સ્વપ્ન તો નાજુક મજાનું હોય છે,
બંધ આંખે દેખવાનું હોય છે.
પીળચટ્ટી જિંદગીના આસને,
ભૂલવાનું એ બહાનું હોય છે.
પોત પાણીથી યે એનું પાતળું
રત્નથીયે સાવ નાનું હોય છે.
કેટલું એ જડભરત બિન્ધાસ્ત છે,
ને છતાં અંગત બધાનું હોય છે.
ક્યાં મળે એની હયાતીના સગડ ?
એ જ બિસ્તર ને બિછાનું હોય છે.
રેશમી રોમાંચથી થઈ તરબતર
ઉમ્રભર વાગોળવાનું હોય છે.
લાખ યત્નોથી ભલેને સાચવો,
હાથતાળી દઈ જવાનું હોય છે.
– નટવર વ્યાસ
હજી બેઠો થઉં છું ઉંઘમાં જ્યાં આંખ ચોળીને,
એ ચાલી નીકળે મધરાતે મારું સ્વપ્ન રોળીને.
પ્રસરતા નિતનવા આકારની લીલા નિહાળું છું,
હું કોરા કાગળે આ શાહીના ખડિયાઓ ઢોળીને.
નથી અજવાળું દેખાતું અહીં એકાદ ખૂણે પણ
હું થાકી જાઉં છું આ ઘોળકું દરરોજ ઘોળીને.
નિહાળું છું બધાને છેક છેલ્લી પાટલી પરથી,
ગહન આકંઠ ચર્ચાગ્રસ્ત જ્ઞાનીઓની ટોળીને.
હવે આ પાળથી ઉઠીને બીજે ક્યાં જવું આદિલ,
અહીં બેઠા છીએ આ પગ સરોવરમાં ઝબોળીને.
– આદિલ મન્સૂરી
ખરે જે જગા ટપ દઈ શબ્દ પાકો
સમજ, ત્યાંથી છે મૌનનો બસ ઈલાકો
કરી ના શકે કામ જે ધૂમ ધડાકો
કરે કામ એવું ભીતરનો સબાકો
પરિણામ એનું પછીથી જ આંકો
પ્રથમ કોઈ નિશાન ઊંચેરું તાકો
ન વાગે નગારાં, ન રાખે એ ફાંકો
ધીરેથી ઊગી સૂર્ય પાડે છે છાકો.
નજર લક્ષ પર દઈ લગાવો કૂદાકો
વળી આપમેળે જવાશે વળાંકો
– સુધીર પટેલ
બિલિપત્ર
કબૂતરની માફક ફફડતો રહ્યો છું,
હું મારા જ ઘરમાં રઝળતો રહ્યો છું.
બગડતો રહ્યો છું હું એક એક ઘૂંટે
હું એક એક શ્લોકે સુધરતો રહ્યો છું.
– નિનાદ અધ્યારૂ
મને ખૂબ ગમતી એવી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. શ્રી નટવર વ્યાસ, શ્રી આદિલ મન્સૂરી અને શ્રી સુધીર પટેલની એવી આ ત્રણેય રચનાઓ અપ્રતિમ છે, સુંદર છે. પ્રથમ રચના સ્વપ્નની સૃષ્ટી છે. સાતેય શેર એક જ વિષય – સ્વપ્ન – ને આવરીને વણાયા છે. બીજી ગઝલ આદિલ મન્સૂરી સાહેબની ‘હજી બેઠો થઉં છું ઉંઘમાં જ્યાં આંખ ચોળીને’ અને ત્રીજી કર્મનો સિદ્ધાંત તથા ધ્યેયની પ્રાપ્તિ માટેની સરળતમ રીત બતાવતી શ્રી સુધીર પટેલની કૃતિ છે, અને આજનું બિલિપત્ર પણ મને એટલું જ પ્રિય છે.
ૂસુન્દર ગઝલ આપવા બદલ આભર .ગરમિ મા રાહત મલિ.શૈતલતા માલિ.
અતિ સુન્દર રચનાઓ.
ઇરશાદ !
આજે તમને વિશિશ્ત મુબારકબાદિ આપવાનુ મન થાય ચ્હે
તમારા રસ રુચિ લગભગ દરેક સાહિત્ય ક્રુતિઓ માતે ઉત્ક્રુશ્થ
રહેવાનિ સાથે કવિતા – ગઝલ માતે અલઓકિક અનુભવાય ચ્હે . એતલે ગુજરાતિ દઐજેસ્ત માતે તમે સમ્પુર્ન સમ્પાદક ચ્હો . ત્રનેય ગઝલો સમાન્તર સ્પન્દનો ભાવક્મા પન ઝનઝનાવે ચ્હે . ધન્યવાદ . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
khub saras gazals. Kindly continue to share such ones.
બહુ સચોટ અર્થ ભાવ વાળી ગઝલ છે.અને તેમાં ય મને,
“હું એક એક શ્લોકે સુધરતો રહ્યો છું.” એ શેર.