બાઉલ સંપ્રદાય : એક પરિચય 3


બંગાળમાં પ્રવર્તતા અનેક સંપ્રદાયોમાંનો એક અનોખો પંથ, સંગીતસાધના દ્વારા આત્મતત્વની ખોજનો એક માર્ગ અને દુન્યવી રીતોથી ઉપર ઉઠીને ફક્ત માનવધર્મની સાધનાની વાત કરતો સંપ્રદાય એટલે બાઉલ. બાઉલો ઘણાંખરા સમાજની મુખ્યધારાથી અળગા હોય છે, અનેક ઉપવિભાગો અને ધર્મો છતાં બાઉલ માન્યતાના મૂળમાં માનવવાદ છે. પશ્ચિમ બંગાળ અને અત્યારના બાંગ્લાદેશના વિસ્તારમાં આ સંપ્રદાય મૂલતઃ પ્રચલિત હતો. ઘણાં બાઉલો આંતરરાષ્ટ્રીય ધોરણે પણ બાઉલગાન તથા તે સંપ્રદાયના વિચારોનો પ્રસાર કરતા જોવા મળે છે.

બાઉલ શબ્દની ઉત્પતિ વિશે અનેક મતમતાંતરો છે, અને આ સંપ્રદાયની શરૂઆત વિશે પણ કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ‘બાઉલ’ શબ્દ બંગાળી પુસ્તકોમાં ૧૫મી સદીમાં આલેખાયેલ જોવા મળે છે. જો કે આ શબ્દનો જે અર્થ પંથ તરીકે આજે માનવામાં આવે છે તે ક્યારે અસ્તિત્વમાં આવ્યો એ વિશે કોઈ પ્રમાણ નથી. મૂલતઃ બાઉલ એટલે વાયુગ્રસ્ત (વાયડો) અથવા પાગલ. શશિભૂષણદાસ ગુપ્તા જેવા વિદ્વાનો માને છે કે બાઉલ મૂળે સંસ્કૃત શબ્દ વાતુલ નો અપભ્રંશ છે. શશિભૂષણદાસ ગુપ્તા જેવા વિદ્વાનો માને છે કે ‘બાઊલ’ મૂળે સંસ્કૃત શબ્દ ‘વતુલ’ નો અપભ્રમ્શ છે જેનો અર્થ પાગલ’ એમ થાય છે, તો એક મત મુજબ ‘વ્યાકુળ’ એવા સંસ્કૃત શબ્દ જેનો અર્થ ઉતાવળો અથવા તત્પર એમ થાય છે તેનો બંગાળી અપભ્રંશ એટલે બાઊલ. શ્રી ક્ષિતિમોહન સેન શાસ્ત્રીના વ્યાખ્યાન મુજબ “ઘણા સૈકાઓથી જાતિ તેમજ પંક્તિથી દૂર કરાયેલો આ નિરક્ષર સાધકગણ શાસ્ત્રભારથી મુક્ત એવા માનવધર્મની સાધના કરતો આવ્યો છે. એ બધાં મુક્ત માનવ હતાં જેમણે સમાજના બંધનો માન્યા નહીં. પણ સમાજ તેમને કેમ છોડે? એટલે તેમણે સમાજને કહ્યું, “અમે પાગલ છીએ, અમારી વાતોને જવા દો, માની લો કે સામાજિક દ્રષ્ટિએ અમે મૃત છીએ, અને મરેલાને બંધન કેવા?” સૂફીઓમાં પણ ‘દિવાના’ ને નામે સાધકોના એક દળે ઈસ્લામની પ્રચંડ જવાબદારીને ઠોકર મારેલી. બાઊલો શબ્દનો ગાંડા અથવા પગલ એવો અર્થ અહીં સ્પષ્ટ થાય છે.

આ એક એવા લોકોનો સમૂહ હતો જેમને માટે આધ્યાત્મિક જીવનના અને ‘માનેર માનુષ’ (હ્રદયસ્થ માનવ) સાથેના શાશ્વત પ્રેમની પ્રાપ્તિ જ સૌથી વધુ તત્પર કરી દેનારી બાબત હતી. માણસના અંતરમાં જે પુરૂષ છે તે જ ભગવાન છે, તેમને અંતરના ખરા પ્રેમથી જ પામી શકાય છે, તો બ્રાહ્ય ક્રિયાકાંડો, વિધિઓ અને પૂજાને શું મહત્વ? આમ શરીરમાં જ બ્રહ્માંડ પામવાની તત્પરતા ‘વ્યાકુળ’ શબ્દની સાથે બંધબેસતી આવે છે. બાઊલ શબ્દ સંસ્કૃતના વાયુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે કારણ કે જેમ વાયુ ક્યાંય થોભતો નથી તેમ બાઉલ પણ ક્યાંય સ્થિર થયા વગર સતત માનવના આંતરીક સ્નેહને પ્રસરાવતા ભમ્યા કરે છે.

બાઉલ કોઈ એક ધર્મ – હિંદુ કે મુસ્લિમ કે અન્ય કોઈ પણ રીતોના વાહક નથી, આ સંપ્રદાયમાં તાંત્રિકતા, બૌદ્ધ રીતો, સૂફીવાદ તથા વૈષ્ણવ પરંપરાનું અનોખુ સુમેળ મિશ્રણ જોવા મળે છે. આ બધાના સારતત્વોના મંથનને અંતે જે પરિપાક મળે છે તે બાઉલોનો ધ્યાનમંત્ર છે, ‘માણસમાં જ બ્રહ્મ છે.’ સર્વવ્યાપી સર્વશક્તિમાનના નિવાસ તરીકે તેઓ શરીરને જ ગણે છે અને તેથી સતત આંતરીક શોધ દ્વારા માણસની અંદર જીવતા, વસતા માનવને શોધવાની વાત અહીં કરાઈ છે. આવી માન્યતાઓને લઈને બા ઉલ વૈશ્વિક ભાઈચારાનો સંદેશ સદીઓથી ફેલાવે છે. અહીં જાતિ, વર્ણ, ધર્મ કે લિંગના કોઈ ભેદ નથી. દુન્યવી વસ્તુઓ ઓડીને સ્વની આંતરખોજ એ જ તેમનો મૂળભૂત હેતુ છે. ગુજરાતી ભજન પરંપરાની જેમન આ પંથમાં પણ ગીતો અને અન્ય રચનાઓ કંઠઃસ્થ રીતે પરંપરાથી સચવાતી આવી એ અને પેઢી દર પેઢી ઉતરતી રહે છે. ૧૯મી સદીના અંત ભાગમાં પ્રથમ વખત તેમને લખીને સંગ્રહવાનો પ્રયત્ન શરૂ થયેલો.

શ્રી રવિન્દ્રનાથ ઠાકુર બાઉલ સંપ્રદાય અને બાઉલ સંગીતથી ઘણાં પ્રભાવિત હતાં. જીવનના સર્વેસર્વા પ્રભુને અને તેને હ્રદયસ્થ ગણીને જીવતા હ્રદયવાળા માણસ વચ્ચેના સેતુને જોઈને તેઓ બાઉલ સંપ્રદાય પ્રત્યે આકર્ષિત થયેલા. તેઓ એક પત્રમાં લખે છે,

“જેમણે મારા લખાણો વાંચ્યા છે તેઓ જાણે છે કે બાઉલ પદાવલીઓ પ્રત્યે મારી સહ્રદયતા અનેક સ્થળે પ્રગટ થાય છે. શેલાઈદાહમાં હું આ સંપ્રદાયના ઘણાં લોકોને મળ્યો હતો, મારા ઘણાં ગીતોમાં તેમની તરજો મેં લીધી છે. તો અજાણતાં કે જાણીને ઘણી વાર તેમના અને મારા ગીતોના સાર નજીક પહોંચ્યા છે. એ દર્શાવે છે કે હું તેમનામાં ઘણે અંશે હળી ગયો છું. શેલાઈદાહ વિસ્તારમાં એકતારા પર એક બાઉલને મેં ગાતા સાંભળેલો,

“કોથાય પાવો તારે
આમાર માનેર માનુષ જે ને!”
{મારે મારી જાતનો માણસ ક્યાંથી શોધવો ?}

શબ્દો ખૂબ જ સરળ પણ તેમનો અર્થ એટલો જ ગહન ગંભીર અને તેની સાથે સુંવાળા સૂર મળીને અનોખી ભાત ઉપસાવે. ઉપનિષદના ‘હું જ બ્રહ્મ છું’ નો એક અનોખો ગામઠી આવિર્ભાવ એમાં દેખાય.”

તો ૧૯૧૦ના બ્રહ્મોત્સવ દરમ્યાન અપાયેલા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરના વક્તવ્યમાં તેમણે કહેલું,

“થોડા વખત પહેલા હું બે બાઉલોને મળેલો.

મેં તેમને પૂછ્યું, “તમે મને તમારા પંથની વિશેષતા સમજાવશો?”

એક કહે, “અઘરું છે અને તોય પૂરેપૂરું સમજાવવું તદ્દન અશક્ય.”

બીજો કહે, “એ કહી શકાતું નથી પણ સમજવું સરળ છે. અમે કહીએ, ગુરુની સલાહ મુજબ સૌપ્રથમ તમે પોતાની જાતને, ‘સ્વ’ ને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે. અને જો હું મારી જાતને ઓળખી શકીશ તો મારી અંદર રહેલા એ સર્વવ્યાપીને પણ જોઈ શકીશ.

મેં તેમને કહ્યું, “તમારી આ વાત વિશ્વના વિશાળ ફલક પર લોકો સમક્ષ કેમ નથી મૂકતા?”

“જે તરસ્યો હશે તે સામેથી ગંગા પાસે આવશે” તેમણે કહ્યું.

“કોઈ આવતું દેખાય છે?” મેં પૂછ્યું.

“દરેકે ક્યારેક તો આવવાનું જ છે, તરસ તો બધાંને લાગવાની” મુખ પર ખૂબ પ્રેમાળ સ્મિત સાથે તેમણે કહ્યું.

પ્રેમ અને કુદરતની સાથે બાઉલ જેવી તન્મયતા ધરાવતી વ્યક્તિઓની અછત વિશે ગુરુદેવે ઘણી વખત લખ્યું છે, તો તેમના ગીતો આ વાતને સુંદર રીતે ઉઘાડે છે,

આમાર કી વેદના સે કી જાનો,
ઓગોર મીતા, સુદૂરેર મીતા
(હે મિત્ર, તને ખૂબ દૂર રહીને મારી વેદનાનો અહેસાસ કઈ રીતે થાય?)

આમાર હીયાર માજે લુકી છીલે
(મારા હ્રદયમાં છુપાઈને તે વસે છે.)

આમી તારેઈ ખોનજે વેદાઈ
(તેમને શોધવાનો યત્ન હું કરતો રહ્યો.)

કે પછી,

આમાર પ્રાણેર માનુસ અચ્છે પ્રાણે,
તાઈ હેરી તાયે સોકોલ ખાને
ઓચ્છે સે નયન તોરોય
ઓલોક ધારાય તાઈ ના હારાયે
ઓગો તાઈ દેખી તાયે જેથાય સેથાય
તાકાઈ આમી જે દિક પાને

(મારા હ્રદયમાં વસનાર સર્વવ્યાપી હું જ છું,
હું જ્યાં જોઊં ત્યાં તે વસે છે,
મારી આંખે જોવાતા દરેક દ્રશ્યમાં, દરેક પ્રકાશમાં
તેને હું નજરથી અળગો થવા દેતો નથી
અહીં ત્યાં, અને બધે જ
જ્યાં જોઊં ત્યાં બધે જ એ વસે છે.)

આવા ઘણાં ગીતો તેમના મનમાં ઉગ્યા હતાં, બાઉલ પદોનો મર્મ તેમણે આવી અનેક રચનાઓમાં પકડવાનો પ્રયત્ન કર્યો છે, સરળ વાક્ય અને છતાં ગૂઢાર્થ તેની વિશેષતાઓ છે. તો બાઉલ સંપ્રદાયથી ગુરુદેવ સિવાય પણ ઘણાં લોકો પ્રભાવિત થયેલા. ઓશો તેમના એક પુસ્તક – Bauls :The Singing Mystics માં કહે છે તેમ, બાઉલ માટે બધું જ પવિત્ર – એ જીવન હોય કે મૃત્યુ અને તેથી તેમના શબ્દકોષમાં અપવિત્ર કે ત્યાજ્ય એવું કશુંય નહોતું. બાઉલ એક અવિભાજ્ય જીવન જીવતાં, તેઓ કશાના વિરોધી નહોતા કારણકે તેઓ કશામાં સંકળાયેલા નહોતા, હકીકતને વશ થઈને તેઓ વર્તમાનમાં, પ્રત્યેક ક્ષણમાં જીવતા. એમની પ્રાર્થનાઓ પણ એ જ વિષયવસ્તુનો પડધો – કે મૃત્યુ આવે તો એ પૂરેપૂરી સમર્પિત અવસ્થામાં, આવી રહેલા મૃત્યુને પૂરો સહકાર આપીને તેને ભેટવું. ઈશ્વર જો અમાપ હોય તો તેની શોધ કદી અંત પામે તેવી ન હોય, એ સદાય ચાલતી જ રહે, તેને વધુ ને વધુ જાણી શકાય, તેની વધુ ને વધુ પાસે જઈ શકાય, પણ તેને પામવું એ કોઈ ધ્યેય નથી, આત્મતત્વની ખોજ એ એક સતત, કદી ન પૂરી થનારી મુસાફરી છે. એ આનંદ જેવું છે, આનંદ એ કોઈ તત્વ નથી, એ એક માનસિક અવસ્થા છે, તેને પામવા કોઈ પધ્ધતિ નથી. પણ ધારો તો તમે તેની નજીક જઈ શકો, ઉલ્લાસમાં રહીને, પૂરા ખંતથી કાર્ય કરીને.

બાઉલ શરીરને વાહન સમજે છે, અને એ વાહનના માધ્યમથી આંતરીક રીતે પોતાનામાં વસતા પરમાત્માનો, સત-ચિત-આનંદનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. એક બાઉલ ગીતનો ઓશોના પુસ્તકમાં અંગ્રેજી અનુવાદ આમ કરાયો છે –

Dying with death,
you must live to seek,
and one goes on seeking,
the pilgrimage is eternal.

Shut the doors on the face of lust,
attain the greatest, the unattainable man,
and act as the lovers act;
meet the death before you die.

– જિજ્ઞેશ અધ્યારૂ

સંદર્ભ –
બંગાળના બાઉલો – ક્ષિતિમોહન સેન
Bauls :The Singing Mystics – ઓશો


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “બાઉલ સંપ્રદાય : એક પરિચય