વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ 8


પીપાવાવમાં અમારી કંપની દ્વારા ઉજવાયેલ નેશનલ સેફ્ટી વીક અંતર્ગત ૬ માર્ચના રોજ મેં રક્તદાન કર્યું, એટલે ભાવનગર બ્લડબેંક તરફથી સ્વામી વિવેકાનંદે કહેલા વાક્યો અને વિચારોના લિફ્લેટ્સ કાર્ડનો એક સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ સંગ્રહ ખરેખર વસાવવા લાયક છે, જે ફક્ત ૪૦ રૂપિયાનો છે અને ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ એ શિર્ષક હેઠળ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાયો છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય, સફળતા, ઈચ્છાશક્તિ, નિર્ભયતા, સામર્થ્ય, ત્યાગ અને આત્મશ્રદ્ધા જેવા વિષયો પર સુંદર સંકલન કરાયું છે. પ્રસ્તુત છે એ સંપુટમાંથી કેટલાક આફરીન કહી ઉઠીએ એવા વિચારબિંદુઓ.


શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા
પોતામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા,
મહત્તાનું આ જ રહસ્ય છે.
ભલે તમને તમારા પુરાણના
તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય,
પણ
જો તમને તમારા પોતામાં શ્રદ્ધા નહીં હોય
તો તમારા માટે મુક્તિની કોઈ આશા નથી.
તમારા પોતામાં શ્રદ્ધા રાખો;
એ શ્રદ્ધા પર મુસ્તાક રહો,
અને બળવાન બનો;
આપણને અત્યારે એની જરૂર છે.


યુવકોને સંગઠિત કરવા હું જન્મ્યો છું,
એટલું જ નહિ, પ્રત્યેક શહેરમાં સેંકડો યુવકો
મારી સાથે જોડાવા તૈયાર છે,
ભારતમાં ગરીબમાં ગરીબ અને પદદલિત લોકોના
દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને શિક્ષણ પહોંચાડવા
અર્થે મારે એમને મોકલવા છે,
આ હું કરીશ કે મરીશ.


ગમે તે જીલ્લાઓ કે ગામમાં તમે જાઓ,
કેવળ મૃદંગ અને કરતાલના જ અવાજ સાંભળશો !
આ દેશમાં ઢોલ નથી બનતાં?
શું રણશિંગાં અને નગારાં ભારતમાં નથી મળતાં?
યુવાનોને અને કિશોરોને આ
વાજિંત્રોના ઘોર અવાજો સંભળાવો.
બચપણથી આવા કોમળ સંગીતના
નિર્માલ્ય અવાજો અને કીર્તનો સાંભળી
આ દેશ લગભગ સ્ત્રીઓના દેશ જેવો થઈ ગયો છે.
આનાથી વિશેષ વળી કઈ અધોગતિની
તમે આશા રાખો છો?
ડમરુ અને રણશિંગા બજાવવાં જોઈએ;
ઘોર વીરતાભર્યા સ્વરો સાથે નગારાં વગાડવાં જોઈએ
અને મોં વાટે
‘મહાવીર, મહાવીર!’
એ શબ્દો તથા
‘હર હર ! બોમ, બોમ !’
એવા પોકારથી દિશાઓ ગજવી મૂકવી જોઈએ.


છેક સુધી પીછેહઠ ન કરીશ, એ જ મુદ્દો છે…
છેલ્લે સુધી લડત ચાલુ રાખ;
પરિણામ ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે,
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય,
મૃત્યુ એ માત્ર વેશબદલો છે
એમાં શું? માટે યુદ્ધ કર…
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે,
જગતના સર્વ દેવો સમક્ષ તમે રડ્યા,
તેથી દુઃખ દૂર થયું છે ખરું?
છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણા રડે છે,
અને છતાં કૂતરાને મોતે મરે છે,
એ દેવો ક્યાં છે?
સફળ થાઓ ત્યારે જ દેવો મદદમાં આવે છે?
તેથી લાભ શો?
માટે ઉઠ, જાગ અને યુદ્ધ કર !


જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય
તો તમારી પાસે પ્રચંડ ખંત
અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.


જ્યારે હ્રદયમાં દુઃખ આવે,
જ્યારે વિષાદના તોફાનો ચારે તરફ ઘૂમી વળે,
અને હવે પ્રકાશ નહિં દેખાય તેવું લાગે
જ્યારે આશા અને હિંમત લગભગ નાશ પામ્યા હોય
ત્યારે મહાન આધ્યાત્મિક ઝંઝાવાતની વચ્ચે
અંદર રહેલો બ્રહ્મનો પ્રકાશ ચમકે છે.


માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.


સૌ પહેલા આપણા નવયુવકો
તાકાતવાન બનવા જોઈએ,
ધર્મ પાછળથી આવશે;
મારા યુવક મિત્રો, સુદ્રઢ બનો,
મારી તમને એ સલાહ છે
કે ગીતાના અભ્યાસ કરતાં
ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો.


પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા કહેતા;
નવો ધર્મ કહે છે કે
જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.


ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો?
શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વર સ્વરૂપ નથી?
તો એમની પૂજા પ્રથમ શા માટે ન કરવી?
ગંગા કાંઠે કૂવો ખોદવા શા માટે જવું?

  • સ્વામી વિવેકાનંદ

(સાભાર સંદર્ભ – ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ સંપુટ, પ્રકાશક – શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ