પાંચ ઝેન કથાઓ – સંકલિત 15


ઝેન-બૌદ્ધ કથાઓ નાની પરંતુ ચમત્કૃતિપૂર્ણ સાર ધરાવતી પ્રેરણાદાયક અને બોધપ્રદ ટૂંકી વાર્તાઓ હોય છે. મનને દુન્યવી બંધનો અને મોહથી છોડાવીને અધ્યાત્મિકતા તરફ દોરી જવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. વેબવિશ્વ પર ઉપલબ્ધ કેટલીક હ્રદયસ્પર્શી અને ગહન ચિંતન માંગી લેતી આવી જ પાંચ સુંદર ઝેનકથાઓનો અનુવાદ કરીને અહીં પ્રસ્તુત કરી છે. ગહન શબ્દોની મોહજાળમાં પડ્યા વગર સહજ પ્રસંગોના માધ્યમથી કેટલીક સમજદાર વાતો મૂકવાનો પ્રયત્ન આપને ગમશે એવી આશા છે.

૧. ચા નો પ્યાલો

જાપાનમાં મેઈજી કાળમાં (૧૮૬૮-૧૯૧૨) એક ઝેન શિક્ષક નામે નાન ઈન થઈ ગયા. તેમના ઘરે મહેમાન તરીકે એક દિવસ વિશ્વવિદ્યાલયના અધ્યાપક આવ્યા જે ઝેન વિશે જાણવા માંગતા હતા.

તેઓ ઘરે આવીને બેઠા એટલે પોતાની ઝેન જીવનપદ્ધતિ વિશે જાણવાની ઈચ્છા નાન ઈન સમક્ષ વ્યક્ત કરી. નાન ઈને તેમને ચાનો કપ આપ્યો અને તેમાં ચા રેડવાની શરૂ કરી, કપ ભરાઈ ગયો તો પણ નાન ઈન તેમાં ચા રેડતા રહ્યા. પેલા અધ્યાપક એ જોઈ રહ્યા, આખરે ઘણી બધી ચા ઢોળાઈ ગઈ અને તેમની ધીરજનો અંત આવી ગયો એટલે અધ્યાપકે નાન ઈનને કહ્યું, ‘એ હવે ભરાઈ ગયો છે, વધુ ચા નો સમાવેશ કરવાની તેનામાં ક્ષમતા નથી.’

‘આ કપની જેમ જ…’ નાન ઈન બોલ્યા, ‘તમારું મન પણ તમારા પોતાના અભિપ્રાયો, માન્યતાઓ અને પૂર્વગ્રહોથી ભરેલું છે. તમારો પ્યાલો ખાલી ન હોય ત્યાં સુધી હું તેમાં ઝેન કઈ રીતે ઉમેરી શકું?’

૨. સાધુ અને સ્ત્રી

બે સાધુ શહેરમાં કામ પૂર્ણ કરીને સંધ્યાકાળે આશ્રમ તરફ પાછા ફરી રહ્યા હતા. વરસાદ ખૂબ વરસ્યો હતો એટલે ગામડાના એ રસ્તે પડેલા મોટા ખાડાઓ પાણીથી છલકાઈ ગયા હતા અને સાથે ખૂબ કીચડ પણ થઈ ગયેલું. એવા જ એક વિશાળ ખાડા પહેલા એક સુંદર યુવાન સ્ત્રી તેને પસાર કરવામાં અસમર્થ કોઈક વિકલ્પના વિચારમાં ત્યાં ઉભી હતી. પેલા બે સાધુઓમાંના વૃદ્ધ સાધુએ તેને ઉંચકી લીધી અને એ ખાડો પસાર કરીને પાછી ઉતારી દીધી. પેલી સ્ત્રીએ આભાર વ્યક્ત કર્યો અને એ સાધુઓ પોતાના આશ્રમ તરફ આગળ વધ્યા.

આશ્રમે આવીને રાત્રે ભોજન પછી ચિંતનના સમયે યુવાન સાધુએ પેલા વૃદ્ધ સાધુ પાસે આવીને પૂછ્યું, ‘સાધુ તરીકે સ્ત્રીઓનો સ્પર્શ આપણા માટે વર્જિત નથી?’

વૃદ્ધ સાધુએ કહ્યું, ‘હા ભાઈ.’

યુવાન સાધુએ ફરી પૂછ્યું, ‘તો પછી આજે સાંજે તમે પેલી યુવાન સ્ત્રીને ઉંચકી હતી તે ….’

તેની વાતને વચ્ચેથી જ અટકાવીને વૃદ્ધે ખૂબ શાંતિપૂર્વક ઉત્તર આપ્યો, ‘મેં તો તેને એ ખાડો પસાર કરીને ઉતારી દીધી હતી, પરંતુ તું હજુ પણ તેને લઈને ફરે છે.’

૩. સત્ય અને માન્યતા

એક દિવસ શેતાનને ભારતના ગામડાઓ પરથી પસાર થતા એક માણસ ચાલતા ચાલતા ચિંતનરત અને ધ્યાનમગ્ન દેખાયો, તેનો ચહેરો આશ્ચર્યથી ખીલી ઉઠ્યો હતો. તેને તેની સામે જમીન પર પડેલો ‘સત્યનો એક હિસ્સો’ મળ્યો હતો.

શેતાનના સહાયકે તેને પૂછ્યું, ‘લોકોને આમ સત્યની પ્રાપ્તી થાય એ આપણા માટે ચિંતાનો વિષય નથી?’

‘ના કારણકે સત્યની આ પ્રાપ્તી પછી તરત જ લોકો તેમાંથી માન્યતાઓ બાંધવામાં લાગી પડે છે.’ શેતાને કહ્યું.

૪. નદીની પેલે પાર…

એક દિવસ સત્યની ખોજમાં નીકળેલો એક યુવાન બૌદ્ધ સાધુ નદીના કિનારે પહોંચીને ઉભો રહ્યો. ઉપરવાસમાં ખૂબ વરસાદ વરસ્યો હોવાને લીધે નદીનો પ્રવાહ તેના પૂરા જોરથી વહી રહ્યો હતો. સાધુએ નદી પાર કરીને આગળ વધવાનું હતું. તેણે કિનારે ઉભીને અનેક વિકલ્પો વિચાર્યા, અનેક સંભાવનાઓ તપાસી જોઈ પરંતુ તે નિરાશ થયો અને આખરે પોતાની યાત્રા પડતી મૂકવાના વિચારમાં હતો કે ત્યાં જ તેણે સામે એક મહાન ઝેન સાધુને ઉભેલા જોયા.

‘પૂજ્યશ્રી, આપ મને કહેશો કે નદીના સામે પાર કઈ રીતે જવું?’

સાધુએ થોડીક ક્ષણ વિચાર કર્યો અને પછી ખૂબ સહજતાથી કહ્યું, ‘પણ વત્સ, તું નદીના સામે પાર જ છે..’

૫. ફાનસ

જૂના સમયમાં જાપાનમાં બામ્બુના લાકડા સાથે બાંધેલા કાગળના ફાનસ અને તેમાં પ્રગટાવેલ મીણબત્તીઓની સગવડનો ઉપયોગ લોકો પોતાના પ્રવાસ દરમ્યાન કરતા. એક આંધળા માણસને તેના મિત્રના ઘરેથી પાછા જતા મોડું થઈ ગયું, અને તેના મિત્રએ તેને બામ્બુ પર લટકાવીને સળગતી મીણબત્તી સાથેનું ફાનસ આપ્યું.

‘મારે ફાનસની જરૂર નથી, અંધારૂ કે પ્રકાશ – બંને મારા માટે તો સમાન જ છે.’ અંધ માણસે પોતાના મિત્રએ કહ્યું.

‘મને ખ્યાલ છે કે એ તારા કોઈ ખપનું નથી, પણ જો એ તારી પાસે નહીં હોય તો બીજા કોઈક તારી સાથે અથડાઈ જશે, માટે તારે એ રાખવું જોઈએ.’ મિત્રએ કહ્યું/

આંધળો માણસ મિત્રની વાત માની ફાનસ લઈને નીકળ્યો પણ એ વધુ દૂર જઈ શકે એ પહેલા જ કોઈક તેની સાથે ખૂબ જોરથી અથડાયું.

‘અરે, આ શું? જોઈને ચાલતો હોય તો? આ સળગતું ફાનસ તને દેખાતું નથી?’

‘તારી મીણબત્તી બુઝાઈ ગયેલી છે ભાઈ.’ પેલા અજાણ્યાએ જવાબ આપ્યો.

– અનુવાદ અને સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

15 thoughts on “પાંચ ઝેન કથાઓ – સંકલિત

  • perpoto

    પહેલી વાર્તામાં,કપ પુર્વગ્રહથી ભરેલો હોય તો ઝેન નુ જ્ઞાન કેવી રીતે ભરાય,એમ આવે,ખાલી કપ નહી…

    • AksharNaad.com Post author

      પ્રિય પટેલભાઈ,

      મારા એ શેતાનનું નામ હતું. આપ સૌની સરળતા ખાતર વાર્તામાંથી એ કાઢીને તેને સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

      પ્રતિભાવ બદલ આભાર.

      જીજ્ઞેશ અધ્યારૂ

  • Maheshchandra Naik

    સરસ બોધદાયક વાર્તાઓ,પ્રેરણા આપીને ગહન વિચાર કરતા કરી દે એમા જ ઝેન ધર્મની ફીલોસોફી ંમાણવા મળૅ !! આભાર…….

  • jjugalkishor

    સચોટ બોધદાયક વાર્તાઓ છે. ક્યાંક ને ક્યાંક આ બોધવાર્તાઓ મળી જાય છે. નેટ પર મૂકીને સારું કામ કર્યું. તમારો બ્લૉગ આવી સેવાઓ માટે જ તો છે. (ત્રીજી વાર્તાના વાક્યોમાં કાંઈક ખૂટતું લાગે છે ?)

    • AksharNaad.com Post author

      જુ. કાકા,

      ત્રીજી વાર્તાના વાક્યોમાં કાંઈ ખૂટતું નથી, એ અક્ષરશઃ અનુવાદ છે. ઝેન વાર્તાઓની આ જ તો ખૂબી છે કે તે અર્થગહન હોય છે. મને પણ શરૂઆતમાં એમ જ લાગ્યું હતું.

      પ્રતિભાવ બદલ આભાર.

      જીજ્ઞેશ અધ્યારૂ

      • jjugalkishor

        મારો સવાલ વ્યાકરણગત, વાક્યરચના માટેનો હતો…જુઓ –

        “એક દિવસ શેતાનને ભારતનાં ગામડાઓ પરથી પસાર થતા એક માણસ ચાલતા ચાલતા ચિંતન અને ધ્યાન ધ્યાન દેખાયો, તેનો ચહેરો આશ્ચર્યથી …”

        ચિંતન અને ધ્યાન બન્ને નામો છે હકીકતે તે બન્ને વીશેષણો હોવાં જોઈએ જેમકે ચિંતનમગ્ન અને ધ્યાનમગ્ન નહીંતર અર્થ મળતો નથી. અનુવાદ ફક્ત કથન (કન્ટેન્ટનો જ ન હોય, વાક્યરચના પણ પુરી થવી જોઈએ.