સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10
દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું. વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે. પ્રસ્તુત છે આવો જ એક પ્રસંગ અને વિચાર….