બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા 14
૧. અભિનય ‘નહિ….. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે…. સાહેબ, મારી ભૂલ થઇ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિં” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ… અસરરહિત ઉચ્ચારણ… ભાવશૂન્ય ચહેરો..! શર્માંસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી, જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે, ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઇ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો “વટેય” પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો. ‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કારવ્યંઉ બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા, શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘સોરી, યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો… વચ્ચે બોલવાની કોશિશ ન કરો… પહેલાં મારી વાત પૂરી સાંભળી લો… એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે… ને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા એ પાછા લઇ લેજો…’ ‘નહિ……..! દયા કરો સાહેબ, […]