દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા,
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાવી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે.
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરુ મધ પરંતુ જેમણે ચાખ્યું નથી;
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશ્વરી
હાય, એવા દેશના જાણે ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળા
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ના મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતા.
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતાં યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીંગડા મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે!
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા;
એ જ નેજા! એ જ વાજાં! એ જ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
– ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે
ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ – લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. જિબ્રાન કહે છે ‘…એ દેશની ખાજો દયા….’ જ્યાં આવું બધું થતું હોય. દેશનો અંતરિમ ભાગ એટલે દેશબાંધવો, એમની અધોગતિ એટલે દેશની અધોગતિ.
તેઓ કહે છે, ‘Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.’ (The garden of prophet) તો કેનેડીનું પ્રિય વાક્ય પણ મૂલતઃ જિબ્રાનની વાણી જ છે, તેમણે કહ્યું છે, ‘Are you a politician asking what your country can do for you or a zealous one asking what you can do for your country. If you are the first then you are a parasite. If you are the second then you are an oasisi in a desert.’
આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે. રચના અર્પણ છે આપણા ચૂંટેલા સત્તાધીશોને જેમને ઈશ્વર સદબુદ્ધિ આપે એવી પ્રાર્થનાઓની જરૂર છે.
PLEASE U SAND ME THIS POEM IN MY EMAIL…
I DREAM TO MAKE THIS POEM REMIX IN GUJRATI LANGUAGE
સરસ વાંચવા લાયક અને સમજવા લાયક કવિતા..
જાગો ભારત જાગો…
આપણા દેશની આજની પરિસ્થિતિનો ચિતાર આ કાવ્યમાઁ આબેહૂબ ચિતર્યો છે, મકરઁદ દવેની કલમ મોળુઁ તો પીરસે જ નહીઁ,પણ આ વાઁચીને વ્યથા અનુભવાય છે.
SITUATION OF OUR NATION, NEEDS SUCH KAVI, LEKHAKO TO AWAKE OUR SLEEPING NATION, BECAUSE BAPU AND HIS FOLLOWERS ARE NOT IN GOVERNMENT BUT, SELFISH POLITICIANS ARE LOOTING AND LET LOOT AND POCKET SMALL SHARE AS BRIBE, WITHOUT CARING,nor thinking what is going on with commonman or poor. rich can do and will do but what of have nots? read the thought of the day 2010 by our Dr.VASANTBHAI.THIS DAY PAST YEAR