બે માઈક્રોફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 13


માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. અંગ્રેજીમાં આ ક્ષેત્રનું ખેડાણ ખૂબ થયું છે અને અનેક બ્લોગ ફક્ત માઈક્રો ફિક્શન પ્રકાર પર પણ ચાલે છે. પ્રસ્તુત આ જ પ્રકારની લધુકથાઓ આપણા પ્રસ્થાપિત સાહિત્યકારોની કલમની પ્રસાદી છે. એક એકથી ચડીયાતી એવી આ વાતો વાર્તાઓના આ પ્રકારમાં ખેડાણ કરવા માંગતા મિત્રો માટે માર્ગદર્શક બની રહેશે એ ચોક્કસ.

૧. આલંબન – રતિલાલ બોરીસાગર

આખરે હસુબહેને પોતાના દિવંગત પરિનાં પુસ્તકો શહેરના જાહેર ગ્રંથાલયમાં ભેટરૂપે આપી દેવાની સંમતિ શ્રીકાન્તને આપી. ‘બા, મારા બાપુજીએ એકઠાં કરેલા આટલાં બધાં પુસ્તકોનો આપણને કશો ખપ નથી. અહીં એ ધૂળ ખાય એના કરતાં શહેરની જાહેર લાઈબ્રેરીમાં કેટલા બધા લોકો એનો ઉપયોગ કરવાના ! અને મારા બાપુજીનો આત્મા પણ એનાથી કેટલો બધો રાજી થવાનો !’ શ્રીકાન્ત કેટલાય દિવસથી આ વાત ઘૂંટી ઘૂંટીને કરતો હતો. એની વાત ખોટીય ક્યાં હતી ? વિનુભાઈએ ખૂબ પ્રેમથી વસાવેલા આ પુસ્તકોમાં આ છોકરાઓને કશો રસ નહોતો. વિનુભાઈના મૃત્યુ પછી હસુબહેને ત્રીસ ત્રીસ વર્ષ દુશી આ પુસ્તકો જીવની જેમ જાળવ્યાં હતાં. હસુબહેન દર મહિને પુસ્તકો કબાટમાંથી બહાર કાઢતાં, કબાટ સાફ કરતાં, પુસ્તકો ઝાપટતાં ને પછી સાચવીને પુસ્તકો કબાટમાં પાછા મૂકતાં. એમાંના કોઈપણ પુસ્તકને હાથ અડાડતાં, દમયંતિના હાથમાં સજીવન થઈ ઉઠેલા મત્સ્યની જેમ વિનુભાઈ સાથે વિતાવેલાં વર્ષો સજીવન થઈ ઊઠતાં – આ બધું એ શ્રીકાન્તને કેવી રીતે સમજાવે ?

પુસ્તકો લઈ મોટી ચાર લારીઓ રવાના થઈ ત્યારે હસુબહેને અત્યાર સુધી માંડ કાબૂમાં રાખેલું હૈયું હાથ ન રહ્યું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. એમને છાનાં રાખતાં શ્રીકાન્તે કહ્યું – ‘બા તમે હા પાડ્યા પછી જ આપણે ….’

‘હા, મેં જ, મેં જ તારા બાપુજીને આજે ઘરમાંથી સાવ વળાવી દીધાં . . .સાવ . . .’ ને હસુબહેન પાછા મોટેથી રડી પડ્યાં.

૨. દેવનો દીકરો – વિજય રાજ્યગુરુ

ચોળી ચોળીને શરીર ધોતી કંચન ઘડીભર અટકીને વાત સાંભળવા એકકાન થઈ રહી.

હીંચકે બેઠાં બેઠાં કંચનની બા, પડોશણ સાથે વાતે વળગ્યાં હતાં.

‘અમારી મોટી છોડીને સુરતમાં આપી છે, તે આ વખતે મોટા જમાઈ આવ્યા ત્યારે આ કંચલીને શ્યેર જોવા હાર્યે લેતા ગ્યા . . .પણ મૂઈ કંચલીને શ્યેરમાં કાંઈ બવ ગોઢ્યુ નૈં. તે, આ બે દી’ મોર્ય પાછી વઈ આવી . . . પણ બાઈ, ઈ આવી ત્યારથી દી’માં તણ્ય તણ્ય વાર સુગંધી સાબુથી ના’યા વગર હાલતું નથી. શ્યેરના માણહ બવ ચોખ્ખાં બાઈ, અને અમારા ઈ’ મોટા જમાઈને તો તમે જોયાં છે ને બેન ! ઈન્દરરાજા જેવું રૂપ ! જાણે દેવનો દીકરો જોઈ લો . . .’

માથે કોઈએ અચાનક ઉકળતું પાણી નાખ્યું હોય તેમ કંચન ઝબકી ગઈ, અને પોતાના શરીરની ચામડી ઉતરડી નાખવી હોય એવા ઝનૂનથી ફરી શરીર ઘસવા માંડી.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “બે માઈક્રોફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત