માણી લઉં હું આજને… (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 12


સોસાયટીને પોળના નાકે સ્ત્રીઓમાં સંભળાતી ગુસપુસ લગભગ નિયમિત જેવી બની જતી હોય છે. સ્ત્રી સહજ સ્વભાવ ને સંસારમાં ઘટતી ઘટનાઓ એમની ગુસપુસમાં ઉમેરો કરતી. સંસારનું વિશાળ સામ્રાજ્ય, ને એમાં વસતા ભાત ભાતના માણસો. કોઈના ઘેર બર્થડે ઉજવાય છે તો કોઈના ઘેર બપોરના જમવાના ફાંફા છે. એક ઘરે દીકરો જન્મવાની ખુશીમાં મિઠાઈની લ્હાણી થાય છે તો બીજા ઘરે બિમાર છોકરાઓની દવા માટે ભીખ માંગવી પડે છે. સંસારનું આ ચક્ર છે ને તેમાં બધા એક કે બીજી રીતે અટવાયેલા છે. ચાલો આજની ગુસપુસ પર કાન ધરીએ.

“અલી મમતા તો જબરી છે.” કોઈ એક બહેન બોલ્યા.

“કેમ રોજ ઝગડે છે ?” બીજી એ પૂછ્યું.

“ના, કેમ તને ખબર નથી ?”

“મગનું નામ મરી પાડીશ હવે.”

“એનો પતિ ….” ને એની વાત ગાળામાંજ અટવાઈ ગઈ. કારણ મમતા ઘરમાં થી બહાર આવતી દેખાઈ.

હા, એ મમતા હતી, કાયમ મોઢા પર સ્મિત ફેલાયેલું હોય. બધા સાથે હસીને વાત કરે. બને ત્યાં સુધી તે સોસાયટીની ગુસપુસમાં ઓછી સામેલ થતી. કોઈ ને ખોટું લાગે તેવી વાત નહોતી કરતી કે ન તો કોઈની ખોટી વાતમાં રસ લેતી. એનામાં પણ સ્ત્રીનું દિલ હતું ને એવી જ લાગણી કે અહેસાસ હતા. પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. પતિ પણ નોકરી કરતો. બંને સાંજે ઘેર આવે ત્યારે થાકેલા હોઈ સામાન્ય વાતોથી વહેવાર સાચવીને જીવન પસાર કરતા હતા. રવિવારે રજા હોય ત્યારે મિત્ર કે સગા સ્નેહી ને ત્યાં મળવા પણ જવું પડતું, કે ખબર અંતર લેવા ! આ તો બધા માટે સામાન્ય છે.

મમતાનો પતિ ઉજ્વલ પણ ખૂબજ મળતાવડા સ્વભાવનો હતો. મમતાને ખૂબજ પ્રેમ કરતો. લગ્નને દશ વર્ષ થવા છતાં બંને એવી રીતે રહેતા કે જાણે નવપરણીત ન હોય! સરકારી નોકરી હતી, પ્રેમાળ પત્ની હતી ને સમજુ પાડોશી હતા. એટલું જીવન માં હોય એટલે જીવન ધન્ય માનવું જોઈએ. જે ન માને તે વધુ દુઃખી થતા હોય છે. ઘણી વાર ઉજ્વલ મમતાની મશ્કરી કરતો “તારું નામ કોને પાડેલું ?”

“કેમ તને મારું નામ નથી ગમતું? “

“અરે ડાર્લિંગ, કેવી વાત કરે છે, જેવું તારું નામ છે એનાથી વિશેષ તારામાં ગુણ છે. તને પામીને હું ધન્ય થઇ ગયો છું. ડીયર આ કોઈ મસ્કો નથી કે નથી લાગ્યો અત્યારે વડા ખાવા નો ચસ્કો” ઉજ્વલ બોલતો ત્યારે હસીને “શું તું પણ” કહેતી મમતા તેની બાંહોમાં ભરાઈ જતી ને વ્હાલી વ્હાલી લાગે તેવું વ્હાલ કરતી.

“ચલ આજે બહાર જમીશું.”

“કેમ કઈ ખુશીના સમાચાર છે ?”

“એટલા વ્હાલ માટે તો હું મારો આખો પગાર તારા પર વાપરવા તૈયાર છું તો આતો થોડા રૂપિયાની વાત છે. ડાર્લિંગ જલ્દી થી કપડા બદલાવી લે.”

“કેમ આ કપડામાં હું સારી નથી લાગતી ?”

“અરે પગલી, કપડા થકી તું નહિ પણ તારા થકી કપડા શોભાયમાન છે.”

“રીયલી જવું છે, નહીતો હું ઘેર જ તારી પસંદગીની રસોઈ બનાઈ નાખું “

“નો વિવાદ ઓ.કે., ચેન્જ યોર ડ્રેસ, બી હરી”

હવે તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે મમતા ને ઉજ્વલ નું જીવન કેટલું સુખમય પસાર થાય છે. બંને એક આદર્શ જીવનની પૂર્તિ સમાન હતા. એકમેકની લાગણી ને સમજતા. એકબીજાની પસંદગીનો ખ્યાલ રાખતા ને કદાચ એજ તો એમના સફળ જીવનનું રહસ્ય હતું. કહેવાયું છે કે દુઃખ કરતા સુખનો ગાળો ઓછો હોય છે ને કદાચ તેઓના જીવનમાં પણ સુખનો સમય વધુ ટકવાનો ન હોય તેમ થોડા દિવસથી ઉજ્વલ ને ધીમો ધીમો તાવ રહેતો હતો. શરીરમાં કળતર રહેતું. પણ એની અસર એના રોજીંદા જીવનમાં નહોતી પડતી એટલે નોકરીમાં રજા મૂક્યા વગર ચલાવતો ને ધીમા તાવ ને ગણકારતો નહિ. સાંજે આવે ત્યારે વધુ થાકી જવાની ક્યારેક ફરિયાદ કરતો. મમતા પણ એને બહુ સીરીયસ ન લેતી. એ માનતી કે ઓફીસમાં વધુ કામ ને વધતી ઉંમર!

પણ જયારે તાવનું પરીમાપન વધતું લાગ્યું કે તેણે ડોક્ટરને બતાવી જોવાનું ઠીક લાગ્યું. એકદિવસ,

“હું જરા બહાર જઈને આવ્યો.” કહેતો તે લગભગ ઘરની બહાર નીકળી ગયો કે પાછળ મમતાની બૂમ સાંભળી “ઝીણી સેવ લેતો આવીશ ?”

“અરે, શ્યોર વ્હાય નોટ.” ને તે સોસાયટી વટાવીને દવાખાને ગયો. સારું થયુકે તેને વધારે વાર ના બેસવું પડ્યું, એનો નંબર જલ્દી આવી ગયો. આજે તે વધારે વ્યાકુળ જણાયો એટલે મમતા પૂછ્યા વગર ના રહી, “ઉજ્વલ, ઓફીસ માં કંઈ …? કે પછી .. હાં… ?”

તેણે અધૂરું પૂછ્યું પણ તે એટલો નાદાન નહોતો કે દશ વર્ષ પછી પણ પત્નીની ઈશારા વાળી વાત સમજી પણ ન શકે! અત્યારે તેણે પૂછ્યું ત્યારે તેની આંખોમાં સ્પષ્ટ પણે ભય જણાતો હતો.

“કશું તો નથી …હા યાર એક વાત તને કહેવાની ભુલાઈ ગઈ હતી. પેલો પ્રાગ નહિ મારો મિત્ર ઓળખ્યો?”

“હા..તો ..”

“તેનો સન સ્ટેટ લેવલે ક્વોલીફાય થયો છે.”

“સારી વાત છે …પણ ઉજ્વલ મને એ કહે કે મારા પ્રેમ માં ક્યાંય તને ઉણપ વર્તાયછે ?”

“અરે પગલી કેવી વાત કરે છે!” ને તેણે મમતાને ઉચકી જ લીધી

“દશ વર્ષ થી તારી સાથે રહીને તારા સ્વભાવના ફેરફાર કે તારો હાવભાવ બરાબર જાણી શકી છું. આજે તું જે પ્યાર બતાવી રહ્યો છે તે સામાન્ય કરતા વધુ જણાય છે. પ્લીઝ, શું વાત છે કહે મને.”

“એક વાત કહે, હું સામાન્ય માણસ છું, ક્યારેક મનના ભાવ બદલાય એટલે એનો મતલબ એ નથી કે મારો તારા તરફ પ્રેમ ઘટી ગયો હોય ! અરે ગાંડી આ દુનિયા માં મારા જેવા ઘણા ઓછા લોકો સદનસીબ હશે. કદાચ તું વધારે ન માનીશ પણ ઘણી વાર તને સો સો સલામો કરવાનું મન થાય છે.”

મમતા એટલું તો જરૂર જાણી ગઈ કે કોઈ ને કોઈ ચિંતા એના જીવનમાં પ્રવેશી ગઈ છે. તેના પતિથી પોતે વાકેફ હતી. ઓફિસની કોઈ વાત તે ઘરે નહોતો કરતો. આથી તેણે તેના ઓફીસમેટ દ્વારા જાણવાની કોશિશ કરી પણ એવી કોઈ ચિંતાની વાત જાણવામાં ન આવી.

ને રીતસર તેની ચિંતાનું કારણ જાણવા લાગી પડી. કહેવાય છે કે ધીરજ ને ખંતથી કરેલા કામમાં સફળતા વધુ મળે છે. એકદિવસ તેના પેન્ટના ખિસ્સામાંથી કાગળ વાંચ્યો કે તેને ખૂબજ નવી લાગી ! ‘અરે પેટમાં દુખતું હોય ને દવાખાને પોતે એકલો નહોતો જતો તો કેમ, ઠીક છે.’

એક દિવસ ઉજ્વલ ઓફિસથી નહોતો આવ્યો – લાગ જોઇને એ ડોક્ટર પાસે પહોંચી ગઈ. “તમે …!” ને ડોક્ટર તો મમતાને ઓફિસમાં પ્રવેશતી જોઈ કે દંગ થઇ ગયા ને તેમના પગ જમીન સાથે જડાઈ ગયા..

ડોક્ટર પાસેથી તેને જાણવા મળ્યું ત્યારે પતિ પર ખૂબ ગર્વ થયો, થોડું દુઃખ પણ લાગ્યું કે એટલી મોટી ચિંતાની ને સીરીયસ વાત છુપાવી રાખી. પોતાને બ્લડકેન્સર હોવા છતાં ? ને તેના પર માન પણ ઉપજી આવ્યું કે શા માટે પોતે એકલો જ ચિંતા વહોરીને રહેતો ! એટલે જ ને કે પોતાની પ્યારી પત્ની પણ ચિંતાના શેકથી અળગી રહે ?

તેણે પણ મનને મક્કમ કર્યું, ડોક્ટરને વચને બાંધ્યા, “સાહેબ, તમે ઉજ્વલને ના કહેતા કે મને બધી ખબર પડી ગઈ છે.” બહાર નીકળતા તે બબડી ‘તેને પણ ખબર પડે કે મન મક્કમ કરતા મને પણ આવડે છે’ ને બીજા દિવસથી જાણે કંઈ જ ના બન્યું હોય તેમ સામાન્ય ની જેમજ રહેવા લાગી.

“એક વાત તને કહેવી છે ડાર્લિંગ… “

“મને ખબર છે, આ વખતે તું મારા બર્થ ડે ગીફ્ટ ની વાત કરતો હતો. કઈ નહિ ઉજ્વલ, પણ હું તને સરપ્રાઈઝ આપીશ.” તેને અટકાવતા જ તે બોલી. ઉજ્વલની મનોસ્થિતિ અકળાવનારી હતી. ઉમંગમાં રાચતી મમતાને એક દિવસ જાણ થશે ત્યારે તેના પર કેવી વીતશે એ વાતની તે ચિંતા કરતો હતો ને ડોક્ટર ના કહેવા મુજબ પોતે બહુ ઓછા દિવસનો મહેમાન હતો. હવે તેને જણાવી દેવું જોઈએ.

“આજે જમવામાં શું બનાવશે? ” ઉજવલે પૂછ્યું. મમતા જરા તેની નજીક ગઈ પણ જેવી નજીક ગઈ કે તેની આંખમાં આંખ ન પરોવી શકી. અવળા ફરેલા મોઢે જ જવાબ આપ્યો. “મસ્કો ને ચસ્કો તે દિવસે એ કૈંક બોલેલો યાદ છે, તો કહે તારી પસંદનું.”

“મારી પસંદ મને વર્ષો પહેલા મળી ગઈ છે. આજ તો હું મારી પસંદની પસંદગીને અગ્રીમતા આપવા માંગું છું.”

મમતા જાણતી હતી કે ઉજવલ કેમ એવું બોલતો હતો ! ને પોતે પણ જાણી જોઇને પૂછતી હતી. રંગ મંચના બંને પાત્રો આજે બરાબર પોતાનો રોલ અદા કરી રહ્યા છે. જીવન માં સુખ કે દુઃખ, તડકો કે છાંયો, રાત કે દિવસ બધાને વણીને જે ચાલે તે ઓછો દુઃખી. પરિસ્થિતિનો સામનો કરીને પાર પડવું એ જ બહાદુરીનું કામ ! જયારે તમારી સામે જ ઘરમાં લુંટ ચાલતી હોય કે ભડ ભડ બળતું હોય, ને તમે નિઃસહાય બની ને જોયા કરો ને કશું ન કરી શકો. જીવનની આ પળો એટલી અકળાવનારી હોય છે કે નથી રડી શકાતું કે નથી સહેવાતું. કોને જઈને દુઃખ કહેવુ તે પણ સમજ નથી પડતી. આવીજ કંઈ હાલત મમતા અને ઉજ્વલની હતી.

ઉજ્વલ કેન્સરની પીડા સહન કરતો હતો ને ઉપરથી ટાઢમાર નો ભાર! ક્યારેકતો ઘરની દીવાલો પણ રડી પડતી કે વાહ રે ! કેવી ઘડી કે બંને એકબીજાને ના કહી શકે કે ન દિલની વાત કરી શકે. પણ ધન્ય છે બંને ને. એકબીજની સાથે રમત રમી રહ્યા છે પણ રમત નથી. બોલી રહ્યા છે પણ વાત નથી. હસી રહ્યા છે પણ હાસ્ય નથી.

“અહીં આવજે ડાર્લિંગ” ને તેણે મક્કમતા થી કહી દેવાનું નક્કી કર્યું. મમતા પતિની બાહોંમાં સમાઈ ગઈ.

“તને ખબર છે મારી મિત્ર આવતા મહીને લંડન જાય છે. મેં તારા માટે જાકીટ મંગાવ્યું છે. મને ખબર છે તને ફર વાળું જાકીટ બહુ ગમે છે.”

“ના.. પ્લીઝ ન મંગાવીશ” ને તે વિવશ થઇ ને બીજી બાજુ જોઈ ગયો. રખે ને કદાચ પોતાની આંખ મમતા પામી જાય.

કેમ ક્યારેય તારા પર હક્ક ન કરી શકું ?” ને કેટલાય દિવસનો બાંધેલો અંશોનો બંધ આજે તૂટી ગયો. ધ્રુસકેને ધ્રુસકે તે છાતી પર માથું રાખીને રડી પડી. રડવાનું એને બહાનું મળી ગયું ને આજ સુધી રોકેલા આંસુઓ ને એક જ સાથે વહાવી દીધા. પોતે આંસુઓ વહાવી ને હળવી થઇ પણ પતિ ? એ તો બિચારો બધી જ પીડાનું પોટલું બાજુમાં રાખીને સૂતો છે. કેન્સરની પીડા ની સાથે સાથે સંસારની પીડા એનાથી સહન નહોતી થતી. તોયે મન અને તન ને મક્કમ કરીને મમતાને હરખમાં રાચતી જ જોવા માંગતો હતો.

ગુસપુસમાં એ વાતો હવે આવી રહી હતી…

“હજી સુધી મેં એવી કોઈ સ્ત્રી નથી જોઈ કે પતિને કેન્સર હોય ને પોતે સ્મિત સાથે રહેતી હોય.”

“હા તારી વાત સાચી છે .. મને પણ મનમાં એના માટે જીવ બળ્યા કરે છે આ જુવાની માં …” ને તે આગળ બોલી ના શકી.

“બિચારી કરી પણ શું શકે ? જેના પર વીતે તેને ખબર પડે.”

“લાગે છે કે તેને હજી ખબર નથી. “

“એને બધી ખબર છે પણ એનું મનોબળ ગજબનું છે. આજેય મને તેની સાથેની વાત યાદ છે. ખરું કહું તેના પર માન ઉપજે છે ને બીજી બાજુ દયા પણ !”

હા, તે દિવસે રમાએ મમતાને પૂછી લીધું, “મમતા બેન બહુ ખુશ દેખાવ છો આજે ?”

“કેમ તમે વળી કે દિવસ મને ગમગીન જોઈ ? “

“એય વાત તમારી સંપૂર્ણ ખરી.”

“રમાબેન, તમારું પૂછવાનું એકદમ વ્યાજબી છે. હું બરાબર જાણું છું મારે કેમ વર્તવું કે કેમ રહેવું. વધારે વાત ના લંબાવતા એટલું કહીશ કે કાલનો દિવસ મારા માટે અંધારું લઈને ઉગવાનો છે એ પણ સો ટકા સત્ય છે. … કાલની ચિંતા માં હું આજનો દિવસ બગાડવા નથી માંગતી. ને બધા ભલે મારા માટે ગમે તેવી વાતો કરે, કોઈ મારું દુઃખ કે સુખ છીનવી નથી શકવાનું, જો હું જ ચિંતામાં ધરબ તો પછી તેમની હાલત કેવી થાય? બે મહિના વધારે જીવવાના હશે તો વહેલા .. ના . ના…. પ્યારની જે પણ બે પળો સંગાથે રહેવાય તેજ બાકી કાલ તો.. ” ને તે ચુપ થઇ ગયા.

“હું તો એટલું જાણું છું કે આવનારી પળો ખૂબજ દુઃખ આપનારી છે, પણ હું તેના ભોગે મારી આજની કાલ કેમ બગાડું રમા બેન?” રમા બેન જરા એટલું કહો કે તમે મને જે પૂછી રહ્યા છો તેનો મતલબ કે તમને મારા પર લાગણી છે કે પછી…?

અધવચ્ચે જ અટકાવતા તેઓ બોલ્યા “ભગવાન માફ કરે …પ્લીઝ એવું ના વિચારો મારી બેન.”

“તો પછી મારા માટે પ્રાર્થના કરો કે હું આવીજ મક્કમ ને દ્રઢ મનોબળ વાળી રહું તેવી મને શક્તિ મળે.”

“હા, તમારી જગ્યાએ તમે જે વર્તન કરો છો તે કદાચ સામાન્ય સ્ત્રીથી થઇ શકે તેમ નથી, તમાર વખાણ કરવા કે આશ્વાસન…….” ને લગભગ રડમશ ચહેરે તેઓ નીકળી ગયા.

પણ હા તે પતિની સેવા ને પ્યાર આપવા કે લેવામાં જરાય વિલંબ નહોતી કરતી. કાયમ સ્મિત સાથેનો ચહેરો ને હસતી જાય ને કામ કરતી જાય. તેથી જ તો સોસાયટી ની સ્ત્રીઓ ને ગુસપુસ નો વિષય મળી ગયો.

“મમતા, પ્લીઝ આજે મારા મોઢા પર હાથ ના રાખતી, હું તને જે કહેવા જઈ રહ્યો છું તે કદાચ તારાથી સહન નહિ થાય.”

“કેમ, હજી તમને કોઈ શંશય છે ? “

“ના” ને તે મમતા ના હાથને જોરથી દબાવવા લાગ્યો.

“એક વિનંતી કરું ?” ગળગળી થઇને તેણે પૂછ્યું

“જરૂર , ભગવાન ને જરૂર વિનંતી કરકે તારી સેંથી વેરાન ન રહે “

“એટલું જ કહે કે તું તારા આત્માને ડંખી તો નથી રહ્યો ?”

“જેના પર મમતા નો પ્યાર વરસતો હોય તેને ભલા ….” ગળે ભરાયેલો ડૂમો ઠીક કરતા થોડી વાર રહીને ફરી બોલ્યો. તે નહોતો ચાહતો કે પોતાને રડતો જોઈ મમતા પણ વિહ્વળ થઇ જાય “આજે દહીંવડા નો ચસ્કો લાગ્યો છે ..”

“મને પણ, તાર હાથે મને જમાડીશ તો વધુ મજેદાર રહેશે કેમ?”

“હા, પ્રોમિસ, પણ ડોક્ટર ને ખબર પડશે તો?”

“કશું નહિ હું કહીશ કે મેં …”

“મારી મમતા ………. ઠીક છે બનાવ હવે, ઘણા દિવસ થી સ્મેલ નથી લીધી.”

મમતા એ દહીંવડા બનાવ્યા ને તે ઉજ્વલની પાસે જઈને બેઠી. ઘર નું વાતાવરણ તંગ હતું. મનની અભિલાષાઓ મનમાં જ શમી જતી હતી. દિલ નો ઉમંગ વહીને બારી સાથે અથડાઈ ને વળી દિલમાં પાછો ફરતો હતો. શાંત વાતાવરણ ને ખામોશ પળો ! કેવળ આંખો ની પરિભાષા વંચાતી હતી. પરસ્પરની લાગણીનું પૂર વહી રહ્યું છે. નાજુક પળો ને નાજુક જીજીવિષા !

જેને વીતી હોય તે જ વર્ણન સારું કરી શકે બધી સ્ત્રીઓ સ્તબ્ધ થઇ ગઈ. અડોશ પડોશના લોકોની ઉજ્વલભાઈના ઘરે ચહલ પહલ મચી ગઈ. ને જે બધાયે ધારેલું તે જ થયું. મમતાનો પતિ ઉજ્વલ મરણ પામ્યો.

ઉજ્વલની અર્થી ઘરમાંથી નીકળી ને બધા એ જીવંત મૂર્તિ દીવાલ સાથે જડાયેલી જોઈ. કેટલાયે આંસુના ધોધ વહેવા લાગ્યા. સૌએ જીવંત મૂર્તિને શત શત પ્રણામ કર્યા,’ વાહ પતિનું જીવન અને મરણ બેય સુધારી દીધા મમતાએ !’

– રીતેશ મોકાસણા

સામાન્ય રીતે વાર્તાની ઝડપ એટલી હોવી જોઈએ કે તેના વિષયવસ્તુને પૂર્ણપણે વાચક સુધી પહોઁચાડી શકાય, અતિશય ઝડપથી વહેતા પ્રસંગો અને સંવાદો વાર્તાનું સ્વરૂપ થોડુંક ગૂંચવણભર્યું કરી શકે છે. રિતેશભાઈની વાર્તાઓ ઝડપી હોવા છતા આ બાબતોને સફળ રીતે સંભાળી શકે છે. જો કે આજની વાર્તામાં એક સમજદારી ભર્યા સંબંધ વિશેની વાત તેઓ અનોખી ધીરજથી અને તેમની કાયમી ઝડપી ગતિ વગર કહે છે, વાર્તામાં એક અનોખો ઠહેરાવ આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “માણી લઉં હું આજને… (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા