વસંતગીતો.. – સંકલિત 3


હમણાં થોડાક દિવસ પહેલા એક સહકર્મચારીને પૂછેલું, આપણી ઋતુઓ કઈ? તેમને ખબર નહોતી. આમેય હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પણ રહ્યાં નથી. શિયાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ગરમી, આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત કઈ રીતે યાદ આવે? અત્યારે કઈ ઋતુ ચાલે છે એનો જવાબ આપવામાં પણ ઘણાં માથું ખંજવાળશે. જો કે વસંતપંચમી વિશે ઘણાંયને ખ્યાલ હશે, પણ એ વસંતવૈભવને લીધે નહીં, અધધધ લગ્નોને લીધે. વસંતને હજુ વાર છે છતાંય, શિશિરમાંથી વસંત તરફ જઈ રહ્યાં છીએ એ વાતને ધ્યાનમાં રાખીને આવો વસંતગીતો-કાવ્યો માણીએ.

૧. વાયરા વાયા વસન્તના

મારા પાલવને છેડલે રમતા
કે વાયરા વાયા વસન્તના
હું ના જાણું કેમ હૈયાને ગમતા
કે વાયરા વાયા વસન્તના

બેઠી’તી મૂંગી હું તો સ્વપ્નોની કુંજમાં
આછો સંચાર થયો પલ્લવના પુંજમાં
ક્યાંથી આવ્યા ભુવનભુવન ભમતા
કે વાયરા વાયા વસન્તના

સવળ્યાં લોચન, ધસે દિશદિશની કેડીએ.
કોની એ વાટ જુએ ચઢી મન-મેડીએ?
રમે રગેરગ માંહી રૂમઝૂમત
કે વાયરા વાયા વસન્તના

મારા હૈયાપાલવમાં ઘૂમતા
કે વાયરા વાયા વસન્તના

– ઉમાશંકર જોશી

૨. રોકો વસંતને

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફૂલડાંના ફાલ
લાવતી રોકો વસંતને.

ી તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકવડું ઉર મારું હીબકાં ભરે
કોઈ હેતસૂતા હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે !
મારા ઝૂરતા જીવન સાથે રંગે ચડે !
એની વેણુમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.

– જયન્ત પાઠક

૩. શિશિર – વસંત

શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !

એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઉભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે !
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી ! વસંત આ વરણાગી !

એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બ્લોએ;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હ્રદયદલ ખોલે !
સ્પંદે પૃથિવીહ્રદય વળી
વળી રાગી ને વૈરાગી ! વસંત આ વરણાગી !

– પ્રજારામ રાવળ

૪. એ વસંતને માણે નહીં..

શિશિરને જે જાણે નહીં
એ કદી વસંતને માણે નહીં.

મોસમની તો આવનજાવન થયા કરે
કઈ મીઠી કઈ ખાટી ?
મારે મન તો બધીય સરખી
મનની ભીની માટી.
મનની મંજરી અહીં મ્હોરે
કોયલ ગાય પરાણે નહીં
શિશિરને જે જાણે નહીં
એ કદી વસંતને માણે નહીં.

કોઈમાં છાલક છાંટા ઝરમર
કોઈ શાલ દુશાલા આપે,
તાપ અને સંતાપ ગ્રીષ્મનો
પળે પળે અકળાવે
વસંતની તો વાત અનોખી
કળીઓ ઘૂંઘટ તાણે નહીં.
શિશિરને જે જાણે નહીં
એ કદી વસંતને માણે નહીં.

– મહેશ દવે

બિલિપત્ર

It is spring again. The earth is like a child that knows poems by heart.”
― Rainer Maria Rilke


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “વસંતગીતો.. – સંકલિત