ચાર નિખાલસ ગીત.. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ 10


૧. હરિવર તમારા પગલે ચાલી

હરિવર તમારા પગલે ચાલી
રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી
હરિવર તમારા પગલે ચાલી

આજ તમે તો અડધી રાતે ભરનિંદરમાં આવ્યા
ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયાં
ધીમી રહીને લપાઈ ગઈ હું મનમાં મનમાં હસતી
બે ઘડી બસ વાતો થઈ ને બે ઘડીની મસ્તી
રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વ્હાલી
હરિવર તમારા પગલે ચાલી

હું દિવસ આખ્ખો કામકાજમાં જેમતેમ વિતાવું
મુગટ હાથમાં લઈ લઈને મોરપિચ્છથી સજાવું
હુંયે થાકી ગઈ છું હમણાં ફૂંકો મારી કેવી
મૂઈ વાંસળી વાગે નહીં આ એય તમારા જેવી
એક હાથથી પડી શકે ક્યાં કોઈ નિરંતર તાલી
હરિવર તમારા પગલે ચાલી

૨. વાગે જંતર સાચે…

વાગે જંતર સાચે
આઘો-પાછો થાઉં હવે ક્યાં અંતરમાં કોઈ નાચે
વાગે જંતર સાચે

બચપણ ગજવે ઘાલી એની આગળ પાછળ ચાલી
એ જ સમયના પાદર વચ્ચે અઢળક ફૂલીફાલી
કક્કો મૂંગો મૂંગો કાયમ આવળ બાવળ વાંચે
વાગે જંતર સાચે

જીવન આખ્ખું ચાલ્યું મોઘમ એક ઈશારે એવું
શું બોલું શું છોડું સગપણ રોજ વિચારે કેવું
દર્પણના ખિસ્સામાં કોમળ કોમળ કિસ્સો રાચે
વાગે જંતર સાચે

ઈચ્છા વચ્ચે પગ વાળીને બેઠા ઘેલું ઘેલું
ઊંડા ઊંડા શ્વાસોથી તરવાનું લાગે સહેલું
સમજણનો આ દરિયો ક્યાં કૈં ઢોલનગારા જાચે
વાગે જંતર સાચે

૩. અવસર ક્યાં કોતરવો?

અવસર ક્યાં કોતરવો?
ઝળહળ ઝળહળવા શાને આતમને છેતરવો?
અવસર ક્યાં કોતરવો?

તું જીતે હું હારું છોને સઘળું તળિયાઝાટક
પળમાં ભેગા પળમાં છુટ્ટા કેવળ નાટક નાટક
સગપણને ખિસ્સામાં ભરવા માણસ ક્યાં ખોતરવો?
અવસર ક્યાં કોતરવો?

સૂકેસૂકું સગપણ એમાં ખૂણેખૂણો લથડે
હાથ લગાવે તારો ત્યાં તો આખ્ખું વાદળ દદડે
કોના સરનામે આ શ્રાવણ કોરોકટ જોતરવો !
અવસર ક્યાં કોતરવો?

૪. અમે દરિયાના…

અમે દરિયાના જળ સાવ ખારાં
તમે ખળખળતાં ઝરણાં એકધારા
તમે વરસતા ઘનઘોર અષાઢ થઈ
અમે બળબળતા તડકાની ધારા

તમે મંદિરમાં ફૂલ થઈ બિરાજ્યાં
તમે રણઝણતા ઝાલર ઝણકાર
અમે પગરખાં દ્વાર પર રઝળતાં
અમે હસીએ તો થઈએ ભણકાર

તમે વાંસલડી વ્હાલાના હોઠની,
અમે વાગનાર દૂરથી નગારાં. અમે દરિયાના…

તમે ઊંચા મહેલના ઝરૂખા
તમે કોયલના મીઠા ટહ્કાર
અમે ખૂણા પર ટળવળતા રહીએ
અમે જીવનના ઝંખીએ ધબકાર

તમે શાંત શાંત ભીતરમાં બેઠા
અમે આમતેમ ઊછળ્યા કિનારા. અમે દરિયાના…

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

એક સર્જક, કવિ, ડ્રામા આર્ટિસ્ટ, આકાશવાણીના કૅઝ્યુઅલ એનાઉન્સર એમ બહુરંગી પ્રતિભા ધરાવતા શ્રી શૈલેષભાઈ પંડ્યા ‘ભીનાશ’ નો પદ્ય સંગ્રહ જૂન ૨૦૧૨માં પ્રસિદ્ધ થયો. ૬૬ ગઝલો, ૧૨ ગીતો, ટ્રાયોલેટ અને અછાંદસ ધરાવતો એક સુખદ અનુભવ એટલે શૈલેષભાઈનો પ્રસ્તુત સંગ્રહ ‘નિખાલસ’ જે સંગ્રહના નામની જેમ જ તેમની નિખાલસતાનો અને ભીનાશનો ખૂબ સુંદર સ્પર્શ કરાવી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત સંગ્રહ પાઠવવા બદલ શ્રી શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આપણને હજુ આવી જ સુંદર રચનાઓ પ્રાપ્ત થતી રહે એ માટે અનેકો શુભકામનાઓ. આજે માણીએ આ સંગ્રહના ગીતોમાંથી ચાર મને ગમતીલા સુંદર ગીત.

બિલિપત્ર

મારી હયાતી રોજ તારી આસપાસ છે,
તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે.

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ચાર નિખાલસ ગીત.. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’