આંસુ ન બહા … ફરિયાદ ન કર…! (પ્રેરણા કથા) – હર્ષદ દવે 8


પ્રેરણાદાયક વાતો કાલ્પનીક નથી હોતી, લોકોએ જીવનમાં કરેલા સંઘર્ષ અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની સત્યઘટનાઓ નકારાત્મક બાબતો કરતા ક્યાંય વધારે સંખ્યામાં મળી આવે છે, જરૂરત છે ફક્ત એવા લોકોની જીવન પ્રત્યેની સમજ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમતને સાચા અર્થમાં સમજવાની. એક ઈ-મેલ પરથી શબ્દાંતરીત કરીને શ્રી હર્ષદભાઈ દવેએ પ્રસ્તુત સુંદર અને પ્રેરણાદાયક લેખ અક્ષરનાદને પાઠવ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

* * * * * * * *

આપણે જે આપણી પાસે નથી તેને વિશે તથા જે આપણી પાસે છે તે વિશે હંમેશાં ફરિયાદ કર્યા કરતા હોઈએ છીએ. આપણે બળાપો ઠાલવ્યા જ કરીએ છીએ. આમ અડધું જીવન તો આપણે આ અસંતોષના અખાડામાં જ ગાળીએ છીએ.સર્વાંગ સંપૂર્ણ મનુષ્ય દેહ આપણી પાસે છે એટલું પૂરતું નથી શું? વળી આપણે તેનો યથાયોગ્ય ઉપયોગ પણ આપણી મરજી મુજબ કરી શકીએ છીએ. તો ફરિયાદ શાને કરવી?

દૂબળા માણસને જાડા થવું છે તો જાડા માણસને પાતળા થવું છે. ગરીબને ધનવાન થવું છે અને સમૃદ્ધ-સંપત્તિવાન પણ વધારે મેળવવાના વમળમાં ફસાયો છે!

તમે પેંગ શુઇલિનને ઓળખો છો? પૂરા બે ફૂટ સાત ઈંચની ઊંચાઈ ધરાવતો અડધો માણસ! ચીનના હુનાન જીલ્લામાં જન્મેલા આ જણની ઉપર એક ભારખટારો ફરી વળ્યો અને તેના શરીરના બે ટૂકડા થઇ ગયા. પેટથી નીચેનો ભાગ અલગ અને નકામો થઇ ગયો. પણ ભાઈનો શ્વાસ ચાલુ! સર્જનોએ પણ કમાલ કરી, તેના શરીરને નીચેના ભાગેથી સીવી લીધું! ૨૭ વર્ષનો પેંગ શુઈલીન ત્યારબાદ બે વર્ષ સુધી તેના મહત્વના અંગોને સક્રિય રાખવાના ગંભીર અને ચિત્ર-વિચિત્ર ઓપરેશનો કરાવતો રહ્યો. હવે તેને માટે કમર કસવા જેવું રહ્યું ન હતું તેથી તેણે બાવડાને કસ્યા. અગવડતાઓને આહ્વાન આપી તેણે જીવન જીવવાનો નિર્ધાર કર્યો. અને તેને સમગ્ર સૃષ્ટિનો સાથ મળ્યો. દસ વર્ષ પછી તેણે ફરી ચાલતા શીખીને ડોકટરોને દંગ કરી દીધા! બેઇજીંગ સ્થિત ચીનના પુનર્વસન સંશોધન કેન્દ્રે પેન્ગની પરિસ્થિતિ જોઇને તે જાતે ચાલી શકે તેવો એક અજબ કરામતી ઉપાય શોધ્યો. પેન્ગનું ખભા નીચેનું શરીર સમાઈ શકે એવા એક અર્ધ-અંડાકાર પ્યાલા જેવું ખાસ પાત્ર બનાવ્યું અને તેની સાથે બે યાંત્રિક પગ પણ જોડી દીધા. આવી વસ્તુની રચના કરવા માટે કલ્પનાસભર દિમાગ, કાળજીપૂર્વકનો વિચાર અને સૂક્ષ્મતા સાથે આધુનિક યંત્રવિજ્ઞાનનું ટેકનીકલ જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.

આવી બધી કસોટીમાંથી પેંગ સાંગોપાંગ(!) પાર ઊતર્યો. તે અડધા પોતાનાં શરીરે અને અડધા ચીનની સંશોધક ટીમે આપેલા યંત્ર થકી ડગમગ ડગલાં ભરવા લાગ્યો. આ યંત્રના પગની રચના એવી કરવામાં આવી છે કે તે આગળ-પાછળ, આજુબાજુ ચાલી શકે. એક પગ ઉપર વજન આવે ત્યારે બીજો પગ હળવો બની ઊંચકાય અને તે આગળ પગલું ભરે. અને તે આગળના પગ ઉપર ભાર આવે ત્યારે તે બીજા પગને હળવો બનાવે તેથી તે આગળ આવે. દસ વર્ષ પછી અડધા શરીરે ચાલવાનો રોમાંચક અનુભવ પેન્ગને પરમ સંતોષ આપે છે.

પેન્ગના ડોકટરોનું કહેવું છે કે પેંગ તેની ઉમરના બીજા લોકો કરતા વધારે સબળ છે.

હવે પેંગે પોતાની ખાસ ‘સુપરમાર્કેટ’ ખોલી છે. તે તેણે ‘અડધા માનવીની અડધી કિમતની દુકાન’ કહે છે. આ હાફ-બીઝનેસમેન અન્ય વિકલાંગ લોકો માટે પ્રેરક બની ગયો છે. તે વ્હીલ-ચેરમાં બેસીને અસમર્થતા (ડીસએબીલીટી) ઉપર ભાષણો પણ આપે છે.

તેનો અભિગમ વિસ્મયકારક છે, તે ક્યારેય કોઈ ફરિયાદ કરતો જ નથી. તે સંભાળીને રહે છે પણ તેના મોજીલા સ્વભાવનો જોટો જડે તેમ નથી. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ પણ તેની હિંમતને હરાવી શક્તી નથી.

ઈશ્વરકૃપાથી આપણને તો સંપૂર્ણ માનવ શરીર મળ્યું છે. બે પગ પણ મળ્યા છે. પણ હમણા આપણે એવી વ્યક્તિને મળ્યા કે જેને એકેય પગ નથી. તેણે તેના ૩૭ વર્ષના જીવનમાં શું શું નહીં સહ્યું હોય? તેનું જીવન મુશ્કેલીઓના મહાસાગર જેવું જ હોય. તેના ભયાનક તોફાની મોજા સામે ટક્કર ઝીલી તેણે જ્વલંત વિજય મેળવ્યો.

તો…હવે પછી તમને કોઈ અગવડતા વિશે ફરિયાદ કરવાનું મન થાય ત્યારે ફરિયાદ ન કરતા, પેંગ શુઈલીનને યાદ કરજો!

આકરા કે કડવા વેણ ઉચ્ચારતા પહેલાં…
સાવ બોલી ન શકતા માણસો વિશે વિચારજો!

ભોજનના સ્વાદની ફરિયાદ કરતા પહેલાં,
જેઓ કશું ખાવા નથી પામતા તેમને વિશે વિચારજો!

જીવનસાથી વિશે ફરિયાદ કરશો નહીં,
એકલવાયા, સાથી ઝંખતા માણસો વિશે વિચારજો!

‘આવું જીવન?’ પ્રશ્ન કરતા પહેલાં, આપણે શ્વસીએ છીએ પણ
જે કુમળી વયે ગયા ઈશ્વરધામ તેમને વિશે વિચારજો!

‘ડ્રાઈવ કરવી કાર ક્યાં સુધી?’ કકળાટ એવો કરશો નહીં,
એટલું અંતર પગપાળા જતા લોકો વિશે વિચારજો!

‘કરી કરીને નો-કરી’ કહેશો નહીં, તે પહેલાં,
નથી નોકરી કે કામ, કે જે કરી શકતા નથી તેને વિશે વિચારજો!

લાખો નિરાશા ઘેરી વળે ત્યારે સ્મિત કરજો ખોંખારતા,
રાવ-ફરિયાદ કરશો નહીં, કરી મશ્કરી કોઈને મજાક ન બનાવતા!
…વિચારજો!

અને સાથે સાથે જુઓ પેંગના કેટલાક ફોટોગ્રાફ્સ…


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “આંસુ ન બહા … ફરિયાદ ન કર…! (પ્રેરણા કથા) – હર્ષદ દવે