એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 1


પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.

[૧]

જળદેવીના લહેરિયા સાળુ ઉપર આથમતો સૂર્ય જ્યારે ચંપકરંગી ટીબકીઓ ભરત ભરતો નીચે ઊતરતો હતો, ત્યારે એક નૌકા એ પાણી ઉપર પહોળો પટ્ટો પાડતી ઝૂલણગતિએ ચાલી આવતી હતી. એને દેખીને બંદરનું બારું જાણે જીવતું બન્યું હતું, ઉદ્યમ અને આજીવિકાના થનગનાટ એ સંઘ્યાકાળને રોમાંચિત કરી રહ્યા હતા.

સહુથી વધુ ઉલ્લાસ રમતો હતો એક સુઘડ સુવાસિત મકાનમાં; જ્યાં સોળથી લઈ ત્રીસ વર્ષની કુમારિકાઓનો માલિક એ વિદેશી નાવિકોનાં ભર્યા ભર્યા ગજવાંની વાટ જોતો ધૂપદીપ અને પુષ્પોના શણગાર સજાવી પ્રત્યેક ઓરડાને જાગ્રત કરતો હતો. જાતજાતની જટાને આકારે ગૂંથેલા ઊભા અંબોડાની ઘાટી ઘટામાં એ ચીબલાં નાક અને ચળકતી ઝીણી આંખોવાળું સૌંદર્ય ચહેરે ચહેરે રમતું હતું. છાતીથી પગની ઘૂંટી સુધી પહેરેલા ચપોચપ કિમોના* એ કુમારિકાઓની પગલીઓને નાજુકાઈ તેમ જ તરવરાટ આપી રહ્યા હતા. ઈજ્જતવાન માબાપોની આ ચંપકવરણી કુમારિકાઓ, ખુદ માબાપોની જ મોકલી, અને બુદ્ધદેવની પ્રતિમાના આશીર્વાદો લેતી, પોતાનાં નવજોબનનું વેચાણ કરવા અહીં આવતી; વર્ષ-બે વર્ષ રહેતી, અને પોતાની કમાઈ પિતાને ઘેર લઈ જઈ કુટુંબની ભીડ ભાંગતી. યોગ્ય અવસરે પાછી પરણી જઈ હરકોઈ ઊંચા ઘરની કુલ-વધૂ બનતી. એવો એ દેશનો વ્યવહાર હતો.

આવી પચાસેક માનવ-પરીઓનાં પાંપણો પટપટાવતાં ચંચલ નેનાંનું નિશાન બની રહેલ એ જહાજ બરાબર સૂર્યાસ્તે તો બારાની અંદર નાંગરી ચૂક્યું હતું; અને એમાંથી બહાર આવતાં ઉતારુઓમાં બે જણા જુદા તરી નીકળ્યા.

બન્નેના લેબાસ સફેદ હતા. રૂપેરી બટનો છાતી પર, કાંડા પર અને ખભા પર ચળકતાં હતાં. બેઉ જણા જહાજના અફસરો હતા. મોટેરાના ગઠિયા જેવા બેઠી દડીના ભરાવદાર દેહ ઉપર પીઢ છતાં દોંગાઈભર્યું ગોળ મોં હતું. નાનેરાની કદાવર કાઠી પાતળી અને સાગના સોટા જેવી સીધી હતી. એના મોં પર બિનઅનુભવની મધુરતા હતી.

“કેમ, જરા સેલગાહ કરવા ઊપડશું ને?” મોટેરાએ આંખોનાં નેણ ઉછાળ્યાં.
“ભલે, ચાલો.” જવાને ‘સેલગાહ’ શબ્દનો મર્મ પારખ્યો નહીં.

જેવાં તરલ અને હળવાં એ દેશના મનુષ્યો, તેવાં જ ત્યાંનાં વાહનો છે. સડક ઉપર રમતી આવતી રિક્ષા-ગાડીએ જ્યારે એ બેઉ પરદેશીઓને પેલા સુંદરીગૃહને દરવાજે ઉતારી દીધા ત્યારે બન્ને મહેમાનોના સ્વાગતનું નૃત્ય ગુંજી ઊઠ્યું. સુખની મીઠી વેદના જગાડે તેવાં ધીરાં એનાં વાદ્યો હતાં. હવામાં લહેકતી એ જુવાન નર્તકીઓ હતી. પગમાં ઝાંઝર-ઘૂઘરા નહોતા. હાથમાં ઝૂલી રહેલ પંખા અને પંખીની પાંખો જેવા દુપટ્ટાના છેડા જ એ સંગીતને તાલ દેતા હતા.

મૂઠી ભરીને દાણા છાંટતાં જેમ પક્ષીઓ દોડયાં આવી ચણવા લાગે, તે રીતે એ જૂની પિછાનવાળા આધેડ અફસરનું એક જ દોંગું હાસ્ય સાંભળીને આ દુપટ્ટાવાળી ચીબી સુંદરીઓ એની સન્મુખ દોડી આવી. લળી લળીને એ બેઉ પરોણાઓને અંદર લીધા. મોટેરાના લાલસા-ભરપૂર ખડખડાટ હાસ્યે મકાનને ભરી દીધું. જુવાન તો હજુ આ કયા પ્રકારની સેલગાહ છે તેનો ઉકેલ કરી શક્યો નહોતો. ત્યાં તો આ સુંદરીઓના માલિકે સામા આવી ઝૂકીને આજ્ઞા માગી, “કેટલી જોશે સાહેબ?”

“હો-હો-હો-હો,” મોટેરાએ હાસ્ય ગજાવીને જવાબ દીધો, “મારે જોઈશે ત્રણ, ને આમને માટે એક. એ હજુ નવો નિશાળિયો છે ખરો ને! હો-હો-હો-હો.”

માલિકે તેમ જ સુંદરીઓએ એ કડાકા કરતું હાસ્ય ઝીલી લીધું, અને જુવાન અફસરને એક બીજા ખંડમાં ધકેલી દઈ એ મોટેરાએ ત્રણ સુંદરીઓના સંગમાં બગીચાનો લતામંડપ શોભાવ્યો.

જીવનમાં આજે પહેલવહેલા અનુભવની મીઠી બેચેની, લજ્જા અને કંપારી પામી રહેલો એ યુવાન પોતાને સારુ પીરસાવાની સુંદરીની વાટ જોતો — અથવા તો ધાસ્તી અનુભવતો – બેઠો છે. બહારના બાગમાં બજી રહેલ નૃત્યગીતના ઘેરા ઝંકાર એ કાચના કમાડોની ઝીણી ચિરાડો વાટે અંદર ટપકી રહેલ છે. સાંભળનારને મીઠો નશો ઉપજાવે એવી ઘેરી માધુરી એ સંગીતમાં ભરી છે.

એકાએક એ યુવાનની નજર સામી દીવાલ પર પડી. કાચની એ પારદર્શક ભીંત ઉપર એક છાયા-છબી નૃત્ય કરી રહી છે. પાતળિયો, ઘાટીલો અને અંગેઅંગના મરોડ દર્શાવતો એ પડછાયો બરાબર પેલા બહારના સંગીતને તાલે તાલે જ ડોલે છે. એકાંતે, અણદીઠ અને નિજાનંદે જ નાચતી એ પ્રતિમા જાણે કોઈ ચિત્રમાંથી સળવળી ઊઠી છે. યુવાને એ બાજુનું બારણું ઉઘાડ્યું. એકલી એકલી મૂંગા મૂંગા નૃત્યની ધૂન બોલાવી રહેલી એક કન્યા થંભી ગઈ.

બન્ને જણાં સમજતાં હતાં કે અહીં આવનાર અતિથિને મનમાન્યું પાત્ર પસંદ કરી લેવા હક્ક છે. પરદેશી યુવાન એ કન્યાને કાંડું ઝાલીને પાછલા લતોધાનમાં ઉઠાવી ગયો. પોતાની બીજી તમામ સંગિનીઓથી જુદી પાડી રાખીને પોતાને એકને જ શા માટે આ વેશ્યા-ગૃહના માલિકે અહીં એકાંતમાં સંઘરી હતી એ સમસ્યામાં પડેલી આ કન્યા આનંદભર તરવર પગલે આ પરોણાની જોડે દોડી ગઈ. એણે પોતાના જીવનની સફળતા અનુભવી. કોઈક બે આંખોને એ આકર્ષી શકે તેવું રૂપ પોતાને ય છે, એવી એને લાગણી થઈ આવી. બાગની હરિયાળી ઝુંડ-ઘટામાં ચાંદની ચળાતી હતી. એ ચળાતાં ચંદ્રકિરણોને અજવાળે યુવાન એને નીરખી રહ્યો, ને એ તાજ્જુબ થયો, શા માટે આ એક જ મોં એ આખા સુંદરી-વૃંદમાંથી બાતલ રહ્યું હશે? શા માટે આવું સૌંદર્ય ઓરડે પુરાયું હતું?

કન્યાની આંખોમાં તો કેવળ આભારનાં જ આંસુ ચમકી રહ્યાં. શરમાતી, સંકોડાતી, બીતી બીતી એ ઊભી રહી. હજુ એને ફફડાટ હતો કે કદાચ મહેમાન હજુ યે અણગમો પામીને ચાલ્યો જશે તો? એણે પોતાનું કિસ્મત એ જુવાનની બે આંખોના છાબડામાં તોળાતું દીઠું.

બાળકના જેવી એ નિર્વ્યાજતાને નિહાળવામાં સુખની સમાધિ પામેલા એ યુવાને આખરે લાંબી વાર સુધીની એકીટશ દ્રષ્ટિને ઉઠાવી લઈ પહેલો પ્રશ્ન કર્યો,

“તમારું નામ?”

“ચુ-ચુ-સેન.” ઉત્તર આપતાં આપતાં છોકરીના અંતરમાં નવું અજવાળું થયું.

“ચુ-ચુ-સેન!!” યુવકની જિજ્ઞાસા વધી; “એટલે શું?”

કન્યાએ શબ્દનો અર્થ સમજાવવા યત્ન કર્યો. આ રંગીલા વહાણવટીઓની વિદેશી ભાષાનું ભાંગ્યું-તૂટ્યું જ્ઞાન ધરાવવું એ આંહીં દાખલ થતી સુંદરીઓનો વિશિષ્ટ ગુણ હતો. વેશ્યાગારની બહાર ચોડેલું પાટિયું એ સમાચાર મોટે અક્ષરે પોકારી રહ્યું હતું છતાં અઢાર વર્ષની ચુ-ચુ-સેન પોતાના નામનો સ્ફોટ ન પાડી શકી. થોથરાતી જીભે એણે કહ્યું, “એક જીવડું.”

“કયું જીવડું?”

જવાબમાં છોકરીએ શબ્દની ભાષાને પડતી મૂકી, ઈશારતની વિશ્વવાણી અજમાવી. બેઉ હાથના પંજાને પતંગિયાં-આકારે સંધાડ્યા, ને પતંગિયાંની પાંખો હલે તે રીતે હલાવ્યા.

“ઓહો! પતંગિયું?” યુવક હસ્યો.

“એ જ, એ જ.” આશાતુર આંખે તાકી રહેલી છોકરીએ પોતાની સમજાવવાની શક્તિનો વિજય અનુભવ્યો. બીજા પ્રશ્નની રાહ જોતી એ સ્મિતભરી અને ઓશિયાળભરી ઊભી રહી.

— ને થોડી વાર પછી સમાપ્ત થયેલી પિછાને જ્યારે એ બન્નેને સુખાલિંગનની સમાધિમાં બે-પાંચ ઘડી વિલીન બનાવ્યાં હતાં, ત્યારે મકાનની ઊંચી ઓસરીમાંથી કોઈ ચાબૂકનો ફટકો પડે તેવો એક અવાજ આવ્યો, “ચુ-ચુ-સેન!”

સુખસમાધિ ભાંગી ગઈ. વેશ્યાલયનો માલિક રાતોપીળો થતો આવીને ઊભો રહ્યો. કંઈક ભૂલ થઈ છે એવા ભાવથી યુવક પણ થંભી ગયો.

“ચુ-ચુ-સેન, અંદર જા.” માલિકે આજ્ઞા કરી.

છોકરીએ પરદેશી તરફ રંક દ્રષ્ટિ કરી. પણ માલિકની દ્રષ્ટિ વધુ વેધક બનતાં એ અંદર ચાલી ગઈ.

“કેમ? શા માટે અંદર જાય?” મહેમાને પૈસા આપનાર ખરીદદારની કડક ભાષામાં વાંધો ઉઠાવ્યો.

માલિકે દુભાયલે સ્વરે કહ્યું, “તમે સમજતા નથી, મહેરબાન! પણ આ છોકરી અમારી બીજી તમામ છોકરીઓ કરતાં ચડિયાતાં કુટુંબમાંથી આવેલી છે. અમારો રિવાજ એવો છે કે ઊંચા કુળની છોકરીઓને અમારાથી ટૂંક વખતના ખપ માટે ન વપરાય.”

“એટલે?”

“એટલે કે એની સોબત કરવી હોય તો તમારે એની જોડે અમારા દેશની ધર્મ-વિધિ પ્રમાણે લગ્ન કરવાં જોઈએ.”

“લગ્ન?” યુવકને આશ્ચર્ય થયું.

“હા, લગ્ન; પણ તે તો હંગામી લગ્ન, કામચલાઉ લગ્ન, મહિના, બે મહિના, કે ચાર મહિના પૂરતાં જ. જેવી તમારી જરૂરિયાત.”

“પછી?”

“પછી તમારી મુદ્દત પૂરી થયે તમે તમારે દેશ ચાલ્યા જાઓ, ને છોકરી પોતાના કુટુંબમાં ચાલી જાય.”

“એટલે? પછી શું અમારી કશી જવાબદારી નહીં?”

“ના જી, કશી પણ નહીં.”

“છોકરીનું શું થાય? એની ઈજ્જતને શું એબ ન બેસે?”

“ના રે ના મહેરબાન! એ તો ગંગાનાં નીર જેવી પવિત્ર જ રહે, કુમારિકા જ લેખાય, ને પછી એનાં કાયમી લગ્ન બીજે ફાવે ત્યાં થઈ શકે.”

“સાચું કહો છો?”

“અરે સાહેબ, બુદ્ધદેવના સોગંદ પર.”

“ચાલો ત્યારે. બે મહિના માટે હું ચુ-ચુ-સેન સાથે લગ્ન કરવા તૈયાર છું.”

બીજા દિવસને પ્રભાતે ધર્મમંદિરની અંદર બુદ્ધપ્રભુની ધ્યાનસ્થ પ્રતિમાની છાયામાં એક દેશી પુરોહિતના અગમ્ય મંત્રોચ્ચાર પ્રમાણે આ વિદેશી નાવિક અને અઢાર વર્ષની ચુ-ચુ-સેન એક મુદતબંધી લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયાં.

દેવાલય હતું, દેવપ્રતિમા હતી, દીપમાલા અને ધૂપ-નૈવેદ્ય હતાં, ધર્મગુરુના સ્તોત્રોચ્ચાર હતા. વડીલો અને અન્ય લગ્ન-સાક્ષીઓની નાની મેદની હતી. વરકન્યાનાં અંગ ઉપર મંગલ વસ્ત્રપરિધાન હતાં. લગ્નક્રિયા તો એ-ની એ પ્રચલિત જ હતી. આવો ગૌરવયુક્ત લગ્નસમારંભ એ અઢાર વર્ષની ચુ-ચુ-સેનના દિલ પર એક કાયમી વિવાહની જ છાપ પાડી ગયો. ઠરાવેલી નાની મુદત વિશે એને ઝાઝું ભાન નહોતું રહ્યું. અલાયદું ઘર વસાવીને યુગલ રહેવા લાગ્યું. ‘મારું પતંગિયું! મારું પતંગિયું!’ એ શબ્દો વરના મોંમાંથી સુકાતા નહોતા, ને નાનકડી ચુ-ચુ-સેન એના પહોળા ખોળામાં સમાતી નહોતી. પતિનાં ચરણોને પોતાની આંખો પર ચાંપતી ચુ-ચુ-સેન આ વિદેશીને પૂછતી કે “તમારા દેશમાં લગ્ન કેવાં હોય?” સુખમાં ગરકાવ બની રહેલ સ્વામી ઘેનમાં ને ઘેનમાં બોલી ઊઠતો કે “અમારે ત્યાં તો સ્ત્રી-પુરુષ સામસામી પ્રતિજ્ઞા કરે કે —

‘મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.’

આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ-સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા.

* * *
ભાગ ૨ માં ક્રમશઃ


આપનો પ્રતિભાવ આપો....

One thought on “એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧)