વિવિધ ‘મોબાઈલ’ બેટરી ચાર્જર્સ.. (ભાગ ૧) 7


મોબાઈલ ફોન અને અન્ય અનેકવિધ મોબાઈલ સાધનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ડેસ્કટોપને બદલે લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ વાપરવાનું લોકો વધુ પસંદ કરે છે. કામના સમયે મોબાઈલની બેટરી પૂરી થઈ જાય એવા સંજોગોનો સામનો આપણામાંથી ઘણાંએ કર્યો હશે. શહેરમાં કે ગામડાઓમાં પણ ગમે ત્યાં ચાર્જર મળી જાય પરંતુ જે લોકો શહેરથી દૂર હોય અને આ બધા સાધનોની બેટરીને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટીની સગવડ ન હોય ત્યારે કેવા કેવા સાધનો ઉપયોગી થઈ પડે તેની જાણ થાય એ માટે પ્રસ્તુત લેખ લખાયેલો છે. નેશનલ જિઓગ્રાફી કે ડિસ્કવરીમાં બતાવવામાં આવતા સાહસો તો ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે, પરંતુ એવા લોકોને જ ધ્યાનમાં રાખીને આ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ બનાવવામાં આવ્યા હશે એવું લાગે છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ‘નિરાળા’ અને ‘વિશેષ’ ચાર્જર્સ.

૧. UNIVERSAL SOLAR CHARGER

આ સોલર ચાર્જર છે. કુદરત દ્વારા અપાયેલ મોટી બેટરીના ઉપયોગથી આપણા વપરાશની નાનકડી મોબાઈલ બેટરી ચાર્જ કરવાનું તેનું મુખ્ય ધ્યેય છે અને ઉત્પાદકોનો દાવો છે કે વાદળછાયા વાતાવરણમાં પણ તે કામ આપે છે. આ ચાર્જરની અંદર ૧૫૦૦ mAh ની li-ion બેટરી હોય છે. સૂર્યપ્રકાશમાં આ બેટરી ચાર્જ થાય છે અને તેની મદદથી ફોન કે લેપટોપ વપરાશમાં લઈ શકાય છે. નૈસર્ગિક સંસાધનોનો ઉપયોગ કરીને બેટરી ચાર્જ કરી આપતું આ ઉપકરણ કી-ચેઈન જેવી ડીઝાઈનનું હોવાથી તેને મુસાફરી દરમ્યાન બેકપેક, પટ્ટા, સાઈકલ કે અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે. નોકીયા, સેમસંગ, સોની, મોટોરોલા તથા આઈપોડ, પીએસપી વગેરે જેવા અનેકવિધ ઉપકરણોની બેટરી ચાર્જ કરવા માટે ઉપયોગી આ ઉપકરણ સીધેસીધું અથવા એડપ્ટર દ્વારા બેટરી ચાર્જ કરી આપે છે. તેની કિંમત લગભગ સાડા ચાર હજારની આસપાસ છે.

૨. BioLite CampStove

Courtesy Biolite Mediakitઆ એક અદભુત ચાર્જર છે. પ્રવાસમાં હોવ કે કેમ્પ પર ગયા હોવ અને વસ્તીથી દૂર હોવ જ્યાં ઈલેક્ટ્રીસીટી કે ડીઝલ-પેટ્રોલ જેવા બળતણની અછત હોય ત્યારે લગભગ ૫૦ ગ્રામ જેટલા સાંઠીકડા ભેગા કરી આ સાધનમાં નાંખીને સળગાવવાના હોય છે. ૨૦ મિનિટ સુધી તે સળગતા રહે ત્યાં સુધીમાં તેના પર ચા કે કોફી તૈયાર થઈ જાય છે, હવે આ દરમ્યાન જે ગરમી ઉત્પન્ન થાય છે તે થર્મો ઈલેક્ટ્રિક જનરેટર મારફત ઈલેક્ટ્રીસીટીમાં રૂપાંતરીત થાય છે.

અહીં લાકડીઓ બાળવાના ચેમ્બર સાથે એક નાનકડો પંખો આવે છે જેની મદદથી સતત હવા અને એમ ઓક્સિજન અપાવવાને લીધે લાકડા સંપૂર્ણ બળે છે. તેની પાછળની તરફ યુએસબી પોર્ટ આપેલ છે જેમાં અટેચ કરીને ફોન લગભગ ૨૦ મિનિટ સુધી ચાર્જ થાય તો એકાદ કલાક વાત કરી શકાય એટલી બેટરી ઉપલબ્ધ થાય છે. જો કે અહીં ૨૦ મિનિટ સતત લાકડા સળગતા રાખવા જરૂરી છે અને ઉત્પાદકો અનુસાર બસો ગ્રામ જેટલા લાકડા, દર પાંચ મિનિટે પચાસ ગ્રામ એ રીતે નાંખતા રહેવું પડે છે. ચા-કોફી અને હળવા નાસ્તા બનાવવાની સાથે સાથે ફોનની કે કેમેરાની બેટરી પણ ચાર્જ થાય ! કેદારનાથ હોનારત વખતે ફસાયેલ ઘણાં લોકો પાસે ફોન હતાં, પણ નેટવર્ક ઓછું હોવાને લીધે બેટરી જલદી ખલાસ થઈ જાય અને સંપર્કમાં મુશ્કેલીઓ ઉદભવે. આવા સમયે આ પ્રકારના ચાર્જર ખૂબ ઉપયોગી થઈ પડ્યાં હોત. આ ચાર્જરની અત્યારની કિંમત સાડા આઠ હજાર જેટલી છે.

૩. mophie juice pack

મોફી જ્યૂસ પેક હિલીયમ નામના આ સાધનમાં રીચાર્જેબલ લીથિયમ પોલીમર બેટરી છે, અને આ ઉપકરણ ફોનના પ્રોટેક્ટિવ સિલિકોન કવર જેવી રીતે બનાવાયું છે. જ્યારે ફોનને આ સાધનમાં ગોઠવીએ ત્યારે તેમાં નીચે મૂકેલું કનેક્ટર ફોનની નીચેના પોર્ટમાં ગોઠવાય છે અને તેની પાછળ આપેલ સ્ટેન્ડબાય સ્વિચ ઓન કરતા તે ફોનની બેટરીને ચાર્જ કરવાનું શરૂ કરે છે. આ સાધનનો બધો પાવર વપરાઈ રહે ત્યારે તેને સાથે આપેલ માઈક્રો યુએસબી પોર્ટ કેબલની મદદથી રીચાર્જ કરી શકાય છે. ઉપકરણ પરની ચાર એલ.ઈ.ડી લાઈટ્સની મદદથી એ કેટલું ચાર્જ થયું તે જાણી શકાય છે. ફોન અને જ્યૂસપેક બંને પૂરેપૂરા ચાર્જ થયેલ હોય ત્યારે ફોનની મૂળભૂત બેટરી જ વાપરવી અને એ ૨૦% થઈ જાય ત્યારે જ્યૂસપેકને ઓન કરવું.

ફોનની બેટરી લગભગ ૮૦% થાય ત્યાં સુધી તેને ચાર્જ કરી ફરીથી જ્યૂસપેક સ્વિચ ઓફ કરી દેવાથી તેનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. આઈફોન ૫ માં તે વધારાના છ કલાકનો ટોક ટાઈમ અથવા છ કલાકનું ૩જી નેટસર્ફિંગ અથવા ૩૦ કલાકના ઓડીયો પ્લેબેક અથવ ૭ કલાકના વિડીયો પ્લે જેટલી બેટરી ઉપલબ્ધ કરાવી આપે છે. આઈફોન 3, 3G, 4, 4S, 5 આઈપેડ અને આઈપોડ ઉપરાંત એચટીસી તથા સેમસંગના વિવિધ મોબાઈલ તથા વિવિધ ટેબ્લેટ્સ માટે પણ અનેક પ્રકારના મોફી જ્યૂસપેક ઉપલબ્ધ છે જેની મદદથી આ સાધનોની બેટરી ચાર્જ કરી શકાય છે. સેમસંગ ગેલેક્સિ એસ૩ માટે તેનો ભાવ લગભગ છ હજાર રૂપિયા છે અને આઈફોન ૫ માટે તે લગભગ પાંચ હજાર રૂપિયા છે.

૪. The Sanctuary

અધધધ કહી શકાય એવા લગભગ ૩૭૬૮ સાધનો (વિવિધ ઉત્પાદકો જેમ કે Acer, Apple Asus Audiovox BenQ Blackberry BlueAnt Casio Cowon Dell Eten Gigabyte Google HP HTC i-mate LG Logitech, Microsoft Motorola Netgear Nokia Philips Sagem Samsung Sandisk Sanyo Sony Sony Ericsson TomTom Toshiba વગેરે દ્વારા ઉપલબ્ધ સાધનો) સાથે કમ્પેટીબલ એવું આ સાધન એક ટ્રે સ્વરૂપનું મોબાઈલ અને અન્ય સાધનો માટેનું યુનિવર્સલ ચાર્જર છે.

ઓફીસના ટેબલ પાસે, રસોડામાં, પથારી પાસે અથવા હોટલમાં રોકાણ દરમ્યાન એમ વિવિધ જગ્યાઓએ ઉપયોગી થઈ શકે એવું આ બહુહેતુક ચાર્જર કાળા, સફેદ અને વુડન એમ ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે. અનેક સોકેટ ઉપરાંત યુએસબી પોર્ટની સુવિધા તેને અનેક વધુ સાધનો માટે પણ કમ્પેટીબલ બનાવે છે. અનેક પુરસ્કારોથી સન્માનિત આ સાધન લગભગ ૮૦૦૦ રૂપિયાનું આવે છે.

આ વિષયનો બીજો ભાગ ટૂંક સમયમાં પ્રસ્તુત થશે.

અમરેલી જીલ્લાના માનદ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને ફોટોગ્રાફર મિત્ર વિપુલભાઈ લહેરીએ એક સુંદર સામયિક વિશે જણાવ્યું અને તેના બે અંકો પણ ભેટ આપ્યાં, સામયિક હતું ‘ફોકસ’. ગુજરાતી ભાષામાં પણ ફોટોગ્રાફી, ફોટોગ્રાફર્સ અને એ અંગેની ટેકનીકલ બાબતોને લગતું સામયિક અમદાવાદથી પ્રસિદ્ધ થાય છે, શ્રી હર્ષદભાઈ વડોદરિયા દ્વારા સંકલિત આ સામયિક એક અનોખો અને આગવો પ્રયત્ન છે. વિપુલભાઈ પણ આ સામયિકમાં મહત્વનો ભાગ ભજવે છે. આટલા સુંદર સામયિક અને માહિતિપ્રદ સંકલન બદલ હર્ષદભાઈનો તથા સામયિક વિશે માહિતી બદલ વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર. ‘ફોકસ’ વિશે વિગતે અલગથી એક લેખ મૂકવાની ઈચ્છા છે. આજે તેના જૂન-જુલાઈ ૨૦૧૩ના અંકમાંથી મોબાઈલ સાધનો માટેના વિવિધ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ વિશેનો લેખ સુધારા વધારા તથા ઉમેરા સાથે અહીં પ્રસ્તુત કર્યો છે. આશા છે આ પ્રકારના રોજબરોજના વપરાશમાં ઉપયોગી એવા ‘ગેજેટ્સ’ને લગતા લેખ પણ વાચકમિત્રોને ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વિવિધ ‘મોબાઈલ’ બેટરી ચાર્જર્સ.. (ભાગ ૧)