વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 4


૧. ઘર બેઠે ગિરધારી – પી. કે. દાવડા

સાયબરની સફરે નીકળ્યો, કરી માઉસ પર સવારી,
ઇંટરનેટને આંગણે મારે ગોતવા હતા ગિરધારી.

યાહુ-ગુગલે સર્ચ આદરી, લખ્યું જ્યાં ગિરધારી,
આવી પહોંચી જાહેરાતો, વિથ ‘બ્રાંડ નેમ’ ગિરધારી.

ફરી ફરીને સર્ચ કરી તો પ્રગટી ફોજ કુક્કીની સારી,
આવિ ગોપિ હોય નહિં, ને આવા નહિં ગિરધારી.

અંતે ‘સાઈટ’ મળી,ત્યાં આવિ ‘રજીસ્ટર’ ની બારી,
‘લોગોન’ માટે ગોકુલ રાખ્યું ‘પાસવર્ડ’ કર્યું મોરારી.

દર્શન કરવા દખણા માંગી ક્રેડિટકાર્ડથી સારી,
ક્લિક કર્યું ત્યાં મળવા આવ્યા રાધા ને ગિરધારી.

ધન્ય થયો હું દર્શન કરીને, ઘર બેઠે મળ્યા મોરારી
‘ડાઉનલોડ’ મેં કરી લીધું, ફ્રી દર્શન જીંદગી સારી.

– પી. કે. દાવડા

૨. ગુજરાત છે ભાઈ.. – જનક ઝીંઝુવાડિયા

અષાઢ વરસે ને શ્રાવણીયા મેળા ભરાય,
ગુજરાત છે ભાઈ અહીં રહો તો જ સમજાય.

આકાશેથી નિતરતું ભીનું ભીનું વ્હાલ,
ખેતરમાં દેખાય લીલોછમ્મ કમાલ,
ગોરમાને પૂજતી બાળાઓ અહીં જ દેખાય,
ગુજરાત છે ભાઈ અહીં રહો તો જ સમજાય.

લાલ ચટક ચાંદલાથી શોભતું જેનું ભાલ,
ગરબા રમતી ગુજરાતણ ભારતની કાલ,
એના પાલવમાં મમતાનું ઝરણ ઉભરાય,
ગુજરાત છે ભાઈ અહીં રહો તો જ સમજાય.

કચ્છની ચાંદની રણમાં કરે કમાલ,
ઉડતી રણની માટી એ ફાગણિયો ગુલાલ,
કચ્છનો દરિયો દેશાવરમાં લહેરાય,
ગુજરાત છે ભાઈ અહીં રહો તો જ સમજાય.

– જનક ઝીંઝુવાડિયા

૩. વિશ્વબંધુત્વ – મનુભાઈ દેસાઈ

અંગ માનવીના સરખા છે
તો ત્વચા બેરંગી છે,
મગજ એના સરખા છે
તો વિચારો ભિન્ન ભિન્ન છે.

ઇચ્છે છે કલ્યાણ માનવીનું
પણ કર્મ વિપરિત છે,
કલ્યાણકારી ભાવનાનું મોત,
તેથી અકાળે થાય છે

માનવી તો માનવી છે,
સર્વના લોહીનો રંગ લાલ છે.
પણ ભાવના વિશ્વબંધુત્વની,
માત્ર ચર્ચામા અટવાય છે.

– મનુભાઈ દેસાઈ ‘વવાવિ’

વાચકમિત્રોની સંકલિત રચનાઓમાં આજે પ્રસ્તુત છે શ્રી મનુભાઈ દેસાઈની કૃતિ ‘વિશ્વબંધુત્વ’, શ્રી પી. કે. દાવડાની હાસ્ય પદ્યરચના એવી ‘ઈન્ટરનેટને આંગણે શ્રી ગિરધારી’ અને શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયાની સચોટ ધારદાર રચના ‘ગુજરાત છે ભાઈ, અહીં રહો તો જ સમજાય…’ પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “વાચકોની પદ્યરચનાઓ – સંકલિત