વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 7


૧. ઘર.. – રાજેશ ભટ

પ્રાચીની ઉષાને આવકારતું
દસે દિશાએથી વાયુને વહાવતું
વિશ્વની રમણીયતા ઉપર નજર નાખતું
અમારૂ ઘર
સુંદર છે, આ વસુંધરાની પ્રતિકૃતિ સમું
હુંફાળુ છે, ગિરિમાળાની ગોદ સમું

અમારૂ ઘર
ફક્ત અમારૂ છે?

ના, થાય છે આવકારું સૌને
કશાયની અપેક્ષા વિના
હૈયાની હુંફ માત્રથી રાજી રહેતા મિત્રોને
આ ઘરના વિચારો, મૂળ્યો
અને આદર્શો માણી શકનાર સૌને

આવકારું વળી
નાનારંગી પ્રકૃતિના પ્રતિનિધિ સમા પંખીઓને
અને, કેમ ભૂલું
એવા મારા ભાંડુઓને
જેમણે ઘરોની વિશાળતા માત્ર કલ્પનામાં જ અનુભવી છે.

આવો, અમારા આ ઘરમાં
આવો, આપણાં આ ઘરમાં
નિજપણાનો ભાવ દૂર મૂકી ઘડીક
માણીએ આ ઘરને
તેની મોકળાશને
તેની હુંફને
તેની નીચે આવી વસેલા જીવનાનંદને..

– રાજેશ ભટ

૨. ગઝલ – કિંજલ્ક વૈદ્ય

છું રહસ્ય બંધ મુઠ્ઠીનું ના ઉકેલશો મને,
લાક્ષણિકતા છું પારા સામી, ના ઢોળશો મને,

આવશો જો પાસ તો જાણશો કે છલના છું ફક્ત,
ઝાંઝવાનું ભાગ્ય પામ્યો છું ના વહાવશો મને,

છોડ નામે દંભ રૂપાળો, મ્હેંક જેવું નહિ કશું,
કેકટસ છું માત્ર શોભા તણું, ના રોપશો મને,

પરબિડિયું છું અતિ ગુપ્ત, છે વિનંતિ એટલી,
સંમતિ લીધા વગર કોઈપણ ના વાંચશો મને,

છું ચમત્કૃતિ ફકત સિધ્ધહસ્ત ચિત્રકારની,
ઓલિયો, ફકિર, પીર ના બનાવશો મને,

[ગાલગાલ — ગાલગા – ગાલગાલ – ગાલગા – લગા]

– કિંજલ્ક વૈદ્ય

૩. અછાંદસ – સુરેશ લાલન

વર્ષો પહેલા
અત્તરથી સુવાસીત તારા પ્રેમ-પત્રો વાંચી
મેં મજાકમાં કહેલું-
‘પ્રિયે, તારા પત્રમાંથી
અત્તરની સાથો સાથ
અક્ષરો પણ ઉડી જાય
પછી મને સમજવામાં તકલીફ પડે છે”

આજે ઘણાં વર્ષો પછી
એ જ પ્રેમ પત્રો પાછા લઈને બેઠો છું
પત્રમાં અક્ષરો તો ત્યાંના ત્યાં જ છે
પણ
પ્રેમ ઉડી ગયો હોય એવું લાગ્યા કરે છે

પરંતુ
આવું કેમ થયું
એ આજેય મને સમજવામાં તકલીફ પડે છે

– સુરેશ લાલન

૪. તો ખરા..

આસમાં આંબી બતાવો તો ખરા!
સાગરો તાગી બતાવો તો ખરા!

પ્રેમમાં ડંફાસ મારો – નભ થકી
તારલા તોડી બતાવો તો ખરા!

ફૂલને સુંઘો અડાડો પાંપણે,
કંટકો ચૂમી બતાવો તો ખરા!

જળ અને સ્થળને સિમાડા દઈ શકો,
પણ હવા બાંધી બતાવો તો ખરા!

જામમાં ડૂબો શરાબી થઈ ઝૂમો,
ઝેરને ચાખી બતાવો તો ખરા!

જીંદગીના જંગને જીતો ભલે,
મોતને જીતી બતાવો તો ખરા!

ઉચ્ચ પદ પામો અને ‘બે-ગમ’ તમે,
‘હું’ પણું છોડી બતાવો તો ખરા!

~ બાલકૄષ્ણ સોનેજી ‘બે-ગમ’

વાચકોની પદ્યકૃતિઓ મૂકવાનો અવસર લાંબા સમયથી મળ્યો નહોતો અને મોટી સંખ્યામાં કૃતિઓ અક્ષરનાદને મળે છે એ જોતા આજે વાચકોની કાવ્ય રચનાઓમાંથી પસંદ કરીને ચાર કૃતિઓ અહીં મૂકી છે. શ્રી બાલકૃષ્ણ સોનેજી, શ્રી સુરેશ લાલન, શ્રી કિંજલ્ક વૈદ્ય અને શ્રી રાજેશ ભટની કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આ પ્રથમ કૃતિઓને આપનો પ્રેમ તથા પ્રોત્સાહન મળશે અને આ મિત્રો હજુ વધુ સુગ્રથિત તથા સચોટ સાહિત્યસર્જન કરી શક્શે. આ ચારેય મિત્રોનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વાચકોની પદ્યરચનાઓ – સંકલિત