ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3 3


અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. આજકાલ એન્ડ્રોઈડનું બજાર જોરશોરથી આગળ વધી અને વિસ્તરી રહ્યું છે, તેના વપરાશકારો મોબાઈલ થી લઈને ટેબલેટ સુધી તેને ઉપયોગમાં લઈ રહ્યા છે, ગૂગલની આ ધરોહર આજ કાલ એપલબા આઈફોનને ટક્કર આપતી જણાય છે, અહીં મોબાઈલ ફોનના મૂળભૂત સંચાલન ઉપરાંત અનેક વધારાની સુવિધાઓ આપતી એપ્લિકેશનને સિસ્ટમ આધાર આપે છે. અવનવા ઉપયોગો સાથેની એપ્લિકેશન ગૂગલના એન્ડ્રોઈડ માર્કેટમાંથી તદ્દન મફત ઉપલબ્ધ છે.

તેમાંથી સર્ચ દ્વારા અહીં સૂચવેલી એપ્લિકેશન શોધીને ઈન્સ્ટોલ કરી શકાય છે. પ્રસ્તુત શૃંખલામાં સૂચવેલી બધી એપ્લિકેશન મેં મારા સેમસંગ ગેલેક્સિ ટેબલેટમાં ઈન્સ્ટોલ કરીને વાપરી છે – વાપરી રહ્યો છું, છતાં ફોન બદલાતા તે એપ્લિકેશનની પ્રતિક્રિયાઓ બદલાઈ શકે છે.

અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.

Atooma

અત્યારે ઓપન બીટા સ્ટેજમાં સતત વિકસી રહેલી આ એપ્લિકેશન એન્ડ્રોઈડ મોબાઈલ અથવા ટેબલેટને અનોખી સુવિધાઓથી સમૃદ્ધ બનાવે છે. આ પ્રકારની એપ્લિકેશન ઓટોમેશન વિભાગમાં આવે એ જે કેટલાક ગૂંચવણભર્યા અને પ્રોગ્રામરની મદદથી જ કરી શકાય તેવા કાર્યોને સરળ સ્વરૂપ આપીને વપરાશકર્તાને તેના દ્વારા કોઈની પણ મદદ વગર એન્ડ્રોઈડ મોબાઈલની સુવિધાઓ જેવી કે સેન્સર, વાઈ-ફાઈ, અલાર્મ અને એવી અનેક એક્ટિવિટીને આપમેળે શરૂ-બંધ થવાની વપરાશકર્તાએ કરેલી સમયની ગોઠવણ મુજબની સગવડ કરી આપે છે. ધારો કે મારે બેટરીનો વ્યય ઘટાડવા વાઈ-ફાઈ કે મોબાઈલ ઈન્ટરનેટ નેટવર્ક રાત્રે આપમેળે બંધ કરવું છે અને સવારે એ જ મુજબ આપમેળે રોજ શરૂ થાય એવી ગોઠવણ કરવી છે, તો તે અટૂમાની મદદથી થઈ શકે છે, ઉપરાંત ઓફીસના સમયમાં રીંગટોન / નોટીફીકેશન સાયલન્ટ મોડ પર રાખવા કે ડ્રાઈવ કરતા હોવ ત્યારે આવેલા મેસેજ વાંચી સંભળાવવા જેવી અનેક સુવિધાઓ અહીં ઉપલબ્ધ થાય છે. સરળ અને આઈકોન આધારીત આ સગવડ તદ્દન નિ:શુલ્ક છે.

WebMD

વેબ એમ.ડી. એન્ડ્રોઈડ માટેની એક ઉપયોગી એપ્લિકેશન છે. તમને થઈ રહેલ અસુખ અથવા તકલીફના લક્ષણો અહીં મૂકતા શક્ય બીમારી અંગેની જાણકારી અહીં મળે છે, પરંતુ તે સિવાય પણ આ એપ્લિકેશન અનેક રીતે ઉપયોગી છે. અહીં મેડીકલ કટોકટીના સમયમાં જરૂરી પગલાં અંગેની યાદી, વિવિધ અકસ્માતો વખતના પ્રાથમિક સારવારની જાણકારી વગેરે પણ અહીં ઉપલબ્ધ છે. જો કે આ એપ્લિકેશનનો ઉપયોગ કોઈને કરવો પડે એવી આશા ન રાખીએ છતાંય અન્યોને મદદરૂપ થવા માટે પણ તે ડાઊનલોડ કરી રાખવી જરૂરી છે.

Temple run

મારી એક મનપસંદ ગેમ જેનો બીજો અને સરસ ભાગ હાલમાં જ ઉપલબ્ધ થયો છે. ટેમ્પલ રન વિવિધતાઓ ધરાવતી સુંદર રમત છે. શયતાન પાસેથી ઈશ્વરની મૂર્તિ લઈને ભાગતા દોડવીર પાછળ પડેલા રાક્ષસોથી બચવા તેને અનેક વિટંબણાઓમાંથી પસાર થઈ દોડવાનું રહે છે. અહીં અનેક નાના-મોટા ટાર્ગેટ ઉપલબ્ધ છે, મળતા પોઈન્ટ્સની મદદથી અનેક વધારાની સુવિધાઓ અહીં મળે છે જેને લીધે રમત વધુ ક્ષમતાથી રમી શકાય છે. સુંદર ગ્રાફિક્સ અને ઝડપી રમત તેની વિશેષતાઓ છે. તેનું બીજુ વર્ઝન પહેલા વર્ઝનથી પણ વધુ સુંદર અને રમવામાં મજા પડે એવું છે. તદ્દન નિઃશુલ્ક એવી આ ગેમની નકારાત્મક બાજુ એ છે કે તેની ડાઊનલોડ સાઈઝ ખૂબ મોટી છે.

WhatsApp Messenger

હજારો લોકોનું પ્રિય એવું આ મેસેન્જર અસીમીત ટેક્સ મેસેજ, ફોટા તથા ચોક્કસ સાઈઝના ઓડીયો અને વિડીયો મોકલવાની નિઃશુલ્ક સગવડ આપે છે. ફક્ત જરૂરત છે કે સામસામેના બંને વપરાશકાર ઈન્ટરનેટથી જોડાયેલ હોવા જોઈએ. અહીં ગૃપ બનાવીને પણ એક જ ફોટો કે વિડીયો અનેક લોકો સુધી પહોંચાડી શકાય છે. નિઃશુલ્ક અને ઝડપી સુવિધા હોવાને લીધે તે યુવાવર્ગમાં ખૂબ લોકપ્રિય બની છે, જેના લીધે એસએમએસમાં / એમએમએસમાં થતો ખર્ચ બચે છે. મલ્ટીપ્લેટ્ફોર્મ એવી આ સુવિધાની મદદથી એન્ડ્રોઈડ વપરાશકારો આઈફોન / આઈપેડ / બ્લેકબેરી વપરાશકારો સાથે પણ સંપર્કમાં રહી શકે છે.

saavn

હિન્દી ફિલ્મોના લગભગ બધા, મુખ્યત્વે નવા, લોકપ્રિય અને વિવિધ ફિલ્મો – ગીતકારોના ગીતો નિઃશુલ્ક ઓનલાઈન માણવા માટેની એક સુંદર અને નિઃશુલ્ક સુવિધા. અહીં પ્લેલિસ્ટ બનાવીને સાચવવાની સગવડ, ગીતોને વિવિધ ટેગ સાથે શોધી શકવાની અને સેવ કરવાની સુવિધા વગેરે તેને એક વિશેષ એપ્લિકેશન બનાવે છે. સરળ સ્ટ્રીમીંગ અને પાયરસી ન હોવાને લીધે ખૂબ ઉપયોગી સુવિધા.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3

  • Kartik

    વાઇબર મને તો સ્પામર જેવું વધુ લાગે છે 🙂 કારણ કે, લોકો તેને ઇન્સ્ટોલ કરીને ગમે ત્યારે કોલ કરવા મંડી પડે છે!

  • ધવલ વ્યાસ

    વોટ્સએપની સાથે સાથે Viberનો પણ ઉલ્લેખ યોગ્ય રહેશે. તેના દ્બારા વાઇબરનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિઓ સાથે નિઃશુલ્ક વાતચિત થઈ શકે છે. સ્કાયપ કે એવી અન્ય સુવિધામાં તમારે લોગઈન થયેલા રહેવું પડ છે, તેમાં યુઝરનેમ ક્રિએટ કરવું પડે છે, જ્યારે Viber, whatsappના જેવા જ કોન્સેપ્ટ પર કામ કરે છે, જેમાં આપની ફોનબુકમાં રહેલા કોન્ટેક્ટ્સ જો આ app વાપરતા હોય તો આપોઆપ તેમનો સંપર્ક કરી શકાય છે.