મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા 11


આવશે જરૂર વ્હાલમ લઈને ઉલ્લાસ મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ.
ઓસરીની પગથારે ચિતરી લીલાશ મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ.

ખરબચડા અંદેશા ઘૂંટી ઘૂંટીને મેં તો કીધા છે સાવ રે સુંવાળા,
દોમ દોમ તડકાને હળવેથી પંપાળી, ટાઢા કરે છે ગરમાળા,
છલકાતી આતુરતા આંજી મેં આંખમાં ને સંગોપી દીધી ભીનાશ.. મેં તો ખુલ્લાં મૂક્યાં…

બારસાખ મોભ સાથે વાતું કરે છે, એવો રેશમી અહેસાસ મને થાતો,
બારી કે નળિયા પર બેસીને કાગડો, ગમતીલા વાવડ દઈ જાતો,
રણઝણતી ઝાંઝરીયે ગાતી સંભળાય છે, ને મહોર્યા છે ગુલમ્હોરી શ્વાસ.. મેં તો ખુલ્લાં મૂક્યાં…

– પ્રતિમા પંડ્યા

જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસું ‘(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને ‘ઝાકળનું સરનામું’ (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના ‘ખુલ્લાં મૂક્યાં છે કમાડ…’ આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

બિલિપત્ર

‘શું હશે એ દેશનું ભાવિ કહો જ્યાં બાળકો
ટાઈ, દફતર, ટ્યુશનોમાં ખોઈ બેઠા બાળપણ’

– પ્રતિમા પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા

  • Upendraroy

    Sushri Pratimaben Ni Aa PaheliJa Rachana Vanchi Ane Gaiee Pan khari !!!Maja Aavee Gai !!
    pratimaben No Vishesh Parichay karavasho?
    Huoon pan Mara Hridya Na Kamad Khulla Rakhu Chhun.
    Amadavad Athava Mountai View.Jyan Anukool Hoy Padharjo !!!

    DhayaVad !!!

  • Rajesh Vyas "JAM"

    વાલમના વિયોગની ક્ષણોને પ્રેમ પૂર્વક પસાર કરવાની અદભુત અભિવ્યક્તિ અને સાથે સાથે શૈશવની કાળજી. ધન્યવાદ પ્રતિમાબેન.

  • Harshad Dave

    તડકાને ગરમાળો ટાઢો પાળે અને તે પણ પંપાળીને…આતુરતા આંજીને આંખમાં ભીનાશ સંગોપી…કલરવતું કલ્પન…એ પણ પ્રતિમાનું…! અભિનંદનની લીલાશને પાત્ર…હદ

  • ashvin desai

    મેલબર્નનિ કદકદતિ થન્દિનિ વહેલિ સવારે પ્રતિમાજિનિ
    અદભુત ગિતરચના અનોખિ હુન્ફ પ્રસરાવિ ગૈ !
    આ કવિયત્રિ કોઇ દૈવિ સમ્પદા લૈને આવ્યા હોય – એ રિતે કાવ્યરિતિનિ બારિકાઈ હાથવગિ ધરાવે ચ્હે ! નાજુક ગિતના બધા પાસા એમને કેતલા સહજ ચ્હે – તે વિસ્મય પમાદે ચ્હે .
    આવિ કાવ્યપ્રસાદિનુ નિમિત્ત અક્ષરનાદ બને ચ્હે – તે પન કેતલુ સમયોચિત ચ્હે !- ધન્યવાદ – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

    • Kalidas V. Patel { Vagosana }

      અશ્વિનભાઈ,
      ગુજરાતીમાં ટાઈપ કરવા માટે નીચે બતાવેલ વાદળી અક્ષરોમાં ” શો કીબોર્ડ ” ઉપર ક્લીક કરીને તે કોઠા પ્રમાણે ટાઈપ કરશો તો ભૂલો નિવારી શકશો.
      બહુ સહેલું છે. કરો પ્રયત્ન. બને ત્યાં સુધી સાચુ-ભૂલ વગરનું જ લખવું જોઈએ ને ?
      કાલિદાસ વ. પટેલ {વાગોસણા}