બે ગઝલો – શૂન્ય પાલનપુરી 9


૧) શું કહેવું ?

મોતની સાથે જીવનની અવિરામ લડતને શું કહેવું ?
શ્વાસે શ્વાસે ખેલાતા આ પાણીપતને શું કહેવું ?

ખીલીને કરમાય છે કળીઓ, એ તો નિયમ છે કુદરતનો,
અણખીલી કરમાય કળી તો એ કુદરતને શું કહેવું ?

જ્યારે દેખો નાશની ચર્ચા, જ્યારે દેખો નાશની ધૂન,
કાયા તારી એક જ તરફી પંચાયતને શું કહેવું ?

રૂપની ભિક્ષા લેવા અંતર તારું દ્વાર જ શોધે છે.
એક જ ઘરની ટે’લ કરે એ અભ્યાગતને શું કહેવું ?

મોતની સામે રમતાં રમતાં રામ રમે છે જીવનના,
મીન થઈને ડૂબે એવા પારંગતને શું કહેવું ?

લાખ ઉષા ને સંધ્યા ખેલે હોળી વ્યોમની ધરતી પર,
રક્ત બની જે આંખમાં જામે એ રંગતને શું કહેવું ?

કાંઠા પર મજધાર બનાવે, હાય ! એ પામર નિર્બળતા ?
કાંઠાને મજધારમાં આણે, એ હિંમતને શું કહેવું ?

તારી યાદની હિચકી આવી પ્રાણને મુજ રીબાવે છે,
તું જ કરે છે ખોટી ખોટી અટકાયતને શું કહેવું ?

યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
શૂન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?

(‘શૂન્ય નું સર્જન’ માંથી સાભાર)

૨) બદનામ નથી

એ પ્રેમની ઈજ્જત કોડી છે જે પ્રેમ જગે બદનામ નથી,
ઊઠ ચાલ દિવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા – ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દ્રષ્ટિને !
મૃગજળથી તમન્ના પાણીની કૈં જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને,
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થૂળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર શૂન્ય જ છું,
એ નામ અભાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

(‘શૂન્ય નું વિસર્જન’ માંથી સાભાર)

– શૂન્ય પાલનપુરી

બિલિપત્ર

માફ કરજે, થઈ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

– શૂન્ય પાલનપુરી

અલીખાન ઉસ્માનખાન બલૂચ ‘શૂન્ય પાલનપુરી’ સાહેબના સમગ્ર સર્જનનો રસથાળ પીરસતું પુસ્તક શૂન્યની સૃષ્ટિ હમણાં માણી રહ્યો છું. તેમના અનેક સદાબહાર સર્જનોનો અહીં ભંડાર છે. સંવેદનાની સણસણતી ચોટ, સૂર શબ્દ અને ભાષા પર પ્રભુત્વ તથા ક્યારેક અધ્યાત્મવાણીની ઝલક તેમની ગઝલોમાં દેખાઈ આવે છે. હૈયામાં ઉઠેલી ટીસ અને દર્દનો નાતો તેમની ગઝલો સાથે કાયમ રહ્યો છે. એમની જે ગઝલોમાં ભારોભાર દર્દ છે તે હૈયાને રડાવી જાય છે, તો તેમના અર્થસભર શબ્દપ્રયોગો થાકેલા મનને નવી વિચારદિશા આપે છે.

ગઝલ વિશે તેમણે કહ્યું છે,

દેહના કોડીયે પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

અનિવાર્ય કારણોસર આજે ચાલો સંસ્કૃત શીખીએ શ્રેણીનો લેખ મૂકી શકાયો નથી તે બદલ વાચકમિત્રો દરગુજર કરે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “બે ગઝલો – શૂન્ય પાલનપુરી

  • Arjunsinh chauan

    ના બોલો તો કઈ નઈ નજર
    તમારી બશછે આંખો થી આંખો
    મળે તો દીલ અમારું ખુશ છે

    ,,,,અર્જુનસિંહ પી ચૌંહાણ,,,,,,

  • PH Bharadia

    ગુજરાતના ખુબજ માનીતા અને લોકપ્રિય કવિ કહો કે શાયર ‘શૂન્ય પાલનપુરી’ને કોણ ગુજરાતી સાહિત્ય પ્રેમી જાણતો નથી? તેમની ‘ગઝલો’નું યોગદાન
    ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિન્હ છે અને લાંબાસમય સુધી ગુજરાતી લોકોના
    હૃદય અને દિલમાં તેમની પંક્તિઓ ઘૂંટાતી રહેશે.

  • atul

    એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર શૂન્ય જ છું,
    એ નામ અભાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી વાહ…………. ભાઇ………….વાહ…………. ભાઇ માજા આવિ ગઈ

  • Jayendra Thakar

    યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી,
    શૂન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું ?

    દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દ્રષ્ટિને !
    મૃગજળથી તમન્ના પાણીની કૈં જેવું તેવું કામ નથી.

    દિલનું દર્દ, મનની મોજ અને શબ્દોની ખુમારી બ્ન્ને ગઝલોમાં ભારોભાર છે! લાજવાબ!

  • Ramesh Patel

    સુંદર ગઝલ..વિચાર વૈભવથી સુશોભિત…બસ ફરી ફરી
    માણ્યા જ કરીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)