે ક્યાં રહો છો?’
‘હું તમને મારા નામથી વિશેષ વધારે કંઈ પણ કહીશ નહીં, અને તમારી પાસેથી અપેક્ષા રાખું કે તમે પણ મને કાંઈ પૂછશો નહીં, બાકી આપણે ફરી મળીશું નહીં.’
‘ઓ.કે, કાલે મળીએ.’ સર્જકે જવાબ આપ્યો.
– – – –
મળવાનો વણથંભ્યો સીલસીલો ચાલુ થઈ ગયો. સર્જક પ્રેરણા વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હતો પણ તે બહુ વધારે પ્રશ્ન પૂછવાની હિંમત કરતો નહીં, તેણે ધીરજ ધરવાનું નક્કી કર્યું. પ્રેરણા જેટલી વાતો કરતી તેનાથી જ સંતોષ માનતો. સમય પસાર થતો ગયો તેમ બંને વચ્ચે નિકટતા પણ વધતી ગઈ. સર્જકે ઘણી અલગ અલગ મુદ્રાઓમાં પ્રેરણાને કેનવાસ પર કંડારી લીધી. સર્જકની પીંછીમાં એક અલગ જ તાજગી વર્તાવા લાગી.
‘પ્રેરણા, કોઈ પણ કલાકાર માટે પ્રેરણામૂર્તિ હોવી જરૂરી છે.’
‘તમારી પ્રેરણામૂર્તિ કોણ છે?’
‘અત્યાર સુધી તલાશ હતી તેની, પણ પ્રેરણા મળી તો પ્રેરણામૂર્તિની તલાશ પણ જાણે કે પૂરી થઈ ગઈ.’ પીંછીના રંગોનાં લસરકાં મારતાં સર્જકે જવાબ આપ્યો. થોડીવાર માટે બંને ચૂપ થઈ ગયાં.
‘પ્રેરણા, હું તારું એક ન્યુડ પેઈન્ટીંગ દોરવા માંગું છું.. તું તૈયાર છો એના માટે?’ સર્જકે ઓચિંતાનો પ્રશ્ન પૂછ્યો, જે કેટલાય દિવસોથી પૂછવાનો પ્રયત્ન તે કરતો હતો પણ હિંમત હારી જતો હતો. આજે તો દ્રઢ નિશ્ચય કર્યો ત્યારે તે શક્ય બન્યું.
પ્રેરણા કંઈ બોલી નહીં, વિચારતી રહી. સર્જકને થયું કે હમણાં ગુસ્સે થઈને જતી રહેશે કાં તો પછી તમાચો મારશે, એટલે એણે જ ચૂપકીદી તોડીને પોતે જોયેલા સપનાની વાત કરી અને તે સપનાને હકીકત બનાવીને પેઈન્ટીંગમાં મૂકવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી.
‘પણ..’ પ્રેરણા કંઈ બોલવા જાય એ પહેલા જ સર્જકે તેને અટકાવી.
‘તારો ચહેરો જ ખુલ્લો રહેશે, બાકી તારો વસ્ત્રહીન દેહ ઓઢણીથી ઢંકાયેલો જ રહેશે, પછી તને શું વાંધો છે? મહેરબાની કરીને ના નહીં કહેતી. મારા વિશે તું કંઈ ખોટી ધારણા બાંધતી નહીં… હું તારો ગેરફાયદો ઉઠાવવા નથી માંગતો, જો તને મારા પર વિશ્વાસ ન હોય તો…?’
‘હું કાલે જવાબ આપીશ.’ પ્રેરણા સમય માંગીને જતી રહી.
સર્જક માટે તો રાત પસાર કરવી ભારે થઈ પડી. સવારે ઉઠીને તેણે પેઈન્ટીંગ માટેની બધી જ તૈયારીઓ કરી લીધી. આવશે કે નહીં આવે તે વિચારમાં જ સૂરજ મધ્યાહને પહોંચી ગયો. પ્રેરણા તેના સમય પ્રમાણે આવી ગઈ, તે ગંભીર હતી. સર્જક બિલકુલ ચૂપ હતો, તેણે ના સાંભળવાની તૈયારી રાખી હતી, ત્યાં જ પ્રેરણા બોલી, ‘હવે તું બહાર જા, હું બોલાવું પછી અંદર આવજે.’
થોડીવાર બાદ અંદરથી અવાજ આવ્યો, ‘સર્જક, કમ ઈન..’
સર્જક ચૂપચાપ અંદર ગયો પણ સ્ટુડીયોમાં પગ મૂકતાં જ તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. બંધ આંખોએ જોયેલા સ્વપ્નને ખુલ્લી આંખોથી નિહાળતા સ્તબ્ધ થઈ ગયો. પ્રેરણા બિલકુલ એ જ અદાથી પલંગ પર ગોઠવાઈ ગઈ હતી જેનું વર્ણન સર્જકે કાલે કર્યું હતું.
‘સર્જક, શું થયું?’ પ્રેરણાએ આંખો ઝુકાવીને પૂછ્યું.
સર્જકે ધ્રુજતા હાથે અને ધડકતા હ્રદયે, મનને સ્થિર રાખી, પ્રેરણા પાસે જઈને તેના ચહેરા અને હાથ-પગને ચોક્કસ મુદ્રામાં ગોઠવ્યા, પછી આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરતાં, પોતાના સર્જનને યાદગાર બનાવવાની શરૂઆત કરી. બહાર વરસાદ વરસતો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પણ સર્જકના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ સ્પષ્ટ દેખાતાં હતાં.
કલાકાર તરીકે સર્જક આવેશથી સૌંદર્યને કેનવાસ પર ઉતારવામાં મગ્ન બની ગયો હતો પણ એક યુવાન પુરૂષ તરીકે ખૂબ જ સંયમથી પોતાની જાતને તેણે કાબૂમાં રાખી હતી. લગભગ ત્રણ કલાક જેટલા સમય બાદ પ્રેરણાને આરામ મળ્યો. પણ સર્જક હજી પેઈન્ટીંગમાં મશગૂલ અહતો. પ્રેરણાની ઉત્સુકતા વધી ગઈ, સર્જકના સર્જનને જોવાની.. જ્યારે પેઈન્ટીંગ જોયું તો બસ જોતી જ રહી ગઈ. પોતે સુંદર છે એ તો ખબર હતી પણ આટલી બધી સુંદર છે તેની પ્રતિતી જાણે કે આજે સર્જકે તેને કરાવી હોય તેવું લાગ્યું. તેની આંખમાં હર્ષના અશ્રુ ઉભરાઈ આવ્યા.
સર્જકે પાસે આવીને પ્રેરણા સમક્ષ બંધ આંખોએ હાથ ધર્યો. પ્રેરણાએ જોયું તો હાથમાં તેનાં કપડાં હતાં જે પહેરવાના બાકી હતાં. સર્જક મોં ફેરવીને બહાર નીકળી ગયો અને પ્રેરણાને આવા ચારિત્ર્યવાન સર્જકની પ્રેરણામૂર્તિ હોવા બદલ ગર્વ થયો.
પ્રદર્શનની તારીખ સાવ નજીક આવી ગઈ, બધાં જ પેઈન્ટીંગ તૈયાર હતાં. ખુશીની પળોમાં પણ તે થોડો ઉદાસ દેખાતો હતો તેનું કારણ હતી પ્રેરણા, ‘હવે હું તને તારા પ્રદર્શન પછી જ મળીશ, કારણ નહીં પૂછતો, બેસ્ટ ઓફ લક.’ સર્જકને પ્રેરણાના છેલ્લી મુલાકાતના શબ્દો યાદ આવી ગયા.
પ્રદર્શનનો દિવસ આવી ગયો. લોકોને બધા ચિત્રો ખૂબ પસંદ પડ્યા અને સારી કિંમતે એ વેચાયા પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું પેલું પ્રેરણાવાળું પેઈન્ટીંગ જેનું નામ સર્જકે રાખ્યું હતું – સર્જકની પ્રેરણા. એને વેચવાની સર્જકે ના કહી. પત્રકારોએ અને લોકોએ સર્જકની પ્રેરણા કોણ છે તેના વિશે ઘણી પૂછપરઃઅ કરી પરંતુ તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. ફક્ત એટલું બોલ્યો કે મારી પ્ર્રેરણા કાલ્પનિક નથી. એ મારી હકીકત છે, સર્જક માટે એ ઘણો યાદગાર દિવસ રહ્યો. સર્જક પ્રદર્શનની બધી વાતો પ્રેરણાને કહેવા તત્પર હતો પણ પ્રેરણા મળવા આવી નહીં.
બે દિવસ, ચાર દિવસ, અઠવાડીયું… એમ મહીનો થઈ ગયો પણ પ્રેરણાના કોઈ સમાચાર મળ્યા નહીં. સર્જક તો પાગલ જેવો થઈ ગયો. તે દરરોજ સાંજે દરિયાકિનારે જઈને બેસતો અને ઉદાસ થઈને પાછો ફરતો. તેના માટે દિવસો અસહ્ય બનવા લાગ્યા. પ્રેરણાને કેન્વાસ પર જોઈ, યાદ કરીને તે ગમગીન થઈ જતો.
_ _ _ _ _
છ મહીના વીતી ગયાં, સર્જક બહારથી સ્વસ્થ દેખાવા લાગ્યો, પણ અંદરથી તો વેરવિખેર જ હતો. પ્રેરણા ગયા પછી પહેલી વાર તે હોસ્પિટલમાં ગયો અને સ્પર્મ ડોનેટ કરીને બહાર આવતો હતો ત્યાં જ તેની નજર સામે પ્રેરણા પસાર થઈ. તેનાં નામની બૂમ પાડતો દોડ્યો પણ ટ્રાફિકને લીધે અટવાઈ ગયો, એટલીવારમાં તો પ્રેરણા દેખાતી બંધ થઈ ગઈ. રૂઝાયેલો ઘા પાછો તાજો થઈ ગયો.
‘એનો મતલબ એમ કે પ્રેરણા આ શહેરમાં જ છે, હવે હું એને શોધીને જ જંપીશ.’ પાછા ફરતા સર્જકે મનમાં નક્કી કર્યું. હોસ્પિટલની બહાર નીકળતાં થોડેક દૂર તેની નજર એક નવજાત રડતી બાળકી પર પડી. ‘કોઈ મૂકીને જતું રહ્યું લાગે છે, માણસો પણ કેવા નિર્દય થાય છે.’ સર્જકને મનોમન ખીજ ચડી. એણે ચોકીદારને પૂછ્યું પણ કોઈ માહિતી મળી નહીં. બળકીને પોલીસ સ્ટેશનમાં અથવા અનાથાશ્રમમાં સોંપવાનું વિચારી તેને ઘરે લઈ ગયો.
ઘરે જઈને બાળકીનો ફૂલ જેવો નિર્દોષ અને માસૂમ ચહેરો જોઈને પોલીસ સ્ટેશન જવા સર્જકનો જીવ ન ચાલ્યો. ‘આને હું મોટી કરીશ, મારી જેમ અનાથ બનીને મોટી નહીં થાય, એના નામની પાછળ મારું નામ લખાવીશ.’ સર્જકના અંતરાત્માનો એ અવાજ હતો જાણે કે ઈશ્વરનો સંકેત હોય તેમ તેને જીવવાનું ધ્યેય મળી ગયું. અનાથ હોવાના દર્દનો તેને અહેસાસ હતો, ‘માસી, કેવુ કહેવાય કે સંતાન હોસ્પિટલમાં લોકો સંતાન માટે આવે છે અને જેને સંતાન છે તે તરછોડીને નિઃસંતાન બની જતા રહે છે.’ સર્જકે માસીને બધી વાત કરતા કહ્યું.
‘કેવી ફૂલ જેવી દિકરી છે.’ માસીએ તેને રમાડતા કહ્યું.
‘અભણ અને પછાત સમાજના લોકો જ દિકરીને તરછોડે છે એવું નથી. શિક્ષિત અને મોભાદાર વર્ગમાં પણ આવું બને છે જે બહાર નથી આવતું. આ કોઈ એવી જ બાળકી લાગે છે. માસી તમે અહીં મારી સાથે જ રહેવા માટે આવી જાવ. મારાથી એકલા આનો ઉછેર કરવાનું બહુ મુશ્કેલ છે. આવશો ને તમે?’ સર્જકે માસીને પોતાનો નિર્ણય જણાવતાં પ્રશ્ન પૂછ્યો.
‘ઠીક છે બેટા, જો તું આવું સરસ કામ કરતો હોય તો હું તને સાથ જરૂર આપીશ.’ માસીએ કહ્યું એ પ્રમાનેની બધી જ જરૂરી વસ્તુઓ સર્જક તુરંત જ લઈ આવ્યો.
સર્જકે બાળકીનું નામ રાખ્યું ‘પરી’, ધીમે ધીમે સર્જકનું મન પરીમાં પરોવાઈ ગયું, ફરી ચિત્રો દોરવા લાગ્યો. પરી પણ સર્જક તથા માસીના હાથે મોટી થવા લાગી. પ્રેરણાને શોધવાનાં નિષ્ફળ પ્રયત્નો ચાલુ જ હતાં.
સર્જકને લાગ્યું કે માસીને તેની યુવાન દીકરીની ચિંતા રહે છે, તેથી માસીના મનની વાત જાણવા પૂછ્યું, ‘માસી, તમારી દીકરીને પણ અહીં બોલાવી લો ને, તેને એકલા રહેવાની જરૂર શું છે?’
‘એને લાગે છે કે લોકો ખોટી વાતો કરશે.’
‘એને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. સમાજથી હું નથી ડરતો.’ સર્જકે માસીને વિશ્વાસ અપાવતાં કહ્યું.
_ _ _ _ _
સર્જક બપોરે માસીના ઘરે ગયો, બારણે ટકોર મારી, અંદરથી અવાજ આવ્યો, ‘કોણ?’
‘હું, સર્જક.’
બારણું ખુલતાં જ સામે ઊભેલી યુવતિને જોઈને સર્જકની આંખો સામે અંધારૂ છવાઈ ગયું, પોતાની જાતને મહાપ્રયત્ને સંભાળી તે બોલ્યો, ‘પ્રેરણા તું?’ તેનો અવાજ ફાટી ગયો.
‘પ્રેરણા નહીં, ચાહના.. અંદર આવો, હું તમને ઓળખું છું.’
‘પ્રેરણા આવી મજાક ન હોય, હું કેટલા દિવસોથી તને શોધું છું ખબર છે?’
‘માફ કરજો, હું સમજી નહીં, આપણે ક્યારેય મળ્યા નથી, માંના લીધે હું તમને ઓળખું છું.’ તે બોલી.
‘ઠીક છે, તું મારા ઘરે માસીની સાથે રહેવા કેમ નથી આવતી? માસી તારી કેટલી ચિંતા કરે છે.’ સર્જકે વાત બદલતાં કહ્યું.
‘તમને લોકો પૂછશે તો શું કહેશો?’
‘લોકોને હું જવાબ આપી દઈશ.’ ચર્ચાઓ અને દલીલોને અંતે ચાહનાએ આવવાની તૈયારી દેખાડી.
_ _ _ _ _
બીજે દિવસે સવારે ચાહના સર્જકના ઘરે આવી ગઈ. માસી ખુશ થઈ ગયાં, ચાહના તો પરીને જોઈ ખુદ બાળક બની ગઈ, તેને રમાડવા લાગી. સાંજે માસી શાકભાજી લેવા ગયાં અને પરી ઉંઘતી હતી ત્યારે સર્જક ચાહનાને પોતાના રૂમમાં લઈ ગયો અને પ્રેરણાવાળું પેઈન્ટીંગ દેખાડીને પૂછ્યું, ‘બોલ કે તું પ્રેરણા નહીં ચાહના છે.’
‘આ હું નથી, હું તો તમને આ પહેલા મળી પણ નથી. બની શકે કે અમારો ચહેરો સરખો હોય પણ તેથી હું ચાહના મટીને પ્રેરણા બની જતી નથી.’ ચાહનાનો અવાજ ઉંચો થઈ ગયો.
‘લાગે છે કે હું પાગલ થઈ જઈશ.’ સર્જક ફસડાઈ પડ્યો.
_ _ _ _ _
પરીને તો જાણે માતા-પિતા અને દાદીનો પ્રેમ મળતો હોય એમ લાગવા માંડ્યું. બાળકને બીજું શું જોઈએ? એ તો લાગણી અને પ્રેમની પરિભાષા સમજે. બીજા છ મહીના પસાર થઈ ગયાં.
‘માસી મને લાગે છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ.’
‘તારા ધ્યાનમાં કોઈ છોકરી છે?’
‘હા, તમે પણ ઓળખો છો.’
‘કોણ?’
‘ચાહના.’ સર્જકે માસીના ચહેરા સામે જોઈને કહ્યું.
‘ના બેટા, એ શક્ય નથી.’ માસીએ નજર ફેરવતાં કહ્યું.
‘કેમ? હું એને લાયક નથી?’
‘એવું નથી, પણ ચાહનાનું નસીબ એટલું બધું સારૂ નથી કે તારા જેવો વર મળે.’
‘તો શું એનામાં કોઈ ખોટ છે?’
‘બેટા, ચાહના વિધવા છે, આ વાતને ત્રણ વરસ થયાં, મેં તો એને ઘણી સમજાવી પણ એ બીજા લગ્ન માટે તૈયાર નથી.’ માસીથી ડૂસકું ભરાઈ ગયું. સર્જકે માસીની માનસિક હાલત સમજીને વધુ વાત ન કરી પણ તેનું ધ્યાન ગયું કે ચાહના આ વાતચીત સાંભળતી હતી. બંનેની નજર મળી તો તે અંદર ચાલી ગઈ અને સર્જક તેની પાછળ ગયો. ‘હું આજે સાંજે દરિયાકિનારે તારી રાહ જોઈશ.’ આટલું બોલી તે બહાર નીકળી ગયો.
_ _ _ _ _
સાંજે સર્જક દરિયાકિનારે બેસીને તેનાં જીવનમાં થયેલી ઉથલપાથલને વિચારી રહ્યો હતો ત્યાં તે આવી પહોંચી, ‘મને અહીં બોલાવવાનું કારણ?’ આવીને ચાહનાએ પ્રશ્ન કર્યો.
‘મારી સાથે લગ્ન બાબતે તારો જવાબ જાણવો છે.’
‘માં એ તમને વાત તો કરી.’
‘તું વિધવા છો તો શું થયું? બીજા લગ્ન કરવાનો તને અધિકાર છે.’
‘તમે તો પ્રેરણાને…’ ચાહના અટકી ગઈ.
‘જેમ તારો એક ભૂતકાળ છે એમ મારો પણ એ ભૂતકાળ છે, હવે હું ભવિષ્યની વાત કરું છું.’
‘કુદરતે મને વિધવા બનાવી, બાકી છૂટાછેડા નિશ્ચિત હતા.’
‘કેમ?’
‘હું થેલેસીમિયા માઈનર છું, એ વાત મારા સાસરીયાવાળાઓથી સહન ન થઈ, એમને લાગ્યું કે મેં લગ્ન પહેલા આ વાત છુપાવી હતી.’
‘હકીકત શું હતી?’
‘મને પણ ક્યાં એ ખબર હતી? એ તો જ્યારે મારે સારા દિવસ જતા હતા ત્યારે ટેસ્ટ કરાવાયા તો ખબર પડી.’
‘તારું બાળક?’
‘એબોર્શન કરાવ્યું, દીકરી હતી..’ ચાહનાની આંખો ભીની થઈ ગઈ.
‘વાહ ! સરસ..’ સર્જકે કટાક્ષ કરતા કહ્યું.
‘હવે પછી લગ્નની વાત ઉચ્ચારીશ નહીં, હું એકલી ખુશ છું.’
‘લગ્ન કરીશ તો તારી સાથે જ, બાકી હું પણ એકલો જ ખુશ છું.’
‘કેમ મારો ચહેરો પ્રેરણા જેવો છે એટલે?’
‘ના, તું જ મારી પ્રેરણા છો એટલે..’
‘ફરી પાછી એ જ વાત ? હું ચાહના…’
‘બસ હવે, ક્યાં સુધી આ નાટક કરીશ મારી સાથે?’
‘તને શું ખબર?’
‘હું બધું જાણી ગયો છું, તારા કબાટમાંની પેલી ઓઢણી, તારા પગનાં પાયલ અને તારી ડાયરી… એ બધુંય ચાડી ખાય છે કે તું જ મારી પ્રેરણા છે ચાહના.’ ચાહનાની આંખોમાં આંસુ ધસી આવ્યા, તે મૌન થઈ ગઈ.
‘પણ તે ડાયરીમાં લખ્યું નથી કે તારે આવું કેમ કરવું પડ્યું?’
‘સર્જક, મેં શરૂઆત મારા સ્વાર્થ ખાતર કરી હતી. મને પહેલેથી જ લખવાનો ખૂબ શોખ છે, સફળ લેખિકા બનવું એ મારું લક્ષ્ય છે, મેં ઘણી વાર્તાઓ લખી છે પણ ક્યારેય પ્રકાશિત નથી કરી, ઘણાં સમયથી એક એવી નવલકથા લખવા માંગતી હતી જેનો નાયક એક પ્રતિભાવાન ઉગતો કલાકાર હોય, અને વાર્તાને વાસ્તવિક બનાવવા હું એવા ચિત્રકારની શોધમાં હતી, મારા મગજમાં તારો વિચાર આવ્યો કારણ કે માંને લીધે હું તને જાણતી હતી, તારા ચારિત્ર્ય પર મને પૂર્ણ વિશ્વાસ હતો, તારૂ ધ્યાન ખેંચવા હું તારી સામે અનેક જગ્યાઓએ જેમ કે દરિયાકિનારે, ગાર્ડનમાં, મોર્નિંગવૉકમાં એમ અનેક જગ્યાએ મળી. જો હું મારી સાચી ઓળખ આપું તો મારા ધ્યેયને નહીં પામી શકું એમ લાગ્યું. મારે કોઈ જાતની કચાશ રાખવી નહોતી.
પણ પ્રેરણા બનીને હું પણ તારી તરફ ખેંચાતી ગઈ, હું પણ તારી જેમ રાજા રવિવર્માની મોટી પ્રશંસક છું, તને જાણ્યા બાદ મને પણ સુગંધાની જેમ કેનવાસ પર ઉતરવાની ઈચ્છા થઈ. પરંતુ આ બધું થયા પછી મને લાગ્યું કે ખોટું થઈ રહ્યું છે, હું મારી જાતને પ્રેરણા જ માની બેઠી હતી. તું તો મારી વાર્તાનો નાયક હતો જ પરંતુ જાણ્યે અજાણ્યે હું પણ તેમાં એક પાત્ર બની ગઈ. અંતે મને ભાન થયું કે હું ચાહના છું, વિધવા છું, થેલેસીમિયા માઈનર અને તારે ત્યાં કામ કરનાર સ્ત્રીની દીકરી છું. બસ, તારું જીવન મારા લીધે બરબાદ ન થાય એટલે તારાથી દૂર થઈ ગઈ પણ ભાગ્યે ફરી આમને સામને લાવી દીધા.’ ચાહનાએ ઉંડો શ્વાસ લીધો.
‘પણ તું હોસ્પિટલમાં શું કામ આવી હતી?’
‘મારે બીજા લગ્ન કરવાની ઈચ્છા નહોતી પણ માં બનવા ઈચ્છતી હતી, અને એ પણ તારા સંતાનની, એટલે તપાસ કરવા આવી હતી કે એ કઈ રીતે શક્ય બને. તું સ્પર્મ ડોનેટ કરે છે એ મને ખ્યાલ હતો અને શક્યતાઓ તપાસવા હું અહીં આવી હતી. જો શક્ય હોત તો હું તૈયાર હતી તારા બાળકની માં બનવા, અને લગ્ન પણ ન કરવા પડ્યા હોત, પરંતુ એ લોકો તૈયાર ન થયા.’
‘પ્રેરણા, તને પણ ખબર છે કે આપણે એક બીજા માટે જ સર્જાયા છીએ. હવે બધું જાણ્યા બાદ દૂર શુ કામ રહેવું? મારા માટે તું સત્ય છે બીજુ બધું ગૌણ છે. થેલેસીમિયા માઈનર કોઈ રોગ નથી, એક પરિસ્થિતિ જ છે, અમિતાભ બચ્ચન પણ માઈનર છે. હું પણ એક દીકરીનો પિતા છું, મારી દીકરીનું નામ પરી છે એ જાણ્યા બાદ પણ તું મારી સાથે લગ્ન કરીશ?’
‘મારે પણ એક દીકરી છે અને એનું નામ પણ પરી છે.’ બોલતા બોલતા ચાહના શરમાઈ ગઈ અને સર્જકને તેનો જવાબ મળી ગયો.
_ _ _ _ _
ચાહનાની નવલકથાને અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો તો ‘સર્જકની પ્રેરણા’ એ ચિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યું.
– ચિરાગ વિઠલાણી
વાર્તાઓના અનેકવિધ સ્વરૂપો અને અનુભવો એક સંપાદક હોવાને લીધે મળતાં રહે છે. બે લીટી અને ચાલીસની આસપાસ શબ્દો ધરાવતી, ચોટદાર અને થોડામાં ખૂબ કહેતી – ઓછું કહેતી અને વધુ સમજવા મજબૂર કરતી નાનકડી માઈક્રોફિક્શનથી લઈને ઉંડાણપૂર્વક અને દરેકે દરેક સંવેદનને ઝીલતી ત્રણ હજાર શબ્દોની વાર્તાઓ સુધી વૈવિધ્યપૂર્ણ રચનાઓ જાણવા અને માણવા મળે છે, દરેક પ્રકારનો પોતાનો આગવો વાચકવર્ગ છે. ચિરાગભાઈ વિઠલાણીની પ્રસ્તુત વાર્તા એક ચિત્રકારની અને તેના પ્રેમની વાત છે. ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર વધુ એક રચના આજે પ્રસ્તુત છે. લંબાણ પૂર્વક લખાઈ હોવા છતાં રસક્ષતિ વગરની પ્રસ્તુતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ચિરાગભાઈને અનેક શુભેચ્છાઓ.
now today read, i feel that how i left to read such story mind blowing.
it is modern story , feeling it is belongs reality.
ખરેખર ખુબજ સુંદર કૃતિ છે. અંત માં થોડુંક વ્વાચક માટે સમજવું અઘરું છે કે છાહના ને પણ એક બાળકી છે ? જેનું નામ પરી છે… ત્રણેય વાર્તા વાંચ્યા પછી તમારી લેખન ક્ષમતા પર માન થાય છે. ખુબ જ સારૂ પ્રભુત્વ અને શબ્દો ના ઉપયોગ ની કળા ખીલવી છે તમે નાની ઉમર માં. ખુબ ખુબ અભિનંદન.–
સ્નેહી ગુલામ અલી
વાહ, ચિરાગભાઈ.
કેમ વાર્તા પૂરી થઇ ગઈ ખ્યાલજ ન આવ્યો.
Nice different story.
એક્દમ અદભુત્
Good story
Very touching story
લાગણીઓ નાં તાણાવાણા માં ગુંથાતી અદભુત રચના.
કાલ્પનીક નહીં પણ સત્ય લાગે તેવી બહુ સુંદર વાર્તા છે.
Very good story
ખરેખ ર અદભુત !!! હુ ઓફિસ મા કામ મા થિ ૫ મિનિટ નો ટાઈમ કાઢિ ખાલિ એક નજર ફેરવતા ખબર ના પડિ કે કયારે આખુ વચાઈ ગયુ !!!
its really good story chiragbhai