મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ 6


ખાટકીવાસમાં માનવસેવાનું ઉમદા કામ કરનાર એક બહેનની આ વાત છે. આયશાબહેન તેમનું નામ, જરા ભારે શરીર અને બેઠી દડીનાં. પરંતુ શરીરમાં ચેતના ગજબની. મુખ પર કરુણ અને હાસ્યનું મિશ્રણ જોવા મળે, તદ્દન ભોળાં અને સીધાં સાદાં.

તેમને એક દીકરી, સાત વર્ષની હતી ત્યારે તેને મગજનો ટી.બી થયો. સારવાર કરવામાં કુટુંબે કોઈ કચાશ ન રાખી, દીકરી બચી ગઈ, પરંતુ અપંગ બની ગઈ અને બેબાન અવસ્થામાં રહી. સમય જતાં એવી સ્થિતિ રહી કે દીકરીનું ફક્ત હ્રદય ચાલે, એટલે કે ખોળીયામાં જીવ બાકી શરીરના કોઈ અવયવમાં કશું ચેતન જ નહીં. હા, ઝાડો કે પેશાબ કરવાનું મન થાય ત્યારે સંકેતથી આયેશાબહેન સમજી જાય. તેને જમાડવી, તેની કુદરતી હાજતનો ખ્યાલ રાખવો, પેશાબ પથારીમાં ન થઈ જાય તેની કાળજી રાખવી, હલી-ચલી ન શકે એટલે પીઠમાં ચાંદા ન પડી જાય તેને માટે વારંવાર ફેરવવી વગેરે કાળજી આયશાબહેન રાખ્યા કરતાં.

તેમનાં પતિ તેમને કદી કાંઈ કહે નહીં, ત્રણ બાળકો અને દીકરી સૌ તેમને મદદરૂપ થાય. બહેનનો જીવ આખો દિવસ દીકરીમાં જ હોય. સૂએ પણ તેની પડખે જેથી રાતમાં તેને કોઈ મુશ્કેલી ન પડે. દીકરાને પરણાવ્યાં, દીકરી સાસરે ગઈ, પરંતુ બહેન તો માંદી દીકરીનિ સારવારમાં લીન. મહોરમનો તહેવાર હોય, કોઈ લગ્નપ્રસંગ હોય કે કોઈ મહેફિલ હોય, બહેને ક્યાંય જવાનું નહીં, તેને મન તો બધું જ દીકરીમાં. ખૂબ પ્રેમથી દીકરીની સારવાર કરે.

જ્યારે જ્યારે દીકરીને કોઈ તકલીફ થાય ત્યારે મને બોલાવી જાય. મને તેને ત્યાં જવું ગમે, દીકરીની દવા વગેરે મારી પાસેથી આપું જેથી તેમને તેનો તોડ ન પડે. તેમની ખાનદાની એવી જે જ્યારે તેમને ત્યાં વિઝિટે જાઉં ત્યારે વિઝિટ ફી અચૂક પૂછે, રિક્ષાવાળાને પૈસા આપવા દોડે. મેં પહેલેથી જ રિક્ષાવાળાને કહી રાખ્યું હોય એટલે એમની પાસેથી પૈસા લે નહીં. બહેનને કહું કે સ્વજનની તમારા જેવી સેવા કરનારાં આ દુનિયામાં ઓછાં જોવા મળે, તમે તો ખુદાની ઘણાં નજીક છો. મનોમન તેમને વંદન કરું.

વર્ષો વીતતાં ગયાં, બહેનની અવિરત સેવા ચાલુ રહી. ઘણી વખત એવું પણ બને કે બહેનની તબિયત નરમ હોય અને થાકી પણ જાય, છતાં તેની સેવાચાકરીમાં ઉણપ આવતી નહીં.

એક દિવસ રઘવાયાં થતાં મારી પાસે આવ્યાં, કહે, ‘સાહેબ, જલ્દી ચાલો, મારી દીકરીને વસમું લાગે છે.’ મારી નજર આયશાબહેન પર સ્થિર થઈ. આ કેવી લેણાદેણી સમજવી? સારવાર આપી અને દીકરી તો સારી થઈ ગઈ.

મારાથી એક દિવસ પૂછાઈ ગયું, ‘આયશાબહેન, આ દીકરી કેટલાં વર્ષની થઈ?’

‘૨૨ વર્ષની..’

‘તમે ૧૫ વર્ષથી એકધારી સેવા ચાકરી કરો છો તે તમને કોઈ દિવસ કંટાળો નથી આવતો?

‘સાહેબ, આ દીકરીની પથારી પંદર વર્ષમાં ભીની નથી થવા દીધી. હું તેની ચાકરી ન કરું તો મારો ખુદાતાલા મને માફ ન કરે.’ બસ હું તેમને વધારે કાંઈ પૂછી ન શક્યો. તેમના આ શબ્દોથી મારી આંખ ભીની થઈ ગઈ અને હું બહાર નીકળી ગયો.

– ડૉ. પ્રફુલ્લ શાહ

સાવરકુંડલામાં એક અનોખા ડૉક્ટર વસે છે, એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો, રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર, કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં ડૉક્ટર સાહેબ અને તેમના ધર્મપત્નિ – આ બંનેએ સક્રિય રસ લીધો છે. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક – એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે જ, તે પછી એ જ અનુભવોનું વધુ વિશદ ભાથું ‘મનેખ નાનું મન મોટું’ એ નામે પ્રસિદ્ધ થયું, એમાંથી જ એક વાત આજે અહીં ટાંકી છે. જીવનમાં મોટી નકારાત્મક બાબતોની સામે ફક્ત એક જ હકારાત્મક વાત ઘણી પ્રેરણા આપતી જાય છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ