ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી 4


વૈશાખમાં છો વરવો તો યે અષાઢમાં અણમૂલ !
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

હરિની હોય હથેળી એવી ભોંયમાં ગરવા ગુલ,
ડગલે ડગલે દેખીએ એવાં ગામડાં હળવાંફૂલ
ખોળલો મીઠો ખૂંદતાં છૈયાં ધિંગી ઉડાડે ધૂળ
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

નગર કેન્દ્ર સુરેન્દ્રનું શોભે કમળ શી તુજ કાય,
ગામગામોના પટો ને પંથો પાંખડી શા પથરાય,
લાલપીળાં ને લાલગુલાબી પચરંગી પટકૂળ
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

મારગ કેરે કાંઠડે એવી આવળ ઉભી હોય,
નીલમરંગી છાબમાં જાણે સોનલગુચ્છ શોય,
કામણગારા કેરડા સંગે શોભતી બાવળશૂળ
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

ઝુંડે ઝુંડે તરબાવળા ઝૂલે, બોરડિયું બહુમૂલ,
સરસડાનાં શીશ ઉંચેરાં, અરણીફૂલ અમૂલ
રંગ રે વતન ! રતન મારા ! વ્હાલ તારાં અણમૂલ
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

અંગમાં તારા રંગ કેસૂડાના વનમાં જાણે વન,
ખાખરાપાંદે ખૂંદતું કૂદે મોહી મારુ મન !
માટીએ તારી હું ય માટી થઈ કોળતો તારું કુળ
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…
વૈશાખમાં છો વરવો તો યે અષાઢમાં અણમૂલ !
ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ…

– મીનપિયાસી.

સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોને પ્રાદેશિક વિશિષ્ટતા અને રાજ્યસંસ્થાઓના અસ્તિત્વ વખતનાં અનેરા નામો મળ્યા છે, ગોહિલવાડ હોય કે સોરઠ, હાલાર હોય કે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું નામ ઝાલાવાડ હોય, આ પંથકના વાસીઓ એ વિશેષ નામથી ઓળખાતા અને જ્યાં જાય ત્યાં દેશ પરદેશ સુધી એ પંથકની મહેક નામમાં સાચવીને લઈ જતાં. કવિ શ્રી મીનપિયાસીનું પ્રસ્તુત ગીત પણ ઝાલાવાડની લોકવંદના સમું જ છે. વતન અને તેની ધરતી પ્રત્યેનું વહાલ આ ગીતમાં વહાવ્યું છે. માતૃભૂમી પ્રત્યેનો ગર્વ અને ગૌરવ અહીં અભિવ્યક્ત થાય છે. ઝાલાવાડની ધરતીને કુદરતે આપેલી કુરૂપતાઓ પણ કવિને મન તો મોહિત કરી દે તેવી સુંદરતા જ છે. અને તે જ આ સુંદર ગીતની સાર્થકતા પણ છે.

બિલિપત્ર

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના !
– મરીઝ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી