ઈસુ મારી નજરે…. – હાર્દિક યાજ્ઞિક 6


તા ૨૩/૦૯/૨૦૧૨ના દિવસે નડિયાદ સાલ્વેશન આર્મી ચર્ચમાં આપેલ પ્રવચન – ઈસુ મારી નજરે….

આવેલ સર્વેના હ્રદયમાં વસેલા ઈસુને પ્રણામ…

મને આજે વિષય આપવામાં આવ્યો છે – “ઈસુ – મારી નજરે..”

આમ તો શિમલા કે કાશ્મીરના લોકોને એક જગ્યાએ ભેગા કરીને દૂર ગુજરાતમાં રહેતા આપણા જેવા કોઇ ગુજરાતીને મંચ સોંપી દેવામાં આવે અને પ્રવચનનો વિષય “મારી નજરે ઠંડી….” ત્યારે એ ગુજરાતીના મનમાં જે ભાવના થાય તેવી હાલત મારી છે.

પણ વાત તો એ પણ સાચી જ છે કે ઠંડીને રોજ અનુભવતા શિમલાના લોકો માટે એ સાવ સામાન્ય – રૂટીન બની ગયું હોય છે. જયારે વર્ષમાં માંડ એક મહિનો અનુભવાતી ઠંડીને આપણે ગુજરાતીઓ મન ભરીને માણીએ છીએ. એટલે કોઇક દિવસ ડિસેમ્બર મહિનામાં સ્વેટર પહેરીને આઈસ્ક્રીમ ખાતા ગુજરાતીઓ જોડેથી શિમલાવાસીઓએ પણ કંઈક જાણવા જેવુ તો ખરું જ.

લગભગ ૫ વર્ષ પહેલા એક પ્રોફેશનલ કોલ આવ્યો હતો કે બાઈબલનું રેકોર્ડીંગ તમારા અવાજમાં કરવાનું છે. પૈસાથી માંડીને બધું નક્કી થયું અને મનમાં એક પ્રશ્ન થયો કે જે વસ્તુની મને જાણ જ નથી તેનુ રેકોર્ડીંગ કરવામાં હું મારો અવાજ તો આપીશ પણ તેમા ભાવ નહી લાવી શકું. એટલે ફાધર (પ્રિસ્ટ) ને વિનંતી કરી કે પહેલા મારે બાઈબલ વાંચવુ છે અને પછી રોજ થોડુ થોડુ વાંચીને રોજ થોડા થોડા ભાગનુ રેકોર્ડીંગ થતું ગયું. મનમાં એમ થયું કે આ જ વાત તો ગીતામાં લખેલ છે અને નરસિંહ મહેતા યાદ આવી ગયા,

“એ તો ઘાટ ઘડીયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોવે” આખરે તો બધુંય સોનું જ છે ને!

ત્યાર બાદ હમણાંથી એક ખ્રિસ્તી મિત્ર મુકેશભાઇ મેકવાન દ્વારા “ઉપલી મેડી” ની કોપી મળતી થઇ. રોજની ટેવ પડી કે મારી દેવપૂજા પછી તરત જ તે તારીખનુ પાનું વાંચવુ. જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતી કે સામાન્યતઃ ઈશ્વરને કરાતી પ્રાર્થનામાં પોતાના અને પોતાના સ્વજનોના દુઃખ દૂર કરવાની પ્રાર્થના જોયેલ છે જયારે અહીં રોજ સવારે એક મધ્યસ્થીને લઇ જેની સાથે આપણને કોઇ જ સીધો સંબધ નથી તેવી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવી. ખરેખર કોઇપણ પ્રકારના સ્વાર્થ વગર થયેલ પ્રાર્થના તમારા યહોવા અને મારો કૃષ્ણ સાંભળતો જ હશે.

આજે ચર્ચની પ્રાર્થના સાંભળી અને એક રહસ્ય ખબર પડી કે આ આપણો દેશ કેમ કરીને ચાલે છે. હમણાં જ સાલ્વેશન આર્મીના સૂબેદાર સાહેબે આપણને સૌને પ્રાથના કરાવડાવી જેમા થોડા વાક્યો એવા પણ હતા કે

“હે પરમ પિતા પરમેશ્વર, મારા દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સર્વે પ્રધાનમંડળ – સૌને આ દેશ ચલાવવા માટે શક્તિ અને તાકાત આપ. તેમને દેશ ચલાવવામાં કોઇપણ મુશ્કેલી ન આવે તે માટે તું તારી અમીદ્રષ્ટી રાખી સતત આગળથી જ બધી વ્યવસ્થા ગોઠવી આપ.”

મારી દ્રષ્ટીએ અત્યારે આપ ૩૫૦ જેટલા લોકો બેઠા છો – આમ આખા દેશમા રહેલા હજારો ચર્ચોમાંથી લાખો ખ્રિસ્તીઓ જો આ પ્રકારની પ્રાર્થના કરતા હોય તો ગમે તેવા ગોટાળા કરે તોય આ સરકાર તો ચાલે જ ચાલે. આપણી સરકારો તમારા જેવા વ્યક્તિઓની નિઃસ્વાર્થ પ્રાર્થનાને લીધે જ ચાલે છે.

આજે જયારે ચર્ચમાં આવવાની વાત આવી ત્યારે શ્રી ગુણવંત શાહનુ એક સરસ વાક્ય યાદ આવી ગયું કે ચર્ચમાં ખાલી હાથે જવાય પણ ખાલી હ્રદયે ન જવાય. અને એટલે જ મારા હૈયામાં કૃષ્ણના સ્થાને વાંસળી વગાડતા ઈસુની છબી રાખીને આપની સમક્ષ ઉપસ્થીત થયો છું.

ઈસુ – હિબ્રુ શબ્દ છે. જેનો ગ્રીક તરજુમો કરતા અર્થ જણાય છે કે માણસોને તારનાર. બાઈબલના સંદર્ભે જો વાત કરીએ તો ઈસુનો બીજો અર્થ થાય છે ઇશ્વરની અભિવ્યક્તિ.

મને થયું કે મેં જેટલુ વાચ્યું અને જાણ્યું છે તે મુજબ ઈસુ ની વ્યાખ્યા હું શું કરી શકું? અને મને મનમાંથી જવાબ મળ્યો –

ઈસુ – ઈતી સુજ્ઞ.

ઈતી શબ્દ સર્વોચ્ચતા બતાવે છે, જ્યાં પહોંચી સંપૂર્ણ સમાપ્ત થઇ જાય છે, જેનો એક અર્થ ઉપરની ટોચ એમ પણ થાય છે અને સુજ્ઞ એટલે સંસ્કાર, પ્રેમ, લાગણી અને કરુણાનો સરવાળો.

મારી દ્રષ્ટીએ ઈસુ – ઈતી સુજ્ઞ છે.

યોહાન ૧-૧-૩, પ્રગટીકરણ ૧૯:૧૩ મુજબ ઈસુને શબ્દ કહેવામાં આવ્યા છે. એ યહોવાની આજ્ઞા પુથ્વીના પાપીઓને સંભળાવવા આ પૃથ્વી પર આવ્યો હતો. આ શબ્દ એટલે ઈશ્વરનો અવાજ અને મનમાંથી નીકળતી કોઇકના હ્રદય માટે નિઃસ્વાર્થ ભાવે કરાતી વાત એટલે જ ઈશ્વરનો અવાજ – એટલે તમારા અને મારા મનમાં ઉઠતી કોઇકના ભલાઇની વાતો એ ઈસુ છે.

ઈસુને માણસથી પર અને ઈશ્વરના દિકરાનુ સ્થાન આપવામાં આવ્યું છે એટલે મારા મતે ઈસુ એ સુપર હ્યુમન થયા. ઈસુને સુપરમાનવ બનાવતા લક્ષણો હતા તેમની પ્યોરીટી, પ્રેમ, ફરગીવનેસ અને ફર્મનેસ.

ઈસુની કહેલ અનેક વાતોમાં એક વાત જે વાત સમજવા જેવી છે તે બે શબ્દોની જ છે. તેમણે યોહાનના દિકરાને કહ્યું હતું કે – “મને અનુસરો.” ક્યાંક ગીતામાં આ જ વાત શ્રી કૃષ્ણએ અર્જુનને કહી છે કે “મને અનુસર.”

હું અહીં કોઇ ધર્મને લઇને નથી આવ્યો કારણકે એક ધર્મ – એમાં પાછા બીજા વાડાઓ એમાંય બન્નેને એક બીજા સાથે બાપે માર્યા વેર. હમણાં જ ફાધર વાલેસની એક બુકમાં પ્રસંગ વાંચેલો કે એક જગ્યાએ કોઇ ફોર્મ ભરાતુ હતું. ધર્મના ખાનામાં એક વ્યક્તિએ લખ્યું “નાસ્તીક.” એને બોલાવીને ફોર્મ ભરનારે પૂછ્યું કે ‘હા ભાઇ, બરોબર છે તુ નાસ્તિક છે, પણ આમ તું કેવો નાસ્તિક? પ્રોટેસ્ટંટ નાસ્તિક કે કેથોલીક નાસ્તિક?’

હિન્દુઓમાં પણ આવા કેટલાય ધર્મના વાડાઓ છે અને મુસ્લીમોનો પણ શીયા અને સુન્નીનો ઝઘડો જગજાહેર છે.

વર્ષો પહેલા હું અને મારા પપ્પા રસ્તા ઉપરથી જતા હતા. સ્વભાવગત ટેવ મુજબ કોઇપણ મંદિર આવે એટલે પસાર થતા માથુ નમાવવું એ વણલખ્યો નિયમ થઇ ગયો હતો. એક ચર્ચ આગળથી પસાર થતા મારા પિતાજીએ સહેજ માથુ નમાવ્યું. હું ઘણો નાનો પણ એ વખતે પૂછતા એમણે જણાવ્યુ હતું કે તું ચર્ચની આગળથી પસાર થતા માથુ નમાવીને મનમાં જય શ્રી કૃષ્ણ કહીશ તોય પહોંચી જશે. એ વાતે ઘણી અસર કરી હતી અને આજે કદાચ એટલે જ એક ખ્રિસ્ત પ્રાર્થનાસભામાં – ચર્ચમાં એક હિન્દુ બ્રાહ્મણને બોલાવીને તેના ઈશુ પ્રત્યેના વિચારો જાણવા આપ સૌ બેઠા છો.

આ ખ્રિસ્તી પણ અજબ શબ્દ છે નહી. ગઇકાલે વેબસ્ટર્સની ડિક્શનરીમાં ખ્રિસ્તી શબ્દનો અર્થ વાંચ્યો…

ખ્રિસ્તી એટલે જે ઈસુના કહેલા વચનમાં શ્રદ્ધા રાખે તે. મને ઈસુના કહેલા વચનોમાં શ્રદ્ધા છે એટલે મારે તો એમ કહેવું પડે કે હું બે ટાઇમ પાઠપૂજા કરતો જનોઈધારી ખ્રિસ્તી છું.

હું માણસાઈ નામના ધર્મમાં માનું છું. ફકત એક ધર્મના વાડામાં બેસી રહીને કૂવામાં રહેલ દેડકો બનવા નથી માંગતો.

હું આજે તમારી સામે એ વાત સ્પષ્ટપણે મૂકવા માગું છું કે –

જ્યાં સુધી આ દેશમાં જનોઈવાળા ખ્રિસ્ત નમાઝ નહી પઢે, પઠાણી પહેરેલ હિન્દુ ચર્ચની પ્રાર્થનાસભામાં ભાગ નહીં લે અને ગળામાં ક્રોસ લટકાવેલ મુસ્લીમ મંદિરમાં આરતી નહીં કરે ત્યાં સુધી યહોવા, કૃષ્ણ કે અલ્લાહ કોઇ ખુશ નહીં રહે.

એ સર્વેનો જીવનસંદેશ જ માણસાઇમાં રહેલો છે. ઈસુની આંખમા રહેલ કરુણાને જો ક્યાંક ભરવામાં આવે તો સાગરોના સાગરો છલકાઇ જાય. મને એ કહેતા આનંદ થાય છે કે આપણા દેશમાં જ્યાં જોઇએ ત્યાં નર્સના સ્વરૂપમાં મોટા ભાગે ખ્રિસ્તી લોકો હોય છે કારણ કે નર્સ શબ્દનો મતલબ જ સમર્પણ છે. જેમ ઈસુ ગરીબ અને દર્દીની મદદ કરતા તેમ આ નર્સો ક્યારેય કોઇને એમ પૂછીને સારવાર નથી કરતી કે તે ખ્રિસ્તી છે કે હિન્દુ? તે જે સેવા કરે છે તેમા ઈસુતા પ્રગટતી હોય છે.

બધી સારી વાતોની સાથે ફકત એક જ ફરીયાદ રહેલ છે કે એક હિન્દુ તરીકે જ્યાં પણ જોઉં છું ત્યારે ઈસુની માથે કાંટાળા તાજ પહેરેલ ખીલા જડેલ વધસ્તંભ પરની જ તસ્વીર જોવા મળે છે. થોડી તપાસ કરતા જાણવા મળ્યું કે એ તો ઈસુએ જે આપણા માંટે બલીદાન આપ્યુ તેની આ યાદગીરી આપે છે. અમેરીકામાં પણ વોલપેન્ટીગમાં એવા શબ્દો લખેલ છે કે –

“મુક્તિ તમને મફતમાં મળી છે કારણ કે ઈસુએ તેની કિંમત ચૂકવી છે.”

પણ ઈસુની તે જ તસ્વીર કેમ? એમને આપેલ બલીદાનના ફોટા કરતાં એ બલીદાન કેમ આપ્યું એ યાદ રાખવુ જરૂરી છે. બાકી આ ફોટો જોઇને તો મનમાં દુઃખ થાય છે. ઈશ્વર જેની છત્રછાયામાં આપણે જીવતા હોઇએ એ દયાજનક તો ન જ હોવો જોઇએ.

શ્રી કૃષ્ણને પગમાં તીર વાગવાથી દેહ છોડવો પડ્યો હતો. આજ સુધી મે કોઇ પણ હિન્દુના ઘરમાં તીર વાગેલ કૃષ્ણનો ફોટો મૂકેલો જોયો નથી. ઈસુના સમયની કમનસીબી એ હતી કે તે સમયે ફોટોગ્રાફીની શોધ નહોતી થઇ અને સ્વભાવના ઈસુ પણ એવા હશે કે તે સ્વયંની પ્રસિદ્ધિથી દૂર રહેતા હશે. નહિં તો લિયોનાર્ડો દ વિન્ચી જેવા કોઇ સિદ્ધહસ્ત ચિત્રકારને જણાવી દીધું હોત કે ભાઈ, તારે આ એક બે નહીં, બધાં મારા જ ચિત્રો બનાવાના જેમા મારા દરેક કાર્ય દેખાવા જોઇઍ.

આપણા સદ્દનસીબે ઈસુ ઈશ્વરના દિકરા હતા કોઇ પોલીટિકલ નેતા નહીં. એટલે જ એ વિશાળ વ્યક્તિત્વ માટે લાગણી થઇ જાય અને મનમાંથી મારી લખેલ રચનાના શબ્દો સરી પડે…

કોઇ ઉતારો ઈશુને હવે તો વધસ્તંભ ઉપરથી આમ હવે ના સહેવાય. હ્રદયમાં રાખવા જેવા વ્યક્તિત્વને હજીયે લટકાવી ના રખાય ઈશ્વરનો એ દિકરો એને આમ રિબાયેલ કેમ કરી જોવાય? કોઇ ઉતારો ઈસુને…

એ ધારત તો શું મજાલ કોઇની કે એમને હાથ પણ અડકાડાય એણે તો આપણા પાપનું મૂલ્ય ચૂકવ્યું હતું એ કેમ કરી ભૂલાય? કોઇ ઉતારો ઈસુને…

બાઇબલના પાને પાને સતત એની હાજરી નો અનુભવ થાય શીખવું હોય તો જીવન આખર યહોવાના એ દિકરા પાસે શીખાય કોઇ ઉતારો ઈસુને…

છોડી સઘળું એના ચરણે પોતાનો વધસ્તંભ પોતે ઉપાડી લેવાય એ તો પ્રકાશનો છે પુંજ એના પગલે પગલે જીવન તરી જવાય કોઇ ઉતારો ઈસુને…

ઓ ચિત્રકાર હવે બનાવે તો ઈસુનો હસતો ચહેરો બનાવ આ ખીલા વાગેલા એને જોઇ દિલમાં ખૂબ દરદ થઇ જાય કોઇ ઉતારો ઈસુ ઈસુને…

આમ તો મેં મારી દ્રષ્ટીએ ઈસુને જોવાના પ્રયત્નો કર્યા છે. અહીંથી – આ મંચ પરથી કોઇ પણ પ્રકારની ભૂલ કે અવિવેક થયો હોય તો એટલું તો મને ખબર જ છે કે પોતાને મારનારને જે હ્રદયથી માફ કરી શકે એ મને તો ખુશ થઈને માફ કરશે જ……….

Reference:

– (John 10:18; Philippians 2:8; Hebrews 12:2) ઇશુનું ઇચ્છા મરણ

– (Isaiah 53:6; 2 Corinthians 5:21). ઇશુનું વધસ્તંભ ઉપર આપણા પાપને મારવા ચડવું

– (લ્યૂકની સુવાર્તા ૧૪.૨૬) જે પોતાનો ક્રોસ ઉપાડયા વગર આવશે તે મારો નહી બની શકે-

– યોહાન ૧;૧-૩, પ્રગટીકરણ ૧૯:૧૩ ઇસુ ઍટલે શબ્દ

– યોહાન ૧૭;૧૭-૨ બાઇબલને અનુસરે તે ખ્રિસ્ત..


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ઈસુ મારી નજરે…. – હાર્દિક યાજ્ઞિક