દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ. આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ તો નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી આ બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર (ઈશ્વર) ને ઓળખવાના દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખૂલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી જ શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના દરેક પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે.
કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.
– મહેન્દ્ર નાયક, નવસારી
કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવોના સૈન્યો લડવા માટે અકબીજા સામે આવીને ઉભા છે. તેવામાં અચાનક પાંડવો પક્ષેથી હનુમાનની છબીવાળી ધજા ધરાવતો એક રથ, બન્ને સૈન્યોની વચ્ચે આવીને ઉભો રહ્યો. એ અર્જુન જ હતો!
ત્યાં આવીને અર્જુને પોતાની સામે ઉભેલા સૈન્યને નિહાળ્યું. ત્યાર બાદ પોતાની પાછળ ઉભેલા સૈન્ય પર દૃષ્ટિપાત કર્યો, વડીલો, ભાઈઓ, ભત્રીજાઓ, બધા જ લડવા માટે અને એક બીજાને રેંસી નાખવા માટે તત્પર થઈને ઉભા હતા. – અને આ બધું શા માટે? જમીનના એક ટૂકડા માટે? ‘મારાથી આ તો ન જ થાય,’ એ બોલ્યો, ‘આ ધર્મ ન હોઈ શકે.’
બધા લડવૈયાઓનાં આશ્ચર્ય વચ્ચે અર્જુને પોતાનું ગાંડીવ જમીન પર મૂકી દીધું.
‘આવો કાયર ન બન અર્જુન, એક માનવની જેમ પરિસ્થિતિનો સામનો કર’ કૃષ્ણએ એને ઉંચા સાદે કહ્યું.
‘મારાથી નહીં થાય’ અર્જુન ગણગણ્યો અને માથું નમાવીને નીચે બેસી પડ્યો.
‘અરે, મૂઢ! એક ક્ષત્રિય તરીકે આ તો તારી ફરજ છે.’ કૃષ્ણએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘હું આ નહીં કરી શકું’ અર્જુને કહ્યું.
‘એ લોકોએ તારી પત્નીનું અપમાન કર્યું. તારું રાજ્ય છીનવી લીધું. અર્જુન, ન્યાય ખાતર પણ લડ.’ હવે કૃષ્ણએ એને આજીજી કરી.
અર્જુન જરા પણ ન ડગ્યો, ‘મને ભાઈઓ, કાકાઓ અને મિત્રોની હત્યા કરવામાં કોઈ ડહાપણ જણાતું નથી. આ તો ઘાતકીપણું જ કહેવાય, આમાં કોઈ વીરતા છે જ નહીં. હું તો આવા બદલા કરતાં શાંતી જાળવવાનું જ પસંદ કરીશ.’
‘તારા વિચારો તો કાંઈ ખૂબ જ ઉંચા જણાય છે ને !’ કૃષ્ણએ કહ્યું, ‘પરંતુ આવું ઉમદાપણું તારામાં અત્યારે ક્યાંથી આવ્યું? શું આ તારી ઉદારતા છે કે પછી તારો ડર? ડહાપણ છે કે પછી અજ્ઞાન? આ પરિસ્થિતિનું ભાન હવે તને અચાનક થયું? તને નિષ્ફળતાની શક્યતાઓ અને સફળતાની કિમત હવે સમજાય છે ? – અને તું ધ્રુજવા લાગ્યો છે. તું હવે ઈચ્છે છે કે આવું ન થયું હોત તો સારું હતું. જે છે તે પરિસ્થિતિનો સામનો કરવાને બદલે તું હવે પીછેહઠ કરી રહ્યો છે, પરંતુ સમજ કે તારો આ નિર્ણય સંજોગોની ભૂલભરી આકારણીને કારણે થઈ રહ્યો છે. તું જો આ સંસારને સાચી રીતે સમજ્યો હોત તો આ ક્ષણે પણ આનંદમાં અને શાંત જ હોત.’
‘મને આ ન સમજાયું.’ અર્જુન બોલ્યો.
અને ત્યારે કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો – આ ઉપદેશે જ અર્જુનને આ સંસારની સાચી પ્રકૃતિનું ભાન કરાવ્યું. આ જ હતી ભગવદ્ ગીતા – ઈશ્વરના સ્વમુખે થયેલું ગાન.
ગીતાનો આ ઉપદેશ શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધ સમયે કેવળ અર્જુન માટે જ નો’તો અપાયો, પરંતુ એ એવા દરેક માનવ માટે છે – જે કોઈ પણ સમયે – આ સંસારમાં રહીને, પોતાના જ આંતરિક સારા-નરસા ગુણો વચ્ચે થઈ રહેલા યુદ્ધને ખેલી રહ્યો છે. આ ઉપદેશમાં એમનો સ્પષ્ટ નિર્દેશ છે કે માનવી આ સંસારની માયાને સારી રીતે ઓળખે, એને પીછાણી લે અને એને પડકારી ને પોતાના માનવ અવતારના સાચા લક્ષ્યને શોધી કોઢે. કામ સહેલું તો નથી જ – શક્ય છે કે તે માટે અનેક જન્મો પણ વીતી જાય – પરંતુ આ સંસાર રૂપી જંગલમાં વ્યર્થ ભટકવા કરતાં, તમારા સાચા લક્ષ્યને શોધવાનું કષ્ટ કરશો તો એ રાજમાર્ગ તમને જરૂર મળશે – તે માટે ઈશ્વર પણ તમને ભરસક મદદ કરશે. તમે જરૂર એની. કૃપા પાત્ર થશો. તે માટે માત્ર અતિ આવશ્યક છે તમારા નિખાલસ પ્રયત્નો. તો હવે કૃષ્ણએ અર્જુનને એમના ઉપદેશમાં આગળ શું કહ્યું તે જોઈએ.
‘હા, એ સાચું જ છે કે તું અસંખ્ય યોદ્ધાઓને મારશે પરંતુ એ તો કેવળ એમના શરીરનો જ નાશ હશે. આ દરેક શરીરમાં એક અમર આત્મા વસેલો છે, જે કદી મરતો નથી એટલે કે કદી નાશ નથી પામતો. જે રીતે આપણેં જુના વસ્ત્રો ત્યાગીને નવાં ધારણ કરીએ છીએ, તેવી જ રીતે નવા જન્મમાં એ જ આત્મા એક શરીર છોડીને બીજું શરીર અખત્યાર કરે છે. તો હવે માનવીની સાચી ઓળખ કઈઃ નાશવંત શરીર કે પછી અવિનાશી આત્મા? અર્જુન, તું કોને મારે છે? તું કોને મારી શકવાને સમર્થ છે?’
‘આ શરીર તને એટલા માટે જ મળ્યું છે કે જેના વડે તું યત્ન કરી આત્મા સુધી પહોંચે. તારા યત્નો વિના આ શરીર કેવળ તને નાશવંત વસ્તુઓનો જ અનુભવ કરાવી શકે છે – તારા વિચારો, તારી લાગણીઓ, તારી ભાવનાઓ, શરીર ફરતેનો આ સંસાર અને તેમાના દરેક પદાર્થો પણ શરીર જેવો જ ક્ષણિક અને નાશવંત છે. જ્યારે તું આ બધી જ ક્ષણિક વસ્તુઓથી કંટાળીને કાંઈક શાશ્વતની શોધ માટે તત્પર થશે ત્યારે જ પરિણામ સ્વરૂપે આત્માને પામશે. હે અર્જુન, અત્યારે તો તું આ શરીરના અસ્તિત્વનું કારણ પણ જાણ્યા વિના એના મોહમાં ફસાયો છે. આ માયાને ઓળખ.’
‘આ સંસારના બધા જીવોમાં, કેવળ માનવી જ એવો જીવ છે જેના પર ઈશ્વરની સૌથી વધુ કૃપા વરસી છે.’ કૃષ્ણએ કહ્યું. ‘કારણ માનવીને જ એણે બુદ્ધિ આપી છે. કેવળ માનવી જ એવો જીવ છે જે નિત-અનિતનો ભેદ સમજી શકે છે. એ નાશવંત અને શાશ્વતને જુદા પાડી શકે છે. કેવળ માનવી જ શરીર અને આત્માનો ભેદ સમજવાને સમર્થ છે. અર્જુન, આ યુદ્ધના મેદાનમાં ઉભેલા બધા જ માનવીઓએ, જેમા તું પણ સામેલ છે, તેમનું સંપૂર્ણ જીવન – આ સંસારની નાશવંત વસ્તુઓ પાછળ દોડી દોડી ને વ્યર્થ જ કર્યું છે – અને જે શાશ્વત છે તેને ઓળખવાની દરેક તક ગુમાવી છે.’
‘બાહ્ય જગતની વસ્તુઓ અંગેની જાણકારી, તારું આ શરીર તારી પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે¬: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એ જ બાહ્ય જગતની વસ્તુઓ સાથેનું જોડાણ, તારું આ શરીર તારી પાંચ કર્મેન્દ્રિ દ્વારા જાળવે છેઃ હાથ, પગ, ચહેરો, ગુદા અને જનનેન્દ્રિયો, આ પ્રેરણાઓ અને તેની પ્રતિક્રિયાઓની વચ્ચેનું કાર્ય તારું મન કરે છે. આ પ્રક્રિયાઓ જ તારામાં આ ભૌતિક જગતની સમજ કેળવે છે. અર્જુન, તું આ જેને યુદ્ધનું મેદાન માને છે એ કેવળ તારા મનની લીલા માત્ર છે. એ પણ મનની અન્ય સમજની જેમ અવાસ્તવિક જ છે.’
‘તારી બુદ્ધિ આત્માને ઓળખી શકી નથી. હજી તો એ કેવળ વસ્તુઓ, વાતો અને વિચારોના અર્થ તથા તેમના અનુમોદનો જ શોધ્યા કરે છે. એને આ અસ્તિત્વ અંગેના પ્રશ્નો તો જરૂર થાય છે પરંતુ તેમના ઉત્તરો એ કેવળ આ ભૌતિક જગતમાં જ શોધે છે. એ નોંધે છે કે અહીં તો બધું જ નાશવંત છે, એમાનું કશું જ શાશ્વત નથી. નાશ અને મૃત્યુ અંગેની અધુરી જાણકારી થી એને ભય ઉત્પન્ન થાય છે. એ ભય એની બુદ્ધિને વ્યર્થ અને બિન ઉપયોગી બનાવે છે. ત્યાર બાદ એના ભયમાંથી ઉપજે છે અહંકાર. આ અહંકાર, કેવળ બુદ્ધિના સમાધાન માટે મનને ભ્રષ્ટ કરે છે. અહંકાર કેવળ પોતાના અસ્તિત્વને જ સબળ કરનારા પ્રસંગો, યાદો અને ઈચ્છાઓને પ્રોત્સાહન આપે છે જેથી એ પોતાને શક્તિશાળી અને શાશ્વત હોવાનું અનુભવે. જે વાતો એને નકામો અને નાશવંત ઠેરવતી હોય તેને એ ટાળે છે. આ ક્ષણે, અર્જુન, તારો અહંકાર પણ તારા મનનું નિયંત્રણ કરી રહ્યો છે. એ તારા શરીરના મર્યાદિત અનુભવોને જ વધુ મહત્વ આપી રહ્યો છે અને તને તારા આત્માના અનંત અનુભવથી વંચીત રાખી રહ્યો છે. તારી આ બધી જ ચિંતા, ડર અને ભ્રમણાઓનું કારણ પણ એ જ છે.’
‘ભૂતકાળની તારી બધી જ ઉત્તેજનાઓ – જેનાથી તને ડર લાગે છે કે જે વડે તું આનંદીત થાય છે – તેમની યાદો તારું મન સંસ્કાર રૂપે સાચવી રાખે છે. તારું મન એવી ધારણાઓને પણ સાચવી રાખે છે જેનો તને ડર હોય અથવા જે તને ખુશ કરતી હોય. તારા અહંકારની ઉશ્કેરણીથી તું તને દુઃખ દેનાર યાદોને દબાવે છે અને સુખ પહોંચાડનાર યાદોને પ્રોત્સાહન આપે છે. વળી અહંકારની એવી જ ઉશ્કેરણીથી પ્રેરાઈને તું એવી પરિસ્થિતિઓને ધારી લે છે જેને તારો અહંકાર આવકારતો હોય કે ટાળતો હોય. અત્યારે પણ, અર્જુન, હજી યુદ્ધક્ષેત્રે તો કશું થયું જ નથી, પરંતુ તારા મનમાં ઘણું ઘણું ચાલી રહ્યું છે – કોઈ ભૂતાવળની જેમ તારી યાદો ઉપસી રહી છે અને કલ્પનાના રાક્ષસો તને ખાવા દોડી રહ્યા છે, અને એ કારણે જ તું આટલો બધો દુઃખી થઈ રહ્યો છે.’
‘આ પરિસ્થિતિને આંકવા તારો અહંકાર પોતાના જ માપદંડો ઘડી રહ્યો છે, આ માપદંડો જ તારામાં ડર કે આનંદની, દુઃખ કે સુખની, ખરી કે ખોટી, યોગ્ય કે અયોગ્ય, સારી કે નરસી, લાગણીઓને ઉપજાવી રહ્યો છે. એ અંગેની સાચી માહિતી તો તુ જે સમાજમાં રહે છે તેના સ્થપિત મૂલ્યો દ્વારા તને મળી શકે ખરી પરંતુ તેને તું તેજ સ્વરૂપે સ્વિકારે તે પહેલાં જ એ તારા અહમ્ ની ગળણીમાંથી ગળાઈને તારી પાસે પહોંચે છે. આ સમયે, અર્જુન, તુ જેને યોગ્ય સમજી રહ્યો છે તે બધું તારા જ માપદંડને આધારે છે. દુર્યોધન જેને યોગ્ય સમજે છે તે એના માપદંડ મુજબનું છે. કયો માપદંડ સાચો અને યોગ્ય ગણાય? શું કોઈ પૂર્વગ્રહોથી મૂક્ત છે ખરું?’
‘તું જે આ જગતને જોઈ રહ્યો છે એ ખરેખર તો તારા માપદંડને આધારે ઉભી થએલી ભ્રમણાં માત્ર છે – એક માયા જ છે. તારી નવી યાદો અને ભ્રમણાંઓ તારા માપદંડને બદલી શકે છે, અને એવું થતાં જ તેં ધારી લીધેલું આ જગત પણ બદલાવાનું. કેવળ એક જ્ઞાની જ આ જગતને જેવું છે તે સ્વરૂપે નિહાળે છે; બાકીના સૌ પોતાના અહંકારને અનુકૂળ એવી પોતાની દુનિયા બનાવી લેતા હોય છે, અને તેમાં સુખી કે દુઃખી થતા હોય છે. એ જ કારણ છે કે જે જ્ઞાની છે તે હમેશાં શાંત અને સુખી રહે છે, જ્યારે બાકીના હમેશાં અસુરક્ષિત અને અશાંત જ રહે છે. અર્જુન, તું જો જ્ઞાની હોત, તો આ લડાઈના મેદાનમાં તારા હાથમાં ધનુષ્ય-બાણ હોવા છતાં પણ શાંત જ હોત, કોઈ પણ જાતના ક્રોધ વિના લડત અને કોઈ પણ જાતની ઘૃણા વિના શત્રુનો નાશ કરત.’
‘જે વાતો તને સૌથી વધુ સુખ પહોંચાડે છે તારો અહંકાર તેને જ વળગી રહે છે. ત્યાર બાદ તારા જીવનનું લક્ષ્ય, કેવળ સુખ આપનાર સ્થિતિ તરફ દોડવાનું અને દુઃખ દેનાર સ્થિતિને ટાળવાનું, એ જ રહી જાય છે. જે વસ્તુઓ, વિચારો અને પરિસ્થિતિઓ તારા અહંકારને પોષે, તું તેમને જ બળ પૂર્વક વળગી રહે છે. તારો અહંકાર એની સત્તામાં હોય એ બધું જ વાપરીને, જે પણ બાહ્ય પદાર્થો એને આનંદ આપનારા હોય, તેમના પર પોતાનું પ્રભુત્વ કાયમને માટે જાળવી રાખવાના પ્રયત્નો કરે છે. શું તને આ સમજાઈ રહ્યું છે, અર્જુન, કે તું કેવળ સ્વયંને જ આનંદ આપનાર પરિસ્થિતિઓને ફરી સર્જવાનો પ્રયત્નો કરી રહ્યો છે? તેં તારી બધી જ લાગણીઓને બાહ્ય બનાવો સાથે જ બાંધી રાખી છે. એ બંધનોને દૂર કર! ’
‘આ બાહ્ય જગત આપણાં શરીર જેવું જ છેઃ પ્રકૃતિથી એ હમેશાં બદલાતું જ રહે છે અને વળી એ પણ ક્ષણભંગુર જ છે. સ્થળ અને કાળના નિયમોને આધિન રહીને, એ ત્રણ ગુણો – સત્ત્વ, રજસ અને તમસ – વચ્ચે રમતું રહે છે. અર્જુન, ગમે તેટલા ઉપાયો કરે તો પણ તું જેને ચાહે છે તે બધા જ મોતને તો અવશ્ય ભેટવાના જ, પછી તે લડાઈના મેદાનમાં હોય કે રાજમહેલમાં. તારા ભરસક પ્રયત્નો છતાં, તું જે વાતોથી દૂર ભાગી રહ્યો છે તે બધું જ તારા જીવનમાં વારંવાર આવ્ય જ કરશે. આ યુદ્ધો અને શાંતી તો સુખ અને દુઃખ, ઉનાળો અને શિયાળો, રેલ અને દુકોળની જેમ વારાફરતી આવતા જ રહેવાના.’
‘બાહ્ય જગતના ફેરફારો તારા અહંકારને ઠેસ પહોંચાડે છે, એને અસુરક્ષિત બનાવે છે. તેથી જ તારો આ અહંકાર ફેરફારોને રોકવા કે તેમને ટાળવાના પ્રયત્નો કરે છે. જો આવો કોઈ બદલાવ તારા અહંકારને પોષનારો હશે તો તને એ એની પાછળ દોડાવશે અને સંભવીત સ્થિરતાનો વિરોધ કરશે. પરંતુ જ્યારે એ પોતાની રીતે સફળ નહીં થાય ત્યોરે ક્રોધ અને દુઃખ અનુભવશે. એ આ શરીર પર પણ અનુકૂળ સ્થિતિ જાળવવા દબાણ કરશે. આ જગતને પોતાના માપદંડ અનુરૂપ ઘડવાની ઈચ્છા માત્રમાંથી જ સઘળાં દુઃખો, વિટંબણાઓ અને ક્રોધનો જન્મ થાય છે. આ જગતને જેવું છે તેવું સ્વિકારી લેવાની અનિચ્છા જ સઘળા દુઃખોનું મૂળ છે. અર્જુન, તારી સાથે આ જ થઈ રહ્યું છે. તારે આ જગત પર નિયંત્રણ રાખવું છે. આ જગત તારી ઈચ્છા મુજબ જ વર્તે એવું તારે જોઈએ છે. પરંતુ એવું નથી થતું અને તેથી જ તારા આ ક્રોધ અને વિટંબણાઓ સામે આવ્યા છે. ’
‘આ ભૌતિક જગતમાં થતા ફેરફારો આધાર વિનાના નથી. એ પાછલા સઘળા કર્મોના પરિણામ સ્વરૂપે જ હોય છે. કોઈ પણ બનાવ કારણ વિના નથી ઘટતો; એ અગાઉ થઈ ગયેલા બનાવોના પરિપાક રૂપે હોય છે. એ જ કર્મ છે. તારા જીવનમાં થએલા બધા જ બનાવો તારા પાછલા કર્મોના પરિણામ રૂપે જ હોવાના – તે પછી તારા આ જીવનના હોય કે પૂર્વ જીવનના – કેવળ તું જ એને માટે જવબદાર છે. કર્મનો આ નિયમ આવો જ છે. જ્યાં સુધી તું તારા પૂર્વ જન્મના કર્મનું ફળ ભોગવી ના લે ત્યાં સુધી તારે વારંવાર જન્મ લેતા જ રહેવું પડે. તારે જો ફરી જન્મ ન લેવો હોય તો નવાં કર્મો બાંધવાનુ બંધ કરવું પડે. તારું કર્મ બાંધનારુ વર્તન, કર્મ ન બાંધનારા વર્તનથી જુદું જ હોય છે; પહેલામાં તારા વર્તન પર અહંકારનું પ્રભુત્વ હોય છે જ્યારે બીજામાં અહંકારનો અભાવ હોય છે. અર્જુન, આ ક્ષણ તારા, તારી પાછળ ઉભેલા અને તારી સામે ઉભેલા, બધાના જ પાછલા કર્મોનું પરિણામ છે. એનો સ્વિકાર કર. એનો પ્રતિકાર કરવાનો વિચાર પણ ન કરીશ. આ યુદ્ધ તો થવાનું નક્કી જ થઈ ચૂક્યું છે. તું કેવળ તારી ઈચ્છાથી એને ટાળી નહીં શકે.’
‘કોઈ એક પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું તે તું તારી બુદ્ધિથી જરૂર નક્કી કરી શકે. સામાન્ય રીતે વાત એવી હોય છે કે પરિસ્થિતિ અને તે માટે લેવાતાં પગલાં એ બે વચ્ચે વિચાર કરવાનો ભાગ્યે જ સમય મળે છે. પરંતુ વિકલ્પો હોય છે જરૂર. એ સ્થિતિમાં જે વિકલ્પ સ્વિકારાય તે અહંકારને પોષતો હશે તો કર્મ બંધાશે અને જન્મ મરણનું ચક્ર ચાલુ જ રહેશે. પરંતુ જો એ વિકલ્પનો જન્મ તમારી આત્મ જાગૃતિમાંથી થયો હશે તો તમે એ ચક્રને ભેદીને મોક્ષને માર્ગે આગળ વધશો. અર્જુન, જો આ લડાઈ તું ક્રોધ કે ન્યાય-અન્યાય અંગેના તિરસ્કારથી પ્રેરાઈને લડશે તો તને શાંતી નહીં મળે અને જીવન-મૃત્યુના ચક્રમાં ફસાઈ જઈશ; પરંતુ જો તું આ લડાઈ ડહાપણ અને સહભાવ સાથે લડશે તો આ સંસારથી મુક્ત થઈ શકીશ.’
‘અહંકારને કેન્દ્રમાં રાખવાને બદલે જો આત્માને કેન્દ્રમાં રાખી કામ કરવું હોય તો પ્રથમ તારે આત્માને ઓળખવો પડે, અનુભવવઓ પડે. આત્માના અનુભવ માટે તારે આ જગતને જેવું છે તેવું જ સ્વિકારવું રહ્યું અને નહીં કે એને તું તારા જ માપદંડથી મુલવતો રહે. એટલું યાદ રાખ જે કે આત્મા સઘળું જોઈ રહ્યો છે – તારી બુદ્ધિ, તારો અહંકાર, તેં ઘડેલો માપદંડ અને પરિસ્થિતિ અંગેનો તારો પ્રતિભાવ. એ ખૂબ જ ધિરજ પૂર્વક તું એને ઓળખે તેની રાહ જોઈ રહ્યો છે. આ તારો ક્રોધ અને વિટંબણાઓ, તું એને ઓળખશે નહીં ત્યાં સુધી ચાલુ જ રહેવાના. અર્જુન, તું એને ક્યારે શોધશે? અને તને શાંતી ક્યારે થશે?’
‘શું લડાઈ લડતા લડતા પણ શાંતી? કેવી રીતે, કૃષ્ણ, એ કેવી રીતે શક્ય છે?’ કૃષ્ણના આવા જ્ઞાનથી આશ્ચર્ય પામતા અર્જુને પુછ્યું.
‘અરે, અર્જુન! તારી બુદ્ધિને વાપર – પરિસ્થિતિનું વિશ્લેષણ કર. તારી આ જે ભાવનાઓ છે તેનું મૂળ શોધી કાઢ. તને જે કાંઈ લાગી રહ્યું છે, તે એવું શા માટે લાગી રહ્યું છે તે શોધ. શું તારો અહંકાર તને ભમાવી તો નથી રહ્યોને? લડાઈ લડવાની તારી આ ઈચ્છા શા માટે છે? શું તારી આ ઈચ્છા દુશ્મનોને પરાસ્ત કરી તારું રાજ્ય પરત મેળવવા માટે છે? તારો ક્રોધ તારી પાસે આ કરાવી રહ્યો છે કે પછી અન્યાય સામે બદલાની ભાવનાથી તું આ કરી રહ્યો છે? અથવા તું પરિણામની ચિંતા વગર, એકદમ શાંત ચિત્તે તારે જે કરવું છે તે તું કરી રહ્યો છે? અર્જુન, જો તું આવું પુછી કે વિચારી નથી શકતો તો સમજી લે કે તું જ્ઞાનયોગને અનુસરી નથી રહ્યો.’
‘તું તારા હૃદયને તપાસ – આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખ. એટલું સ્વિકારી લે કે કારણ વિના કશું થતું નથી. એટલું સમજી લે કે તને થએલ દરેક અનુભવ પાછળ કોઈને કોઈ હેતુ છુપાએલો હોય જ છે. એટલું જાણી લે કે પરમાત્મા કદી પક્ષપાત કરતો નથી પછી એ પાંડવો હોય કે કૌરવો. અને તું ધારે તેના કરતાં આ વાસ્તવિકતા વધુ મહાન અને બળવાન છે. એટલું માની લે કે આ સંસારમાં થતી અસંખ્ય ઘટનાઓના કારણોને સમજવા માટે તારું આ મર્યાદિત મન સાવ અસમર્થ છે. કોઈ પણ શરતો વિના, આ અસ્તિત્ત્વના સત્ય અંગેના જ્ઞાનના અભાવમાં પણ, સંપૂર્ણ શરણાગતિ સ્વિકારી લે. નમ્રતા હોય તો જ શ્રદ્ધા જન્મે. અને જ્યારે શ્રદ્ધા જન્મે છે ત્યારે કોઈ ડર રહેતો નથી. તારું માર્ગદર્શન કોણ કરી રહ્યું છે, તારી શ્રદ્ધા કે તારો ડર? જો એ તારો ડર હોય, અર્જુન, તો તું નિશ્ચિત પણે ભક્તિયોગના માર્ગે નથી જઈ રહ્યો.’
‘તારા વર્તન અને કર્મોથી – તારી આસપાસના જગત સાથે માનવ જેવો જ વ્યહવાર કર અને નહીં કે કોઈ પશુ જેવો. પશુઓમાં બુદ્ધિ હોતી નથી; તેમનું શરીર, તેમની જન્મજાત સહજ વૃત્તિથી, કેવળ સ્વબચાવ કરવા માટે જ ઘડાયું છે. એજ કારણ છે કે તે બધાં મત્સ્યન્યાયની સાંકળથી જકડાએલા છે અને કેવળ પોતાના બળપ્રયોગ તેમજ સ્ફૂર્તિથી શક્ય એટલો પોતાનો બચાવ કરે છે અન્યથા નાશ પામે છે. માનવી પાસે બુદ્ધિ છે, તર્ક છે અને તે સ્વબચાવ ઉપરાંત પણ વિચારી શકે છે. એનામાં અન્ય જીવ જોડે સહભાવ કેળવવાનો અજોડ ગુણ છે, કારણ એ પોતાના આત્મતત્ત્વને ઓળખી શકે છે. બધા જીવધારીઓમાં કેવળ માનવી જ એવું પ્રાણી છે જે મત્સ્યન્યાયને જાકારો આપી – ભ્રાતૃભાવના ગુણો ખીલવી એક એવો સમાજ રચી શકે છે જે નિતિનિયમોનું ઘડતર અને પાલન કરી, પ્રગતિ સાધી, એક અર્થ પૂર્ણ જીવન જીવી શકે. એ જ તો માનવ ધર્મ છે. અને આ માનવ ધર્મને અનુસરીને જીવવું એટલે જ ડર વિના જીવવું તે છે. આ ધર્મ સાથે જીવવું એ જ પ્રેમ ભર્યું જીવન છે. આ ધર્મ સાથે જીવવું એ જ અન્યોનું વિચારીને નિસ્વાર્થ ભાવે જીવવું તે છે. માટે આ લડાઈમાં, વર્ચસ્વ માટે ભસતા અને હાર થતાં પગ વચ્ચે પૂંછડી દબાવતા અસલામત કુતરાની જેમ લડવા કરતાં એક દૂધ આપતી સલામત ગાયની જેમ લડ, જે હાર્દિકતાથી દૂધ આપે છે અને નિરાંતે બંસીનાદને અનુસરે છે. અર્જુન, શું આ લડાઈ તું માનવીને મત્સ્યન્યાયથી છોડાવવા લડી રહ્યો છે? જો એવું નથી તો તું કર્મયોગ નથી કરી રહ્યો.’
‘દુર્યોધનતો ધર્મમાં માનતો જ નથી. એના બધા કાર્યો અસલામતી અને ભયથી પ્રેરીત થએલા જ હોય છે. જે એને અનુકૂળ થાય માત્ર તેમને જ એ મદદ કરે છે; જે એની સામે પડે તેમની એ ઘૃણા કરે છે. કેવળ પોતાની સરહદને સાચવતા એક પશુની જેમ જ એ વર્તે છે, પરંતુ વાસ્તવમાં એ પશુ નથી, એ તો એક માનવ છે, જે પોતાની ભ્રમણાઓને ભાંગવાને સમર્થ છે. પરંતુ એવું કરવાની એની અનિચ્છાએ એને રાક્ષસ બનાવ્યો છે, તેથી એ જરાએ દયાને પાત્ર નથી. એવી જ રીતે તારું પોતાનું આ યુદ્ધથી મોઢું ફેરવવાનું કાર્ય પણ દયાને પાત્ર નથી જ. એના મૂળ પણ તારા ડરમાં જ રહેલા છે, આ જગત પ્રત્યેની સમાનુભૂતિનો એમાં અભાવ છે. આ જગતને દુર્યોધન જેવા દુષ્ટોથી બચાવવાને બદલે તું કેવળ યુદ્ધને કારણે ડરી ગએલા તારા અહમ્ ને જ પોષી રહ્યો છે. આ બધી તારી મોટી મોટી વાતો, આ તારું ઉમદાપણું, એ કેવળ તારી ભ્રમણાઓ જ છે; એ ખુબ જ ચતુરાઈથી તારી અસલામતીઓને સંતાડી રહ્યું છે. એ વાત કદી સ્વિકારી ન જ શકાય. અર્જુન, આ યુદ્ધ, ત્યાં બહાર, મેદાનમાં નથી, તારી અંદર જ ચાલી રહ્યું છે. તારા અહંકારને પોષનારી તારી આ સ્થિતિને શરણે નહીં થા. આ યુદ્ધ તારે માટે નથી પરંતુ સુધરેલા માનવીના રક્ષણ માટે છે. એટલું યાદ રાખ કે મુદ્દો લડાઈ હારવાનો કે જીતવાનો નથી, મુદ્દો દુશ્મનને મારીને રાજ્ય હાંસલ કરવાનો પણ નથી; મુદ્દો છે ધર્મને સ્થાપવાનો અને તેમ થતાં પરમાત્માને ઓળખવાનો.’
‘એ માટે તો હું અહીં છું, અર્જુન, આ પૃથ્વી પર, તારા સારથી તરીકેઃ ધર્મની સ્થાપના કરવા, માનવને એની માનવતા યાદ દેવડાવવા, જ્ઞાનીઓને આત્માનો માર્ગ ચિંધવા અને અહંકારથી દૂર રહેવાની શિખ માટે. માનવી જ્યારે જ્યારે પોતાને નકામો અને અસહાય અનુભવે છે, ડરનો માર્યો એ પોતાના જ અહંકારનો શિકાર બને છે ત્યારે પરિસ્થિતિને ફરીથી થાળે પાડવા આવું છું. આવું અગાઉ પણ થયું છે અને હવે પછી પણ થતું રહેશે. હું વારે વારે આવતો જ રહીશ.’
હવે અર્જુનને ભાન થયું કે એનો આ મિત્ર કોઈ સાધારણ માનવી નથી. એણે કૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, ‘તમે ખરેખર કોણ છો? તે મને જણાવો.’
અને ત્યારે કૃષ્ણએ, અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. ત્યાં યુદ્ધના મેદાનમાં, પાંડવો અને કૌરવોના સૈન્યો વચ્ચે એમનું આ સ્વરૂપ કેવળ અર્જુન માટે જ હતું.
કૃષ્ણનું કદ વિસ્તરવા લાગ્યું, એ ઉપર આભ સુધી અને નીચે પાતાળ સુધી ફેલાયું. એમનું તેજ હજારો સૂર્યો જેટલું હતું, એના શ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડો સર્જાઈ રહ્યા હતાં, અને અસંખ્ય વિશ્વો એના જડબામાં કચડાઈ રહ્યા હતાં. અર્જુને એમના સ્વરૂપમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા જ દૃષ્યો જોયા. સઘળા મહાસાગરો, સઘળા પર્વતો, સઘળા ભૂખંડો, આકાશ ઉપરના અને પૃથ્વી નીચેના વિશ્વો, એ બધું જ ત્યાં દેખાઈ રહ્યું હતું. એ બધું જ એ વિરાટમાંથી સર્જાઈ રહ્યું હતું અને એમાં જ સમાઈ જતું હતું. બધા જ માનવો, દેવો, અસુરો, નાગલોકો, રાક્ષસો, ગંધર્વો, અપ્સરાઓ, બધા જ પિતૃઓ અને વંશજો નો સ્રોત એ વિરાટ જ હતો. એ જ જીવનની બધી જ શક્યતાઓનો ધારક હતો.
આ દૃશ્યથી અર્જુનને બ્રહ્માંડની વિશાળતા અને પોતોની સંબંધિત નગણ્યતાનું ભાન થયું. એને લાગ્યું કે પોતે કોઈ વિશાળ સમુદ્ર તટ પરના એક ઝીણા અમસ્તા રેતીના કણ સમાન હોય. આ ક્ષણે જો કૃષ્ણ કોઈ મહાસાગર સમાન છે તો આ યુદ્ધ તેના એક મોજાં સમાન જ લેખાય. આ સમુદ્રને જાણવા માટે તો આવા અસંખ્ય મોજાંઓ અને અવસરોની આવશ્યકતા રહે. આ યુદ્ધ, આ જીવન, આ એનો ક્રોધ અને એની આ નિષ્ફળતાઓ અને આ સમગ્ર જગત એ પરમાત્માને જ સુચવતું હતું.
‘એટલું યાદ રાખ, અર્જુન,’ કૃષ્ણએ કહ્યું, ‘જે એવું કહે છે કે એ મારનાર છે, અને જે એવું કહે છે કે એ મરનાર છે, એ બન્ને ખોટા છે. હું જ મારનાર અને મરનાર બન્ને છું અને તેમ છતાં હું કદી મરતો નથી. હું જ તારો દેહ છું અને તારો આત્મા પણ – એ જે નિરંતર બદલાચ છે અને એ જે કદી બદલાતો નથી. હું જ આ તારી ફરતેનું જગત છું, તારી અંદરનો આત્મા છું અને તે બન્ને વચ્ચેનું મન પણ હું જ છું. હું જ એ માપદંડ છું જે માપે છે અને મપાય પણ છે. કેવળ હું જ આ સ્થળ અને કાળના નિયમોને બદલી શકું છું. મારો સાક્ષાત્કાર કર, મને ઓળખ.’
‘જે રીતે એક સારથી એના અશ્વોનું લગામોની મદદથી નિયંત્રણ કરે છે, તે રીતે તું પણ તારી બુદ્ધિનો સ્વામી બની તારા મનને નિયંત્રણમાં રાખ અને ત્યારે તને જણાશે કે આ બધું થનાર યુદ્ધના સંદર્ભમાં નથી, એ કાંઈ લડવું કે ન લડવું, હારવું કે જીતવું, એની વાત નથી, પરંતુ એ એક નિર્ણય લેવાની વાત છે, એ સ્વયંના સત્યને શોધવાની વાત છે. જ્યોરે તું એમાં સફળ થશે ત્યારે તારો આ ડર નહીં રહે, અહંકાર ઓગળી જશે; અને જેને તું યુદ્ધ સમજે છે તે ભ્રમણામાં પણ તુ શાંત અને સ્થિર રહેશે.’
– મહેન્દ્ર નાયક, (બેંગ્લોર / નવસારી)
આ માત્ર લેખ નથી પરંતુ જીવનને જીવવા માટે નવી વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે.
મારા શબ્દોમાં કહું તો…
ઉદાસી, શોક, એકલતા અને અપવાદ વાંચું છું,
હવાઓમાં રહેલી મહેકની મરજાદ વાંચું છું.
નથી અજ્ઞાન થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું,
હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.
થયેલી સાવ જૅજર કોઈ જૂની ચોપડી જેવી વાત…
મથામણ બહુ કરું ત્યારે ફક્ત એક યાદ વાંચું છું.
ગીતાબોધ ના લેખક શ્રી મહેન્દ્ર નાયકજીને કોટી કોટી વંદન! આ પ્રમાણે જ લખીને અમને પ્રેરણા આપતા રહો!
મહેન્દ્રભાઈ નમસ્તે,
આ માત્ર લેખ નથી પણ જીવનનું ભાથું છે. જીવનમાં મેળવવા જેવું કઈંક હોય તો તે આ ગ્યાન છે. સ્વયં ભગવાન દ્વારા આપવામાં આવેલ એ ગ્યાન છે, તેથી તેનું મહત્વ અનેકગણું છે. ભગવાને દર્શાવેલ માર્ગે જો ચાલીએ તો જીવનમાં કોઈ મુશ્કેલી ન રહે અથવા મુશ્કેલીની અનુભૂતિ ન થાય. તેમજ જીવનમાં ડગલે ને પગલે ઉભા થતા પ્ર્ષ્નોનું સમાધાન ગીતા ઉપદેશમાંથી મળી રહે.
હરીશ રાઠોડ
Shri Mahendrabhai,
Thanks is not the proper word for your beautiful article. You have presented the wonderful message of Lord Shri Krishna in Bhagwad Gita in very simple Gujarati. It is easy to understand for a total new person to Gita. Unfortunately, we are not able to implement it in our real life. But it definitely encourages to start thinking to-wards it. thanks again.
મહેન્દ્ર ભાઈ આપે ગીતા બોધ કહ્યો તે આજનો માનવી વાંચવા ખાતર નહી પણ પોતાના જીવન મા અનુસરે તો તે સુખ અને દુઃખ પર પહોચી જાય…..
refreshed the knowledge of Bhaghvatgita in simple liquidated manner.
Lot of Thanks to Mahendrabhai Nayak & for publising the artical to Aksharnaad