સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10


દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર અને અમિતાભ એ બંને મિત્રો પણ સિક્કો ઉછાળી નિર્ણય લેતાં એ યાદ હશે. ક્રિકેટમાં પણ સિક્કો ઉછાળીને જ કઈ ટીમ બોલિંગ કે બેટીંગ કરશે એ નક્કી થાય છે જેને ટૉસ ઉછાળવો એમ કહે છે.

જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું.

વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે.

પરેશ ગુલાબભાઈ અને સૂરજબેનનું એકનું એક સંતાન હતો. એ એના માતાપિતાને ખૂબ જ પ્રેમ કરતો. ગામમાં મજૂરી કરીને એના માતાપિતાએ એને ઉચ્ચ શિક્ષણ આપાવ્યું હતું. એ દરમ્યાન એ માતાપિતાથી દૂર જરૂર હતો પણ એ એમના દિલની ખૂબજ નજીક હતો એ વાત એ કદી નહીં ભૂલતો. એનાં માતાપિતા પણ એના દિલની ખૂબ નજીક હતાં. એથી જ જ્યારે એને શહેરમાં નોકરી મળી ગઈ અને કંપનીવાળાએ એને મકાન આપ્યું ત્યારે તરત જ એણે માતાપિતાને શહેરમાં બોલાવી લીધા. પ્રથમ તો એમણે આનાકાની કરી પણ પછી પુત્રના આગ્રહ આગળ નમી ગયા. આમ પણ ગામમાં પોતાનું ઘર કે ધંધો તો હતો નહીં. ઝૂંપડીમાં રહેતા અને બીજાના ખેતરમાં મજૂરી કરતા હતાં. હવે ઉંમર થવાથી એ પણ બરાબર થઈ શકતી નહોતી. શહેરની રીત અમને નહીં ફાવે એ બહાનું પણ દિકરાએ કાને ન ધર્યું ત્યારે બંને દીકરા સાથે જવા સહમત થયાં ને પરેશ એમને લઈને શાહેરમાં આવ્યો. શરુઆતમાં તો બંને ઘરમાંજ બેસી રહેતાં અને દીકરાએ શીખવ્યા પ્રમાણે કામ કર્યા કરતાં. સાંજે પરેશ ઓફિસેથી આવતો ત્યારે સાથે જમી પરવારીને દીકરો શહેર જોવા લઈ જતો. આમ થોડાં સમયમાં બંને શહેરી વાતાવરણ અને શહેરી લોકો વચ્ચે રહેવાનું શીખી ગયાં. બંને ખૂબજ ભોળા પણ સંસ્કારી અને પરગજુ હતા. લોકોને પોતાનાથી બનતી મદદ કરતા રહેતા. પોતાની ગરીબી એ લોકો હજુ ભૂલ્યા નહોતા.

આમ થોડાં વર્ષો વીતી ગયાં. હવે બંને ને એમ લાગ્યું કે દીકરાને પરણાવવો જોઇએ એટલે એ ઈચ્છા એમણે દીકરા સમક્ષ રજૂ કરી અને પરેશે મંજુરી આપતા કહ્યું કે પોતે માતાપિતાની પસંદની છોકરી સાથે પરણશે. એ માતાપિતાને એટલો પ્રેમ કરતો કે એ લોકો કંઈ પણ કહે એ ભગવાનની આશિષ સમજતો. રોજ સાંજે એના પિતા પાસેના બાગમાં પોતાની ઉંમરના મિત્રો સાથે વિતાવતા. ત્યાં એમણે પોતાના દીકરા માટે લાયક છોકરી શોધવામાં મદદ માગી. એમના એ મિત્રોમાંના એક ચંપકલાલ હતા. એમણે આ તક ઝડપી લીધી. આમ તો એ ગુલાબભાઈ વિષે ઝાઝું જાણતા નહોતાં. પણ એટલી ખબર હતી કે એમને એકજ દીકરો છે અને કોઇ સારી કંપનીમાં સારા પગારે નોકરી કરે છે. પૈસે ટકે સુખી છે. બીજી માહીતી તો જો છોકરા-છોકરી એકબીજાને પસંદ કરે તો જાણકારી મેળવી લઈશ. એમણે ગુલાબભાઈ સામે પોતાની દીકરી સાચીને એમના દીકરા માટે જોવા આવવાનું આમંત્રણ આપ્યું. ગુલાબભાઈ પણ ચંપકલાલ વિષે વધારે જાણતા નહોતાં સિવાય કે સાચી એમની એકની એક દીકરી છે અને એમની પત્નીનાં મૃત્યુ પછી એમણે એકલે હાથે એને ઉછેરી છે. ચંપકલાલનો સ્વભાવ સારો છે એટલે એમની ઉછેરેલી એમની દીકરીનો સ્વભાવ પણ સારોજ હશે એમ માની બીજે દિવસે પોતે પોતાની પત્ની સાથે એમના ઘરે આવશે એમ કહ્યું અને પત્નીને એ સમાચાર આપવા ખુશ થતાં થતાં ઘરે આવ્યાં. પરેશ તો બીજા શહેરમાં ઓફિસનાં કામે ગયો હતો. એટલે બીજે દિવસે બંને પતિ-પત્ની ચંપકલાલને ત્યાં એમની દીકરી સાચીને જોવા ગયા. સાચી ખૂબજ દેખાવડી હતી. પરેશ માટે બંનેને સાચી પસંદ આવી. હવે પરેશ આવે અને સાચીને પસંદ કરે એટલે ચટ મંગની ને પટ બ્યાહ. પરેશ આવ્યો એટલે એમણે તેને કહ્યું કે અમે છોકરી જોઇ છે અમને પસંદ છે હવે તું એકવાર એને મળીને પસંદ કરે તો આપણે લગ્ન પાકા કરી દઈએ. પરેશ સાચીને જોવા ગયો. એને પણ સાચી પસંદ આવી અને સાચીને પરેશ. સાચી વધુ ભણેલી હતી અને તે ઉપરાંત નોકરી પણ કરતી હતી એટલે એણે સાચીને કહ્યું કે, “મારા માતાપિતાએ અત્યાર સુધી ખૂબજ કામ કર્યુ છે અને મને આટલો યોગ્ય બનાવ્યો છે. મારી ઇચ્છા હવે એમને આરામ મળે એવી છે. એટલે લગ્ન પછી તારે નોકરી છોડવી પડશે.” સાચીને પરેશ ગમી ગયો હતો એટલે એણે પૂછ્યું કે જો એ ઘરનાં કામ અને ઓફિસ બંને સંભાળે તો એને કોઇ વાંધો નથી ને? પરેશે કહ્યું, “ના તો મને કોઇ વાંધો નથી. જો તું બંને જવાબદારીઓ નિભાવી શકતી હોય તો હું લગ્ન માટે તૈયાર છું.”

પરેશ અને સાચી, બંનેની મંજૂરી મળતાં જ વડીલોએ રાહ જોયા વિના તેમના લગ્ન કરાવી દીધાં.

શરૂઆતમાં નવાનવા લગ્ન છે એમ સમજી સૂરજબેન ઘરનાં કામ કરી લેતાં. લગ્નને છ મહિના થવા આવ્યાં પણ સાચી ઘરનાં કામમાં રસ નહોતી લેતી. પરેશ ઘરમાં હોય ત્યારે એ કામ કરવાનો ડોળ કરતી. સૂરજબેનની તબિયત નરમગરમ રહેતી. એ ઈચ્છતાં કે વહુ ઘરનો કારભાર સંભાળી લે અને પોતે પ્રભુભજનમાં સમય વીતાવે. હવે તો સાચી નોકરીએ પણ જવા લાગી હતી. સૂરજબેન પોતાનાથી કામ બનતું ના હોય ત્યારે ગુલાબભાઈ પાસે બબડાટ કરતા કે તેઓ વહુને કહે. ગુલાબભાઈ સૂરજબેનને સમજાવતાં કે વહુ પણ દીકરાની જેમજ નોકરીએથી થાકીને આવે છે અને આપણે તો ઘરમાં નવરા હોઇએ છીએ. જો કામ કરતાં રહીશું તો હરતાં ફરતાં રહીશું અને તારાથી કામ ન બનતું હોય તો લાવ હું મદદ કરું. ગુલાબભાઈ સૂરજબેનને મદદ કરતાં પણ મનમાં તો વહુ કારભાર સંભાળી લે એમ ઈચ્છતાં હતાં. એ બાબતમાં એકવાર વહુ સાથે એમણે વાત પણ કરી હતી. પણ વહુનાં ઉદ્ધતાઈભર્યા જવાબે એમને બીજી વાર વાત કરતાં રોક્યાં. સૂરજબેનને મદદ કરવાનું એમને વધુ યોગ્ય લાગ્યું. સૂરજબેને પરેશને વાત કરવાનું કહ્યું તો ગુલાબભાઈએ સૂરજબેનને એમ કરતાં વાર્યા.

આમ મહિનાઓ વીતી ગયાં. બંનેનું મન હવે ઘરમાં એક બાળકની કિલકારી સાંભળવા ઇચ્છતું હતું. લગ્નને બે વરસ થવા છતાં પરેશને ત્યાં પારણું ન બંધાયું. સૂરજબેને સાચીને આ બાબતમાં પુછ્યું તો સાચી એકદમ ગુસ્સે થઈને ન બોલવાનું ઘણું બોલી ગઈ. સૂરજબેન તો ડઘાઈ જ ગયાં. આ સમયે ગુલાબભાઈ કે પરેશ કોઇ જ ઘરમાં નહોતું. ગુલાબભાઈ ઘરે આવ્યા એમણે સૂરજબેનને એમનાં ઓરડામાં રડતાં જોયા. એ તરતજ એમની પાસે ગયા અને કારણ પુછ્યું. સૂરજબેને રડતાં રડતાં બધી વાત કરી અને વિચાર્યું કે સારુ થયું એમણે વહુનું આ સ્વરૂપ નહી જોયું. પણ એ ક્યાં જાણતાં હતાં કે ગુલાબભાઈ આ સ્વરૂપ જોઇ ચૂક્યા છે પણ દીકરા-વહુનો સંસાર ના બગડે એટલે ચૂપ રહ્યા છે. એક દિવસ જ્યારે દીકરો બીજા શહેરમાં ગયો હતો ત્યારે સૂરજબેને સાચીને ડૉ. સાથે ફોન પર વાત કરતાં સાંભળી કે એ બાળક પડાવવા માગતી હતી. સૂરજબેન છાનાંમાનાં ગુલાબભાઈને બોલાવી આવ્યાં. ફોન મૂક્યા પછી આ બાબતમાં સાચીને પૂછતાં એણે હકારમાં જવાબ આપ્યો. તો એને આમ ન કરવા સૂરજબેન હાથ જોડી કરગરી રહ્યા, પણ એમણે સાચીને પૂછ્યું એ એમનાથી કોઇ મોટો ગુનો થઈ ગયો હોય એમ સાચી બંનેને ગમેતેમ બોલી ઘરની બહાર નીકળી ગઈ. બંને પતિ-પત્નીને ખૂબજ આઘાત લાગ્યો. પરેશને સંબોધીને એક ચીઠ્ઠીમાં બધું લખી દીકરાને આશીર્વાદ આપી બંનેએ ઝેર ઘોળી લીધું.

ચંપકલાલના ફેમિલી ડૉક્ટરે સાચીનો આ ઈરાદો ચંપકલાલને જણાવ્યો એટલે સાચીને સમજાવવા ચંપકલાલ એનાં ઘરે આવ્યાં પણ ઘરનું દ્રશ્ય જોઇને તો એ એકદમ હેબતાઈ ગયા. ગુલાબભાઈના હાથમાંથી કાગળ લઈને વાંચતાં જ એમની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.. એમણે શું ધાર્યું હતું ને શું થઈ ગયું? પોતે પોતાની દીકરીને સ્વતંત્રતા આપી ને એ સ્વચ્છંદી બની ગઈ હતી એનો અપરાધભાવ એમની આંખો માંથી અશ્રુરૂપે વહી રહ્યો હતો. પરેશને જલ્દી બોલાવી લીધો. પોલીસના લફરામાં નહીં પડાય એટલે આત્મહત્યાની વાત છુપાવી. અંતિમસંસ્કાર કરીને ઘરે આવતાંજ ચંપકલાલે પેલી ચીઠ્ઠી પરેશના હાથમાં મુકી અને હાથ જોડી એના પગમાં પડી ગયાં. પહેલાં તો પરેશ કંઈ ના સમજ્યો પણ કાગળ વાચતાંજ ચંપકલાલને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સાચી સમજી ના શકી કે કેમ એના પિતા પરેશના પગમાં પડ્યા. એ અચંબાથી જોઈ રહી. ચંપકલાલ બોલ્યા, “દીકરા પરેશ, મને માફ કરી દે. સાચીને હું શિક્ષિત તો બનાવી શક્યો પણ સંસ્કારી નહીં. એની દરેક જરુરિયાત મેં પૂરી કરી, માં વિહોણી સમજીને ને સાચી એ પણ ભૂલી ગઈ કે વડીલોના આશીર્વાદ વિના કોઇ મનુષ્ય સુખી નથી થઈ શકતો – માતા બનવાથી જ તો સ્ત્રી સંપૂર્ણ નારી બની છે. મને માફ કરી દે દીકરા, માફ કરી દે.” પિતાને આમ વલોપાત કરતાં જોઇને અને એમાં પોતાનો ઉલ્લેખ થતાં સાચીએ પરેશના હાથમાંથી કાગળ લઈને વાંચ્યો. પોતે કરેલી નાદાનીનું આવું પરિણામ આવશે એમ એણે ધાર્યું નહોતું. એ પરેશના પગમાં પડી માફી માગી રહી. એની આંખમાંથી પસ્તાવાનાં આંસુ વહી રહ્યા હતાં. પણ પરેશ હવે પોતાના માતાપિતા ક્યાંથી લાવે? એની આ વેદના એના સિવાય બીજું કોણ સમજે?

‘શું દરેક શિક્ષિત નારી આટલીજ કઠોર હશે?’ એનું મન વિચારી રહ્યું. ભણતરની સાથે સાથે સ્ત્રીમાં અહં પણ આવ્યો છે. પુરુષને માત્ર કમાતો જોઇને હવે સ્ત્રીને પણ ઘરનાં કામ કરવામાં નાનમ લાગે છે. પતિના માતાપિતા હવે એને બોજ લાગે છે. એજ્યુકેટેડ હોવાના ભ્રમમાં હવે એની સહનશક્તિ ઓછી થવા લાગી છે. એ પોતાના પતિમાં દોષ શોધવા લાગી છે. જે પતિનું કામ કરવામાં એ ગર્વ અનુભવતી એજ કામ કરવામાં હવે એને ગુલામી લાગે છે. પહેલાં પતિ ઓફિસથી મોડો ઘરે આવતો તો એ જાગતી રહીને પતિને રસોઈ ગરમ કરીને સાથે જમતાં. હવે સ્ત્રી નોકરીએથી આવી રસોઇ બનાવી પોતે જમીને પતિનું ખાવાનું કેસેરોલમાં ઢાંકીને મૂકી પોતે સૂઈ જાય છે. અને માને છે કે પોતાની ફરજ પૂરી થઈ ગઈ. પતિ પણ આવીને ભૂખ હોય તો જમીને સૂઈ જાય છે. બંને વચ્ચે કોઇ જ વાર્તાલાપ નહીં. મન હોય તો શારીરિક સુખ માટે પત્નીને ઉઠાડી યંત્રવત કામ પતાવી બંને સુઈ જાય છે. એને પરિણામે સમાજમાં છુટાછેડાના અને ડીપ્રેશનનાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ માનસિક તાણમાં જીવતાં વ્યક્તિઓની આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. જેના ફળસ્વરૂપ કોઇ રોકટોક વિના ઉછરેલા બાળકો હિંસક બની રહ્યા છે. અવળે રસ્તે ચડી પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે. પહેલાના જમાના માં કહેવત હતી કે એક માતા સો શિક્ષકોની ગરજ સારે. પણ આજનાં જમાનાની માતા પાસે નોકરી કે કીટીપાર્ટીઓમાંથી બાળકો સાથે વિતાવવાનો સમય નથી. નોકરીનાં સ્થળે સહકાર્યકરોની સાથે વધુ સમય વિતાવવો પડતો હોવાને કારણે તે પોતાના સહકાર્યકરોની વધુ નજીક આવે છે અને આમ લગ્ન બાહ્ય સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે. પહેલાનાં જમાનામાં પણ આવા સંબધો હતાં પણ એનું પ્રમાણ ઓછું હતું અને ભૂલેચૂકે એ સંબંધો જાહેર થતાં તો સ્ત્રી નાનમ અનુભવતી. પણ આજે એજ નારી આવા સંબંધોનો સ્વીકાર કરતાં અચકાતી નથી કે શરમાતી પણ નથી.

સ્ત્રીને શિક્ષિત બનાવવાના સિક્કારૂપી એક બાજુ એને પ્રગતિ તરફ લઈ જાય છે તો એજ સિક્કાની બીજી બાજુ રૂપે એને અધોગતિ તરફ પણ્ લઈ જાય છે. શિક્ષિત નારીના સિક્કાની બીજી બાજુ નાં ખરાબ પરિણામો પર પણ સમાજે વિચારવા જેવું ખરું એમ મારું માનવું છે તમે શું માનો છો?

– નિમિષા દલાલ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ

 • alpa m

  REally good story but about the last paragraphs, would like to convey that female is also a human.. not necessarily she should feel proud for doing works of her husband and all house hold jobs by her own even after she is tired of job ful day in office. she is not a robot. her capacity changes time by time. she is not house-maid after all. this doesnt mean she should leave job for household jobs

 • hitesh bhuptani

  નિમિશા બેન, જય શ્રી ક્રીશ્ના,

  સામ્પ્રત સમાજનું વરવું સ્વરુપ દર્શાવવા બદલ આભાર! સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિવર્તિત થૈ ગયે લગભગ દસકો પસર થૈ ગયો લાગે છે કે આ પરિસ્થિતિ વર્ષો વર્ષ વધુ ને વધુ વંઠતી જ જશે.

 • મનિષ શાહ

  એક પુરુષ ની વ્યથા ને ખુબ જ સુંદર શબ્દ મા વર્ણવી છે. અને ખરુ કહુ તો પ્રશંશા માટે શબ્દો ઓછા પડે છે.

 • નિમિષા દલાલ

  વિનોદભાઈ અને હિતેશભાઈ આપનો ખુબ ખુબ આભાર.. આશા છે કે હવે આગળ પણ મારી લખેલી વાર્તાઓ વાંચી આપના અભિપ્રાય આપતા રહેશો. મારી વાર્તામાં જે સારું હોય એ ઉપરાંત જે સારુ કે સાચું ના લાગે એ બાબતમાં પણ અભિપ્રાય આપશો તો વધુ ગમશે જેથી હું મારા લેખનને વધુ સારું કરી શકું… ફરીથી આપ બન્ને નો તેમજ અશોકભાઈ નો પણ આભાર માનું છું.

 • Hitesh

  Good story. Education is important for all children – Male and Female. Education creates quest for Knowledge and leads to Wisdom.

  Story provides insight on controls and down sides of upbringing of child to become social responsible member in society.
  If human uses his wisdom for wrong doings it can lead bad situations.

 • નિમિષા દલાલ

  આભાર અશોકભાઈ.. ધ્યાનથી મારી વાર્તા વાંચીને આપનો અભિપ્રાય આપવા બદલ.

 • Ashok Vaishnav

  મનુષ્ય સ્વભાવની બે બાજૂઓનું ઘડતર તેની આસપાસના સંજોગો કરે છે.
  આ વાર્તામાં પણ ચંપકલાલે સાચીને વધારે પડતા લાલન પાલનના સંજોગો આપવા પડ્યા તેને કારણે સાચીનું માનસીક બંધારણ વધારે પડતું સ્વાર્થી કે પોતાની જ વાત ખરી કરાવવાવાળું થઇ ગયું હોય તેવું વધારે માની શકાય. તે માટે માત્ર શિક્ષણને દોષ આપવો વ્યાજબી કદાચ ન કહેવાય.
  જો કે સારું શિક્ષણ વ્યક્તિની ઉણપોને ઓળખી આપવામાં મદદરૂપ થાય તેવી વિચાર શક્તિ પૂરી પાડે અને તેને જરૂર મિજબ સુધારી શકવાની સમજણ આપે તેવી અપેક્ષા રાકહવી જોઇએ.
  સાચીના કિસ્સામાં તો ક્યાંતો શિક્ષણપણ આ માપદંડે ઉણું પડ્યું હશે અથવ તો સંજોગોના નકારાત્મક પ્રભાવને અતિક્રમી નહીં શક્યું હોય્.
  શિક્ષણ એક સાધન માત્ર છે, તેનો ઉપયોગ કઇ રીતે થાય તે પ્રમાણે તેનું મૂલ્ય પરવડે.

 • Vinodbhai Machhi

  પરમ આદરનીય નિમિષાજી..! નમસ્કાર વ જયશ્રી કૃષ્‍ણ..!

  ખુબ જ સુંદર લેખ છે.આપે વર્તમાન સમયની વાસ્તવિકતાનો ચિતાર આપ્‍યો છે.

  બાળકોને વારસામાં સંસ્કાર અને સુશિક્ષણ આપવાની જ જરૂર છે.
  વિનોદભાઇ માછી