તપસ્યા (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 5


હેમાંગીની બારીમાં ઉભી ઉભી પોતાની વીતેલી જીંદગીનાં સારા-નરસા પ્રસંગોનું સરવૈયું કાઢી રહી હતી. પોતે બહુ સુંદર તો ન કહી શકાય પણ આકર્ષક જરુર હતી. એની પરણવા લાયક ઉંમર થતાં એનાં માતાપિતાએ જ્યારે રાકેશને જોવાનું ગોઠવ્યું ત્યારે રાકેશ એને પ્રથમ નજરેજ ગમી ગયેલો અને પોતે રાકેશને. રાકેશના માતાપિતાને સંતાનમાં એક દિકરો રાકેશ અને એક દીકરી નિશા હતી. કરીયાણાનો જામી ગયેલો ધંધો હતો. નિશા કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી હતી અને રાકેશ પિતાને એમના બીઝનેસમાં મદદ કરતો હતો. પોતે જ્યારે પરણીને સાસરે આવી ત્યારે એની નણંદ નિશાએ એનું નામ ટુંકાવીને હેમાંગીની માંથી ગીની કરી નખ્યું. એ હોંશથી એના મિત્રોમાં ભાભીની ઓળખાણ કરાવતી સોનાની ગીની જેવી મારી ભાભી ગીની. બંને હતાં નણંદ – ભોજાઈ પણ બે સહેલીઓની માફક જ રહેતાં. રાકેશ અને ગીની નો સંસાર સુખરૂપ ચાલતો હતો. ચાર વર્ષનાં લગ્નગાળામાં નિશા એક ભત્રીજો અને એક ભત્રીજીની ફોઇ પણ બની ગઈ.

કોલેજમાં નિશાનો એક મિત્ર હતો પ્રભાત. બંને એકબીજાને પસંદ કરતા હતા પણ જાહેરમાં હંમેશા લડતા રહેતા હતા. બંને સ્કોલર હતાં. કોલેજની દરેક હરિફાઈમાં બંને ભાગ લેતાં હતા એમ બંને એકબીજાના હરીફ પણ હતા. કદીક નિશા આગળ રહેતી કદીક પ્રભાત. કોલેજ પૂરી થયા પછી બંને એકબીજાને યાદ કરતા રહેતા હતા. જેના પરિણામ સ્વરૂપે બંને બાગબગીચામાં મળવા લાગ્યા. બંનેના મનમાં પ્રેમનાં અંકુરો ફુટ્યા પણ એકબીજા સમક્ષ જાહેર ન કર્યું. એક દિવસ પ્રભાતે કહ્યું કે પોતે આગળ અભ્યાસ માટે અમેરિકા જાય છે. નિશાની આંખોમાં આંસુ આવ્યાં પણ એ એણે પ્રભાતથી છુપાવ્યા અને હસતે મુખે શુભકામનાઓ સાથે પ્રભાતને વિદાય આપી અને પોતે પિતાએ અપાવેલી નોકરીમાં વ્યસ્ત થઈ ગઈ.

એક દિવસ ન ધારેલું થઈ ગયું. નિશાના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. જાણે પરિવારનો મોભ તૂટી ગયો. અચાનક હાથમાં આવેલા સંપૂર્ણ કારભારે રાકેશનું મન વિચલીત કરી નાખ્યું. એના મિત્રોએ એને દારૂ અને જુગારની લતે ચડાવી દીધો. પોતાના પિતાનો ધંધો, એમની બચત, ઈજ્જત… બધુંજ તે ગુમાવી બેઠો. હેમાંગીની અને પોતાની માતાના કહેવાથી પણ એ ન સમજ્યો. આવા સંજોગોમાં નિશાએ નોકરી છોડીને દુકાન સંભાળી લીધી. ભાઇને દુકાને આવતો બંધ કરી દીધો. આનું ઉલટું પરિણામ એ આવ્યું કે એના ખર્ચ માટેના રૂપિયા માટે એ દારૂ પીને દેવાંગીની ને મારતો. એની માતાને તો એક બાજુ પતિના જવાનું અને બીજી બાજુ દીકરો અવળે પાટે ચડી ગયા નું દુ:ખ – એટલે એ તો બાંવરીજ થઈ ગયેલી. આખા ઘરની જવાબદારી હવે નિશા પર હતી. બહાર ભાઈએ ઉભા કરેલા લેણદારો અને ઘરમાં ભાઈની મારપીટ, આ બધાથી નિશાના મોં પરનું હાસ્ય ખોવાઈ ગયું. એ એકદમ ગંભીર થઈ ગઈ. વાતવાતમાં મજાક કરનારી નિશા આજે ઉદાસ બની ગઈ. એ પોતાની કુનેહથી દુકાન ચલાવતી હતી. ભાઈના લેણદારોએ એક ઉપકાર એ કર્યો હતો કે દેવું ચૂકવવા માટે સામટા રૂપિયાને બદલે નિશાને માસિક હપ્તો બાંધી આપ્યો હતો. નિશા ખુબજ મહેનત કરતી. ધીરે ધીરે દુકાન વ્યવસ્થિત ચાલતી થઈ ગઈ અને ભાઈનું દેવું પણ લગભગ પુરું થવા આવ્યું હતુ. નિશા જ્યારે થાકીને ઘરે આવતી અને ગીની એની સેવા કરતી તો એ ના કહેતી. ગીની રડી પડતી તો નિશા એને આશ્વાસન આપતી.

આમ ને આમ સમય પસાર થતો ગયો. એક દિવસ પ્રભાત પણ પોતાનો અભ્યાસ પૂરો કરી ભારત પાછો આવી ગયો. એ નિશાને મળ્યો. નિશામાં આવેલી ગંભીરતા અને ઉદાસી જોઇને એનું દિલ ચીરાઈ ગયું. એણે નિશાને એની ઉદાસીનું કારણ પૂછ્યું અને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. નિશાએ બનેલી ઘટનાઓથી પ્રભાતને માહિતગાર કર્યો. અને લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારી શકવાની પોતાની મજબૂરી કહી પણ પ્રભાત નિશાની એક વાત ન માન્યો ત્યારે નિશાએ વિચારવા માટે સમય માગ્યો. પોતાની માતાની સંમતિની પણ જરૂર પડશે એમ કહી વાત ટાળી દીધી.

પ્રભાત પણ ક્યાં એમ પાછો પડે એમ હતો? એણે નિશાને એક અઠવાડિયાનો સમય આપ્યો અને કહ્યું કે, “તારા જવાબ માટે વરસો કાઢીને મારે બુઢ્ઢા નથી થવું. એક અઠવાડિયામાં તું જવાબ નહીં આપશે તો તારું અપહરણ કરીને લઈ જઈશ.” આ વાત સાંભળી વરસો પછી નિશાનાં હોઠ પર જરાક સ્મિત આવ્યું. નિશાનું સ્મિત જોઇને પ્રભાત પણ ખુશ થયો. નિશા ઘરે આવી, જમીને એણે પોતાની માતાને પ્રભાત વિશે વાત કરી. એ ખુશ તો થઈ પણ પછી જરા ગંભીર થઈ બોલી, “બેટા, આમતો ઘરનાં વડીલો લગ્ન માટે પાત્ર શોધે પણ હું એ જવાબદારી નથી નિભાવી શકી. જો છોકરો સારો હોય અને તને પ્રેમ કરતો હોય તો મને શું વાંધો હોય? પણ એક વાર એને મને મળવા ઘરે લઈ આવજે.” વળી મનમાં તો એ વિચારતી હતી કે જો નિશા પરણીને એને સાસરે જતી રહેશે તો આ ઘર કેમ ચાલશે? પણ મોં પર એની માતાએ પોતાની સમસ્યા જણાવા દીધી નહોતી. બીજે દિવસે દુકાનેથી આવતાં નિશા પ્રભાતને પોતાના ઘરે પોતાની માતાને મળવા લઈ આવી. પ્રભાત માટે ચા – નાસ્તો લાવવાના બહાને નિશાને એની માતાએ ત્યાંથી મોકલી દીધી. પછી પ્રભાતને રાકેશની અને ઘરની પરિસ્થિતિ જણાવી. રાકેશને સમજાવવાનું પોતાને માથે લેવાનું અશ્વાસન એણે નિશાની માતાને આપ્યું. અને એમને ચિંતા નહીં કરવા કહ્યું.

એક દિવસ નિશા દુકાને હતી ત્યારે પ્રભાત નિશાના ઘરે ગયો અને રાકેશને લઈને હમણા આવું છું કહી બહાર ચાલ્યો ગયો. પ્રભાત એને એવી સંસ્થામાં લઈ ગયો જ્યાં વ્યક્તિઓનો ઈલાજ કરી એમને દારૂના વ્યસનમાંથી મુક્તિ અપાવવામાં આવે છે. રાકેશને સમજાવીને ત્યાં દાખલ કર્યો. રાકેશ પણ આ વ્યસનમાંથી છૂટવા માગતો હતો. એના મિત્રો, જે રૂપિયા હતા ત્યારે એની આગળ પાછળ ફરતાં હતાં, એ રૂપિયા ખલાસ થતાં જ એનાથી દૂર ભાગતા હતા. રાકેશને હવે વાસ્તવિકતા સમજાઈ હતી પણ હવે બહુ મોડું થઈ ગયું છે એમ એ માનતો હતો. પ્રભાતે જ્યારે એને સમજાવ્યું ત્યારે એ પ્રભાતને સહકાર આપવા રાજી થઈ ગયો. પ્રભાતે એને જીવન જીવવાનો બીજો મોકો આપ્યો એમ એને લાગ્યું. પ્રભાત નિશાને સરપ્રાઈઝ આપવા માગતો હતો એટલે આ બાબતમાં એણે નિશાને કંઈ જ ના કહ્યું અને એક મહિના માટે શહેરની બહાર ચાલ્યો ગયો જેથી કોઇ એને પૂછી ના શકે. સાંજે નિશા દુકાનેથી ઘરે આવી ખાઈને પોતાના ઓરડામાં જતી રહી. રાતના બે વાગે માએ અને ભાભીએ એને જગાડી કે ભાઈ હજુ ઘરે નથી આવ્યો. આમતો રોજ એ બાર વાગે ઘરે આવી જતો. ભલે પીને, પણ એ રાતે મોડું નહોતો કરતો.

નિશાએ સવાર સુધી રાહ જોવાનું કહ્યું. માએ અને ભાભીએ રાકેશ પ્રભાત સાથે ગયો હોવાનું નિશાથી છુપાવ્યું. એમના મનમાં શંકા હતી કે પ્રભાતે તો કંઈ કરી નાખ્યું નહીં હોય ને પણ નિશાને એ શંકા વિશે કહેવાથી ડરતા હતા. ચિંતામાં ને ચિંતામાં સવાર પડી ગઈ. સવારે માતાએ બે દિવસ રાહ જોવાનું કહ્યું કદાચ પ્રભાત કોઇ સમાચાર આપી જાય. બે દિવસ બે દિવસ કરતાં એક અઠવાડીયું વીતી ગયું. પ્રભાતનો પણ કોઇ પત્તો નહોતો. હવે ગીની અને નિશાની માતાએ નિશાને સાચી હકીકત કહી દેવા વિચાર્યું. એક અઠવાડિયું વીતી જવા છતાં પોતાના ઘરેથી કોઇ પોતાને મળવા પણ ના આવ્યું એ જાણી રાકેશને દુ:ખ થયું. પ્રભાત પણ નહોતો આવતો. રાકેશે સંસ્થાનાં સંચાલકને પોતાના ઘરનું સરનામું આપી પોતાના વિશે જણાવવા કહ્યું. સંચાલકે એક ટુંકો પત્ર રાકેશના ઘરે લખ્યો કે એક અઠવાડિયાથી રાકેશ એમના કેન્દ્રમાં વ્યસનમુક્તિની સારવાર લે છે. એક મહિનો આ સારવાર ચાલશે. પત્ર મળતાં સાસુ-વહુ બંને આનંદમાં આવી ગયા. સાંજે દુકાનેથી થાકીને નિશા ઘરે આવીને ડ્રોઈંગ રૂમમાં બેઠી. ગીની ચાના કપ સાથે પેલો પત્ર એને આપી ગઈ. નિશાએ પૂછ્યું ‘શું છે?’ પણ ગીની જવાબ આપ્યા વિના રસોડામાં જતી રહી અને ભીંતની આડશે સાસુ-વહુ બંને એની પ્રતિક્રિયા જોવા લાગ્યા. ચાનો એક ઘુંટડો ભરી નિશાએ પત્ર વાંચ્યો. પત્ર બહુજ ટુંકો હતો પણ એમાં ખુશીઓ નો ઢગલો હતો. એ તરત દોડીને રસોડામાં ગઈ અને ગીનીને વળગીને રડી પડી પણ આ આંસુ ખુશીના હતાં. અચાનક આવી પ્રતિક્રિયાથી ગીની ડઘાઈ ગઈ એનો ખ્યાલ આવતાં જ નિશા બોલી કે હવે મારો ભઈલો તમારા માટે ખુશીઓનો ભંડાર લાવશે. અને ફરી પાછી એ ગીનીને વળગી પડી આ વખતે એની મા પણ એમાં જોડાઈ. ભાઈ ત્યાં કેવી રીતે પહોંચ્યો એ સવાલ એના મનમાં ઉઠ્યો. માએ જે રાતે રાકેશ ઘરે નહોતો આવ્યો ત્યારે પ્રભાત રાકેશને પોતાની સાથે લઈ ગયેલો એ જણાવ્યું. અમે આ વાત તારાથી છુપાવી હતી નકામી તું પ્રભાત પર શક કરે. અમે પહેલાં પ્રભાત સાથે વાત કરવા માગતા હતા. પણ ત્યારથી આજ સુધી પ્રભાત પણ નથી દેખાયો. આજે જ અમે તને આ વાત કરવાના હતાં પણ ત્યાંતો ખુશીઓ નો સંદેશો લાવતો આ પત્ર મળ્યો. નક્કી પ્રભાતજ રાકેશને ત્યાં લઈ ગયો હશે. અમે કેટલો ખોટો સમજતા હતા પ્રભાતને. હવે બધા આતુરતાથી મહિનો પૂરો થવાની રાહ જોવા લાગ્યા.

મહિનો પૂરો થયો. આખરે એ દિવસ આવીજ ગયો. રાકેશનું બદલાયેલું સ્વરૂપ જોઇ નિશા, એની માતા તેમજ ગીની બધા આશ્ચર્ય પામી ગયા. ઘણા વખત પછી પોતાના પુત્રને એના મૂળ સ્વરૂપે જોતાં માની આંખો ભરાઈ આવી. રાકેશે એક પછી એક બધાને વળગીને બધાની માફી માંગી. નિશાનો ખાસ આભાર માન્યો અને પ્રભાતનો આભાર માનવા એની નજર પ્રભાતને શોધી રહી. પ્રભાત સંતાઈને આ મિલન જોયા કરતો હતો. એ નહોતો જાણતો કે પોતે રાકેશની સારવાર કરાવી છે એ વાત ઘરમાં બધાં જાણે છે. રાકેશે પ્રભાતને બૂમ પાડી. પ્રભાત ઘરમાં આવ્યો. તેને જોતાંજ નિશા એને મારવા દોડી. પહેલાં તો બધાંને કંઈ સમજ નહી પડી પણ જ્યારે નિશાએ પ્રભાતને કહ્યું કે આ વાત એણે પોતાનાથી શું કામ છુપાવી ત્યારે બધાં મલકી રહ્યાં. પ્રભાતે કહ્યું કે પોતે તો તેને સરપ્રાઈઝ આપવા માગતો હતો પણ સરપ્રાઈઝનું સૂરસૂરિયું થઈ ગયું. પ્રભાતે પોતાને માટે કરેલા મેડમના સંબોધનથી નિશા શરમાઈ ગઈ અને ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

એક અઠવાડિયું પરિવાર સાથે ખુશી ખુશી વિતાવી રાકેશે વરસોની કમી પૂરી કરી. પછી ફરી એ દુકાને જવા લગ્યો. દેવું તો બહેને લગભગ પુરું જ કરી નાખ્યું હતું. હવે એણે દુકાન અને ઘર સંભાળવાના હતાં. ફરી નિશાનો અને પ્રભાતનો આભાર માની ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા. નિશા અને ગીનીની પાંચ પાંચ વર્ષની તપસ્યા ફળી. નિશા અને પ્રભાતનાં લગ્નને પણ ત્રણ વર્ષ થઈ ગયા હતા અને બંને એક પરી જેવી દીકરીના માતા પિતા પણ બની ગયા હતા. એનું નામ પણ પરી જ રાખ્યું હતું. વરસ પહેલાં જ પોતાના દિકરા અને દીકરીના સુખી સંસાર જોઈ માતાએ અંતિમશ્વાસ લીધા હતા. આજે એમનાં મૃત્યુની તિથિ હતી ને ગીની બારીએ ઉભી નણંદની રાહ જોતી હતી.

“જો દિકરા મામી… આપણીજ રાહ જોઇને બારીમાં ઉભા છે. જો…. જો….” બારી માંથી પોતાની વહાલી નણંદનો અવાજ સાંભળી હેમાંગીની વર્તમાનમાં આવી અને દોડીને નણંદની આગતા સ્વાગતા કરવામાં જોડાઈ ગઈ.

– નિમિષા દલાલ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “તપસ્યા (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ

  • નિમિષા દલાલ

    આભાર વાચકોનો વાર્તા વાંચવા બદલ તેમજ આપનો અભિપ્રાય આપવા બદલ.. હવે પછી પણ આપનો આવોજ સહકાર મળી રહેશે એવી આશા.

  • Ashok Vaishnav

    નવલિકા લાગણીઓ કે વિચારોની રજૂઆતનું સંકેન્દ્રીત અસરકારક માધ્યમ ગણાય છે.
    પ્રસ્તુત નવલિકામાં પણ પ્રસંગોનું વર્ણન સીધે સીધું જ થતું જણાય છે, અને તેને કારણે એક પ્રકારનો ડર પણ રહ્યા કરે છે કે વાર્તાકાર કોઇ ન કલ્પેલો વળાંક તો નહીં લાવે ને.
    પરંતુ, જ્યારે સહુ સારાં વાનાં થઇ રહે છે ત્યારે વાચક પણ અંતરથી આનંદની લાગણીનો હાશકારો અનુભવે છે, નિશા કે ગીનીની જેમ જ.