Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ 1


Arvind Adiga Book

Between the Assassinations ‘હત્યાઓ વચ્ચે’ જેવું આકર્ષક શીર્ષક અને અરવિંદ અડીગા જેવું જાણીતા લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને આગળ – પાછળનાં પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.

હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. – “શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે.”-  હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોવા અને કાલીકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં “કિટ્ટુર”ની.

લેખકે કિટ્ટુરના શાબ્દિક નકશામાં જાતિ, ધર્મ, વ્યવસાય અને પૂર્વગ્રહોની એવી ભાતીગળ રંગોળી પૂરી છે, જેનાં પરિપાકરૂપે આપણી સમક્ષ શહેરની નૈતિક જીવનકથા પથરાઇ રહે છે. માનચિત્રકાર ને છાજે તેવી ચોકસાઇ – “મદ્રાસ મૅલમાંથી બહાર પગ મૂકતાંની સાથે જ સ્ટેશનની ઇમારતની કમાનો કિટ્ટુર પરની તમારી પહેલી દ્ર્ષ્ટિને બાંધી લે છે” – અને એક નવલકથાકારની માનવતા -“આખી સમસ્યા જ અહીં છે. આપણાં બધામાં એક પશુ વસે છે.”- ને વણી લેતી આ વાર્તાઓ, શહેરના ઐતિહાસિક સ્થળોની તબક્કાવાર લેખની છે. આ વાર્તાઓનો સમયકાળ છે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓ વચ્ચેનાં સાત વર્ષ. તેની સાથે સાથે તે સમયની સામાજીક પ્રવાહોની કાલ્પનિક ઘટનાઓને, વેધક નજર અને ઝીણવટભરી  માવજતથી લેખકે વણી લીધી છે.

આમ દરેક વાર્તા તેનાં અલગ અલગ રંગનાં, બહુવિધ સંસ્કૃતિ, જાતિ અને ધર્મનાં વાતાવરણમાં પરોવાયેલ, પાત્રોની જીવનકથા તરીકે રજૂ થાય છે.આ બધી વાર્તાઓમાં કેન્દ્રવર્તી સૂર સત્તા સાથેના- ગરીબ અને તવંગર વચ્ચે,નોકર અને માલિક વચ્ચે, ઊચ્ચ વર્ણ અને નીચલાં વર્ણ વચ્ચે, બહુમતી અને લઘુમતી વચ્ચે, લાંચિયા નોકરશાહી અને મહેનતકશ પ્રજા વચ્ચે – સંબંધો અને આવા સંબંધોથી પેદા થાત સ્વાભાવિક તણાવ જણાય છે.

આ સાત દિવસનાં પર્યટનની વાર્તાઓની ખૂબ જ ટુંકી રૂપરેખા પર એક નજર કરીએ –

૧ ‘પહેલો દિવસઃ રેલવે સ્ટેશન’એ ઝિયાઉદ્દીન નામના મુસ્લિમ છોકરાની વાત છે, જે તેની નાનીમોટી ચોરી કરી લેવાની ટેવને કારણે પંકાયેલો હોવા છતાં તેના ગ્રાહકો અને સાથીદારોમાં પ્રિય છે.’અમે મુસલમાન એવું કદિયે ન કરીએ’ એ એનો તકિયા ક્લામ રૂપ જવાબ. પણ તે એક આતંકવાદી મુસ્લિમનો હાથો બની જાય છે.

૨ ‘બીજો દિવસ: બંદર’ એ બંદરના ઇલાકાના આટાપાટાને ભૂલાવડાવે,તેવાં અબ્બાસીનાં સંકુલ વ્યક્તિત્વવાળાં પાત્રને રજૂ કરે છે, પોતાની કપડાંની ફૅકટરી ચલાવવા લાંચરૂશ્વતનો સહારો પણ લે, લાંચિયા સરકારી કર્મચારીઓને દિલથી ધિક્કારે, અંધારામાં આંખો ફોડીને કામ કરતી મજૂરણોમાટે ભારોભાર અનુકંપા પણ રાખે અને જુગારીમોત્રો સાથે શરાબની મહેફિલ પણ માણે તેવી અકળ માનસીકતાઓ વાર્તાને રસદાર બનાવી રાખે છે.

૩ ‘બીજો દિવસ (બપોર): દીવાદાંડી ટેકરી’ એ એક રીઢા દલિત પુસ્તક વિક્રેતા, ઝેરોક્ષ,ની વાત છે જે પાઠય્પુસ્તક કે ગાઈડ કે પ્રવેશ-પરીક્ષાઓની માર્ગદર્શિકાઓથી માંડીને રાજકીય સાહિત્યનાં પુસ્તકોની બિનકાયયદેસરની નકલ વેચાવાની દુકાન દીવાદાંડીમાં જ માંડતો હોય છે.પ્રકાશકોના ઉચ્ચ વર્ણના વકીલની ફરિયાદોને આધારે  છાસવારે ભોગવવી પડતી હવાલાતની હવા પણ, એના બાપે જીંદગીભર ઊપાડેલ મેલાંની વેઠ કરતાં તો, તેને ઓછી આકરી લાગે છે. ‘સેતાનીક વર્સ’/ The Satanic Verses,ની નકલ વેચતાં ભોગવવી પડેલ અટકાયત દરમયાન પોલિસની મારથી તેના પગ ભાંગી જાય છે, પણ ‘ઝેરોક્ષ’કરેલી ચોપડીઓ વેચવાનો નિર્ધાર નથી ભાંગતો.

૪ ‘બીજો દિવસ (ચાલુ): અમારી શાળા’માં આપણને લેખકની શૈલિનો પરિચય,બ્રાહ્મણ બાપ અને નીચી હોયકા જાતની માના દીકરા ,શંકર,ના પાત્રમાં થાય છે. ચારે બાજૂથી મળેલી અસ્વિકૃતિના ગુસ્સાથી ધુંધવાયેલો શંકર પોતાની કૉલેજમાં હાથથી બનાવેલો અડઘણ બોંબ ફોડીને પોતાના ગુસ્સને વાચા તો આપે છે, પણ તેને તેના ઇરાદામાં સફળતા મળે છે ખરી?

૫ ‘બીજો દિવસ (સાંજ): દીવાદાંડી ટેકરી [ટેકરીનું તળીયું]’ પણ સેંન્ટ અલ્ફૉસૉ જુનિયર બોય’સ સ્કૂલના સહાયક હેડમાસ્ટર મી. ડી’મેલોનાં ‘કડકાઇ વગર છોકરાંવ સીધાં ન રહે’ માન્યતાની હાસ્યસભર વાત છે.

૬ ‘ત્રીજો દિવસઃ ઍન્જલ ટૉકિઝ’ એક પ્રમાણિક પત્રકાર ગુરૂરાજ કામથને તેના લાંચરૂશ્વત, રમખાણો અને ગુન્હાખોરીને ખુલ્લ પાડવાના પ્રયાસોને ‘ચુપ’ કરી દેવાની રમતોની વાત છે. જો કે કામથ તો તેનાં, ‘સત્યમેવ જયતે’ની શમા પ્રજ્વળીત રાખેલ, ભવિષ્યનાં સ્વપ્ન સમાં નિશાચર, અખબારની કલ્પનામાં વિચરી રહે છે.

૭ ‘ચોથો દિવસ: ઠંડા-પાણીના કુવાનો ચોક’ એ ગાંજાના બંધાણી, બાંધકામની સાઇટ પર કામ કરતા સુથાર, રામચંદ્રન, અને તેની નાની દીકરી – પોતાનાથી નાનાભાઇની મોટી બહેન – સૌમ્યા,ની કથા છે. પોતાનાં છોકરાં ભીખ માગીને પણ પોતાની લતને પોષે છે તે બાપને ગમે છે. પરંતુ એ જ દીકરીની, તેની પાસે બીજા કોઇ પૈસા નથી તેવી, કાકલુદીઓ પર એ જ બાપ વિશ્વાસ નથી કરતો.

૮ “પાંચમો દિવસ: વૅલેન્સીઆ (પહેલા ચાર રસ્તા ભણી)”એ અગિયાર ભાંડરૂઓમાંની નવ બેનો પૈકી આઠમી દીકરી હોવાને કારણે બાપ પાસે પરણાવવાના પૈસા ન હોવાથી, કુંવારી રહી ગયેલી, ઢળતી ઉંમરની, બ્રાહ્મણ સ્ત્રી,જયમ્મા,ના એક ક્રિશ્ચિયન વકીલ ગ્રૂહસ્થને ઘરે રસોયણ તરીકેના, અનુભવની વાત છે.જીંદગીમાં કાયમ પ્રમાણિકતાથી જીવેલ જયમ્મા દરેક ઘરે રસોયણ તરીકે ખાલી હાથે આવે છે અને ખાલી હાથે બીજે જતી રહી છે, પરંતુ વકીલ હવે બેંગ્લોર સ્થળાંતર કરી જવાના હોવાથી, પોતાનાં કપડાંનું એક પોટલું લઇને નીકળી પડેલી જયમ્મા, પહેલી વાર ઘરના છોકરાનો દડો સાથે લઇ લે છે. તે ‘ગુના’ને કારણે ગુંચવાઇ ગયેલી જયમ્મા, એમ માનીને સંતોષ લે છે કે, આ ગુનાની સજા તરીકે તેણે આવતા જન્મમાં ક્રિશ્ચિયન તરીકે અવતાર લેવો પડશે!

૯ “પાંચમો દિવસ (સાંજ): આપણી લેડી ઑફ વૅલેન્સીઆનું દેવળ” નો નાયક જ્યોર્જ ડી’સૉઝા બાંધકામની સાઈટ પરથી છૂટા કરવાને કારણે, મચ્છર મારવા માટૅ ડીડીટી છાંટતા દહાડિયામાંથી, જેનો વર દુબઇ જઇ વસ્યો છે તેવી, શ્રીમતી ગૉમ્સના ડ્રાઇવરસુધીની કક્ષાએ પહોંચી જાય છે. નોકરીની વણકહ્યી શરતો પૂરી કરતો રહેતો હતો ત્યાં સુધી, પોતાની અપરિણીત બેનને પણ એ ઘરમાં જ રસોયણની નોકરી અપાવી શકવા જેટલો ભરોસાપાત્ર નોકર, પોતાની નજીવા પ્રલોભનથી લક્ષ્મણરેખા ઓળંગવાની ભૂલ કરીને રાતોરાત, પોતાની બહેન સાથે, દેવળમાં રહેવાની સ્થિતિમાં પહોંચી જાય છે.

૧૦ ‘દિવસ છઠ્ઠોઃ સુલતાનની બેટરી” એક કહેવડાવતા જાતીયવિજ્ઞાનવિદ, રત્નાકર શેટ્ટી,નાં જીવનની કરૂણ વાસ્તવિકતાનો ચિતાર છે. ખાંડની ટીકડીઓને, જાતીય રોગના રામબાણ ઇલાજ તરીકે, વેચીને પોતાની ચાર દિકરીઓના લગ્નનો વેંત કરી રહેલા રત્નાકરની સમક્ષ તેની મોટી દીકરી માટેનો મુરતિયો, ફટાકડાના વેપારીનો દીકરો, જ એક એવો કોયડો બનીને આવી ઉભે છે કે તેના મનમાં સવાલ થઇ આવે છે – આ છોકરાને આ રોગ સામે લડવામાં રત્નાકર જ મદદ કરે તેવું કોણે અને શા માટે નક્કી કર્યું.

૧૧ “દિવસ છ્ઠ્ઠો (સાંજ) : બાજપે” પણ કરૂણ વાત છે જેમાં, જેને બાળક નથી એવું એક દંપતિ,  ગિરીધર રાવ અને કામિનિ, તે સમાજવાદીઓની સંગતમાં પોતના ગમને ભૂલવા પ્રયત્ન કરે છે. તેની સાથે ઔદ્યોગિકી શહેરીકરણને લીધે બાજપેની વનરાજીનું નિકંદન કાઢીને ત્યાં સરદાર પટેલ સ્ટેડીયમની, જાહેર જનતાને લાભાર્થે, આકાર લેતી પરિયોજના કથાને વધુ સાંપ્રત બનાવવામાં મદદ કરે છે.

૧૨. “દિવસ સાતમો: સૉલ્ટ માર્કેટ ગામ”ની વાત ના કેન્દ્રસ્થાને સામ્યવાદી કૉમરૅડ થિમ્મા અને તેનો શિષ્ય મુરલી છે. લેખકે માર્ક્સ-માઓવાદીઓ દ્વારા ગામડાંની ગરીબ પ્રજાનું થતું અહિત પણ સાથે સાથે વણી લીધું છે.

સામાન્ય રીતે અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો  તળપદી અનુભવોને અંગ્રેજી માતૃભાષી વર્ગને ઉદ્દેશીને લખાઇ હોય તેવી શૈલિમાં અંગ્રેજીનો પ્રયોગ કરતાં જણાતાં હોય છે, તેથી તેઓ ને ‘બુકર’ વિગેરે ઇનામકરામ તો મળી રહે છે પરંતુ  તેમાંથી આપણને ભારતીય સમાજની અસલ કથા વાંચ્યાનો એટલો, અને એવો, અહેસાસ નથી થતો, જેટલો, અને જેવો, કોઇપણ ‘દેશી’ ભાષામાં લખાયેળી કથા વાંચીને થતો હોય છે..અરવિંદ અડીગાનું અંગ્રેજી, ભારતીય લઢણવાળું, સ્વાભાવિક બની રહ્યું છે.  પુસ્તકને માત્ર વાંચવાલાયકમાંથી, માણવાલાયક કક્ષાએ લઇ જવામાં, તેમ જ ભારતીય પૃષ્ઠભુમિનો માત્ર ઉપયોગ કરી લેવાને બદલે ભારતીય સામાજિક જીવનની વાત તરીકે જાળવી રાખવામાં આ તળપદી અંગ્રજીનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે તેવું આ લેખના લેખકનું માનવું છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ