નંદનવન (બાળનાટક) – રમેશ ચાંપાનેરી 3


(શેરી નાટક)

(આ નાટક ભજવતા પહેલા લેખકને જાણ કરવી એ તેનું સૌજન્ય છે)

સ્થળ: જાહેર બાગ

પાત્રો: એક પાગલ, ગાંધીજીના ત્રણ વાંદરા, બે વ્યક્તિ અને નાનું બાળક.

(એક પાગલ બ્રેડ ખાતાં-ખાતાં અને ગીત ગાતા સુકા બાગમાં પ્રવેશે છે.)

પાગલ : હોંઠો પે સચ્ચાઈ રહેતી હૈ, જહાં દિલમે સફાઈ રહેતી હૈ, હમ ઉસ દેશકે વાસી હૈ, હમ ઉસ દેશકે વાસી હૈ, જિસ દેશમે ગંગા બહેતી હૈ.

(પાનાં રમતી બે વ્યક્તિ પાગલને જોઈ હસે છે. પાનની પિચકારી મારી કહે છે, સાલ્લો, પાગલ લાગે છે. ફરી પાનાં રમવા લાગે, અને ફરી પેલો પાગલ ગાય છે.)

પાગલ : મહેમાં જો હમારા હોતા હૈ, વો જાનસે પ્યારા હોતા હૈ… (પાનાં રમતી વ્યક્તિને ઉદ્દેશીને કહે) સીસ… લે, બ્રેડ ખાવું છે. પાનાંમાંથી ક્યારેય પાઉં ઉભું નહિ થાય. લે, બ્રેડ ખા !

વ્યક્તિ-૧ : સાલો, પાગલ છે કે ! રાજકપૂરનો આશિક !

વ્યક્તિ-૨ : અરે, છોડ યાર, તું તારે પાનું ઉતર ! આ તો જાહેર બાગ છે, એમાં રાજકારણી પણ આવે અને રાજકપૂરનો આશિક પણ આવે. બોલ શું ઉતર્યો…?

વ્યક્તિ-૧ : ફલાવરનો એક્કો !

પાગલ : હાહહાહાહાહાહા, ફલાવરનો એક્કો ? આ બાગમાં તને ક્યાય એકાદ ફ્લાવર દેખાય છે ? અરે ઝાડવા જ નથી દેખાતા તો ફ્લાવર ક્યાંથી દેખાવાના? માટે કાળીનો એક્કો બોલ, કાળીનો ! લે બ્રેડ ખા !

વ્યક્તિ-૧ : એઈઈ પાગલ, બકબક કરવું હોય તો ફૂટ અહીંથી.

પાગલ : (હસે છે) વાહ…! વાહ દુનિયા બનાને વાલે વાહ…! (ગાય છે)

દુનિયા બનાને વાલે, ક્યા તેરે મનમેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ તુને કાહે કો દુનિયા બનાઈ.

વાહ, ગજબની દુનિયા બનાવી છે પ્રભુ તેં ? સત્યને લોકો બકબક માને છે. ફાટેલાં સાઈલન્સરનો અવાજ, નેતાના નઠારા ભાષણો અને મોટર-ખટારાના ભોં ભોં સહન કરે છે, અને સાચી વાતને બકવાસ માને છે ! લે બ્રેડ ખા, બુદ્ધિ આવશે.

વ્યક્તિ-૧ : ચાલ યાર, આ પાગલ આપણને રમવા નહિ દે. કોઈ શાંત જગ્યાએ જઈને બેસીએ.

પાગલ : (તાલી પાડતાં) અરે ઓ પાગલ, શાંત જગ્યા આ જ છે, એટલે તો હું અહી આવ્યો. અને તમે તો શાંતિથી ભાગવાની વાત કરો છો. જાવ… તમને શાંતિ મળે તો સરનામું મોકલજો. (ગાય છે) હમ ઉસ દેશકે વાસી હૈ, જિસ દેશમે ગંગા બહતી હૈ.

(ગાતા ગાતા આગળ જાય છે, અને એક ઝાડ નીચે ઉભો રહે છે ત્યાં એને વાંદરાઓનો અવાજ સંભળાય છે, પણ એ દેખાતા નથી.)

વાંદરા : માણસ, એ માણસ !

પાગલ : કોણ ? કોણે મને માણસ કહીને બોલાવ્યો ? ક્યાંથી બોલો છો ?

વાંદરા : ચાલ નાટક ન કર, ઉપર જો, છેક ઉપર નહિ, ઝાડ ઉપર જો. તું જેનું શ્રાદ્ધ કરે છે એ પૂર્વજો બોલે છે.

પાગલ : ઓહ… સમજાય એવું કંઈક બોલો ! કોણ પૂર્વજો ?

વાંદરા : અમે માણસ હતા. તમારી સ્વચ્છંદતાનો સર્વનાશ થશે પછી, ફરી આવતીકાલે માણસ થવાના છે, આ પૃથ્વી ઉપર શાસન કરવાના છે.

પાગલ : શટઅપ ! હું કોણ છું તે જાણો છો ?

વાંદરા : હા, તું અમારી સુધરેલી આવૃત્તિ છે. અને અમે તારા પૂર્વજ, વાંદરા ! અમારે હજી પૂંછડી છે, અને તારી કાળક્રમે ઘસાઈ ગઈ છે.

પાગલ : હા, હા, હા, હા ! એટલે કે તમે વાંદરાઓ છો ?

વાંદરા : એમાં તું હસે છે શું, મૂર્ખ ?

પાગલ : એટલા માટે કે વાંદરા તે વળી બોલતા હશે ?

વાંદરા : કેમ નાં બોલીએ ? અમે ગાંધીજીના ત્રણ વાંદરા છીએ ? મહાત્મા ગાંધીનું નામ તો સાંભળ્યું છે ને ?

પાગલ : ઓહ, પણ તમે ક્યા છો ? હું મહાત્મા ગાંધી નથી તો શું થયું ? મારી નજીક આવો દોસ્ત ! મને આનંદ થશે.

(ત્રણેય વાંદરા ઝાડ ઉપરથી નીચે ઉતરી, પાગલની ફરતે ફરી ગાય છે )

રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓકે પાપ ધોતે ધોતે..

પાગલ : ઓહ…સ્ટોપ ઈટ..!! તમે ગાંધીજીના ત્રણ વાંદરા નથી, તમે આજના ‘ઈડિયટ’ બોક્ષનાં બબૂચકો છો…!!!

વાંદરા : ના, અમે બબૂચકો નથી… વિવેચકો છીએ.અને ગાંધીનાં જ વાનરો છે.

પાગલ : તમે ઢોંગીઓ છો. તમને ખબર છે, ગાંધીજીના ત્રણ વાનરો પૈકી એક આંખ બંધ રાખતો, એક કાન બંધ રાખતો અને એક………..

વાંદર-૨ : મો બંધ રાખતો તે વાંદર હું છું !

પાગલ : પણ તું તો બોલે છે ?

વાંદર-૨ : બોલ્યો નહિ, તેથી તો બધું બેહાલ થઇ ગયું ! ગાંધી યુગમાં જંગલો હતા, આજે દંગલો છે !

વાંદર-૧ : તને ખબર છે પાગલ, મારી આંખો બંધ હતી, છતાં પર્યાવરણની પ્રોપર્ટી અકબંધ રહેતી. અને આજે આંખ ખોલીને જોઉં છું તો બિનખેતીના જંગલો…

વાંદર-૩ : હે, પાગલ, મારા તો બંને કાન બંધ હતા. કોયલનો ટહુકો.. અને કબુતરોનું ઘૂ ઘૂ ઘૂ સાંભળવાનું મારા નસીબમાં ન હતું. મે માત્ર કોયલોની કાળાશ અને કબૂતરોનું ભોળપણ જોયું હતું, અને આજે કાન ખોલીને સાંભળું છું, તો મને સંભળાય છે, માત્ર માણસોનું હું હું હું હું !

પાગલ : વાહ…વાનરરાજ વાહ ! તમે બ્રેડ વગર પણ કેટલા બુદ્ધિશાળી છો ? હું આજ વાત કહેવા ગયો, અને લોકોએ મને પાગલમાં ઠેરવ્યો. અમે તો માણસ બનીને શ્રી રામના અનુયાયી નહિ બની શક્યા પણ તમે તો પવન પુત્ર હનુમાનના ભક્ત નીકળ્યા એટલે તમે ગાતા હતા કે, ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ, બરાબરને..???

વાંદરા : હા. પાગલ ! પ્રદૂષણથી માત્ર ગંગા જ નહિ, ગંગોત્રીની ગોદ પણ મેલી થઇ ગઈ છે.

પાગલ : વાનરરાજ, ગંગા તો પવિત્ર છે. એની ગોદમાં મમતાના પ્રવાહને બદલે મડદા અને કેમિકલનો પ્રવાહ વહે છે, એ હુ જાણું છું. નિર્મળ અને નિર્ઝર પાણીના વહેતા ઝરણાની વાત હવે પરીવાર્તા બની ગઈ છે, એ પણ હું હું જાણું છું. પણ એ તો કહો, મહાત્મા ગાંધી ગયા પછી તમે ક્યાં અલોપ થઇ ગયા હતા ?

વાંદરા : તું બ્રેડ ખાઈને બેરિસ્ટર જેવી દલીલ ન કર. અમે તો અહીં જ છીએ. આ એ જ જંગલ છે જ્યાં અમારા પૂર્વજો જન્મ્યા, પણ ‘નોન એગ્રીકલ્ચર’ના રાક્ષસે અમારી આ જન્મભૂમીને સૂકી વરીયાળી બનાવી દીધી. અમે તો છે ત્યાને ત્યાં જ જંગલમાં છીએ પણ તું તારા ભાઈભાંડુથી વહેંચાતો વહેંચાતો જંગલ સુધી આવી ગયો.

પાગલ : અને…..તમે મહાત્મા ગાંધીજીનાં વિશ્વાસુ વાંદર હોવા છતાં તમે આ બધુ જોયા કર્યું. એટલે તમે તો માણસ કરતાં પણ વધારે જવાબદાર છો.

વાંદર-૧; મારી તો આંખ બંધ હતી, માણસ…! મને તો ખબર જ નથી કે આ નિકંદન કોણ કરી ગયું ?

પાગલ : તું તો છટકવાની વાત કરે છે…. તારા કાન અને તારું મો ક્યાં બંધ હતું ? પક્ષીઓનો કિલકિલાટ, પ્રાણીઓનો ખીલખીલાટ અને હવાની લહેરખી બંધ થઇ ગઈ તો તેની તને અનુભૂતિ તો થઇ હશેને એ વેળા ? તું બોલી તો શક્યો હોત ને ?

વાંદર-૨ : ખોટી દલીલ ન કર પાગલ ! એ બોલ્યો હોત તો પણ શું ફરક પડવાનો હતો ? મારા કાન બંધ હતા, અને ત્રીજાનું મો બંધ હતું. એ સાંભળી શક્યો હોત તો બોલી ના શક્યો હોત !

પાગલ : વાનરરાજ ! તમે ઉપકાર અને અપકાર વિષે કંઈ જાણો છો ?

વાંદરા : પાગલ, તને ખબર છે કે અમે વાંદરા છીએ, છતાં આવા અઘરા સવાલ કેમ પૂછે છે ? તું જ કહે, આ બંને કઈ બલા છે ?

પાગલ : ભૂતકાળ અને વર્તમાનકાળ !!

વાંદરા : એટલે ?

પાગલ : ‘બુરા મત મત સુનો, બુરા મત બોલો, બુરા મત દેખો’ આ તમારી જ મુદ્રા હતી ને ? જે ઉપકારી મુદ્રા હતી, એટલે એ તમારો ભૂતકાળ હતો અને ગાંધીજીના વિશ્વાસુ વાંદરા થઈને આંખ આડા કાન રાખી મૂંગા રહ્યા એ તમારી અપકારી મુદ્રા અને વર્તમાન કાળ છે.

વાંદર-૨ : ઢોંગી ! તારા પાપના દોષ તું અમારા પર નાંખે છે ? પર્યાવરણની જાળવણીમાં તારું અભિયાન કેટલું ? માત્ર સભા=સરઘસ અને પોસ્ટર જેટલું જ ? તારું તો મગજ સુદ્ધાં ખુલ્લુ હતું, છતાં નિકંદન નીકળી ગયું ?

વાંદર-૧ : આ સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલ કોને ઉભાં કર્યા ? (બધાં : માણસજાતે)

વાંદર-૨ : વૃક્ષો કાપીને વૈતાળ કોણે ઉભાં કર્યા ? (બધાં : માણસજાતે)

વાંદર-૩ : ધરતીમાં છિદ્રો પાડી પાણી કોણે ખેંચ્યા ? (બધાં : માણસજાતે)

બધાં વાંદરા : જંગલ તોડી શહેર કોણે ઉભાં કર્યા ? (માણસજાતે – માણસજાતે)

વાંદર-૧ : તારું ગૌરવ તેં જ ગુમાવ્યું છે……

વાદર-૨ : નંદનવન ધરતીનું નિકંદન તેં જ કાઢ્યું છે, તુ મૂર્ખ છે, પાગલ છે !

વાંદર-૩ : અંગારવાયુ કાઢી કાઢીને અમારો પ્રાણવાયુ તેં જ ઝૂંટવ્યો છે !

વાંદર-૧ : તું સ્વાર્થી છે. મનીમેકિંગ મશીન છે.

વાંદર-૨ : તું રોગી છે… તું ઢોંગી છે… તું ભોગી છે…. તું… ભ્રષ્ટ છે… તું…. દુરાચારી છે… તું… તું….. તું….. તું……

પાગલ : ઓહ….. સ્ટોપ ઈટ….! સ્ટોપ……ઈટ !! સ્ટોપ….. ઈટ !!! (પાગલ ચક્કર ખાઈને ઢળી પડે છે, અને બેહોશ થઇ જાય છે. થોડીવાર બધું જ શાંત. બધાં વાંદરા એક સાથે ભેગા મળી, હાથ ઉપર કરી પ્રાર્થના કરતાં બોલે છે)

હે…પ્રભુ ! અમે એ નથી જાણતા કે, અમારે શું કરવાનું છે? પણ અમે એટલું જરૂર જાણીએ છીએ કે અમને અમારું જંગલ પાછું જોઈએ છે. અમારી વનરાઈ પાછી આપ. શુદ્ધ હવા પાછી આપ, વનરાજનો અવાજ અને પ્રાણીઓનો તરખાટ પાછો આપ, પક્ષીઓનો કલરવ અને ઝરણાઓનો અવાજ પાછો આપ, અને આમની જેમ ઢળી પડેલી જનતાને મહાત્મા ગાંધીનો અવાજ પાછો આપ.)

પાગલ : (કળ વળતાં ધીરે ધીરે બેઠો થાય છે) દોસ્તો, મને લાગે છે કે હું હવે ખરેખર પાગલ થઇ જઈશ.

બધાં વાંદરા : એટલે શું તું પાગલ નથી ?

પાગલ : ના દોસ્ત ! હું તો પર્યાવરણનો અધ્યાપક છું. પર્યાવરણની આ દુર્દશા જોઇને હું પાગલ થઇ ગયો હતો. પણ હું પાગલ નથી, દોસ્ત. હું તો તમારી જેમ પર્યાવરણ પ્રેમી છું. પણ પર્યાવરણ બચાવોનાં ઘાંટા પાડી પાડીને મેં મારી આવી દશા કરી મૂકી છે. અને લોકોએ મને પાગલ ઠેરવી દીધો. છતાં હું બોલતો રહ્યો, પણ મારી વાત સાંભળે કોણ ?

બધાં વાંદરા : ગભરા નહિ દોસ્ત ! તારી વાત હવે અમે સાંભળશું. હવે તું એકલો નથી. આપણે ભેગા મળીને આ ધરતી નવપલ્લવિત કરીશું. અને માણસને સાચો રાહ બતાવીશું ! બોલો અમારે શું કરવાનું છે ?

પાગલ : (બધાં વાંદરાઓને ભેટે છે અને કહે છે ) તમારે ફરી પેલી ગાંધીજીવાળી મુદ્રામાં આવવાનું છે, (વાંદર ૧ને) હવે તારેતારી આંખ બંધ નથી રાખવાની, પણ ખુલ્લી રાખવાની છે, અને વૃક્ષોનું છેદન નહિ થાય તે જોવાનું છે.

વાંદર-૨ : અને મારે ?

પાગલ : તારે તારા કાન ખુલ્લા રાખી ઝરણાઓ – પક્ષીઓ – પ્રાણીઓ અને હવાના મંદમંદ અવાજો સાંભળવાના, એને પ્રેમ કરીને તારી આજુબાજુમાં વસાવવાના.

વાંદર-૩ : અને.. મારે શું કરવાનું તે મને સમજાઈ ગયું. મારે સમય સમયે બોલતા રહી જગતને જાગતું રાખવાનું છે.

પાગલ : હા દોસ્ત ! તું જ તો આ પર્યાવરણનો સાચો સંત્રી છે. ચાલો ચેરીટી બીગન્સ એટ હોમ. આપણે આપણા જ ઘરથી શરૂઆત કરીએ. ધરતીને નંદનવન બનાવી, ગામડે – ગામડા ગોકુળીયા બનાવીએ.

વાંદર-૧ : આ ભારતને એની સોનેરી સવાર પાછી આપીએ.

વાંદર-૨ : આ ભારતને રળિયામણી સાંજ પાછી આપીએ.

વાંદર-૩ : આ ભારતના પ્રત્યેક પ્રાણી અને માણસ સ્વચ્છ હવામાં નીંદર માણી શકે એવી રાત પાછી આપીએ. બોલો મેરા ભારત મહાન.

બધાં વાંદરા : (ગાય છે) જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડીયા કરતી હૈ બસેરા….. વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા.

(હાથમાં ત્રિરંગો ઝંડો લઈને એક બાળક કિસાનના પરિવેષમાં પ્રવેશે છે અને ગાય છે)

જય ભારતી….. જય ભારતી
જય ભારતી….. જય ભારતી

નાનું બાળક : ભારત માતા કી (બધાં એક સાથે) જય !

– રમેશ ચાંપાનેરી

‘પર્યાવરણ અને તેની જાળવણી’ ના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલ આ બાળનાટક સરળ પરંતુ સબળ છે, સ્પષ્ટ સંદેશ અને છતાંય નાટકના કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને લખાયેલ સંવાદો – વિચારો સાથેની આ કૃતિ આજના સમય માટે એક આદર્શ બાળનાટક છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈ ચાંપાનેરીનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

બિલિપત્ર

The Dust Receives insult
and in return offers her flowers.
– રવિન્દ્રનાથ ઠાકુર

માટી અપમાન પામે છે
અને બદલો વાળે છે ફૂલો વડે.
– અનુ. નગીનદાસ પારેખ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “નંદનવન (બાળનાટક) – રમેશ ચાંપાનેરી

 • R.M.Amodwal

  Thanks to Rameshbhai . PLay is the best to perform. the message should reach to every human being.You have completed your job.Nice.our best wishes that you should keep it up.
  R.M.Amodwala

 • ashvin desai

  બાલકો દ્વારા ભજવાતુ પુખ્ત નાતક મને તો લાગ્યુ .
  લેખક્નુ ઉદાન હલવાશ્થિ સર્જાય ચ્હે તે એમનિ વિશેશ શિધ્ધિ .
  સમ્પાદક વૈવિધ્ય્ના આગ્રહિ હોવાને લિધે રોજ એમનિ સઐત
  જોવા – વાન્ચવાનુ મન થાય તે સમ્પાદક્નિ પન સિધ્ધિ
  ધન્યવાદ . -અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા