વાનરો વેચવાનો વેપાર એટલે… 17


એક ગામમાં એક વેપારી આવ્યો. એણે જોયું કે અહીં વાંદરાઓનો ઘણો ત્રાસ છે. આ જોઈ એણે પોતાનું દિમાગ દોડાવ્યું. એક સ્કીમ ગામડિયાઓ સમક્ષ મૂકી.

“જે વ્યક્તિ વાંદરાને પકડી મારી પાસે લાવશે એને હું રૂ. ૧૦/-માં ખરીદી લઈશ.”

વિચારવાનું બાજુ પર મૂકી, તપાસ કરવાનું નીચે મૂકી ને ખેતર ખેડવાનું પાછળ પર મૂકી ભોળિયા ગામડિયાઓ તો ભાગ્યા આગળ … વાંદરા પકડવા. પકડી પકડીને પેલા વેપારી પાસે જમા કરાવી કમાણી કરવા લાગ્યા. થોડાં વખત પછી એ લોકો થાકી ગયા ત્યારે વેપારીને થયું કે ‘ધંધો ક્યાંક મંદીમાં ના આવી જાય…’ એમ માની ભાઈ એ બીજી સ્કીમ ગામડિયાઓ સમક્ષ મૂકી.

“હવે જે વ્યક્તિ વાંદરાને પકડીને મારી પાસે લાવશે એને હું રૂ. ૨૦/-માં ખરીદી લઈશ.”

‘ડબલ ઓફર’ જાણી પેલાં (હવે બાઘા બનેલાં) ગામડિયાઓના પગમાં નવું બમણું ચેતન આવ્યું. જ્યાંથી બને ત્યાંથી વાનરો પકડી-પકડીને આ વેપારી સમક્ષ ફરી જમા કરાવવા લાગ્યા. તોયે…એમના પગનું-હાથનું કેટલું જોર?…થોડાં દિવસમાં ગાડી પાછી ધીમી પડી. કેમકે વાંદરાઓની વધુભાગની વસ્તી હવે તો પાંજરામાં પૂરાઈ ગઈ હતી. ત્યારે આ બાજુ વેપારીએ (સેચ્યુરેશન) મંદીની નાડ પારખી લઇ હજુ જોર લાગે એવી નવી ઓફર મૂકી.

“હવેથી જે વ્યક્તિ વાંદરાને પકડી મારી પાસે લાવશે એને હું રૂ. ૨૫/-માં ખરીદી લઈશ.”

“બંદરોકો ચુન ચુન કે પકડ લેંગે” જેવા બચેલા જોર સાથે કેટલાકે કમાવવાની પ્રબળ ઇચ્છા સાથે હજુ એક વાર બળ લગાવ્યું. પણ માંડ-માંડ પકડાઈ શકે એટલા વાંદરા હાથમાં આવ્યા. ગામમાં ફરતા વાનરોની બધી વસ્તી હવે પાંજરામાં આવી ચુકી હતી. ને ગામના નરો-નારીઓની પકડ આ વેપારીના હાથમાં. તોયે હજુ કાંઈ થઇ શકે કે…એ જોવા વેપારીએ છેલ્લી ઓફર મૂકી.

“આખરે જે વ્યક્તિ વાંદરાને પકડી મારી પાસે લાવશે એને હું રૂ. ૫૦/-માં ખરીદી લઈશ.”

શહેરમાં કોઈક કારણોસર કામ છે એવું કહી આ વેપારી સાહેબ ત્યાંથી રવાના થઇ ગયો. ને એની જગ્યા પર એના આસિસ્ટન્ટને બાકીનો સ્ટંટ કરવા મૂકી ગયો. ગામમાં વાંદરા..હોય તો મળે ને?

હવે હાલત એવી હતી કે આજુ-બાજુના ગામના વાંદરાઓ પણ પાંજરામાં પકડાઈ ચુક્યા હતાં.

આસિસ્ટન્ટ પોતે જાણે ગામનો હિતેચ્છુ છે એમ બધાંની વચ્ચે આવી ગયો. એટલે થોડાં વખતમાં એણે પણ ગામડિયાઓ આગળ એક બીજી ઓફર મૂકી. “દોસ્તો, તમારું ભલું ઇચ્છવું મારુ કામ છે. માટે તમને ફાયદો થાય એ માટે આ વાંદરાઓ હું તમને રૂ.  ૩૫/-માં પાછા આપું છું. મારો પાર્ટનર શહેરથી પાછો આવે ત્યારે તમે એને રૂ. ૫૦/-માં વેચી દેજો. તમને એક વાંદરે બીજા રૂ. ૧૫/-ની કમાણી થશે. પણ જો જો હોં…ધ્યાન રાખજો કે એને આ વાતની જરાયે ખબર પડે નહિ.”

“લે હારુ…આ ભ’ઈ તો જોરદાર કમાણી કરાઈ રેયા છ..બાપ!.” એવું માનીને ગામડિયાઓને કમાઈ લેવાની લાલસા હજુ વધારે જાગી ઉઠી. પોતાની મૂડીનો ‘સદુપયોગ’ માટે આવો અવસર ગુમાવવો ના જોઇએ. એમ માની ભોળિયા-બાઘા લોકોએ પુરાયેલા પાંજરામાંથી વાંદરાનો સ્ટોક થોડીજ વારમાં સાફ કરી નાખ્યો!. ને આતુરતાપૂર્વક વેપારીના આવવાની રાહ જોવા લાગ્યા.

પણ ભ’ઈ ચ્યોંથી દેખાય લ્યા!…એ દિવસ ને આજની ઘડી…ગામમાં ન તો પેલો વેપારી દેખાય છે ન એનો આસિસ્ટન્ટ. દેખાય છે તો બસ જ્યાં જુવો ત્યાં પાછા એના એ વાંદરા જ વાંદરા…

બાઘાભાઈઓ એમની સફાચટ થઈ ગયેલી મૂડી હજુય શોધી રહ્યાં છે. “જાવ સાહેબો…શેર-સ્ટોક માર્કેટમા તમારું સ્વાગત છે. કરવી છે ને ત્યાં કમાણી !”

જ્યાં ‘ભાગ’ ની વાતમાં ભાગવું પડે તેવા વાનરો વેચવાનો વેપાર એટલે….’શેર’ માર્કેટ!

– મુર્તઝા પટેલ

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” (http://Netvepaar.wordpress.com) નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે. આજની આ કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “વાનરો વેચવાનો વેપાર એટલે…