હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે 12


કાસમ, તારી વીજળી…

“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી, બૃહદ આવૃત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282

[‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે. ’વીજળી’ જેવી સમર્થ અગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ, ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં, બેસુમાર પાણી, ડૂબવા સમયની ડોલાડોલ, ખારવાઓની દોડાદોડ, દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો, કેસરિયા વરરાજા સુદ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ. મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ – એ તમામ ચિત્રો સચોટ છે.]

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ! શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!
ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0
અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0
ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0
હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0
ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0
ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0
પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0
મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

(1)ચશ્માં

(2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.

હાજી કાસમની વીજળી

મુંબાઇમાં તાજેતરમાં સર મહમદ યુસુફના અવસાનથી આજથી 75-80 વર્ષ પહેલાંના ગુજરાતનું ચિત્ર આંખ આગળ ખડું થયું.

સર મહમદ યુસુફ સજ્જન હતા, ઉદારશીલ હતા. છક્પ્પનિયા દુકાળવેળાની એમના વડીલોની સેવા ગુજરાત ક્યારેય ભૂલી શકે એમ નથી. પોતે ચુસ્ત મુસ્લિમ લીગર, ચુસ્ત મુસલમાન, છતાં ક્યારે ય મુસ્લિમ લીગની ભાગલા-પ્રવૃત્તિમાં જોડાયા ન હતા. ધર્મ અને રાજકારણ ને એમણે ક્યારે ય ભેળસેળ થવા દીધા નહોતા. પરંતુ આજે તો યાદ આવે છે બધાની ઉપરવટ ગુજરાતને ઘેર ઘેર જાણીતી એક લોકગીતની લીટી : ‘હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ.’

સર મહમદ યુસુફના વડીલોની પેઢી હાજી કાસમની પેઢી કહેવાતી. તેઓ સાહસિક વહાણવટીઓ અને બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના કાઠિયાવાડના એજન્ટો હતા. પણ એમનો દબદબો, શાખ, પ્રતિભા ને વહીવટ એવાં હતાં કે એમના કાળમાં એ કંપની ’હાજી કાસમની કંપની’ તરીકે અને એની આગબોટો ‘હાજી કાસમની બોટ’ તરીકે જ ઓળખાતી. આવી એક બોટ નામે ‘એસ.એસ.વેટરના’ આ તરફ સૌ પહેલી વીજળીના દીવાવાળી બોટ હોવાથી આપણા લોકો એના મૂળ નામ ’વેટરના’ ને બદલે ‘વીજળી’ ના નામથી જ ઓળખતા.

નવી નકોર બંધાયેલી એ લંડનથી આવી કરાંચી, ત્યાંથી મુસાફરો લઇ આવી કચ્છ-માંડવી. ત્યાંથી ચૌદ જાનો મુંબાઇ આવવા એમાં બેઠી . માંડવીથે એ દ્વારકા આવી, ત્યાં તોફાન શરૂ થયું.  ભગવાનજી અજરામર નામના એક ભાઇ તોફાનને કારણે દ્વારકા ઊતરી પડ્યા. આગબોટ આગળ ચાલી.તોફાન વધ્યું – ભયંકર થયું !

બોટ પોરબંદર આવી, પોરબંદરમાં ત્યારે સરકારી વહીવટ અને મુખ્ય વહીવટદાર લેલી સાહેબ. એમણે આગબોટના કપ્તાનને સલાહ આપી : તોફાન ભયંકર છે, રોકાઇ જાઓ; રોકાણનું ખર્ચ પોરબંદર રાજ્ય આપશે. આવા ભયંકર તોફાનમાં જવાનું દુ:સાહસ ના કરો.’

પણ કપ્તાન ન માન્યો. લેલી સાહેબે પોરબંદરનું બારું બંધ કર્યું, પોરબંદરથી કોઇનેય આગબોટ ઉપર ચડવા ન દીધા. અને એમ મહાત્મા ગાંધીજીના કાકા એ ‘વીજળી’માં ચડતા અટકી ગયા. ચૌદસો મુસાફરો સાથે વીજળી ઊપડી. વળતે દિવસે માંગરોળથી તાર આવ્યો : ‘વીજળી હજી આવી નથી. પોરબંદર રોકાઇ હોય તો ખબર કરો! ’

પોરબંદરથી તાર ગયો : ’વીજળી ગઇ કાલે રવાના થઇ ગઇ છે !’

બસ, વીજળીની આ આટલી વાત. એ વીજળીનું શું થયું, ક્યાં ડૂબી, કેમ ડૂબી, એ આજની ઘડી સુધી કોઇ જાણતું નથી.

આવી ભયંકર હોનારત આ કાંઠે આજ પહેલાં નોંધાઇ નથી. એ હોનારત ચડી હાજી કાસમને નામે. લોકોએ ગાયું:

‘હાજી કાસમ તારી વીજળી રે…’

– ગુણવંતરાય આચાર્ય

* * * * * * * * * * * * 

હાજી કાસમની ‘વીજળી’

‘કુમાર’ અંક 881મો, મે 2001, પાનું : 282થી 284

કેટલીક ઘટનાઓ એવી હોય છે, જેને કાળનો પ્રવાહ વિસરાવી શકતો નથી. આજથી 112 વર્ષપહેલાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સર્જાયેલી એક જહાજી દુર્ઘટનાને આજે આટલાં વર્ષો પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છનાં લોકો ભૂલી શક્યાં નથી. દરમિયાન આ દુર્ઘટના અંગે અનેક સંશોધનો થયાં છે. આસંશોધનોના નિષ્કર્ષરૂપે પ્રકાશમાં આવેલી વાતો ગુજરાતી પ્રજાને હરહંમેશ આકર્ષતી રહી છે. આ દરિયાઇ દુર્ઘટના એટલે હાજી કાસમની ‘વીજળી’ની જળસમાધિ. તાજેતરમાં એક પીઢ પુરાતત્ત્વવિદે હાથ ધરેલાં સંશોધનમાં ‘વીજળી’ ની જળસમાધિ અંગેની અનેક રસપ્રદ હકીકતો બહાર આવી છે. આ હકીકતોની વિગતો સમજતાં પહેલાં આ ગોઝારી દુર્ઘટના અંગેની લોકકથા જાણી લેવી જરૂરી છે.

આજથી 112 વર્ષ પહેલાં સને 1888 ના નવેમ્બર માસની આઠમી તારીખે કારતક સુદ પાંચમ ને ગુરુવારનો દિવસ હતો.ચોર્યાસી બંદરના વાવટા જેવા કચ્છના માંડવી બંદરનો દરિયો આજે જાણે ગાંડો તૂર બની ગયો હતો. પાણીનાં ઊછળતાં મોજાં ઘડીકમાં ઊંચે ચડતાં હતાં, ઘડીકમાં નીચે પછડાતાં હતાં. અરબી સમુદ્ર પરથી પૂરઝડપે દોડ્યાં આવતાં પાણી સાગરકિનારે પછાડાં મારતાં હતાં.

માંડવી બંદરને કિનારે બપોરના બરાબર બાર વાગ્યે એક નવી નકોર સ્ટીમર લાંગરી હતી. ઇન્ગલેન્ડના ગ્લાસગો સિટીના ’ધ ગ્રેન્જમાઉથ શિપિંગ યાર્ડ’ માં શેફર્ડ શિંપિંગ કંપનીએ આ સ્ટીમર ‘બૉમ્બે સ્ટીમર નૅવીગેશન કંપની’ માટે બનાવી હતી. 170.1 ફૂટ લાંબી. 26.5 ફૂટ પહોળી અને 9.9 ફૂટ ઊંચી આ સ્ટીમર પૂરેપૂરી સ્ટીલ બોડીની હતી. ખાલી આ સ્ટીમરનું વજન જ 63 ટન જેટલું હતું. તેની વહન-ક્ષમતા 258 ટન વજનની હતી. પ્રોપેલર પંખાવાળી આ સ્ટીમરની ઝડપ એક કલાકના 13 નોટિકલ માઇલની હતી. આ સ્ટીમરને તૈયાર થતાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. ત્રણ માળ અને 25 કૅબિન ધરાવતી આ આલિશાન સ્ટીમરનું  નામ ’એસ.એસ.વેટરના’ રાખવામાં આવ્યું હતું

બૉમ્બે સ્ટીમર નૅવિગેશન કંપની હાજી કાસમ જુસબ નામના એક મુસ્લિમ શ્રીમંતે કૅપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ સાથે ભાગીદારીમાં એ સ્થાપી હતી. કંપનીનો મુંબઇ ખાતેનો વહીવટ હાજી કાસમ જુસબ ખુદ જાતે જ સંભાળતા હતા. ગ્લાસગો બંદરેથી નવીનકોર વેટરના પોતાની સૌપ્રથમ સફરે જવા રવાના થઇ ત્યારે બારાના સરકારી અમલદારોએ એને તોપની સલામી આપી હતી. વેટરના વિલાયતથી ઊપડી હિન્દુસ્તાન આવે છે એના સમાચારબધેય પ્રસરી વળ્યા હતા. આલમની યાંત્રિક રચનાની આ અજોડ બનાવટને નજરે નિહાળવા ભારતીય લોકો અરબી સમુદ્રની ક્ષિતિજે મીટ માંદી રહ્યાં હતાં. વેટરના સ્ટીમરની ઝડપ વીજળી જેવી હતી. એ સમયે ભારતવાસીઓ એ વીજળીના દીવાઓ જોયા નહોતા. જ્યારે આ સ્ટીમર ઉપર અનેક દીવાઓ બળતા. આથી રાત્રે પણ વેટરના સ્ટીમરનો ખૂણેખૂણો ધોળા દિવસ જેટલો જ પ્રકાશિત રહેતો હતો. ઝળહળતો વીજળીનો પ્રકાશ અને તેજ ઝડપને કારણે આ સ્ટીમર દરિયાલાલમાં જાણે વીજળી સદેહે રમવા આવી હોય એવી લાગતી હતી. આ સ્ટીમર ગ્લાસગો બંદરથી ઊપડી કરાંચી થઇ કચ્છના માંડવી બંદરે આવી હતી.

વીજળીના કૅપ્ટન ઇબ્રાહીમભાઇને આ સ્ટીમરની મજબૂતી ઉપર મગરૂરી હતી. કરાંચીથી મુંબઇ સુધીની પહેલી સફરમાં મુસાફરી કરવાનો લહાવો લેવા એ જમાનામાં લોકો તલપાપડ બન્યાં હતાં. વિલાયતતી આ સ્ટીમરને મુંબઇની કંપનીની વડી કચેરીએ આવવાનું નક્કી કરાયું હતું. પરંતુ કોઇ કારણોસર પાછળથી એમાં ફેરફાર કરીને કરાંચીથી જ મુસાફરોને લેવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે કરાંચીમાંથી મુસાફરો ઉભરાયાં હતાં. 19મી સદીની અજાયબી સમી આ સ્ટીમર મુંબઇના બારામાં લાંગરે ત્યારે એને નજરે જોવા માટેની બે બે આનાની ટિકિટો અગાઉથી વેચાઇ ગઇ હતી.

નવીનકોર ‘વીજળી’ સ્ટીમર મુંબઇ જવા માટે કરાંચીથી ઊપડી ચૂકી છે એવા સમાચાર કચ્છને ગામેગામ પહોંચી ગયા હતા. કચ્છને ખૂણેખૂણેથી કચ્છી માડુઓ વીજળીને જોવા અને તેમાં મુસાફરી કરવા માંડવીના બંદરે પહોંચી ગયા હતા. કચ્છનાં જુદાં જુદાં ગામોમાંથી તેર જાનો મોડબંધા વરરાજા સાથે મુંબઇ પહોંચવા માટે ‘વીજળી’પર ચડવા માટે માંડવી બંદરે આવી પહોંચી હતી. માંડવીની ચાર જાનોની સફર તો મૂળ એક બીજી બોટમાં નોંધાયેલી, પણ આલમની અજાયબી સમી ‘વીજળી’માં સફર કરવાની તક મળી હોવાથી તેમણે નોંધાવેલી સફર રદ કરીને’વીજળી’ માં ચડ્યા હતા. જાનૈયાઓના કંઠેથી ગવાતાં લગ્નગીતોથી માંડવીનો રેતાળ દરિયાકિનારો ગુંજી રહ્યો હતો. લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપનારા લગ્નવિધિના નિષ્ણાત ગોર મહારાજો પોતાના યજમાનો સાથે મુંબઇ સુધી જવા જાનમાં જોડાઇ ગયા હતા.

એ જ અરસામાં મુંબઇમાં મૅટ્રિકની પરીક્ષા શરૂ થવાની હતી. એ જમાનામાં મૅટ્રિકના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છેક મુંબઇ જવું પડતું હતું. કચ્છના સેંકડો યુવાન વિદ્યાર્થીઓ મૅટ્રિક પાસ થવાની મોટી આશા સાથે, ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં જોતા’વીજળી’ પર ચડી ગયા હતા. ‘વીજળી’નો ઊપડવાનો નિયત સમય થતાં તેના ભૂંગળામાંથી સાઇરનનો કર્કશ અવાજ સંભળાયો ને થોડી પળોમાં જ તરતા રાજમહેલ જેવી આ સ્ટીમર પાણીમાં સરવા લાગી. માંડવી બંદરેથી ચડેલા કચ્છના સેંકડો મુસાફરોને પોતાની ગોદમાં બેસાડીને સાગરપટ પર હિલોળા લેતી ‘વીજળી’ માંડવી બંદરને અલવિદા કરી વીજળી ઝડપે દ્વારિકા જવા આગળ વધવા લાગી. દરિયાની ક્ષિતિજે તે દેખાતી બંધ થઇ ત્યાં સુધી મુસાફરોને વળાવવા આવેલાં કચ્છીઓ પોતાનો હાથ હલાવી પોતાનાં સ્વજનોને વિદાય આપતાં રહ્યાં હતાં. પણ તેઓને ક્યાં ખબર હતી કે, તેઓ પોતાના સ્વજનોને કાયમને માટે વળાવી રહ્યાં છે !

થોડા કલાકોમાં જ ‘વીજળી’ રૂપેણ બંદર થઇને દ્રારિકાના કિનારે લાંગરી. દ્રારિકા ખાતે એક્માત્ર મુસાફર – દ્રારિકા ગુગળી બ્રાહ્મણ ભગવાજી અજરામર ઊતર્યા. ભગવાજીભાઇ કરાચીથી મુંબઇ પોતના એક યજમાનની જાનમાં જવા નીકળ્યા હતા. માંડવીના બારામાં તેઓ સખત બીમાર પડી ગયા હતા. બીમાર ભગવાજીભાઇને મુંબઇ સુધી પોતાની મુસાફરી નહી થઇ શકે તેમ લાગતા પોતાનું વતન દ્રારિકા આવતાં ત્યાં જ ઊતરી જવાનું પસંદ કર્યુ હતુ. પોતાના યજમાન સાથે ‘વીજળી’ માં બેસી મુંબઇ જવાની ઇચ્છા અધૂરી રહી. પરંતુ એ ભૂદેવને ક્યાં ખબર હતી કે, વિધાતાએ જ તેમને આ માંદગી મોકલી હતી.

દ્રારિકાથી 185 મુસાફ્રરોને લઇને ‘વીજળી’ પોરબંદર જવા ભરસાગરમા માર્ગ કાપવા લાગી. ‘વીજળી’ રવાના થઇ ને થોડી વારમાં જ નિર્મળ આભમાં કાન ફાડી નાખે એવો ક્ડાકો થયો. એકાએક દરિયાનાં પાણી ઊછળવા લાગ્યા. ખુલ્લા સાગરમાં ઊછળતા મોજાં વચ્ચે ‘વીજળી’ ડોલી રહી હતી. અરબી સમુદ્ર આજે એકાએક મસ્તીમાં આવી ગયો હતો. પરંતુ ‘વીજળી’ નો કપ્તાન ઇબ્રાહીમ મહાકાય ‘વીજળી’ ની તાકાત પર મુસ્તાક હતો. ધીમે ધીમે રૌદ્ર રૂપ ધારણ કરતા જતા દરિયામાં આગળ વધતી ‘વીજળી’ પોરબંદર પહોંચી. પોરબંદરથી તેમા એક જાન અને મેટ્રિકની પરિક્ષાના થોડા વિધાથીઓ ચડવાના હતા.

પોરબંદરના દરિયામાં ‘વીજળી’ સલામત ઊભી હતી ત્યારે દરિયામાં વાવાઝોડાના તોફાનનો પ્રારંભ થઇ ચૂક્યો હતો. સાગરનું એ તોફાન પળે પળે વધતું જતું હતું. આકશમાં કાળા ભમ્મર વાદળાંની ઘનઘોર ઘટા ઘેરાવા લાગી હતી. કડાકાભડાકા સાથે આકાશમાં વીજળી ઝબકવા લાગી હતી. ડુંગર જેવડાં મોજાં ઊછળવા લાગ્યાં હતાં. એ સમયે પોરબંદર રાજ્યનો વહીવટ લેલી નામના એક અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર સંભાળી રહ્યા હતાં. આ અંગ્રેજની અનુભવી આંખો દરિયાના આ તોફાનને પામી ગઇ હતી. તેઓ ‘વીજળી’ના કપ્તાન પાસે જઇ એ તોફાન શમી ન જાય ત્યાં સુધી ‘વીજળી’ ને પોરબંદરમાં જ થોભી રાખવાની વિનંતી કરી, પરંતુ ‘વીજળી’ ના કપ્તાન ઇબ્રાહીમને ‘વીજળી’ ની શક્તિનું અભિમાન હતું. તેમણે લેલીસાહેબની વાત નકારી કાઢી. લેલીસાહેબને લાગ્યું કે જો ‘વીજળી’ એક દિવસ પોરબંદર રોકાય તો નાહકનો ખર્ચ વધે એની કપ્તાનને ચિંતા હશે; આથી તેમણે પોરબંદર રાજ તરફથી ‘વીજળી’ ને તોફાનને કારણે રોકાણ થાય એનુ તમામ ખર્ચ આપવાનું કહયું હતું, પણ કપ્તાને આ વાતને પણ ઠુકરાવી દીધી હતી.

આ પછી લેલીસાહેબે ‘વીજળી’ ના જે કોઇ મુસાફર પોરબંદર ઊતરી જવા માગતા હોય એને પોતાની તમામ મદદ આપવાની તૈયારી બતાવી હતી. પોરબંદરથી એક પણ ઉતારુ ‘વીજળી’ માં ચડી શકે નહીં એવો એમણે બંદોબસ્ત કરાવ્યો હતો. પોરબંદરથી કુલ 22 મુસાફરો ‘વીજળી’ માં ચડવા માગતા હતા, પણ લેલીસાહેબે તેઓને ચડવા ન દીધા. લેલીસાહેબની વાત માની કોઈ મુસાફર ‘વીજળી’ માંથી નીચે ઊતરવા તૈયાર ન હતો. વરરાજાને લગ્નના ફેરા ફરવાની ઉતાવળ હતી, તો વિધાર્થીઓને મેટ્રિકની પરીક્ષા આપી ડિગ્રી મેળવવાની ઉત્સુક્તા હતી. લેલીસાહેબે પોરબંદરના ઉતારુઓને ‘વીજળી’ માં ચડવા ન દીધા એથી તેઓ ગુસ્સે થયા હતા. મૅટ્રિક્ની પરીક્ષા આપવા મુંબઇ જવા માટે આવેલા વિધાર્થીઓનો ગુસ્સાનો તો કોઇ પાર ન હતો. તેઓને મૃત્યુનો ડર ન હતો, પણ કીમતી વર્ષ બગડે એની ચિંતા હતી. આથી જ તેઓ લેલીસાહેબને વિનવી રહ્યા હતા. પરંતુ લેલીસાહેબ આજે માને એમ ન હતા.

આખરે લેલીસાહેબની અસંમતિ છતા ‘વીજળી’ એ પોરબંદરથી ઊપડવાની સાઈરન વગાડી. ગાજતા અને ઊછળતા દરિયા પર થૈ થૈ ડગ માંડતી ‘વીજળી’ પોરબંદરના બારામાંથી વછૂટી માંગરોળ તરફ જવા ઊપડી. પોરબંદરના કાંઠે ઊભેલાં મુસાફરો કે જેઓ ‘વીજળી’માં ચડવા માગતા હતા તેઓ લેલીસાહેબને ગાળો દેતા રોષભરી નજરે, ‘વીજળી’ ને જતી જોઈ રહ્યા. દરિયો ભલે એવો ગાંડાતૂર બન્યો હોય, પણ એ ‘વીજળી’ ને કાંઈ જ કરી શકશે નહીં એવો વિશ્વાસ ‘વીજળી’ માં બેસી મુસાફરી કરનારાઓને હતો, કેમ કે વિલાયતના કારીગરોએ ભેજુ લડાવી ‘વીજળી’ નું સર્જન કયુ હતુ. દરિયો તો શું, ઉપરવાળો પણ આ સ્ટીમરને કાંઈ કરી શકે એમ નહતો એવો સ્ટીમરના કપ્તાનને વિશ્વાસ હતો.

‘વીજળી’પોરબંદર અનેમાંગરોળની વચ્ચેના માર્ગમાં હતી ત્યારે ભયંકર પવન ફૂંકાવાનો શરૂ થયો હતો, જેને સૂરિયો એટલે કે કલાકના સો માઇલથી પણ વધુ વેગથી ફૂંકાતો પવન. આ પવનને કારણે’વીજળી’ હાલકડોલક થવા લાગી હતી. કાળના દૂત જેવાં મોજાં ‘વીજળી’ને ગળી જવા મોં ફાડીને દોડ્યાં આવતાં હતાં.’વીજળી’ ઘડીકમાં એ મોજાં પર ઊંચે ચડતી હતી.ઘડીકમાં નીચે પટકાઇ પડતી હતી. ઊંચે આકાશમાં વાદળો ગરજી રહ્યાં હતાં. ‘વીજળી’માં બેઠેલા મુસાફરોમાં ગજબનો હાહાકાર મચી ગયો હતો. જ્યાં લગ્નગીતો ગવાતાં હતાં ત્યાં કારમી ચીસો સંભળાવા લાગી હતી. દરિયામાં હાલકડોલક થતી ને ડચકાં ખાતી ‘વીજળી’ વેરાવળ સુધી તો દેખાતી રહી હતી. ત્યારપછી તે એકાએક અદૃશ્ય થઇ ગઇ. ‘વીજળી’ જેવી મહાકાય સ્ટીમર દરિયાઇ તોફાન સામે ઝીંક ઝીલી ન શકી અને વેરાવળ-માંગરોળ વચ્ચેના ઊંડા દરિયામાં ક્યાંક ગરક થઇ ગઇ.

એમ મનાય છે કે, ભારે તોફાની પવનને કારણે હાલકડોલક થતી ‘વીજળી’ને તોફાની દરિયાએ નીચેથી ઉપાડી હશે. ઉપાડીને અધ્ધર મૂકી દીધી હશે. એના પંખા ઊડી પડ્યા હશે. સ્ટીમરનું એન્જિન બંધ થઇ ગયું હશે. ‘વીજળી’ના દીવાઓ બુઝાઇ ગયા હશે ને ઘોર અંધારું છવાઇ ગયું હશે. ગોળ ઘૂમતી ‘વીજળી’ આખરે દરિયામાં ગરક થઇ ગઇ હશે. પોરબંદરથી ઊપડેલી ‘વીજળી’ નિયત સમય પ્રમાણે આવી પહોંચે તો સવારે માંગરોળના કાંઠે ‘વીજળી’ન દેખાતાં પોરબંદર પૂછતાછ કરવામાં આવી કે ‘આગબોટ ‘વીજળી’ પોરબંદરથી ઊપડી છે કે નહીં? અને ઊપડી હોય તો ક્યારે ઊપડી છે?’

પોરબંદરથી જાણ કરવામાં આવી કે, ‘વીજળી’ ગઇ કાલે રવાના થઇ ચૂકી છે. ત્યારે દરિયામાં ભારે તોફાન થયું હતું.ઊપડેલી ‘વીજળી’ દરિયામાં વિનાશક તોફાનનો સામનો કરતી માંગરોળ તરફ આગળ ને આગળ વધતી હતી ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યે એ દરિયામાં ડૂબી હશે એમ માનવામાં આવે છે. આવી તોતિંગ સ્ટીમર કે જે તત્કાલીન આલમની અજાયબી ગણાતી હતી તેની પહેલી જ સફર અધૂરી રહી. પહેલી સફર જ તેની અંતિમ સફર બની રહી. તે દરિયામાં કેમ ડૂબી? એનો જવાબ તો કોઇ પાસે ન હતો, પણ એવું માનવામાંઆવે છે કે પોરબંદર અને માંગરોળની વચ્ચે, પણ માંગરોળની નજીકમાં દરિયાના તળે ઘડો, એટલે કે દરિયાના તળિયામાં પાતાળકૂવો હતો, આમ તો એમાં કાયમ ચીકણી ભીની માટી જ રહે, દરિયામાં તળિયા જેવું તળિયું જ લાગે. પણ ક્યારેક પવન કે પાણીનાં કે બીજાં કોઇ ન કળાય એવાં કારણે ઘડો ફાટે એટલે ઉપરનાં પાણી અને નીચેની માટી એકસામટાં એમાંથી ઉલેચાય ને પછી પાછાં ખેંચાય.’વીજળી’ એમાં ખેંચાઇહશે ને એ ઘડામાં દરિયાની માટીથી દબાઇ ગઇ હશે. દરિયાના રૌદ્ર સ્વરૂપમાં 1300થી વધુ મુસાફરો અને ખલાસીઓ સહિત કુલ 1390 માનવીઓનો બેડો સમાઇ ગયો હશે. આ અનુમાન સાચું હોય કે ખોટું. ‘વીજળી’ના વિનાશનો કોઇ ખુલાસો આજ સુધી કોઇને પૂરો સંતોષ આપી શક્યો નથી.

કુલ 1300થી વધુ મુસાફરો, પીઠીભર્યા અને આશાભર્યા 13 વરરાજા, લગ્ન મહાલવા ઊપડેલી તેર જાનોનાં જાનૈયાં અને જાનડીઓ,વિધવા માતાના ટેકણલાકડી સમા કેતલાક યુવાનો, આશાભરી બેનડીઓના ભાઇઓ, કોઇના બાપ તો કોઇની માતાઓ, કોઇની દીકરી તો કોઇની પત્ની’વીજળી’ સાથે મહાસાગરના અગાધ જળમાં સદાને માટે પોઢી ગયાં. પરિણામે કચ્છ અને કાઠિયાવાડનાં કેટલાંય ગામોમાં કાલો કેર વરતી ગયો. અનેક ગામોમાં ઘેર્ઘેર રોકકળ અને કલ્પાંત મચી ગયાં. કેટલાંયે ઘરો પર સદાને માટે તાળાં લાગી ગયાં. અનેક માતાઓ સંતાનવિહોણી બની ગઇ. અનેક બહેનો ભાઇવિહોણી થઇ ગઇ.અનેક સ્ત્રીઓ વિધવા બની ગઇ. વીજળીનો ભંગાર કે કોઇ માનવીની લાશ પણ ક્યારેય દેખાઇ નહીં. કચ્છ અને કાઠિયાવાડ માટે આલીશાન’વીજળી’ એક દંતકથા બની ગઇ.

દરિયાઇ તોફાન અને ‘વીજળી’ વચ્ચે નું યુદ્ધ ક્યાં થયું હશે? ક્યાં સુધી ચાલ્યું હશે? ને ક્યારે પૂરું થયું હશે? એ વિશેની હકીકતો કહેવા કોઇ જીવિત રહ્યું ન હતું. તેથી આ અંગીની નક્કર હકીકતો પ્રકાશમાં પ્રાપ્ય નથી. સૌરાષ્ટ્રના પીઢ પુરાતત્ત્વવિદ્ વાય. એમ.ચિત્તલવાલા છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘વીજળી’ની જળસમાધિ અંગે સંશોધન કરી રહ્યા છે.

ચિત્તલવાલાએ સંશોધન કરી જે આધારભૂત માહિતીઓ પ્રાપ્ત કરી છે એ ખૂબ જ રસપ્રદ છે. તેમના મતાનુસાર ‘વીજળી’નું સાચું નામ ‘વૈતરણા’ હતું. શેફર્ડ શિપિંગ કંપનીની એ સમયે ભારતમાં 10 થી 15 સ્ટીમરો ચાલતી હતી. આ બધાં જ જહાજોનાં નામ ભારતની વિવિધ નદીઓનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતાં.જેમાં નીરા, સાવિત્રી, તાઇફ, જુવારી, ભીમા, ગોદાવરી, કાલી, ક્રિષ્ના, રાજાપુરી વગેરેનો સમવેશ થતો હતો.’વૈતરણા’મુંબઇથી ગોવા, ત્રિવેન્દ્રમ-કોંકણ, જેવાં દરિયાઇ કાંઠાનાં સ્થળો વચ્ચે ચાલતી હતી.

‘વૈતરણા’ પાંચમી નવેમ્બર 1888ના રોજ સવારે 7.30 વાગે મુંબઇથી કચ્છના માંડવી બંદરે જવા ઊપડી હતી. 8મી નવેમ્બરે સવારે 7.30 વાગે તે માંડવીથી દ્વારકા થઇ પોરબંદર, માંગરોળ, વેરાવળ થઇ મુંબઇ પહોંચતાંતેને 36 કલાક જેટલો સમય લાગવાનો હતો.એ સમયે કચ્છ-સૌરાષ્ટ્રમાં રેલવે નવી હતી. દરિયાઇ માર્ગે મુસાફરી કરવાનું વધારે અનુકૂળ અને સસ્તું હતું. એટલે માંડવીથી અનેક કચ્છીઓ આ નવીનકોર સ્ટીમરમાં ચડ્યા હોય એ સ્વાભાવિક છે.

‘વૈતરણા’ એ જ દિવસે સાંજના સમયે પોરબંદરના દરિયાકાંઠાથી દૂર હતી ત્યારે જ પોરબંદરના દરિયામાં વાવાઝોડું શરૂ થઇ ગયું હતું. આથી ‘વૈતરણા-વીજળી’ પોરબંદરના બારા સુધી આવી જ ન હતી. પોરબંદરના હાલાઇ મેમણ હાજી કાસમ નૂરમહંમદ એ વખતે પોરબંદરમાં જ રહેતા હતા. ‘વીજળી’ પોરબંદર આવી ત્યારે હાજી કાસમ પણ દરિયે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના તત્કાલીન ઍડમિનિસ્ટ્રેટર લેલીસાહેબ આઇ.સી.એસ. હતા. તેમનું પૂરું નામ સી.એફ.એલ.લેલીલ હતું. દરિયાને ગાંડોતૂર બનેલો જોઇ હાજી કાસમે અનેક મુસાફરોને ‘વીજળી’માં ન જવાની સલાહ આપી હતી.

ચિત્તલવાલાને મતે માંડવીથી ‘વીજળી’માં આશરે 750 મુસાફરો ચડ્યા હતા. એ પછી દ્વારિકાથી 100 મુસાફરો તેમાં ચડ્યાં હતાં. હાજી કાસમની સમજાવટને કારણે પોરબંદરથી એક પણ મુસાફર ‘વીજળી’માં ચડ્યો ન હતો. ‘વીજળી’ સ્ટીમરનો સ્ટાફ 40 સભ્યોનો હતો.

જેમાં એક એન્જિનિયર કૅપ્ટન હતા, જેનું નામ કાસમ ઇબ્રાહીમ હતું. આ કાસમ ઇબ્રાહીમ મુંબઇ કોંકણના હોવાનું મનાય છે. કાસમ ઇબ્રાહીમ શેફર્ડ શિપિંગ કંપનીના એક અનુભવી કેપ્ટન હતા, ‘વીજળી’નું એન્જિન ‘ ડન્સમુઇઝ ઍન્ડ જૅકશનકંપની’એ બનાવ્યું હતું. જે 75 હોર્સ પાવરનું હતું. ‘વીજળી’ આશરે 900 મુસાફરોને લઇને આગળ વધી ત્યારે એ માંગરોળ સુધી દેખાઇ હતી. એ માંગરોળથી વેરાવળ વચ્ચેના દરિયામાં ડૂબી હોવી જોઇએ. ‘વીજળી’ને ગળચી જનારું એ વાવાઝોડું 48 કલાક સુધી ચાલ્યું હતું. એ જ વખતે શેફર્ડ કંપનીની બીજી એક સ્ટીમર જાફરાબાદ પાસે હતી. પણ સદ્ નશીબે એ સ્ટીમરને વાવાઝોડાથી કોઇ જ નુકશાન થયું ન હતું. ‘વીજળી’ જ ડૂબી, આથી એવી પણ શંકા રહે છે કે શું ‘વીજળી’માં કોઇ યાંત્રિક ખામી તો નહીં હોય ને?

’વીજળી’નો કેસ બ્રિટનની અદાલતમાં ચાલ્યો ત્યારે તેમાં અનેક શખસોની ઇન્કવાયરી થઇ હતી. જેમાં એક અંગ્રેજ નિષ્ણાતે કહ્યું હતું કે, હિન્દુસ્તાનના સૌરાષ્ટ્ર પ્રદેશના સાગરકાંઠે મીટિઅરોલોજી સ્ટેશન (હવામાન-વાયુમથક) સ્થાપવાનું મેં લેખિતમાં સૂચન કર્યું હતું. પરંતુ એ સ્વીકારવામાં આવ્યું ન હતું . જો આવું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હોત તો એ દરિયાઇ તોફાનની અગાઉથી આગાહી કરી શકાઇ હોત. કેમ કે એ તોફાન ભારે ચક્રવાત હતો. પણ કમનશીબે એ નિષ્ણાત અંગ્રેજની સલાહ અવગણાઇ, જેના કારણે આશરે 900 જેટલા મુસાફરોને પોતાના ખોળામાં લઇને ‘વીજળી’ કાયમને માટે સૌરાષ્ટ્રના દરિયાકાંથે પોઢી ગઇ.

(‘ફૂલછાબ’માંથી ટૂંકાવીને) – રાજેન્દ્ર દવે

શ્રી રમેશભાઇ બાપાલાલ શાહ, પાઠશાળા પ્રકાશન તરફથી મળેલ માહિતી આ સાથે ઉમેરી છે. શ્રી રમેશભાઇનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે

 • સુભાષ

  ખરેખર , વીજળી વિશે ઘણી માહિતી રજૂ થઈ છે.
  પણ આ જહાજના મુસાફરોની માહિતી ક્યાંથી મળી શકે ?

 • prakash patel

  આવી ઘટના ભારતના દરિયાંમા બની, આજે જાણવા મળ્યુ ખુબજ દુઃખદ

 • Pravin Barai

  ખરેખર સુન્દર માહિતી. મારું વતન ઓખા છે અને નાનપણમાં દાદાજી પાસેથી થોડું જાણવા મળેલું. સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે વહાણવટુ ઘણા વર્ષો સુધી થતું. સીંધીયા સ્ટીમ નેવીગેશનની મુસાફર વાહક સ્ટીમ ઓખા અને મુંબઈ વચ્ચે નિયમીત ચાલતી અને વિરમગામ ટ્રેન બદલવી ના પડે એટલે ઘણા આ મુસાફરી કરતા. ત્યારે પણ આ સ્થળે અને સુરત પાસે એક જગ્યાએ ઘણા મુસાફરો પ્રાર્થના કરતા જોયેલા. રુપેણ બન્દર હવે તો ફક્ત માછીમારી પુરતું જ વપરાય છે..અને રાષ્ટ્રિયકરણ પછી ઓખા, લગભગ ૧૯૬૯, પણ ફક્ત માલવાહક જહાજો આવે છે કે જ્યાં પહેલાં ઓઇલ કંપનીઓની (બર્માશેલ વગેરે) ઓઇલ ટેન્કરો આવતા જેના નાવીકો સાથે અમે લોકો ફુટબોલ રમતા…

 • Mahendra Dave

  ઘનિ વાર હાજિ કાસમ નિ વિજલિ નુ ગેીત તો સામ્ભલેલુ પન આતલિ કરુન વાત આનિ પાચલ હશે એ ખબર ન હોતિ. બહુ દુખ ભરિ વાત.

 • Maheshchandra Naik

  ગુજરાતના સાહસવીરો અને દિલધડક કથાઓ વિશે વાંચતા મનદુખ થાય છે, પરતુ વિસરાયેલી વાતો અમારા સુધી લઈ આવવા માટે આપનો આભાર,,,,
  મહેશચન્દ્ર નાયક્
  કેનેડા

 • Suresh Shah

  વિગતવાર નોંધ માટે આભાર.
  દુઃખદ ઘટના.
  એ સમયના નિશ્ણાતો માટે માન ઉપજે છે.

  – સુરેશ શાહ, સિંગાપોર

 • M.D.Gandhi, U.S.A.

  કેટલી બધી કરુણ કહાણી. ટાઈટેનીકની યાદ આપી જાય! “હાજી કાસમ તારી વીજળી” નું ગીત તો બહુ સાંભળ્યું છે પણ આખો લેખ તો આજેજ વાંચવા મળ્યો. જો કે લેખમાં થોડી લખાણ ભુલ લાગે છે. દરેક ફકરામાં મુસાફરોના આંકડામાં ફેર છે, તથા પહોળાઈ ૨૬.૫ ફુટ અને ઉંચાઈ ૯.૯ ફુટ બતાવી છે તે કદાચ શરતચુક હશે.

  લેખ દ્વારા બહુ જાણકારી મળી.

  • Gopal Parekh

   ‘કુમાર’, શ્રી ગુણવંતરાય આચાર્ય તેમજ ઝવેરચંદ મેઘાણીના લખાણો સીધા એમ ને એમ મૂક્યા છે, અમે કોઇ જાતના સુધારાવધારા / ફેરફાર કે ઉમેરા કર્યા નથી જેની નોઁધ લેવા વિનઁતી.

   સંપાદકો