રાજકોટ જીલ્લામાં ન્યાયાધીશશ્રીના અંગત મદદનીશ તથા અંગ્રેજી લઘુલિપિજ્ઞ શ્રી મનોજભાઈ શુક્લની ભાવઉર્મિઓ તેમના વ્યવસાય ક્ષેત્રથી અલગ સાહિત્યગંગામાં તેમના પદ્યસંગ્રહ ‘લઈ ખિસ્સામાં તડકો’ દ્વારા ગીત, અછાંદસ અને ગઝલ જેવા વિવિધરંગી કાવ્યપ્રકારોમાં અભિવ્યક્ત થાય છે. રાજકોટની સાહિત્યિક અભિગમની સંસ્થા ‘વ્યંજના’ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. અનેક સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રસિદ્ધ થઈ છે. કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, ‘સાહિત્યમાં સમાયેલ સહિત કે જેનો વ્યાપ અણુ પરમાણુથી બ્રહ્માંડ અને વ્યક્તિ, વ્યક્તિથી સમષ્ટિ સુધી અનેક તત્વો, ભાવો, તેની પ્રકૃતિ અને પ્રવૃત્તિના સ્થિત્યંતરો અનેકવિધ રીતે અભિવ્યક્ત થયા કરતાં હોય તે મેં મારા હોવાપણાની ક્ષુલ્લકતા સાથે ચાલતી સતત પ્રક્રિયામાં જે મન, હ્રદયને સ્પર્શી અને વ્યક્ત થવા મથ્યું અને જે થયું તે આ, અહીં થયું.’ આ પહેલા પણ તેમની ત્રણ રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી, આજે આ સંગ્રહમાંથી વધુ એક વખત ત્રણ વિવિધરંગી રચનાઓ પ્રસ્તુત કરી છે.
અક્ષરનાદને આ સુંદર સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી મનોજભાઈ શુક્લનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ. આશા છે તેમની કલમની સર્જકતાનો સ્વાદ આમ જ આપણને સતત મળતો રહેશે.
આગ કહો ધૂપછાંવ કહો, હો ખિસ્સામાં જો તડકો,
દોથા લીલા ઘાસે ચપટી નીમક જીભનો ચટકો.
ડાળે કો ટહુકો તેને
પાન પાનમાં ગુંથે,
ટાઢો છાંટો આગ બની કૈં
ધૂમાડાને પૂછે,
આગથી ડરતો દાઝે બળતો કિરણો કહે લસરકો
હુંફાળો ખરખરતો મીઠો જાણે રાબ સબડકો.
રણમાં હો ઉછરેલું અંકુર
કલ્પવૃક્ષ કલબલતું,
અહોરાત ઝુમઝુમતું ચમકે
જલમાં જીવન હસતું,
કોણ સતત છે ધરતું રહેતું કાચ તણો આ કટકો
આગ કહો ધૂપછાંવ કહો, હો ખિસ્સામાં જો તડકો.
(૧૯-૦૭-૨૦૦૩)
૨. એકાંતમાં
જીવ પર આવી શકે હાં કોઈ પણ એકાંતમાં,
આયખું પુરું થયે પણ ના મળૅ વૃતાંતમાં.
રાશના છેડે રહ્યા ઉન્માદનું ધાર્યું નહીં,
સારથી ખેંચાઈ પહોંચે ઘોડલાના દાંતમાં
સાંજવેળા કોઈ ઘટતી સાંજનું ઢળવું થતાં
ચાંદનીમાં ડાઘ શોધી છાપવા વેદાંતમાં
આજને પણ કાલ છે ને કાલને પણ કાળ છે,
રોજ નવલો દાવ ખેલે કોઈના દેહાંતમાં.
શોકની છાયા હો છાપે તો ય આશાનું કિરણ
ક્યાંક ખૂણેખાંચરે જોજે હશે દ્રષ્ટાંતમાં.
(૧૩-૧૦-૨૦૦૩)
૩. ક્યાં સુધી
ક્યાં સુધી આવી ઉદાસી હોય છે,
મોસમો કેવળ પ્રવાસી હોય છે.
સાવ સુક્કા ઝાડને જોયું કદી,
એક યુગ પૂરો ખલાસી હોય છે.
જ્યોતમાં ઉતરી અને જોયું વળી
મેશમય વાટે ઉજાસી હોય છે.
આપણું આકળ વિકળ થાવું પૂછે,
જીવને શેની તલાશી હોય છે ?
ઘન ગરજતા વાદળો વિખરાય ક્યાં,
છળ સમયનો બારમાસી હોય છે.
જર્જરીત પર્ણો અને કૂંપણ કહે
મોસમો સૂરજની દાસી હોય છે.
(૧૩-૫-૨૦૦૨)
– મનોજ શુક્લ
બિલિપત્ર
કવન, વસ્ત્ર કવયિત્રી મીરાનું જાણે,
કવન સાવ ઊજળી કબીરી ચદરિયા,
ગની આપણો તો નથી કોઈ દાવો,
હવામાં દુપટ્ટાને ઉડવું ગમે છે.– ગની દહીંવાલા
(૧) સમતોલ મનની મિરાત ! સંવેનદલશીલતાની આગવી મૂડી !! અને
ઈશકૃપાના અધિકારી ને આવું બધું સહજ પ્રાપ્ત હોતું હોય છે!
(૨ )+ (૩) ‘કાલને પણ કાળ હોય છે ” અને ” ” મોસમો પણ કેવળ પ્રવાસી/ સુરજની દાસી હોય છે”….= (યહ દિન ભી નિકલ જાયેગા”)નો સધિયારો!
” છળ ” સમયનું અને ” કૂંપળ ” નહિ ? કવિની છૂટ ?
જીવને શાતા …શાંતિનીજ તલાશી હોય છે ને?
-લા’કાન્ત / ૧૧-૪-૧૩
આભાર બંધુ (લ.કાંતભાઇ = લક્ષ્મીકાંતભાઇ)
સરાહના અને સુચન-નિર્દેશ માટે પણ. શક્ય ત્યાં સુધી કવિએ પણ છૂટ ન લેવી તેવું હું માનું છું.
મનોજ શુક્લ
મનોજભાઈ,
આપની કૃતિ ગમી. અભિનંદન. …. પરંતુ ….
સાચો શબ્દ ” કૂંપળ ” જ લખવો યોગ્ય ગણાય. શબ્દને મરોડવાની કવિને છૂટ ન હોવી ઘટે. સ્પષ્ટતા કરશોજી.
વળી, ” જર્જરીત ” નહિ પરંતુ ‘ જર્જરિત ‘ સાચો શબ્દ છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
ધન્યવાદ વડીલ શ્રી, આપનું પ્રોત્સાહન + ટકોર આંખ માથા પર.
ત્રણે સરસ રચના.
આભાર દેવિકાજી
THREE poems of manoj shukla
ખરેખર ત્રનેય કવિતા જુદા મિજાજ્નિ રહિ .
ગઝલ વધારે આકર્શક ચ્હે , કારન્કે વજ્ન બરાબર સચવાયુ ચ્હે
ભઐ મનોજ્નિ હથોતિ મજબુત ચ્હે , તેથિ ત્રને ય કાવ્યો સિધ્ધહસ્ત કવિનિ અસર મુકિ જાય ચ્હે . ધન્યવાદ
અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
આભાર અશ્વિનભાઈ