‘સુશીલા’ પુસ્તક પરિચય – નિમિષા દલાલ 8


વાત છે અમેરિકા સ્થિત ગુજરાતી લેખક શ્રી હરનિશભાઈ જાની ની હાસ્યરચનાઓ ના સંગ્રહ ‘સુશીલા’ ની જેને પરિષદનું પ્રથમ ઈનામ શ્રી જ્યોતિન્દ્ર દવે પરિતોષિક અને ગુ. અકાદમી ગાંધીનગરનું શ્રેષ્ઠ હાસ્યના પુસ્તકનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ પહેલાં શ્રી હરનિશભાઈ જાની નો એક સંગ્રહ ‘સુધન’ બહાર પડ્યો છે તેને પણ સાહિત્ય અકદમી ગાંધીનગર તરફ થી હાસ્ય/વ્યંગ વિભાગમાં બીજું ઈનામ પ્રાપ્ત થયું છે. સુધન એમના પિતાનું નામ છે અને સુશીલા એમના માતા નું નામ છે. આ બે સંગ્રહો દ્વારા એમણે એમના માતા-પિતાને સ્મરણાંજલિ અર્પી છે.

‘કુમાર’ સામયિકના સંપાદક શ્રી ધીરુભાઈ પરીખના કહ્યા મુજબ શ્રી હરનિશભાઈના લેખો વ્યંગાત્મક છે અને લેખક શ્રી મધુરાય કહે છે કે આ એવા કટાક્ષલેખો છે જે ઉપરથી હળવા અને અંદરથી ગંભીર.

‘અજોડ જોડણી’ માં ગુજરાતી ભાષા માં જોડણી ના મહત્વ પર પણ ચર્ચા તેમણે કરી છે.

એમના લેખના શીર્ષક વાંચીને તમે વિચારો કે એ લેખમાં શું હશે તેનાથી અલગ જ વાંચવા મળે. જેમકે ‘એક દિલ સો અફસાને..’ અને ‘દિલ હૈ કિ માનતા નહીં’ માં એમ લાગે કે પ્રેમ ની વાત હશે પણ તેમાં હ્રદયરોગ વિશે વાંચવા મળે..

આ પુસ્તક વિશે લેખક શ્રી રતિલાલ બોરીસાગર કહે છે કે,

“હાસ્યરચનાઓના આ સંગ્રહમાં પાર વિનાનું વિષય વૈવિધ્ય જોવા મળે છે. અમેરિકામાં કોઇને પોતાના ઘરની કે કોઇના ઘરની ડિરેક્શન આપવાનું કામ પણ કેટલું દુષ્કર છે એનો હાસ્યસભર ચિતાર આપતા બે લેખો ‘એ ટુ ઝેડ’ અને ‘એ ટુ ઝી’ ભાવકોને આનંદ આપશે. ‘સ્ટેટ ઓફ થી આર્ટ–માનવી’ લેખમાં હરનિશે મનુષ્ય જીવનની આ ટ્રેજેડીનું લાજવાબ હળવું નિરૂપણ કર્યું છે. વિલક્ષણ પડોશીઓ વિશે કેટલાક હાસ્યલેખો અગાઉ લખાયા છે, પરંતુ અહીં વાંચવા મળતા હાસ્ય નિબંધ ‘મેરે સામનેવાલી ખિડકીમેં’ માં અમદાવાદના પડોશીઓ અને અમેરિકાના પડોશીઓ વિશેના લેખકના નિજી અનુભવમાંથી સાંપડેલો રમૂજી ચિતાર મળે છે. ‘સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે’ માં વાતવાતમાં કોઇ ને કોઇ મહાપુરુષના કે કોઇ મોટા લેખકના અવતરણો ટાંક્યા કરતા મિત્રોની અને ‘તમારે જોક સાંભળવો છે?’ માં જૂની-પુરાણી જોક સંભળાવી બીજાઓને હસાવવાના મરણિયા પ્રયત્નો કરતા મિત્રોની મજાક કરી છે. ‘હરિ તારાં હજાર નામ’ કે ‘સુપર પાવર’ જેવા લેખો માં સામાન્ય લોકોની તર્કવિહીન આસ્થાના જુદાં જુદાં રમૂજી દ્રસ્ટાંતો આપીને સૌ ની મજાક કરી લીધી છે. ‘મારા દાજીબાપુ’ એક ઉત્તમ હળવો ચરિત્રનિબંધ છે. ‘મેરા જૂતા હૈ જાપાની’ માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બુશ પર ફેંકાયેલા જગપ્રસિદ્ધ જૂતાની કથા છે. ‘ઓબામારામા’ માં વર્તમાન રાષ્ટ્રપતિ ઓબામાના રાજ્યારોહણના પ્રસંગને અનુલક્ષીને ઓબામાજીની એમના સાસુજી અને એમની દીકરીઓના સંદર્ભમાં હળવી મજાકો કરી છે. ‘દેવાનંદની આત્મકથા વાંચ્યા પછી’ એક સમયના સુપર સ્ટાર દેવાનંદની આત્મકથાને નિમિત્ત બનાવીને લખાયેલો લેખ છે.

આ સંગ્રહના લેખોના શીર્ષકો એમની નાવીન્યપૂર્ણતા અને કલ્પનાશીલતાને કારણે ધ્યાન ખેંચે છે.”

‘પ્યાર-તકરાર’ માં જ્યારે બે વ્યક્તિઓ ઝગડતી હોય ત્યારે કેવા કેવા રમૂજી શબ્દો નો પ્રયોગ થાય છે તેની વાત કરી છે. જેમકે ‘તારો રાજિયો કૂટી નાખીશ’ , ‘તારો કાછડો વાળી નાખીશ’ , ‘તારું નખ્ખોદ જાય’ ‘બૈરી પર શું શૂરો થાય છે ?’ કે પછી ‘તને તારા પૈસાનું ઘમંડ છે તે જાણું છું.’ જાણે સામેવાળો અંબાણી હોય… અને ‘તું રૂપાળી ખરી ને તે વટ મારે છે !’ સામેવાળી જાણે ઐશ્વર્યા રાય ના હોય !….

‘મોનાલીસા’ માં પ્રખ્યાત ચિત્ર મોનાલિસા પર તો ‘રીટાયરમેંટ નો આનંદ’ માં માણસ રીટાયર થાય પછી કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે તે હાસ્ય સભર શબ્દોમાં વર્ણવ્યું છે.

‘મન પાંચમનો મેળો’ માં એમણે ઓફિસ કલ્ચરની વાતો કરી છે તો ‘ફ્રિક્વંટ રાઈડર’માં ઈતિહાસની વાતોને રમૂજી સ્ટાઈલ માં કહી છે તો વળી ‘રૂપ તેરા મસ્તાના’ માં માર્કેટિંગના અવનવા પ્રયોગો વિશે વાત કરી છે.

‘પુનરપિ પુનરપિ પુનરાવર્તનમ’ માં કોઇ લેખ અલગ અલગ અનેક જગ્યાએ પ્રકાશિત થવાની વાત ચર્ચી છે તો ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ માં મૂળ લેખકોની કૃતિને પોતાના નામે છપાવી ઉઠાંતરી કરતી વ્યક્તિઓ વિશે રમૂજી શબ્દોમાં ચર્ચા કરી છે.

‘છાનું રે છપનું કંઈ થાય નહીં’ માં ઘરમાં જૂદાં જૂદાં મેગેઝીનો ને રાખવા માટેની માણસોની મનોવૃત્તિની વાત કરી છે. તો ‘પીડ પરાઈ જાણે રે !’ માં બિમાર વ્યક્તિની ખબર જોવા જતી વ્યક્તિઓની મનોવૃત્તિ વિશે વાત કરી છે.

‘અચ્યુત્તમ કેશવમ’ માં જુદાં જુદાં કારણોસર રાખવામાં આવતી બાધાઓ અને તેને પૂરી કરવા માટે થતી પ્રક્રિયાઓ વિશે વાત કરી છે.

‘મોરે પિયા ચલે પરદેશ’ માં ટ્રાવેલ એજંસીઓ પ્રવાસીઓને આકર્ષવા કરેલા વાયદાઓ કેવી રીતે પૂરાં કરે છે તે જણાવ્યું છે.
આમ શીર્ષકો માં તેમણે સંસ્કૃત અને હિન્દી ગીતો નો ઉપયોગ પણ કર્યો છે અને શીર્ષક પ્રમાણે ની વાતો કરતાં અલગ જ લખાણ એ લેખમાં હોય.
આવો માણીએ આ પુસ્તકની એમની હાસ્યરચનાઓ ના કેટલાંક અંશ.

‘એક દિલ સો અફસાને’

મને હાર્ટએટેક આવ્યો. એકદમ બાઈપાસ સર્જરી કરાવવી પડી. ઘરે આવ્યા પછી મિત્રો-સગાસબંધીઓ મળવા આવવા લાગ્યાં.

ત્રણ પ્રકરના મહેમાનો આવ્યા.

પહેલા ફાલમાં, હોસ્પિટલમાંથી ઘરે આવ્યો તે જ દિવસે એ મિત્રો મળવા આવ્યા કે જેમને ખબર છે કે તેમને હાર્ટએટેક આવવાનો છે.

અઠવાડિયા પછી જે મિત્રો મળવા આવ્યા તે લોકો બીજા પ્રકારના કે જે ઝિપર ક્લબના મેમ્બર થઈ ચૂક્યા હતા અર્થાત તેમને બાઈપાસ સર્જરી થઈ ચૂકી હતી.
ત્રીજા પ્રકારના મિત્રો આવ્યા એ લોકો એ વર્ગના હતા જેમને ભગવાને લખી આપ્યું હતું કે તેમને આ જીવનમાં હાર્ટએટેક નથી આવવાનો. કારણકે તેઓ તેઓ પોતાના શરીરની બહુ જ કાળજી રાખે છે તેમ તેઓ માનતા હતા.

બધા મિત્રો અલગ અલગ સલાહો આપતા.. કોઇ કહેતું ફીશ ખાઓ કોઇ મેથીના દાણા કોઇ ઓલીવ ઓઇલ તો કોઇ વળી લસણ ખાવાની સલાહ આપતું. કોઇકે પગે માલિશ કરવાની સલાહ આપી. તો રોજ રાતે પત્નીએ સોફામાં આડો બેસાડી માલિશ કરી આપ્યું. એક દિવસ મને કહે, ‘પગે માલિશ કરીએ તો સારું લાગે. લે હવે તું મને કરી આપ.’ એની વાત મેં માની ને આજનો દા’ડો ને કાલની ઘડી તે પછી મારો માલિશ કરાવવાનો વારો જ નથી આવ્યો !

મારા ભાઈ હેમંતે મને રૂદ્રાક્ષની માળા આપી. કહે કે, ‘રુદ્રાક્ષની માળા પહેરવાથી તમારું બ્લડપ્રેશર ઓછું થઈ જશે.’ મેં પૂછ્યું ‘તો હવેથી રોજેરોજ લેવી પડતી ગોળીઓ નહીં જ લેવાની ને ?’ તો કહે, ‘મૂરખ થયા છો ગોળીઓ તો લેવી જ પડે ને !’

કોઇકે પાણીનો પ્રયોગ કરવાનું કહ્યું તો પત્નીએ રોજના દસ મોટા પ્યાલા ભરીને પાણી પિવડાવવા માંડ્યું. પછીથી ફરિયાદ ચાલુ કરી, ‘આપણે ઘેર કોઇ તને મળવા આવે છે ત્યારે તું હંમેશાં બાથરૂમમાં જ હોય છે ને !’

‘દિલ હૈ કિ માનતા નહીં..’

મારે દોઢ વર્ષમાં ચાર વાર એંજિયોપ્લાસ્ટી અને એક બાઈપાસ સર્જરી કરાવવી પડી. પહેલી વાર હાર્ટએટેક આવ્યો. હોસ્પિટલમાં જવું પડ્યું. મારી માંદગી એક સમાચાર બની ગઈ. પેપરમાં છપાયું આપણે ખુશ થયા. પણ તેથી દર્દમાં કાંઈ ફેર ના પડ્યો. ગયા મહિને મારી પાંચમી એંજિયોપ્લાસ્ટી કરાવવી પડી. હોસ્પિટલમાં જવાની આગલી સાંજે મારા દીકરાએ કહ્યું, “ડેડી, હું મારી જોબ પરથી રજા ન લઉ તો ચાલે ?” મેં કહ્યું, “બેટા તારે રજા ન લેવી હોય તો વાંધો નથી.” એ સાંભળી મારી પત્ની બોલી, “જોને, હું તને સવારે નવ વાગે હોસ્પિટલ ઉતારીને જોબ પર જાઉ તો કેવું ? સાંજે પાંચ વાગે તો તું રૂમમાં પાછો આવી ગયો હોઈશ.” ઘરનાં ને એમ કે મને તો ટેવ પડી ગઈ છે.

શરૂઆતથી મારી એંજિયોપ્લાસ્ટી પછી મિત્રો મને ‘ગેટ વેલ સુન’ ના કાર્ડ મોકલતા. કોઇક મિત્રો હોસ્પિટલમાં કાર્ડ લઈને આવતા. શરૂઆતમાં તેઓ હોલમાર્કના મોંઘા કાર્ડ મોકલતા. પાછળથી તેમને લાગ્યું કે આ ભાઈ તો હોસ્પિટલમાં છાશવારે દોડે છે તેને કદાચ હોસ્પિટલ પોષાય પણ આપણને આવાં મોંઘા કાર્ડ ન પોષાય. એટલે પછી હાથે લખેલું કાર્ડ લાવતા થયા. એક વખત મારા મિત્ર હરેન્દ્ર જાની મારી તબિયત જોવા હોસ્પિટલમાં આવ્યા ત્યારે હાથે લખેલું કાર્ડ લઈને આવ્યા હતા. મેં તેમના દેખતાં એ કાર્ડ ખોલ્યું અંદર સંદેશો લખેલો હતો ‘તમારા કાળજા કેરા ટુકડા માટે વધાઈ.’ મને એ વાંચીને સમજ ના પડી. મેં કહ્યું, “હરેન્દ્રભાઈ, આ ઓપરેશન થી મારા કાળજાના ટુકડા થયા નથી સંધાયા છે.” મારી વાત સાંભળી એ ચમક્યા અને બોલ્યા, “અરે, બાપરે ! આ કાર્ડ તો ભરતભાઈની પત્નીને આપવાનું હતું. તે આ જ હોસ્પિટલમાં બીજા ફ્લોર પર છે. તેને બેબી જન્મી છે.” મેં કહ્યું કે, “કંઈ વાંધો નહીં મને તમારા કાર્ડનો વાંધો નથી.” હરેન્દ્રભાઈ ગભરાઈને કહે, “તમને વાંધો નથી તે તો સમજ્યા પણ એમને મેં તમારું કાર્ડ આપ્યું છે તેનું શું ?” મેં પૂછ્યું, “તેમાં તમે શું લખ્યું છે ?” તે બોલ્યા, “તેમાં મેં તમારા માટે લખ્યું છે કે …. જોયું ને તમારી કુટેવોનું પરિણામ ?”

‘હરિ તારા હજાર નામ’

ઇશ્વરે મનુષ્યનું સર્જન કર્યું હોય એમ કહેવાય છે. પરંતુ ખરેખરતો મનુષ્યે ઇશ્વરનું સર્જન કર્યું છે. દેવતા એક હતો તેમાંથી તેત્રીસ કરોડ આપણે પેદા કર્યા. દરેકે પોતાની પર્સનાલિટી અનુરૂપ ઇશ્વર ભજવા માંડ્યો.

અમારા માસ્તર હતાં ચુનીલાલ પંડ્યા. ઘરમાં પેસતાં માં ગરીબી નાં દર્શન થાય. તેમને ઘેર ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજીનો ફોટો હતો. ત્રણે જણે વનવસ્ત્ર પહેર્યાં હતાં અને માથે જટાઓ હતી.

સુરેન્દ્રસિંહ જાતના રાજપૂત. તેમનાં ઘરમાં સોનાનાં આભૂષણો પહેરીને માથે મુગટ પહેરીને સિંહાસન પર બેઠેલા રામ પ્રભુની ટીમનો ફોટો હતો. ભગવાન એનો એ. પૂજનાર જુદાં જુદાં. બંનેની મેંટાલિટી આમાં છતી થતી હતી…..

કદી વિચાર્યું છે કે શ્રીનાથજી પ્રભુના ભક્તો પૈસાવાળા કેમ અને શંકરના ના ભક્તો ( બ્રામ્હણો ) ગરીબ કેમ ?

‘આકાશવાણી’

હર્નિશપુરાણ માં એક વાર્તા છે કે એક બ્રામ્હણે જંગલમાં જઈને ખૂબ તપ કર્યું ને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. બ્રામ્હણને કહે ‘માગ તારે જે માગવું હોય તે.’
ગરીબ બ્રામ્હણ બોલ્યો, “પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દિકરો મારું માનતો નથી. પ્રભુ જીવનમાં ઘણી તકલીફો છે.”
પ્રભુ કહે, “તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું. મોક્ષ જોઇતો હોય તો નામ લખાવી દઉં. પરંતુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પંડિત, મહારાજ કે અજમેરીબાબાનો સંપર્ક સાધવો પડે. વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભૂલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું…”

‘સર્જન-વિસર્જન’

અમે સંયુક્ત કુટુંબમાં રહેતા.. મારા બાપુજી ફૂડ ક્રિટિક ગણાતા. બાપુજી દરેક રાંધનારનું કંઈ ને કંઈ વખાણતા. કમળાકાકીનો હાંડવો નીચેથી બળી જાય અને ફિક્કો લાગે તોય અમારા ઘરનાં ફૂડ ક્રિટિક જાહેર કરે કે, “આજનો હાંડવો એટલો સરસ હતો કે સાથે મસાલાવાળું અથાણું પણ વપરાયું.”

સર્જન ની ટીકા કરવાની પણ એક કળા છે જે આપણને ઉપરના ઉદાહરણ પરથી સમજાશે. આ ઉપરાંત ટીકાકારો માટે એમણે લખ્યું છે કે…

સારું જમણ માણવા માટે રાંધતાં આવડવું જોઇએ એવું કંઇ જરૂરી નથી. તેમાં પણ દાળમાં મીઠું ઓછું કે શાકમાં મરચું વધારે છે એવી ટીકા કરવા માટે પાકશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. ખરેખર તો ટીકાકારોને કોઇ પણ ક્ષેત્રના જ્ઞાનની જરૂર નથી. સામાન્ય રીતે ટીકાકારો સર્જકને ગમતા નથી એટલે ટીકાકારો સમીક્ષકોને નામે બહાર આવતા ગયા.
નાટકો ઉપર ટીકા કરવાનો હક્ક તેનો છે કે જેણે કલાકારોને ભેગા કરી સમયનો અને પૈસાનો ભોગ આપીને લોકોનું મનોરંજન કર્યું હોય. પોતાના વ્યક્તિગત નૈતિક માપદંડથી નાટકની ગુણવત્તા નક્કી કરનારા નાટક કરનાર અને જોનાર વર્ગની વચ્ચે આવીને ઉભા રહે છે. મોટાભાગની સમીક્ષા સર્જન માટે નથી હોતી પરંતુ સમીક્ષક પોતાના જ્ઞાનના પ્રદર્શન માટે જ કરે છે…

ઘણી વાર ખાસ કરીને પ્રખ્યાત લેખક કે કવિની કૃતિની સમીક્ષા કરીને પ્રજા સામે ધરવામાં આવે છે ત્યારે મોટે ભાગે વખાણ જ હોય છે. અને એ કૃતિના એવા તો વખાણ થાય તે પેલા કવિ કે લેખકને થાય કે ‘ઓ હો હો હો, આપણે આવું વિચારીને આ વાક્યો લખ્યા હતાં ? અમને ખબર નથી એવી વાતો સમીક્ષક ને ખબર છે ! ’ ઉમાશંકરને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે તેમના કાવ્ય ‘નિશીથ’ વિષે ઘણું ઉત્તમ લખાયું. વિવેચકોએ ‘નિશીથ’ ના સર્જન વેળા કવિની મનોસ્થિતિની વાતો કરી. આવા કાવ્યની પ્રેરણા વિશે પણ લખાયું. પરંતુ પછી વાત બહાર આવી કે ઉમાશંકરે કાવ્યની શરૂઆત મુંબઇની પરાંની ટ્રેનમાં- મિત્રના પોસ્ટકાર્ડ પાછળની ખાલી જગ્યામાં લખીને કરી હતી. ( આ વાત કોઇક વિવેચકે પણ ફેલાવી હોય – બની શકે. )

‘મોરે પિયા ચલે પરદેશ’

અમદાવાદ માં બે સ્થળો વચ્ચેનું અંતર પૈસામાં દર્શાવાય છે. તમારે અમારે ત્યાં આવવું હોય તો તમારે ત્યાંથી પચાસ રૂપિયાની રીક્ષા પડશે. જ્યારે અમેરિકામાં અંતર સમયમાં ગણાય છે. તમારાથી અમે એક કલાક દૂર છીએ મજાની વાત એ છે કે કોઇને અંતર કેટલા કિલોમીટરનું છે એની ખબર નથી.

પોતાના પ્રવાસીઓ ને આકર્ષવા ટ્રાવેલ કંપની કેવા વાયદા કરે છે અને કેવી રીતે પુરા કરે છે તેનું ઉદાહરણ જુઓ.

એક કંપની તમને પાંચ દિવસમાં ત્રણ દેશ બતાવશે તો બીજી કંપની ત્રણ દિવસમાં પાંચ દેશ. એ તમને બતાવશે જરૂર. તમને દેખાય કે ન દેખાય એ તમારી જવાબદારી. અમે ફ્રાંસથી બપોરે એક વાગે બસમાં નીકળ્યા રોટરડેમ ( હોલૅંન્ડ ) જવા. વચ્ચે મને ઝોકું આવી ગયું. જ્યારે આંખ ખૂલી ત્યારે બહાર પવનચક્કીઓ દેખાવા લાગી.

“હોલૅન્ડ જેવું લાગે છે નહીં ?” પત્ની કહે,

“હા હોલૅન્ડ છે.”

“તો પછી બેલ્જિયમ દેશ તો વચ્ચે આવ્યો આવ્યો નહીં.” પત્ની બોલી,

“બેલ્જિયમમાંથી બસ પસાર થઈ ત્યારે તું ઊંઘતો હતો.”

“ઉઠાડવો હતો ને મને !” મેં કહ્યું.

“મને જ નહોતી ખબર. પરંતુ જ્યારે હોલૅન્ડ આવ્યું ત્યારે ટૂર ગાઇડે જાહેર કર્યું કે આપણે બેલ્જિયમ વટાવી હોલૅન્ડમાં પ્રવેશ્યા છીએ ત્યારે મને ખબર પડી.”

હવે અમારા ટૂરના પેકેજમાં બેલ્જિયમ બતાવીશું એમ હતું. હું ઊંઘતો હતો ત્યારે ટૂર ગાઇડે બિચારાએ બતાવી દીધું હતું. હવે મેં ન જોયું એમાં કોનો વાંક ?

‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે ’

છેલ્લે એક લેખક મિત્ર હમણાં મળ્યા હતાં.

મેં પૂછ્યું કે, “આજકાલ શું લખો છો ?”

ત્યારે કહે કે, “બે-ચાર પુસ્તકો ભેગાં કરી અને તેમાંથી ઉઠાંતરી કરીને નવું પુસ્તક બનાવું છું.”

મારે પૂછવું પડ્યું, “પકડાઈ જવાનો ડર નથી લાગતો ?”

“પકડાઈ જઈએ તોય શું ? હું ઇંગ્લિશ માંથી ગુજરાતી શબ્દોની ડિક્શનરી બનાવું છું. દરેક ડિક્શનરીમાં, ઇંગ્લિશ શબ્દ ‘સ્ટીલીંગ’ નો ગુજરાતી અર્થ ‘ચોરી કરવી’ જ આપ્યો હોય ને?”

મારે કહેવું પડ્યું તમારી વાતમાં માલ છે હોં !”

*****

આ તો કેટલાક અંશ છે મિત્રો. પુસ્તકમાં આથી ઘણા વિશેષ હાસ્ય પ્રસંગો છે..

“અવતરણક્ષમ વિધાનો આ સંગ્રહની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે. દરેક લેખમાં વચ્ચે વચ્ચે ઠાવકાઈ ભર્યા વિધાનો આવતાં રહે છે અને મર્માળુ હાસ્ય પ્રસરાવતાં રહે છે.” — રતિલાલ બોરીસાગર..

– નિમિષા દલાલ

પુસ્તક પરિચય લખવાનો નિમિષાબેન દલાલનો આ પ્રથમ પ્રયત્ન છે. વાત છે અમેરિકા સ્થિત ગુજરાતી લેખક શ્રી હરનિશભાઈ જાની ની હાસ્યરચનાઓ ના સંગ્રહ ‘સુશીલા’ ની જેને પરિષદનું પ્રથમ ઈનામ શ્રી જ્યોતિન્દ્ર દવે પરિતોષિક અને ગુ. અકાદમી ગાંધીનગરનું શ્રેષ્ઠ હાસ્યના પુસ્તકનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ પહેલાં શ્રી હરનિશભાઈ જાની નો એક સંગ્રહ ‘સુધન’ બહાર પડ્યો છે તેને પણ સાહિત્ય અકદમી ગાંધીનગર તરફ થી હાસ્ય/વ્યંગ વિભાગમાં બીજું ઈનામ પ્રાપ્ત થયું છે. સુધન એમના પિતાનું નામ છે અને સુશીલા એમના માતા નું નામ છે. આ બે સંગ્રહો દ્વારા એમણે એમના માતા-પિતાને સ્મરણાંજલિ અર્પી છે. અક્ષરનાદને આ પરિચય પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “‘સુશીલા’ પુસ્તક પરિચય – નિમિષા દલાલ

  • purvi

    આ પુસ્તકમાં રહેલ એક વાક્ય મને ખૂબ ખડખડાટ હસાવિ ગયું……..મેથી, લસણ ને તેલ…….તમારે મને સાજો કરવો છે કે મારો વઘાર કરવો છે? આ પુસ્તકમાં રહેલ છેલ્લો લેખ પણ બહુ જ સુંદર હતો. એકંદરે કહું તો ઘણાં સમય પછી મનને સંપૂર્ણ રીતે ફ્રી કરી દેતાં હાસ્યલેખો વાંચવા મળ્યાં.

  • Harnish Jani

    જિજ્ઞેશ કુમાર અને નિમિષાજી, આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર.નિમિષાજીએ પહેલીવાર પુસ્તક પરિચય લખવ પ્રયત્ન કર્યો છે.એમ જો જણાવ્યું ન હોત તો ખબર પણ ન પડે. એમની કલમ કસાયેલી છે. અને ભાષાપ્રભૂત્વ પણ ઉત્તમ છે.જિજ્ઞેશકુમાર આપના બ્લોગ પર “સુશીલા”ને સમાવવા બદલ આભાર. અને સૌ મિત્રોના પ્રતિભાવ માટે પણ આભાર.

  • Harnish Jani

    જિજ્ઞેશ કુમાર અને નિમિષાદેવીનો ખૂબ ખૂબ દિલી આભાર,પ્રેમપૂર્વક “સુશીલા” વિષે લખવા બદલ. નિમિષાજી આપનું ભાષા પ્રભૂત્વ બહુ સુંદર છે.સુશીલાના લગભગ બધાં લેખો આપે આવરી લીધા છે. જે કોઈને અમેરિકાના ગુજરાતીઓની હળવી બાજુ જોવી હોય તો તેમને આ લેખો વાંચવાની મઝા આવશે. ફરીથી આપ સૌનો આભાર.

  • ashvin desai47@gmail.com

    ભૈ હરનિશ જાનિ આપના નિવદેલા વ્યન્ગકાર . એમના ઇનામિ પુસ્તકનો પરિચય આપના તેજસ્વિ નવોદિતા
    બહેન નિમિશા દલાલ દ્વારા પરિચય – એ બેસતા વરસનિ
    પ્રસાદિ તરિકે તમારા તમામ ચાહકોને મહામુલિ ભેત
    તમે બધા અભનનદન અને ‘ સાલ -મુબારક ‘ ના અધિકારિ
    – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા