ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5
દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.