‘ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત ! પોતાના અખબારનું ધોરણ જરીક નીચું ઉતારે એટલી જ વાર હતી, પરંતુ એ લાલચની સામે થવા જેટલીય જરૂર એને નહોતી પડી; કેમકે ધક્કો મારીને કાઢવો પડે તેટલો એની નજીક જ એ કમાવાનો વિચાર નહિં આવેલો ને ! સળગતી પ્રામાણિકતાને સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઈજ્જતની વીરતા હતી.’
જેઓની મૃત્યુખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, એવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે ? થઈ ગયા છે કોઈ?
એવો એક પુરુષ અત્યારે માન્ચેસ્ટર નગરના કબ્રસ્તાનમાં સૂતો છે. એનું નામ શ્રીમાન સી. પી. સ્કૉટ. ૧૯૩૨ના બેસતા વર્ષને દિવસે ૮૫ વર્ષની ઉંમરે એણે શ્વાસ છોડ્યા. બે મહાન યુગોના મસ્તકો પર એક્કેકો પગ મૂકીને જીવેલા એ પત્રકારની જીવનકથાનાં, શબ્દેશબ્દ જોખી જોખી લખેલાં ૩૬૫ પાનાં એ યુગુપુરુષની જીવનકથાને પૂરો ન્યાય નથી આપી શક્યાં. દાબી દાબીને એની કથા સામગ્રી ઠાંસવામાં આવી છે. છતાં લખવા જેવું એટલું બધું રહી ગયું છે કે એક શબ્દ પણ દુર્વ્યય વગર એ જીવનકથાનાં પાનાં બેવડી સંખ્યાને અડકી શક્યાં હોત.
‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ એટલે બ્રિટનનો લોકમત ઘડનારું એક મહાબલ. શત્રુઓ પણ એના શબ્દને જૂઠો ન કહી શકે. એનું પત્રકારિત્વ એટલે સુવર્ણતુલા. છાપાં ચલાવવામાં અતિશયોક્તિના રંગ પૂરવા જ રહ્યાં, એ ઉક્તિને ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ જૂઠી પાડે છે. અને ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ એટલે તો સી. પી. સ્કૉટની જબાન. સાઠ વર્ષો સુધી સીંચી સીંચી સ્કૉટે એનો કાળજીભર્યો ઉછેર કર્યો.
પચીસ વર્ષની ઉંમરે સ્કૉટ આ પત્રને તંત્રીપદે બેઠો. પહેલા દોઢ દાયકા સુધી એણે ધીર વિવેકબુદ્ધિથી પોતાનું ઘડતર કર્યું. સાથીઓની પસંદગી કરવામાં એણે વિરલ શાણપણ દાખવ્યું. બધા પ્રથમ કક્ષાના જ તેજલ તારાઓ જોઈએ એવો આગ્રહ એણે ન રાખ્યો. સહુ કોઈની વિચારપદ્ધતિ કે કાર્યરીતિ પોતાના સ્વભાવચોગઠામાં બંધ બેસે એવી એની જીદ નહોતી.
આને પરિણામે જ સ્કૉટની કારકિર્દીમાં આર્નોલ્ડ, મોન્ટેગુ અને હોબ બઔસથી લઈ બીજા કૈંક સહતંત્રીઓ, ખાસ પત્રલેખકો, પરદેશના પત્રલેખકો, કથા અને રમતોના વિવેચકો, નિષ્ણાંતો વગેરેનું એવું તો એકલોહિયું જૂથ જમા થયું કે જે જૂથે અનેક સંગીતપ્રેમીઓને, ખેલાડીઓને તેમજ ક્રિકેટરોને ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’નું પાકું વ્યસન લગાડ્યું.
ચાલીસ વર્ષની વય સુધી તો સ્કૉટની બહુ કંઈ પિછાન પણ નહોતી. અખબાર પણ પ્રાંતિક મહત્તાથી પર જઈ શક્યું નહોતું. ઉદાર વિચારોની હિમાયત કરનારું ગણાતું, પણ એ ઉદારમતવાદની પાછળ આગ્રહની ગરમી હતી તેનો પરિચય તો મોડો મોડો પડ્યો. બ્રિટનના વડાપ્રધાન ગ્લેડસ્ટને સંસ્થાનિક સ્વરાજ આપવાનો ઝંડો ઉપાડ્યો ત્યારે ભલભલા ઉદારમતવાદી છાપાં વિરોધી છાવણીમાં જઈ ભરાયાં. ઝંડા ઝાલીને મોખરે આવી ઊભાં સી. પી. સ્કૉટ અને એનું મુખપત્ર. તે દિવસથી ‘ગાર્ડિયન’ની વીરત્વભરી માનવતા ઝલકી.
એ માનવતાનો ઝલકાટ દિનપ્રતિદિન ઉજ્જવળ થતો ગયો. મહાયુદ્ધમાં એ માનવતાની કસોટી થઈ. ફરજિયાત લશ્કરભરતીના વિરોધી સ્કૉટે દેશનાં દુશ્મન ગણાવવા જેટલી હદે પણ પોતાનો અવાજ જારી રાખ્યો. છતાં એણે પોતાના મતાગ્રહની અંદર વિષબિંદુઓ ન ભેળવ્યાં. યુદ્ધના કાળમાં આખી પ્રજાને ધૈર્ય દેતો, સંગ્રામના સંજોગો સમજાવતો, સ્વસ્થતા બોધતો એ ઊભો હતો.
લશ્કરી કડકાઈથી કામ લેતો છતાં એ કડકાઈને પોતાની શોભારૂપ ન સમજતો, શબ્દ કરતં સૂચન વડે જ શાસન કરતો – સ્ટાફ પ્રત્યે સભ્ય તેમજ ભદ્ર, અને સ્વતંત્ર વિચારણાને, ટિકાને, વિરોધને વધાવતો, ચર્ચા માટે હંમેશા તૈયાર, પોતાના સાથીઓના ઢચુપચુ નિર્ણયોને નાપસંદ કરનાર, જેવો પોતે આગ્રહી તેવો જ સામાના આગ્રહીપણાનો પ્રશંસક.
ફલાણાભાઈ તો નબળા છે – પોતે એક વાત કરે છે ને પછી આપણો વિરોધ ભાળીને આપણે કહીએ તેમાં જ ‘હા જી હા’ પૂરે છે; આ હતો સ્કોટનો કટ્ટર અણગમો, કારણ?
કટ્ટર નિર્ણયબુદ્ધિ એ હતી એના જીવનની ગુરુચાવી અને વિજયનું મર્મબિંદુ. વિચાર કરીને એક વાર લીધેલ નિર્ણયમાંથી ડગલું પણ ન ચાતરવું, ન બીવું, વિરોધનો સામનો કરવા તત્પર રહેવું, મિત્રોની કે પ્રજાની ચાહે તેટલી મોટી ખફગી વહોરવાને ભોગે પણ નિર્ણયને વળગી રહેવું એ હતો સ્કૉટનો જીવનમંત્ર. ૮૩ વર્ષની વયે એણે તંત્રીપદની રાશ હેઠી મૂકી ત્યાં સુધી એનું મસ્તક અડગ રહ્યું. પાછું વાળીને એણે કદી જોયું નહોતું.
– ઝવેરચંદ મેઘાણી
(‘પરિભ્રમણ ભાગ ૩’ માંથી સાભાર)
બિલિપત્ર
In the Sea called woman
Few men shipwrecked at night
many at sunrise
– સ્પેનિશ કવિ અંટાન્યો મશાદો
પત્રકાર એ સમાજ દેશની ચોથી જાગીર છે. તે અડીખમ,અડગ,સત્યનિષ્ઠ,વિવેક સભર અને સારાસારનો યથાર્થ નિર્ણય કરી શકનાર બુધ્ધિશાળી અને સમાજને સાચું દર્શન કરાવનાર સત્યાન્વેશી હોવો જોઈએ.
આજે આવા પત્રકારોનો દુકાળ પડ્યો છે !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
આજે આવા પત્રકારની જરૂર છે. સરસ લેખ.
લેખમાં મેઘાણીની કલમ અને ભાવના વધુ ઝલકે છે.
very nice
આવા પત્રકારો બહુ ઓછા જોવા મળે.
MEDIA NEEDS SUCH A BRAVE HERO, WHO STAND AGAINST ALL ODDS. PEN IS MIGHTIER THAN SWORD. PRINT AND ON LINE CAN DO MORE THAN ARMY,ANY MADHANTA CAN COME=DOWN AND IS RECENT HISTORY.
BUT ALL IN THE HANDS OF AND SO DEMOCRACY IS NOT GETTING WHAT IT NEEDS, WE ALL KNOW,WE AND ANY ONE CAN DO, IF…WISH AND WILL, BUT IS ANY ONE OR MORE IN ANY COUNTRY OR GLOBE ?